વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સરવ તજી વન ચાલી રે

જેના પર આપણે મુગ્ધ થઇ શકીએ એવું કશુંક જીવનમાં બરયું છે ખરું? વિગ્રહવાન મુગ્ધતાનું નામ છે રાધા!

radha krishna

ગોકુળની ગોપીઓ ભકિતની વ્યાખ્યા જેવી હતી. ગોપીઓના ભાવજગતમાં કૃષ્ણ સિવાય અન્ય કોઇ બાબત માટે અવકાશ ન હતો. મથુરાથી ગોકુળ પહોંચેલા ઉઘ્ધવ માટે ગોપીઓનું ભાવજગત સાવ નવું હતું. ગોપીઓ કૃષ્ણપ્રિય હતી. કોઇ ગોપી જ્ઞાની કે યોગિની ન હતી. ગોપીઓ ઉઘ્ધવને કહે છે: ‘મન કાંઇ દસ કે વીસ હોતાં નથી. એક મન હતું તે તો શ્યામળા કષ્ણમાં પરોવાઇ ગયું. હવે ઇશ્વરની આરાધના કોણ કરવાનુંય ?

ઉધૌ! મન ન ભએ દસ બીસ,
એક હુતૌ સૌ ગયો સ્યામ સંગ
કો અબ આરાધે ઇસ!

ગોકુળમાં ત્રણ શબ્દોનું સામ્રાજય હતું: સૌંદર્ય, માધુર્ય અને સાહચર્ય. સૌંદર્યનું ઉપસ્થાન બાળકૃષ્ણ પોતે હતા. માધુર્યનું ઉપસ્થાન માતા યશોદાનું હૃદય હતું. સાહચર્યનું મંદિર રાસલીલામાં છલકાતા રસવૈભવમાં રચાતું રહેતું. ગોકુળ એક એવું ગામ હતું જયાં કોઇ ખલનાયક ન હતો. આખું ગામ કૃષ્ણમય હતું. શ્રીમદ્ભાગવતમાં શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે વ્રજવાસીઓને જેટલા કૃષ્ણ વહાલા હતા, તેટલાં વહાલાં તો પોતાનાં છોકરાં પણ ન હતાં.

આ વાત સાંભળીને પરીક્ષિતે શુકદેવજીને તેનું કારણ પૂછ્યું. શુકદેવજીએ કહ્યું: ‘સર્વ પ્રાણીઓને પોતાનો આત્મા જ વહાલો હોય છે. ધન, સંતાન અને અન્ય પદાર્થોવહાલા લાગે છે તે પણ પોતાના આત્મા પ્રત્યેના વહાલને કારણે જ વહાલા લાગે છે. શ્રીકષ્ણ સર્વના આત્મસ્વરૂપ અંતર્યામી હતા તેથી તેમના પ્રત્યે ગોકુળના ગ્રામજનોને અલૌકિક પ્રેમ ઊપજતો હતો (૧૪/૫૦-૫). યાદ રહે કે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કયે બરાબર આવી જ વાત પોતાની આત્મપ્રિયા મૈત્રેયીને કરી હતી.

ગોકુળ એટલે ભોળપણની રાજધાની. તુકારામ કહેતા કે ભોળપણ એ તો ભકતનું ભૂષણ છે. નરસિંહ મહેતાએ ગોકુળિયા ભોળપણનો મહિમા કર્યો:

ભોળી રે ભરવાડણ, હરિને વેચવા ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો, વહાલો મટુકીમાં ઘાલી.
અનાથના નાથને વેચે, આહિરની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે: ‘લ્યો કોઇ મુરારિ.’

કષ્ણની વાંસળીના સૂર વહેતા થાય ત્યાં ગોપીઓ મુગ્ધ બનીને એ કોસ્મિક સમ્ફિનીના સ્વર ભણી ચાલવા માંડે. નરસિંહ મહેતા કહે છે:

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે ,
સરવ તજી વન ચાલી રે.

