ચહેરા પર સૂનકારનું લીંપણગૂંપણ

gunvant_shah

કબીર વણકર હતા અને પોતાનું કામ ઘરે રહીને કરતા. તેઓ કોઇ ટેક્ષ્ટાઇલ મિલના કામદાર ન હતા. સંત રૈદાસ ચમાર હતા અને પોતાની ઝૂંપડીમાં બેસીને કામ કરતા. તેઓ બાટા કે લાખાણી કંપનીમાં નોકરી કરતા ન હતા. મીરાંબાઇ જેવી રાજ ઘરાનાની ક્ષત્રિય કન્યાએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. તામિલ સંત થિરુવલ્લુવર પણ વણકર હતા. જયાં ઓટલો હોય ત્યાં જ રોટલો રળવાની સગવડ હોય, ત્યારે આજીવિકા પણ જીવનરસને વહેવડાવનારી બની રહે છે. રોટલો રળવા માટે કેટલાય લોકો ટ્રેનમાં ઊભા ઊભા કે લટકતા રહીને નોકરીએ જાય અને રાતે ઘરે પાછા ફરે એવી પરિસ્થિતિ માનવીની સહજ ગરિમામાં ગોબો પાડનારી ગણાય. મુંબઇ મહાનગર હશે, પણ વાસ્તવમાં એ ‘ગોબાનગર’ છે. ત્યાં માનવી કયારેક જંતુ બની જાય છે.

મહાત્મા થોરોએ પોતાના પુસ્તક ‘વોલ્ડન’માં એક મૌલિક વાત કરી હતી. છેક શિકારયુગમાં પેટિયું રળવા માટે માણસ જેટલા કલાકો ગાળતો તેટલા જ કલાકો આજે પણ ગાળે, તો સભ્યતા વિકાસ પામી એવું શી રીતે કહી શકાય? એકવીસમી સદીમાં પણ નોકરી કરવા માટે રોજ બે-ત્રણ કલાક આવ-જા કરવામાં જ વીતી જાય, તો માણસ શિકારયુગમાં જ જીવે છે એવું માનવાની ફરજ પડે છે. એલવિન ટોફલર કહે છે કે આપણા જ જીવનકાળમાં મોટી મોટી ફેકટરીઓ અને બહુમાળી મકાનો અડધાં ખાલી થઇ જશે.

ટોફલર કહે છે કે નવલાં સ્વરૂપે ઇલેકટ્રોનિકસ પર આધારિત ગૃહઉધોગોનો જમાનો શરૂ થશે. દસેક હજાર વર્ષથી માણસ આ રીતે ઘરે રહીને રોટલો રળતો આવ્યો છે. પોતાના કૂબા (ઝુમ્ભા)માં રહેનારા આફ્રિકન આદિવાસી માટે ખેતર પણ ઝાઝું દૂર ન હતું. ટોફલર કહે છે કે વાહન વ્યવસ્થા પરનો બોજ ઘટશે અને આવન-જાવનની રોજિંદી તાણ ઘટે તો પરિવાર-જીવન પર રૂડી અસર પડશે. કોમ્પ્યુટરને કારણે આવી નડતર જીવનશૈલી શકય બનશે ખરી? આવું બને તો દેશમાં અપ-ડાઉન કરનારા કરોડો લોકોનું જીવન રળિયામણું બનશે.

વિકાસનો મેળ કલ્ચર સાથે પડશે ત્યારે તાણના ઉકરડાની દુર્ગંધ ઓછી પજવશે. આપણે વિચિત્ર સમાજ વ્યવસ્થાના શિકાર બની ગયાં છીએ. અમદાવાદનો માણસ વડોદરા નોકરી કરવા જાય છે અને વડોદરાનો માણસ અમદાવાદ જાય છે. આવા બે ‘અપડાઉનિયા’ મનુષ્યો ઘરે મોડા પહોંચે છે અને ખૂબ થાકે છે. બંને દુખી છે. કોઇ એવી સસ્ટિમ નથી, જેથી બંનેના કામ લગભગ સરખાં હોય તો અદલાબદલી થઇ શકે.

