ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન, Divya Bhasker, 22-1-2012

ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન, Divya Bhasker, 22-1-2012

માણસની બધી ચાલાકી બીજાને છેતરવામાં વપરાઇ જાય પછી જે ચાપુચપટી ચાલાકી બચે તે લઇને એ મંદિરે પહોંચી જાય છે. મંદિરની દાનપેટીમાં ચાલાક માણસ થોડાક સિક્કા પધરાવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતી વખતે એને થાય છે કે ભગવાન હવે ઝાઝી માથાકૂટ નહીં કરે. ખરેખર એમ જ બને છે. દાનપેટીમાં પૂજારીને રસ હોય છે, ભગવાનને નહીં. ભગવાનને દાનપેટીમાં નહીં, હૃદયપેટીમાં રસ હોય છે.

એક એવા યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ જેમાં માણસે પોતાના એકના એક એવા લાડકા હૃદયની માવજત કરવી પડશે. સહૃદયતા વિનાની સમૃદ્ધિ રાવણત્વની જનેતા છે. ભીના હૃદયના માલિક હોવું એ જ સમૃદ્ધિનું ગૌરીશંકર છે. તાતા, બિરલા કે અંબાણી તો એવા માલિક આગળ ગરીબગુરબાં ગણાય. તમાકુના વિશાળ ખેતર કરતાં નાનકડો તુલસીક્યારો અધિક મૂલ્યવાન છે. રાવણ પાસે સોનાની લંકા હતી તોય એ ગરીબ હતો. શબરી પાસે કેવળ બોર હતાં તોય એ સમૃદ્ધ હતી. પ્રત્યેક માણસ ઉમળકાથી છલકાતું હોય એવું બીજું હૃદય ઝંખે છે. એવું હૃદય હવે હારવાની અણી પર છે.

આજની દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ચાલાકીના ચાસ પાડતા રહે છે. બધી દુકાનોમાં ચાલાકી વેચાયા કરે છે. બધી ઓફિસોમાં ચાલાકી દળાતી રહે છે. ટેલિફોન પર ચાલાકીથી લથપથ એવા શબ્દો દ્વારા વહેવારની હેરાફેરી થતી રહે છે. ચાલાકીથી થાકેલો આદમી રાત પડે ત્યારે શરાબને શરણે જતો હોય છે. જ્યાં નશો હોય ત્યાં ચાલાકી ગેરહાજર હોય છે. ચાલાકીની ગેરહાજરી માણસને થોડાક કલાકો માટે રાહત આપતી જણાય છે.

ડેનિયલ ગોલમેન પોતાના પુસ્તક ‘ઇમોશનલ ઈન્ટેલિજન્સ’માં માણસની ઊર્મિઓનો મહિમા કરે છે. એ ઊર્મિઓનું મંદિર આપણા હૃદયમાં આવેલું છે. ડેનિયલ હૃદયને ‘ઇમોશનલ બ્રેઇન’ તરીકે ઓળખાવે છે. કેટલાક માણસો પાસે તેજસ્વી મિસ્તષ્ક હોય છે, પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. આવા માણસો બીજું બધું પામે છે, પરંતુ પ્રેમનો પ્રસાદ નથી પામતા. એમના બંગલા પર ચોકીપહેરો હોય છે. બંગલો ભારે રોનકદાર હોય છે. 

ઝીણી નજરે જોઇએ તો બંગલામાં અટવાતી ગરીબી પણ રોનકદાર હોય છે. જે બંગલામાં સંવેદનવૈભવ ન હોય તે બંગલામાં કવિ જઇ શકે? આવો કોઇ સંવેદનશૂન્ય માણસ જે રોગથી કણસે છે તેને ડેનિયલ ગોલમેન ‘ઇમોશનલ ઇલ્લિટરસી’ (ઊર્મિની અભણતા) તરીકે ઓળખાવે છે. કોને ઘરે મહેમાન ન થવું તેની સમજણ કવિઓ, કલાકારો અને કથાકારો પાસે હોવી જોઇએ. દુર્યોધનના મેવા ન ખપે, વિદુરની ભાજી ખપે!

મનમાં એવો વહેમ પડે છે કે આજનો માણસ સામેવાળાનો ઇરાદો પામી જવામાં સફળ થાય છે, પરંતુ સામેવાળાનું હૃદય પામવાનું ચૂકી જાય છે. ટીવી સિરિયલોમાં સામા માણસના મલિન ઇરાદા અંગેની તર્કબદ્ધ અટકળોની જલેબી તળાતી રહે છે. કલ્પનામાં પણ ન આવે એવો સજજન મિત્ર દગો કરે ત્યારે જે હૃદય ભાંગી પડે તે હૃદય ચાલાક માણસનું નથી હોતું. હૃદય ભાંગી પડે તે એટલું તો સાબિત કરે જ છે કે એ માણસને હૃદય હતું! બિઝનેસની બોલબાલા વધી પડે તે સમાજમાં પૈસા ખાતર થતી દગાબાજી વધી પડે છે. 

માનવસંબંધોમાં મીઠાશ ઘટતી જાય અને ગણતરી વધતી જાય ત્યારે માણસની મદદે તમાકુ, શરાબ અને ચરસ આવે છે. શરાબની બદનામી બહુ થઇ છે, પરંતુ એની કરુણતાની કદર થઇ નથી. શરાબ દુ:ખભંજક અને પીડાશામક છે. લાગણીની ભૂખ ન સંતોષાય ત્યારે બીજી ભૂખ જાગે છે. સ્નેહની તરસ ન સંતોષાય ત્યારે બીજી તરસ ઊગે છે. ચાલાકીના ચક્રવ્યૂહમાં ઉમળકાનું અગ્નિસ્નાન થતું રહે છે. વ્યસનના મૂળમાં ઉમળકાનું અગ્નિસ્નાન રહેલું છે. ઇશ્વર જેવું કોઇ આશ્વાસન નથી. બીજે નંબરે નશો! માણસની બધી ચાલાકી બીજાને છેતરવામાં વપરાઇ જાય પછી જે ચાપુચપટી ચાલાકી બચે તે લઇને એ મંદિરે પહોંચી જાય છે. 