શ્રાવણની ઝરમર વચાળે ઊભા રહીને આપણી જાતને ખાનગીમાં એક પ્રશ્ન પૂછવા જેવો છે: ‘જેના પર આપણે મુગ્ધ થઇ શકીએ એવું કશુંક જીવનમાં બરયું છે ખરું?’ વિગ્રહવાન મુગ્ધતાનું નામ છે રાધા! રવીન્દ્રનાથે આજની યુદ્ધપ્રધાન સંસ્કતિને ‘મેસ્કયુલિન સિવિલાઇઝેશન’ ગણાવી હતી.

પુરુષપ્રધાનતાથી ખરડાયેલો સમાજ યુદ્ધ માટે જવાબદાર છે. આજની યુદ્ધસંસ્કતિને મુગ્ધતાથી મઘમઘતો રાધાભાવ જ બચાવી શકે. સાચી ભકિત અંધશ્રદ્ધાની ઓશિયાળી નથી. ડેનિયલ ગોલમેન જેવો મનોવિજ્ઞાની જેને ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ કહે છે તેનો સંબંધ માનવીના ભાવજગત સાથે છે. ડેનિયલ હૃદયને ‘ઇમોશનલ બ્રેઇન’ કહે છે. માનવી પોતાના ભાવજગતને અવગણી શકે ખરો? ભકિતને વેવલાવેડાથી અને વ્યકિતપૂજાથી બચાવી લેવાની છે.

આપણા લોકો કષ્ણની ભકિત છોડીને કયારેક કષ્ણભકત બાવાશ્રીની પૂજા કરવા માંડે છે. ભકિતના ક્ષેત્રમાં પેસી ગયેલો આ પ્રરછન્ન ‘આતંકવાદ’ અંધશ્રદ્ધાના ભમ્મરિયા કૂવા પર બેઠેલો હોય છે. આપણે કૂવાનું થાળું છોડીને છેક યમુના કિનારે જવાનું છે. મેહુલો ગાજે ને માધવ નાચે! અરે! માધવ નાચે, નરસિંહ નાચે, મીરાં નાચે ને દયારામ નાચે તોય આપણે શ્રાવણમાં પણ કોંરા! દયારામ કષ્ણમય બન્યા હશે ત્યારે આવી પંકિતઓ એમને મુખેથી વહેતી થઇ હશે:

આજ ગૈ’તી કાલિંદીને તીરે , ભરવાને પાણી રે
ઊભા તીરે શ્રીહળધરવીરે રે, સારંગ પાણી રે!

મુસ્લિમ ભકતકવિ રસખાનની પંકિતઓમાં પણ આવી જ કષ્ણપ્રીતિ પ્રગટ થઇ છે.

ના માનુષ હૈ તો વહી રસખાની ,
બસૌ વ્રજ ગોકુલ ગાંવ કે ગ્વારન,
જો પશુ હૈ, તો કહા બસુ મેરો,
ચરૌ નિત નંદ કી ધેનુ મંઝારન.

દર્દથી છલોછલ એવા કોઇ હૃદયને નીરખવું એ રાધાને નીરખવા બરાબર છે. પ્રેમની છલોછલતા, મૌનની વાચાળતા અને કરુણા વહેવડાવતી આંખો કોઇ એક જ વ્યકિતમાં એકઠી થાય ત્યારે હૃદયતીર્થની પવિત્રતાનો પરચો મળે છે. એ જ આપણું કાશી, એ જ આપણું કાબા, એ જ આપણું બેથલહમ અને એ જ આપણું સારનાથ! ગોપીની મુગ્ધતા ન હોય એવી કુમારિકાઓની સંખ્યા ઝાઝી નથી હોતી. એવી કોઇ મુગ્ધાને પરણનારો લલ્લુ દહેજની રકમ સ્વીકારે ત્યારે સાક્ષાત્ કષ્ણતા અપમાનિત થતી હોય છે. આવા કોઇ માણસને યાત્રિક તરીકે પણ ગોકુળમાં પ્રવેશ ન મળવો જોઇએ. એ મથુરાથી પાછો ફરે તે યોગ્ય છે. જે સમાજ દીકરી અવતરે તે પહેલાં તેની ભ્રૂણહત્યા કરે તેને ‘રાધા’ શબ્દ બોલવાનો પણ અધિકાર નથી. બાલકષ્ણની પૂજા કરનારો સમાજ બાલમજૂરીને મંજૂર રાખે ત્યારે વૃંદાવનની તીર્થયાત્રા શા કામની?