પુણેથી રોજ મુંબઇ અપડાઉન કરનાર આદમી માનસકિ રીતે સ્વસ્થ રહી શકે ખરો? રોજ અપડાઉન કરનારા લોકોના ખાસ ડબ્બામાં આવજા કરનારા પાસ હોલ્ડર્સની દાદાગીરી જોઇ છે? રોજિંદી તાણ એમને બેચન બનાવી મૂકે છે. એમની વાતો કયારેક કાન દઇને સાંભળવા જેવી હોય છે. મુંબઇની લોકલ ટ્રેનમાં રોજ સવાર-સાંજ ભીડમાં ભચડાતા આદમીના ચહેરા પર સૂનકારનું લીંપણગૂંપણ ઘ્યાનસ્થ ચિત્તે નીરખવા જેવું હોય છે. એ શૂન્યતા નથી અને સ્વસ્થતા પણ નથી. એ તો તાણનો સાથિયો છે, જે ભૂંસાઇ ગયો છે. થોરોના શબ્દો યાદ આવે છે :

લખવા માટે બેસવાનો
કોઇ જ અર્થ નથી,
જો તમે
જીવવા માટે ઊભા થવાના ન હો!

વાતે વાતે જૂઠું બોલવું પડે તેવા સામાજિક પર્યાવરણમાં ગરીબ માણસ માટે જૂઠું બોલવું એ પણ જીવન ટકાવી રાખવા માટે (સર્વાઇવલ)ની વ્યૂહરચના છે. મજૂર જૂઠું બોલે છે, કારીગર જૂઠું બોલે છે અને ખેતરમાં ઘાસ વાઢનારી સ્ત્રી જીવલી પણ જૂઠું બોલે છે. બે પ્રેમીજનો જૂઠું બોલીને પોતાના પ્રેમને જાળવી લે છે. કોઇ કોલેજ કન્યા પોતાનાં માતા-પિતા સમક્ષ બોયફ્રેન્ડને લઇ જઇને નિર્ભયપણે કહી શકતી નથી : ‘ડેડ, ધિસ પંકજ ઇઝ માય બોયફ્રેન્ડ.’ વેપારી જૂઠું બોલે છે એટલું જ નહીં, જાહેરમાં કહે છે કે વેપાર કરવો હોય તો જૂઠું બોલવું જ પડે. રાજકારણીને જૂઠું બોલ્યા વિના ચાલશે? કયારેક સેવકો, કર્મશીલો અને સાધુજનો પણ જૂઠું બોલીને વટ પાડતા રહે છે. જીવવાનું બાજુ પર રહી જાય છે અને જીવવાનો અભિનય કરવાનું ચાલ્યા કરે છે. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણે ભૂલથી એક એવા સ્માર્ટ સમાજનું નિર્માણ કરી બેઠાં છીએ, જેમાં અસત્ય બોલવું એ પણ આપણી જીવનશૈલીનું ઘરેણું છે.

સમાજનું સૌથી ક્રૂર એવું અસત્ય ત્રણ શબ્દોમાં પ્રગટ થતું રહે છે : ‘આઇ લવ યૂ.’ આ ત્રણ શબ્દોએ જેટલી વસંત ખીલવી છે, તેટલી જ પાનખર સર્જી છે.’ ‘લવ’ જેવા પવિત્ર શબ્દને આપણે લીસો અને લપટો બનાવી મૂકયો છે. આપણી ટીવી સિરિયલોમાં સોળે કળાએ ખીલતી દગાબાજીને પણ રોજ રાતે દેશનાં કરોડો ઘરોમાં ચાર ચાંદ લાગી જાય છે. દગો દેવો એ સાવ સહજ બાબત ગણાવા લાગે તેવા માહોલમાં સચ્ચાઇને વળગી રહેનારા વેદિયા માણસની મશ્કરી થતી રહે છે. દગાબાજીને પણ લલિત કલાનો દરજજો મળે એવી સિરિયલ વધારે લોકપ્રિય બને છે.