મંદિરની દાનપેટીમાં ચાલાક માણસ થોડાક સિક્કા પધરાવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતી વખતે એને થાય છે કે ભગવાન હવે ઝાઝી માથાકૂટ નહીં કરે. ખરેખર એમ જ બને છે. દાનપેટીમાં પૂજારીને રસ હોય છે, ભગવાનને નહીં. ભગવાનને દાનપેટીમાં નહીં, હૃદયપેટીમાં રસ હોય છે. ચાલાક માણસ એટલે એવો માણસ, જેનું હૃદય ખાલીખમ હોય છે. 

હૃદય દગો વેઠી શકે, દગો કરી ન શકે. દગો દેવાનું કામ તો હૃદય મિસ્તષ્ક પર છોડી દે છે. કોમ્પ્યzુટર મિસ્તષ્કને ઝીલવાનું કામ કરે ખરું, પરંતુ હૃદયને સમજવાનું કામ કદી નહીં કરી શકે. મિસ્તષ્કનો વિકાસ બહુ થયો, પરંતુ હૃદયની કેળવણી ન થઇ. આજની દુનિયાની ઘણીખરી સમસ્યાઓના મૂળમાં અવિકસિત હૃદયની અતૃપ્ત ઝંખનાનો હાહાકાર વરતાય છે.ક્યારેક ઘરના ઝાંપે પાટિયા પર સંદેશો લખવાનું મન થાય છે:

ખાલી હાથે આવજો,
પરંતુ
ખાલી હૃદયે ન આવશો.
તમારો અને મારો
સમય મૂલ્યવાન છે.

તમે ચાલાકીથી છલકાતું ઉમળકાવિહીન પ્રવચન સાંભળ્યું છે? પ્રવચન કરનારો યંત્રમાનવ (રોબો) છે કે જીવતો જાગતો મનુષ્ય?ઘણીવાર મનમાં એક વિચિત્ર પ્રશ્ન થયો છે: બહુમતી કોની? છેતરનારા લોકોની કે છેતરાઇ જનારા લોકોની? દગો દેનારા લોકોની સંખ્યા અને દગો પામનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે તેથી જ સમાજ જીવે છે. સમાજમાં કદી પણ ચોરી કરનારા, ખૂન કરનારા, લૂંટ ચલાવનારા અને આતંક મચાવનારા લોકોની સંખ્યા મોટી નથી હોતી. ગમે તેટલી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ આ બાબત ભૂલવા જેવી નથી. 

થોમસ પેઇન પોતાના પુસ્તક, ‘ધ એજ ઓફ રીઝન’ માં વિધાન કરે છે: ‘મારું મન એ જ મારું ચર્ચ છે.’ જો આ વિધાન સાચું હોય તો પછી ચર્ચમાં જવાની જરૂર ખરી? માણસ મંદિરે કે મિસ્જદે જાય છે અને ત્યાંથી બહાર આવીને પોતાના રોજિંદા કામે લાગી જાય છે. એમાં કશું ખોટું પણ નથી. એના મનની વૃત્તિમાં કોઇ જ ફેર ન પડે ત્યારે થાય છે કે પૂજા કે નમાજ કેવળ વિધિ કે બાહ્યાચાર છે. રોજ આવો વ્યાયામ કરવાથી મનમાં મંદિર નથી રચાતું. દાણચોરની દાણચોરી ચાલુ રહે છે. ઓફિસરનો ભ્રષ્ટાચાર ચાલુ રહે છે. બિલ્ડરની છેતરપિંડી ચાલુ રહે છે. ઇશ્વર લાચાર છે.

ટેક્નોલોજી નવા ધર્મનો લેબાસ ધારણ કરીને આપણી સમક્ષ આવી પહોંચી છે. ગણપતિને સ્થાને કોમ્પ્યુટર ગોઠવાઇ જાય છે. ટેલિકોમ્યુનિકેશનને કારણે ભૌતિક અંતરનું મૃત્યુ (ડેથ ઓફ ડસ્ટિન્સ) શક્ય બન્યું છે. ઇશ્વર સગવડ બનીને પોતાની કૃપા વરસાવી રહ્યો છે. પેઇનકિલરની ગોળી મનુષ્ય માટે પીડાહારિણી માતા બની રહે છે. દુનિયા નાની થતી જાય છે, પરંતુ હૃદયની વિશાળતા વધતી નથી. માણસની લાગણીના પરિઘમાં ક્યારેક માતા-પિતા પણ હોતાં નથી! જે પરિવારમાં ચાલાકીને કારણે અંદરનો ઉમળકો ભાગી છુટ્યો હોય, એવા ઘરમાં મહેમાન બનવાનો અભિશાપ આકરો લાગે છે. વૃક્ષો વિનાના બોડા ડુંગર જેવા શુષ્ક માણસને દૂરથી જ નમસ્કાર કરવા રહ્યા. આપણું હૃદય છોભીલું પડીને નંદવાઇ જાય એવી દુર્ઘટના ટાળવા જેવી છે. રામના સ્વાગત માટે શબરીનું હૃદય જોઇએ.‘

પાઘડીનો વળ છેડે
મારું હૃદય મંદિર છે.
મારું હૃદય મિસ્જદ છે.
મારું હૃદય ચર્ચ છે.
ભગવાન એટલે જ પ્રેમ.
મારું હૃદય
પ્રેમનું આસન છે.
- મૃહ્યુદ્દિન ઇબ્ન અરબી