પ્રેમક્રાંતિના પ્રારંભ માટે શ્રાવણથી ચડિયાતો કોઇ મહિનો નથી. સદીઓ વીતી તોય માનવજાતને આજે પણ એક યક્ષપ્રશ્ન સતાવી રહ્યો છે: ગોકુળ જોઇએ કે કુરુક્ષેત્ર? જો મેઘધનુષી પ્રેમક્રાંતિ નિષ્ફળ જાય તો મિસાઇલોની ડોક પર લટકતા અણુબોંબ તૈયાર જ છે. ભકિતની ભીનાશ વિનાનું જ્ઞાન-વિજ્ઞાન પ્રજાળે છે.

ભકિતની ભીનાશ વિનાનું કર્મ વૈતરું છે. શ્રાવણી ઝરમર તો કષ્ણની મનમોહક અને હૃદયલુભાવન સ્મિતવર્ષા છે. પ્રસન્નતા નથી ત્યાં સ્મિત નથી. પ્રસન્નતા ન હોય તો જ્ઞાન પણ બોજરૂપ છે. આજના ટેકનોમાનવને વારંવાર ડિપ્રેશન રહેતું હોય છે. એ તો સ્વધર્મ ભૂલેલા, સ્વભાવથી ભિન્ન એવા વ્યવહારમાં અટવાયેલા અને સ્વરૂપનું ભાન ગુમાવી બેઠેલા નગરમાનવનો વિષાદ છે. એ વિષાદનું મૂળ અને કુળ ‘અર્જુનવિષાદયોગ’માં પડેલું છે. ડિપ્રેશનનો લાભ લેવામાં અર્જુન આપણો ગુરુ બની શકે તેમ છે. ગ્ખ્પ્તઞ્ થ્ૂજઞ્ર્ ન્ગ્ણ્ર જગ્રરગ્થ્.

માખણચોરી પર અસંખ્ય ભજનો રચાયાં કારણ કે એ ચોરી પણ અલૌકિક અને અભૌતિક હતી. આજે માખણચોરીની જગ્યાએ દિલચોરી અને દાણચોરી ગોઠવાઇ ગઇ છે. આખો ને આખો સમાજ જાણે ‘વાણિયો’ બની ગયો! રાસલીલા ગાયબ અને કપટલીલા નોર્મલ! દયારામે ડિપ્રેશનથી છૂટવાનો ઉપાય બતાવ્યો છે:

મન તણો ગુરુ મન કરશે
તો સાચી વસ્તુ જડશે.

પાઘડીનો વળ છેડે

માત્ર બે જ બાબતો અનંત છે:
એક છે વિશ્વ
અને બીજી છે માણસની મૂર્ખતા.
અને હા, મને
પહેલી બાબતની ખાતરી નથી.
-આલ્બર્ટ આઇન્સ્ટાઇન

Article by Dr. Gunvant B. Shah in Divya Bhaskar Sunday published on 9 August 2009

Advertisements

2 thoughts on “વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સરવ તજી વન ચાલી રે

    • Dear Sanjaybhai,

      Yes of course! Dr Gunvant shah never sits before the computer for want of time. We operate on his behalf with his consent and consultation.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s