આજના ટીવી જગતના ત્રણ ખતરનાક અક્ષરો છે : ‘ટી.આર.પી.’ ટેલિ-કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટના ઉપકારોને કારણે કેટલું પેટ્રોલ અને પ્રદૂષણ બચે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. ટોફલરની કલ્પના મુજબની ‘ઇલેકટ્રોનિકસ કોટેજ’માં ઓફિસે ગયા વિના ઓફિસનું સઘળું કામ ઘરબેઠાં થશે. આવું હવે મોટા પાયા પર શરૂ થઇ ચૂકયું છે. કદાચ આવી નવતર ઉત્પાદનશૈલી એકવીસમી સદીને વૈતરામુકિત તરફ લઇ જશે.

કૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મ કર્યા વિના મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી. શું ઊઘવું એ પણ કર્મ છે? વૈજ્ઞાનિક સંશોધન તો કહે છે કે ટીવી જોતી વખતે બળે, તેના કરતાં વધારે કેલરી ઊઘતી વખતે બળે છે. જો કર્મ વૈતરું બને, તો તાણનો ગઠ્ઠો શરાબના સેવન વિના બીજી કઇ રીતે ઓગળે? જો કર્મમાં કલાનું કે ભકિતનું તત્ત્વ ઉમેરાય તો એ ભીનું કર્મ વૈતરું મટીને આનંદપર્યવસાયી બની શકે.

એકવીસમી સદીની ચેલેન્જ સ્પષ્ટ છે : કયાં તો વૈતરું કરીને જીવન વેંઢારો કે પછી કર્મને કષ્ણનો રંગ લગાડો. બીજો વિકલ્પ કલ્યાણકારી જણાય છે. તામિલનાડુમાં દાદીમા જેવાં સંત થઇ ગયાં. તેઓ તામિલ ભાષાને મા ગણતાં હતાં. તેમનું નામ અવ્વૈયર હતું. તેમનું સમગ્ર જીવન તામિલ ભજનો ગાવામાં વીત્યું હતું. તેમણે રચેલી ચાર પંકિતઓમાં ગીતાનો સાર આવી જાય છે. સાંભળો :

જો તમે નારિયેળીને ચરણે
પાણી રેડશો,
તો તમને એના મસ્તિષ્ક પાસેથી
નારિયેળપાણી મળશે.

માણસ જેવો માણસ વેરવિખેર થઇ રહ્યો હોય ત્યારે એના ચારિત્ર્યના ભાવ ગગડી જાય છે. કલાકોના કલાકો રોજ ત્રાસમય બને, ત્યારે તાણનો ખાળકૂવો સતત ઊભરાતો રહે છે. જીવનમાં પ્રસરી ચૂકેલો ખરો આતંકવાદ એટલે વૈતરું. આજે ન્યુકિલયર કુટુંબ પણ તૂટતું જાય છે. નોકરી ગમે તેટલી રૂપાળી હોય તોય ‘તાણમાતા’ જ બની રહે છે. કલાકોની લાંબી ગેરહાજરી પતિપત્ની વચ્ચેની વફાદારી પર ખાનગી ઉપદ્રવો ઠાલવે છે. લગ્નજીવન નંદવાય ત્યારે પરિવાર બેચેન બને છે. જે માણસ વાંચવાની અને વિચારવાની શકિત ખોઇ બેસે એને કોઇ ‘વિકલાંગ’ નથી કહેતું. સમજુ માણસને આખો દિવસ ખલેલ પહોંચાડી શકે તેવા શબ્દો હવે પાંચ ઊડા શ્વાસ લઇને વાંચવા વિનંતી.

પાઘડીનો વળ છેડે

માણસની પ્રતિષ્ઠા જો
એના ચારિત્ર્યને રસ્તામાં મળી જાય,
તો બંને એકબીજાંને
ઓળખી ન શકે એમ બને.
– એડવર્ડ હબર્ડ
(ઓગણીસમી-વીસમી સદીમાં થઇ ગયેલ અમેરિકન ફિલસૂફ)

published in Divya Bhaskar Sunday, October 11, 2009

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s