રામ વગરનો રૂપિયો સુખમાં કન્વર્ટ થઇ શકતો નથી’ Divya Bhasker, 1-1-2012

રામ વગરનો રૂપિયો સુખમાં કન્વર્ટ થઇ શકતો નથી’ Divya Bhasker, 1-1-2012

રામ વગરનો રૂપિયો સુખમાં કન્વર્ટ થઇ શકતો નથી’

 

બાપુની રામકથા સાંભળ્યા વગર મરવવું એ ભયંકર ખોટનો ધંધો છે : ડૉ. ગુણવંત શાહ

 

‘ રામ કથા નરવી અને નિવડેલી કથા છે.રામ કથા ધાર્મિક નથી, રામ કથા એક શિબિર છે, સેતુ બંધની કથા છે. આપણે રામના ઉપાસક થવાનું છે, સત્યના ઉપાસક થવાનું છે.’ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે રવિવારે સાંજે પ્રવચન દરમિયાન પૂ, મોરારિબાપુના મુખેથી નિકળેલાં શબ્દેશબ્દમાં રામકથાના મહાત્મયગાનને રામભકત હનુમાનજી, લક્ષ્મણજી અને મહાપુરુષ મહાત્મા ગાંધીની ભક્તિ-સસ્કારની વાતો વણીને પ્રસ્તુત કરતાં સંસ્કારીનગરીના શ્રોતાજનોને સંસ્કારસિદ્ધિનો અનુભવ કરાવ્યો હતો.

 

સર સયાજીરાવ નગર ગૃહ ખાતે શ્રી સરદાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે ચર્ચાચોરા કાર્યક્રમ અંર્તગત પૂ. મોરારિબાપુના વિચારો પર આધારિત અને દિવ્ય ભાસ્કરના કટાર લેખક જગદીશ ત્રિવેદી દ્વારા લિખિત ગ્રંથ માનસ દર્શનનો લોકાર્પણ કાર્યક્રમ જાણીતા ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 

અનીતિથી રળેલાં રૂપિયા વિશે પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે, ‘રામ વગરનો રૂપિયો સુખમાં વધારો કરનાર નથી કારણ કે આવો રૂપિયો સુખમાં કન્વર્ટ થતો નથી. વેદાંત કહે છે કે, આરોપ, ભ્રાંતિ, મૂઢતા અને મિથ્યાભિમાનથી મુક્તિ કે તેનો નાશ કોઈ પણ ભૌતિક ઉપકરણો, પ્રયાસોથી થઈ શકતો નથી. એકમાત્ર વિચાર શાંત, સ્થિર ચિત્તમાંથી સ્ફૂરેલો વિચાર જ તેનો નાશ કરી શકે છે. વાત વાતમાં મરવાની વાત કરવી એ ઉદાસિનતા છે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ રામ કથાને ધ્યાનથી સાંભળીને, ટપકાવીને વિવેકપૂર્ણ સંકલન કર્યું છે.

 

કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉ. ગુણવંત શાહે જણાવ્યું કે, ‘ મોરારિબાપુએ રામાયણને ઘેર ઘેર વાંચતું કર્યું એ એક ગજબ ઘટના, ગુજરાત માટે નહીં, ભારત માટે નહીં પણ દુનિયા માટે છે. રામાયણ વાંચ્યા વિના મરવું ખોટનો ધંધો છે પણ બાપુની રામ કથા સાંભળ્યા વિના મરવું ભયંકર ખોટનો ધંધો છે. કેવળ ભૌતિક સંપતિ રાવણત્વનો જ પ્રકાર છે. હનુમાનજી પાસે રામત્વ હતું, ભક્તિની સમૃદ્ધિ હતી. એક પ્રસંગને ટાંકીને કહ્યું હતું કે, વનવાસથી પાછા ફરેલાં શ્રી રામને જ્યારે ભરત પગે લાગે છે ત્યારે તેમની પાદુકા અશ્રુપૂર્ણ બને છે ત્યારે રામ ભરતને કહે છે કે ‘ ભરત, હું વનમાં ગયો ત્યારે હસતો ગયો. ઘરે આવીને રડ્યો છું.’ રામાયણમાં પાત્રો ત્યાગની હરીફાઈ કરે છે.

 

આ પ્રસંગે ‘માનસ દર્શનના લેખક જગદીશ ત્રિવેદીએ હળવી વિનોદસભર શૈલીમાં જણાવ્યું કે, દિવ્ય ભાસ્કરના મેગેઝિન એડિટર મનીષ મહેતાના માનસના વિચારને અમલમાં મૂકાતા રવપિૂતિgમાં સદી થવાની તૈયારી છે ત્યારે સચિનની સદી પહેલી થાય તેવી આશા રાખીએ !’ આ પ્રસંગે મનીષ મહેતા અને જગદીશ ત્રિવેદીનું પૂ.મોરારિબાપૂના હસ્તે અભિવાદન કરાયું હતું.

 

આ સાથે રવિવારે વડોદરા શહેરના દિશેન મીલ ગરનાળાથી ટ્રાન્સપેક સર્કલ (ચકલી સર્કલ)ના માર્ગને લલિચંદ્ર મગનભાઈ પટેલ માર્ગ તરીકેની નામાંકરણ વિધિ પૂ. મોરારીબાપૂના હસ્તે મેયર ડૉ. જયોતબહિેન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

 

હું થિયેટરમાં જાઉ તો બધા મને પગે લાગવા માંડે : પૂ. બાપૂ

 

પૂ. મોરારિ બાપુએ જણાવ્યું હતુંકે, મને પણ થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની ઇચ્છા થાય છે. છેલ્લું પાકિઝા જોયું હતું. હવે જાઉ તો બધા પગે લાગવા મંડી જાય.તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈ યુવાને આવીને કહ્યું કે ૨૦૧૨માં પ્રલય થવાનો છે એવી ફિલમ આવી છે. પણ મેં તો મારી રામ કથાની ૨૦૧૫ની સાલ સુધીની તારીખો આપી દીધી છે. કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને ચિંતક ડૉ. ગુણવંતશાહે જણાવ્યું હતુંકે, કાશમીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના મુખેથી રામભજન સાંભળવાનો લહાવો છે. તે જ્યારે રામભજન ગાય છે ત્યારે આંખ મીચીને ડોકૂ ધૂણાવતા લોકો મેં નજરે જોયા છે. ચર્ચા ચૌરામાં આઠેક મહિના બાદ તેમને બોલાવવાનું થાય ત્યારે બાપૂને આવવા મારી વિનંતી છે.

ઉત્તરપ્રદેશ કે પ્રશ્નપ્રદેશ? Divya Bhasker, 1-1-2012

ઉત્તરપ્રદેશ કે પ્રશ્નપ્રદેશ? Divya Bhasker, 1-1-2012

 

 

મુસ્લિમોના પ્રશ્નો દેશના પ્રશ્નોથી સાવ અલગ હોય એ રીતે એમને વેગળા ને વેગળા રાખીને એમના ખાસ હિતેચ્છુ હોવાની હરીફાઇ રાહુલ, મુલાયમ અને માયાવતી વચ્ચે ચાલી રહી છે. શું મુસ્લિમો દેશના નોર્મલ નાગરિકો નહીં બને?

વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં પદયાત્રા દરમિયાન વિનોબાજીએ જાહેર પ્રવચનમાં કહેલું: યહ ઉત્તરપ્રદેશ નહીં પ્રશ્નપ્રદેશ હૈ. વિનોબાજી કેટલા સાચા હતા તેની પ્રતીતિ થાય તે માટે અહીં બે બનેલા પ્રસંગો પ્રસ્તુત છે. આવી પહોંચેલી ચૂંટણીનાં પરિણામ સાથે આ બંને પ્રસંગોને ઝાઝી લેવાદેવા નથી, પરંતુ ઉત્તરપ્રદેશના લોકોના નોખા-અનોખા મિજાજની એક ઝલક વાચકોને જરૂર પ્રાપ્ત થશે. કદાચ એમને અરાજકતા પ્રત્યે થોડોક પક્ષપાત છે.

કઇ સાલ તે યાદ નથી, પરંતુ ૧૯૮૫-૮૭ની વાત છે. એ વખતે બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડો. ઇકબાલ નારાયણ હતા. યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશને નિમેલી એક સમિતિના સભ્યો એ યુનિવર્સિટીના બધા વિભાગોમાં નવા અધ્યાપકોની વધારાની નિમણુંક માટે આર્થિક સહાયની ભલામણ કરવા માટે ખાસ મુલાકાતે ગયા હતા. ડો. ઇકબાલ નારાયણની ચેમ્બરમાં એ સમિતિના એક સભ્ય તરીકે અમથો વાત કરવા બેઠો હતો ત્યાં ક્રોધે ભરાયેલા વિદ્યાર્થીઓનું એક જૂથ કુલપતિ સમક્ષ રજૂઆત કરવા માટે ધસી આવ્યું.

વિદ્યાર્થીઓના નેતાએ કુલપતિને આક્રમક રુઆબ સાથે સંભળાવ્યું: ‘સાહેબ! હમને આપસે માંગા તો આખિર ક્યા માંગા? ઇતના હી કી હમેં પરીક્ષામેં નકલ કરનેકી છુટ દી જાય? આપ હમારે લિએ ઇતના ભી નહીં કર સકતે?’ આવી ખુલ્લી માગણીથી મને આશ્ચર્ય થયું તેટલું કુલપતિશ્રીને થયું ન હતું.

લગભગ એ જ વર્ષોમાં બીજો પ્રસંગ નજરે જોવા મળેલો. બનારસ હિન્દુ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન મિત્ર એસ. એન. સિંગ હતા. તેઓ પ્રાધ્યાપક ઓછા, ને ગુંડા વધારે! ડો. મધુભાઇ બુચ અને હું સ્ટેશને પહોંચ્યા ત્યારે ડો. સિંગ અમને લેવા આવ્યા. એમની ફેકલ્ટીના સ્ટેશનવેગનમાં અમે ગોઠવાયા ત્યારે મેં કહ્યું: ‘ડો. સિંગ! તમારું આ નવું વાહન ઘણું સારું છું.’ ડો. સિંગનો જવાબ હવે સાંભળો: ‘હમારી ફેકલ્ટીમેં એક પુરાના સ્ટેશનવેગન થા, બાર બાર બિગડ જાતા થા.

યુનિવર્સિટી કો લિખા કી નયા વાહન હમેં મિલના ચાહિએ. ઉન્હોંને કુછ નહીં કિઆ. મૈંને એક દિન મેરે લડકોં કો કહા: જલા ડાલો યહ પુરાને ડિબ્બે કો! ઉન લડકોંને જલા ડાલા, ઔર યહ નયા સ્ટેશનવેગન મિલ ગયા, સાહબ!’ ગુજરાત યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓને આશ્વાસન મળે તે માટે આ બે જ પ્રસંગો પૂરતા છે. એક ગીતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી ‘વિદ્યા કી રાજધાની’ ગણાવાઇ છે.

*** *** ***

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે તેમ તેમ કોમવાદનું કેલ્કયુલસ અને જ્ઞાતિવાદનું ગણિત મોટા પાયે શરૂ થઇ ગયું છે. મુસ્લિમોની વસ્તી પ્રમાણમાં વધારે હોવાને કારણે વોટબેંકનું રાજકારણ ગરમ છે. મુસ્લિમો જાણે એક ન ઓગળી શકે તેવો (insoluble) ગઠ્ઠો હોય એ રીતે છેલ્લા છ દાયકાથી કોંગ્રેસ એમને રીતસર વાપરતી રહી છે.

મુસ્લિમોના પ્રશ્નો દેશના પ્રશ્નોથી સાવ અલગ હોય એ રીતે એમને વેગળા ને વેગળા રાખીને એમના ખાસ હિતેચ્છુ હોવાની હરીફાઇ રાહુલ, મુલાયમ અને માયાવતી વચ્ચે ચાલી રહી છે. શું મુસ્લિમો દેશના નોર્મલ નાગરિકો નહીં બને? એમને પછાતપણાની ખાઇમાં ધકેલી દેવામાં આવે છે. એમ કરવાથી વોટબેંક મજબૂત બનતી હોય તો સેકયુલર ગણાતા પક્ષોને કોઇ વાંધો નથી. આ વાત તમને વાહિયાત લાગી? તો હવે આગળ વાંચો.

રાહુલ ગાંધી આજકાલ એક ખતરનાક ખેલમાં પ્રવૃત્ત છે. ખેલ ખતરનાક છે, કારણ કે એને કારણે ભારતીય મુસ્લિમો એક સદી માટે પછાતપણાની, અભણતાની, ગરીબીની અને બેકારીની ખીણમાં ધકેલાઇ જશે. રાહુલ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ મૌલાના નડવી વચ્ચે વાટાઘાટો થઇ છે, જેમાં મદરેસાના શિક્ષણને રાઇટ ટુ એજ્યુકેશન (RTE)ની બહાર રાખવાના પ્રશ્ને મૌલાનાએ રાખેલા આગ્રહને મંજૂર રાખવાની ખાતરી રાહુલે આપી છે.

ગરીબ અને વંચિત મુસ્લિમોના લગભગ ૯૦ ટકા જેટલાં બાળકો મદરેસામાં શિક્ષણ પામે છે, જેમાં અધ્યતન અભ્યાસક્રમનો અભાવ હોય છે. પરિણામે એમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ નોકરીની અને આવક ઊભી કરવાની અન્ય તકોથી વંચિત રહી જાય છે. મુસ્લિમોની વસ્તી ૧૪ ટકા હોવા છતાં નોકરીઓમાં એમનું પ્રમાણ માત્ર ૨.૫ ટકા જેટલું ઓછું છે, એવું સાચર કમિટીના રિપોર્ટમાં કહેવાયું છે. આવું બને તેમાં વાંક કોનો? મદરેસામાં અપાતા ધાર્મિક શિક્ષણને તેવું ને તેવું રાખવાની મૌલાના નડવીની વાત માન્ય રાખવી એ તો આવનારાં ૧૦૦ વર્ષ માટે ભારતીય મુસ્લિમોને ગરીબ રાખવાનો સચોટ ઉપાય છે.

આમ આજે ભારતીય મુસલમાનો સાથે બે સ્પષ્ટ માર્ગો છે: (૧) મૌલાના વસ્તાનવી માર્ગ (૨) મૌલાના નડવી માર્ગ. ઉત્તરપ્રદેશની ચૂંટણી વખતે મુસ્લિમોને ખુશ રાખવા માટે જો રાહુલ ગાંધી મૌલાના નડવીના આગ્રહને તાબે થાય તો આવનારી મુસ્લિમ પેઢી કોંગ્રેસને કદી માફ નહીં કરે.

અહીં એક લાંબો ઐતિહાસિક ચકરાવો મારવાનો લોભ થાય છે. મહાત્મા ગાંધીની જન્મસાલ ૧૮૬૯માં સર સૈયદ અહમદ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંની અધ્યતન શિક્ષણ વ્યવસ્થાથી ખૂબ જ પ્રભાવિત થયા. તા. ૨૪મી મે ૧૮૭૪ને દિવસે એમણે અલીગઢમાં એક હાઇસ્કૂલની સ્થાપના કરી હતી. સન ૧૮૭૭માં એ હાઇસ્કૂલમાંથી કોલેજનું નિર્માણ થયું. સર સૈયદના આવા પ્રયત્નોને ‘અલીગઢ ચળવળ’ તરીકે બિરદાવવામાં આવે છે. સન ૧૮૭૮માં સર સૈયદે કહ્યું હતું: ‘યુરોપિયન વિજ્ઞાન અને સાહિત્યનો ઓછામાં ઓછો લાભ મુસ્લિમોએ લીધો છે.’

સન ૧૮૮૨માં અંગ્રેજો દ્વારા નિમાયેલા શિક્ષણ કમિશન સમક્ષ સર સૈયદે કોલકાતા યુનિવર્સિટીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની નગણ્ય હાજરીની વાત રજૂ કરી તેમાં જણાવ્યું: (૧) કાયદાશાસ્ત્ર જેવા વિષયમાં કુલ ૭૦૫ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૮ મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા. (૨) વળી એન્જિનિયરિંગ અને મેડિકલ શાખાઓમાં એક પણ મુસ્લિમ વિદ્યાર્થી ભણતો ન હતો. (૩) એમ.એ.ના કોર્સમાં ૩૨૬માંથી માત્ર ૫ મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા. (૪) બી.એ.ના કોર્સમાં ૧૩૪૩માંથી માત્ર ૩૦ મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા. વાંક કોનો?

હવે જે વાત આવે છે, તેને મુસ્લિમ વાચકો ખૂબ ધ્યાનથી વાંચે એવી વિનંતી છે. સન ૧૮૨૪માં અંગ્રેજ સરકારે કોલકાતામાં એક સંસ્કૃત કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજા રામમોહન રોયની આગેવાની હેઠળ હિન્દુઓએ એવી માગણી કરી કે: ‘અમને સંસ્કૃતની કોલેજને બદલે અંગ્રેજી કોલેજ આપો.’ સન ૧૮૩૫માં જ્યારે મુસ્લિમોએ જાણ્યું કે અંગ્રેજ સરકાર બધી નિશાળોમાં અંગ્રેજીનું શિક્ષણ શરૂ કરવા માગે છે ત્યારે કોલકાતાના ૮૦૦૦ મુલ્લાઓની સહી સાથે એક આવેદન પ્રગટ કરીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. તે વખતે સર સૈયદના શબ્દો હતા: ‘એક અત્યંત દુ:ખદ બાબત છે કે મુસ્લિમો એવું માની બેઠા કે પશ્ચિમી વિજ્ઞાન અને સાહિત્યના અભ્યાસને કારણે પોતાનો મહાન અને તેજસ્વી ધર્મ એટલો નબળો છે કે જે જોખમમાં આવી પડશે.’

આવી ઐતિહાસિક હકીકતો મિત્ર આરફિ મોહંમદ ખાને ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ (૨૦-૧૧-૨૦૦૬)માં પ્રગટ કરી હતી. આ હકીકતો વાંચ્યા પછી ભારતનો કયો મુસ્લિમ યુવાન રાહુલ ગાંધી અને મૌલાના નડવી વચ્ચેના અભદ્ર સમાધાનને સ્વીકારશે? રાહુલના પિતા રાજીવ ગાંધીએ આવી જ મોટી ભૂલ શાહબાનો કેસમાં મુલ્લાઓને ખુશ કરવા માટે કરી હતી. રાહુલ ગાંધી મુસ્લિમોના મિત્ર છે કે શત્રુ? વિચારવું પડશે.

માંદગીના દિવસોમાં આરિફ મોહંમદ ખાન ખબર લેવા માટે દિલ્હીથી ખાસ ઘેર આવ્યા હતા. મારાથી વધારે બોલાય તેમ ન હતું. મેં પૂછ્યું: ‘યુપીનું ચૂંટણી ચિત્ર કેવું લાગે છે?’ એમનો જવાબ હતો: ‘માયાવતીજીની બેઠકો ઘટશે, તોય પ્રથમ ક્રમે તેઓ જ રહેશે.’

જો મુલાયમ અને માયાવતી વચ્ચે જ પસંદગી કરવાની હોય તો મારો અભિપ્રાય પણ માયાવતીજી તરફ જ ઢળે. એમણે વર્ગવિગ્રહને સ્થાને વર્ગમેળનું રાજકારણ શરૂ કરીને યુપીને સ્થિર શાસન આપ્યું છે. દેશના ૭.૪ વિકાસદર સામે યુપીનો વિકાસદર ૭.૨૮ છે. મુલાયમના ગુંડારાજ પછી આ માનુની મહિલાએ યુપીને વિકાસના માર્ગે લઇ જવાનો સફળ પ્રયત્ન કર્યો છે. રાહુલ સામે એક મહિલા જબરી ટક્કર લઇ રહી છે. (લખ્યા તા. ૧૫-૧૨-૨૦૧૧, સરદાર પટેલની પુણ્યતિથિ). ‘

પાઘડીનો વળ છેડે

‘પશ્ચિમ બંગાળના સામ્યવાદીઓ હાડોહાડ જ્ઞાતિવાદી છે, એમ કહીએ તો સૌ હસી જ પડે ને? તો સાંભળો: જયોતિ બસુ કાયસ્થ બ્રાહ્નણ હતા અને એમની વિધાનસભામાં ૬૪ કાયસ્થ બ્રાહ્નણો હતા. બીજા બ્રાહ્નણોની સંખ્યા ૫૮ હતી તે તો જુદી! બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (બ્રાહ્નણ)ની કેબિનેટમાં ૩૩ પ્રધાનોમાંથી ૧૬ પ્રધાનો બ્રાહ્નણો હતા. લાલુપ્રસાદ અને માયાવતી તો સારાં ગણાય!’

સંકેત બિશ્વાસ
(‘આઉટલૂક’, ૧૩-૬-૨૦૧૧)

નોંધ: ઉપરની હકીકત વાંચીને ડો. આંબેડકરના શબ્દો યાદ આવે છે. તેઓ ભારતના સામ્યવાદીઓને, ‘બ્રાહ્નણ છોકરાઓની ટોળકી’ ગણાવતા. એમની વાતમાં દમ હતો. જ્ઞાતિવાદ ક્યારે જશે?

ક્ષમાના ગૌરીશંકર ૫ર બેઠા છે ઇસુ, Divya Bhasker, 25-12-2011

ક્ષમાના ગૌરીશંકર ૫ર બેઠા છે ઇસુ, Divya Bhasker, 25-12-2011

ઇસુના આકાશને ચર્ચ નાનું પડે છે. ધર્મનું ઇમારતીકરણ બહુ થયું. હવે એના માનવીકરણની જરૂર છે. માનવી છે, તો ભગવાન છે. એરિક હોફર કહે છે: ‘સમગ્ર માનવજાતને પ્રેમ કરવા કરતાંય પોતાના પાડોશીને પ્રેમ કરવાનું મુશ્કેલ છે.’ ઇસુ કહે છે: ‘તારા પાડોશીને તારી જાતને કરે એટલો પ્રેમ કર.’

ઇજિપ્તના પિરામિડ સર્જાયા ત્યારે મોટા મોટા વજનદાર પથ્થરો ઊંચે લઇ જવામાં મજૂરોની તાકાત એટલી હદે હોમાઇ ગઇ કે કેટલાય ગુલામો મૃત્યુ પામ્યા હતા. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ બોજ લઇ જવામાં સૌથી વધારે તાકાતની જરૂર પડે છે. આ તો શારીરિક તાકાતની વાત થઇ. એ જ રીતે સૌથી વધારે માનસિક તાકાતની જરૂર ક્યારે પડે? કહેવાતા શત્રુને ક્ષમા આપવામાં સૌથી વધારે મનોબળની જરૂર પડે છે. ક્ષમા આપવામાં વજનદાર પથ્થરને પર્વત પર ઊંચકીને લઇ જવા કરતાંય વધારે તાકાતની જરૂર પડે છે. ક્ષમા સાથે માફી આપવાનું કે દરગુજર કરવાનું કૃત્ય જોડાઇ ગયું છે.

વાત મોટી નથી, પરંતુ ક્ષમા એથીય ઊંચેરી ઘટના છે. ક્ષમાનો નાળસંબંધ ‘ક્ષમ્’ સાથે છે. ક્ષમ એટલે સમર્થ કે શક્તિમાન. જે વ્યક્તિ પાસે ક્ષમતા હોય તે જ ક્ષમા આપી શકે. કોઇ તકલાદી માણસ મજબૂરીને કારણે અત્યાચાર વેઠી શકે. ક્ષમા આપવા માટે જબરા સામર્થ્યની જરૂર પડે છે. તમે તમારા નિષ્ઠાવંત શત્રુનું સ્મરણ કરીને એને મનોમન ક્ષમા આપવાનો પ્રયત્ન કરી જોજો. નવનેજાં પા ણી ઊતરશે. અંદરની જબરી તાકાત વિના કોઇને ક્ષમા આપવાનું શક્ય નથી.

કાયરની અહિંસાની માફક નબળા માણસ દ્વારા અપાયેલી ક્ષમા બેકાર છે. જ્યાં ક્ષમતા કે સામર્થ્ય નથી, ત્યાં ક્ષમા જેવી બોગસ બાબત બીજી કોઇ નથી. ક્ષમા આપ્યાનો ડોળ કરવો એ અક્ષમ્ય અપરાધ છે. એના કરતાં તો ધરાઇને લડી લેવું સારું! મહાવીર જંગલમાં ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એક ગોવાળિયાએ એમના કાનમાં ઘાસની અણી (શલાકા) ખોસીને અપાર પીડા પહોંચાડી. મહાવીરે એ પજવણી (ઉપસર્ગ) શાંતિપૂર્વક સહી લઇને ગોવાળિયાને ક્ષમા આપી હતી. એ ક્ષમા અસમર્થ માણસે આપી ન હતી. સમર્થ મહાવીરે એ ગોવાળિયાને એક લાફો માર્યો હોત, તો એ બિચારો દસ ગુલાંટિયાં ખાઇ ગયો હોત! બુદ્ધ કહે છે:

આ સંસારમાં ક્ષમાવાન મનુષ્યને
સૌંદર્ય, આરોગ્ય, આનંદ, દીર્ઘાયુષ્ય
અને ચક્રવર્તી રાજા જેવું
વિપુલ સુખ પ્રાપ્ત થાય છે.

બુદ્ધની વાત મૌલિક છે, કારણ કે ક્ષમાવાન મનુષ્ય સુખ પ્રાપ્ત કરે તે વાત આપણને ગમી જાય તેવી છે. ક્ષમા આપનાર માણસ બોજ સિવાય કશુંય ગુમાવે છે ખરો? ઇસુ ખ્રિસ્ત ક્ષમાની મૂર્તિસમા હતા. લોસ એન્જલસ શહેરમાં જાહેર માર્ગની ભીંત પર મોટા અક્ષરે લખાયેલા શબ્દો વાંચવા મળેલા:

મુક્તિ મફતમાં મળશે
કારણ કે
ઇસુએ કિંમત ચૂકવી છે!

ઇસુનું જીવન એટલું જરૂર કહી જાય છે કે પ્રેમનું ગુરુત્વમધ્યબિંદુ ક્ષમા છે. ક્ષમા પાસે એક શક્તિ પડેલી છે જેને આજે મેડિકલ ક્ષેત્રમાં healing (રોગમુક્તિ) કહે છે. ક્ષમા માણસને (રોગ જેવા) અણગમતા ભૂતકાળથી મુક્તિ અપાવે છે. માથા પર મણનો બોજો લઇને ફરતો માણસ ક્ષમા આપીને હળવોખમ બની રહે છે. ધિક્કાર બાંધે છે, ક્ષમા મુક્ત કરે છે. મેલ ગિબ્સનની ફિલ્મ ‘The Passion of Christ’ ઇસુના જીવનના છેલ્લા બાર કલાકનો ચિતાર આપે છે. અત્યંત ક્રૂરતાપૂર્વક થતું ઇસુનું ક્રૂસરોહણ રડાવનારું છે.

ઇસુને આપવામાં આવતી અસહ્ય પીડાની સાથોસાથ ઇસુના મુખ પર છવાયેલો ક્ષમાભાવ આપણને અલૌકિક અનુભૂતિ કરાવનારો જણાય છે. ઇસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: ‘શત્રુને પ્રેમ કરજો અને તમારા પર તૂટી પડનારાઓને ‘૭૦X૭ વખત’ (seventy times seven) માફ કરી દેશો. ઇસુને મન આવી રોગમુક્તિ (healing) કેવળ શારીરિક ન હતી. અંગ્રેજી ‘heal’ શબ્દનો મૂળ સંબંધ ‘whole’ સાથે છે. એ જ રીતે ‘હેલ્થ’નો સંબંધ પણ ‘આખા હોવા’ સાથે છે.

ઇસુ જેની સારવાર કરતા તેને કહેતા: ‘હું તને આખો ને આખો બનાવીશ.’ ક્ષમા આપવી એ ઉપકાર નથી. ક્ષમા આપનાર ‘આખો’ બને છે અને રોગમુક્ત બને છે. એમની ક્ષમા તો ઇર્ષ્યા, દ્વેષ અને વેરભાવ જેવા મનના રોગોમાંથી મુક્ત કરનારી હતી. શું ઇસુ તનથી અને મનથી નબળા હતા તેથી ક્ષમાનો મહિમા કરતા રહ્યા? ના, ના, ના. કેવળ રોગમુક્ત (આખો) માણસ જ ક્ષમા આપી શકે.’

મહાવીર, બુદ્ધ અને ઇસુ જેવા મહામાનવો દેખાવે ‘હેન્ડસમ’ હતા એટલું જ નહીં, એમનાં મન અને વાણી પણ ઓછાં સુંદર ન હતાં. જ્યારે મેરી મેગ્ડેલિના જેવી ગણિકાની પાછળ પડીને ટોળું પથ્થરમારો કરતું હતું ત્યારે ગણિકાનો પક્ષ લેવા માટે કેટલા ટન હિંમત જોઇએ? જે મનુષ્યમાં અભય ન હોય તે જરૂર બેવડી વાત કરે. ઇસુએ ટોળાને પડકાર્યું અને કહ્યું: ‘જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ઉપાડે.’ વિચારવા જેવું છે.

ક્યાંક ચાર જણા તમારી ગેરહાજરીમાં તમારી નિંદા કરી રહ્યા છે. એમાંનો એક જણ તો તમારો મિત્ર છે. એ મિત્રને ખબર છે કે સત્ય તમારે પક્ષે છે અને પેલા ત્રણની નિંદામાં કેવળ દ્વેષભાવ રહેલો છે. એ વખતે તમારો કહેવાતો મિત્ર પણ તમારો સોલિડ બચાવ કરવાનું ટાળીને મૌન સેવે છે. આવા નબળા, કાયર અને વીર્યહીન મનુષ્યનું નામ ‘ગણપત’ રાખીશું? આપણા સમાજમાં ફળિયે ફળિયે તમને કાનામાત્રા વિનાનો કોઇ ઢીલો ઢીલો અને મગનું નામ મરી ન પાડનારો ગણપત મળી આવશે.

આવો કોઇ ગણપત કદી ક્ષમા ન આપી શકે. ભારત ગરીબ છે કારણ કે ગણપતોની સંખ્યા ખૂબ મોટી છે. અસમર્થ મનુષ્યની અહિંસા, કરુણા અને ક્ષમા બેકાર છે. એવી તકલાદી ક્ષમા સાથે મહાવીર, બુદ્ધ, ઇસુ કે મોહંમદનાં નામને કદી પણ જોડશો નહીં. મહંમદ પયગંબરે યુદ્ધને અંતે પોતાની નજીકનાં સ્વજનોની હત્યા કરનારાઓને (વિજય મેળવ્યા પછી) ક્ષમા આપી હતી. એ સમર્થ મહામાનવે આપેલી ક્ષમા હતી.

ક્ષમાના ગૌરીશંકર પર ઇસુ બેઠા છે. આજે નાતાલના પવિત્ર દિવસે એમનું સ્મરણ કેવળ ખ્રિસ્તી પ્રજા જ કરે એવું થોડું છે? તેઓ સમગ્ર માનવજાતના મસીહા છે. યુરોપ અને અમેરિકામાં ગોરા ખ્રિસ્તી મિત્રો સાથે વારંવાર રહેવાનું બન્યું છે. છેલ્લી ત્રણ-ચાર સદીઓ દરમિયાન જે પ્રજાને સામ્રાજ્યવાદના શોષણનો સ્વાદ અનેરો લાગતો હતો, તે પ્રજા આજે ગ્લોબલાઇઝેશનનો સ્વાદ માણી રહી છે. સામ્રાજ્યવાદ અને ગ્લોબલાઇઝેશન વચ્ચે એક પાયાનો તફાવત છે. સામ્રાજ્યવાદમાં શોષણનો પ્રવાહ એકમાર્ગી હતો, ગ્લોબલાઇઝેશનમાં ભારતનો કોઇ લક્ષ્મી મિત્તલ દુનિયાનો ‘સ્ટીલ કિંગ’ બની શકે છે.

આમ છતાં ગરીબ માનવીનું શોષણ અટકવાનું નામ નથી લેતું. સમૃદ્ધિ વધી હોય તોય સમાજના વંચિત માણસ સુધી એનો રેલો પહોંચતો કેમ નથી? જ્યાં સુધી ટાઢે થથરતો એક પણ માણસ ખાલી પેટે ફૂટપાથ પર સૂતો હોય ત્યાં સુધી ઇસુના આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય. સામ્રાજ્યવાદને કારણે સમૃદ્ધિ પામેલી ગોરી પ્રજા આજે દુનિયામાં ગ્રીન જીવનશૈલી, શાકાહાર, ઇકોલોજી, પર્યાવરણની સુરક્ષા, લોકતંત્ર અને માનવ-અધિકારો જેવી બાબતોમાં અગ્રસ્થાને બેઠી છે.

ખ્રિસ્તી પ્રજા કેવળ આદર્શ બહુમતી નહીં, આદર્શ લઘુમતી તરીકે પણ ઉમદા સાબિત થઇ છે. ઇસુ આ વાતે રાજી રાજી! ઇસુના આકાશને ચર્ચ નાનું પડે છે. ધર્મનું ઇમારતીકરણ બહુ થયું. હવે એના માનવીકરણની જરૂર છે. માનવી છે, તો ભગવાન છે. એરિક હોફર કહે છે: ‘ સમગ્ર માનવજાતને પ્રેમ કરવા કરતાંય પોતાના પાડોશીને પ્રેમ કરવાનું મુશ્કેલ છે.’ ઇસુ કહે છે: ‘તારા પાડોશીને તારી જાતને કરે એટલો પ્રેમ કર.’ એમણે માણસોને કહ્યું: ‘ઇશ્વરનું રાજ્ય આપણી ભીતર છે.’ તમારા કહેવાતા શત્રુને મનોમન ક્ષમા આપી તો જુઓ! ઇસુ જરૂર તમને આશીર્વાદ આપશે. નાતાલને દિવસે એમને વંદન.

પાઘડીનો વળ છેડે

ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના
શ્રેષ્ઠતમ ભારતીય હતા
અને ઇસુ ખ્રિસ્ત પછીના
શ્રેષ્ઠતમ માનવ હતા
- ડૉ. એ. એમ. હોમ્સ