શિયાળાની રાત શીમણી ને સવાર રળિયામણી

winter moriningમુંબઇ પાસે ઘણુંબધું છે, પણ કડકડતી ઠંડીનો હૂંફવૈભવ નથી. મન મૂકીને ઠંડી પડે ત્યારે એક હૂંફાળી ઘટના બને છે. એવે વખતે રજાઇ ઓઢવાને બદલે એમાં ભરાઇ જવાની મજા માણવા જેવી હોય છે. ધીરે ધીરે આપણા જ શરીરની ઉષ્માને કારણે પથારી અને રજાઇ વચ્ચે પોતીકી હૂંફનો મનભાવન કોશેટો રચાય છે.

સવાર પડે ત્યારે એ કોશેટો છોડતી વખતે મહાભિનિષ્ક્રમણ થતું હોય એવી લાગણી થાય છે. કવિ કહે છે : ‘જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ.’

સમગ્ર સંસાર માણસને કયાંકથી પ્રાપ્ત થતી થોડીક હૂંફ પર ટકી રહ્યો છે. હૂંફ સ્વભાવે માતૃધર્મા છે. માણસ મોટો થાય અને રાષ્ટ્રપ્રમુખ બની જાય, તોય એની ભીતર એક ગલૂડિયું લપાઇને બેઠેલું હોય છે, જે માતાની ગોદમાં ભરાઇ જવાની ઝંખના સેવતું રહે છે. શિયાળાની કડકડતી રાતે એ ગલૂડિયું રજાઇમાતાની હૂંફ પામે છે.

ગરીબની ગોદડીનાં કાણાંમાંથી ઠંડી પેસી જાય ત્યારે પાસે સળગતું તાપણું વહાલું લાગે છે. પેરિસમાં ગરીબોને ગટરનાં ઢાંકણાં પર સૂતેલાં જોયાં હતાં. તપાસ કરી ત્યારે જાણવા મળેલું કે અંદર વહેતા ગરમ પાણીને કારણે ટાઢનો સામનો કરવામાં થોડીક મદદ મળે છે.

‘પોસ્ટ ઓફિસ’ વાર્તામાં ધૂમકેતુ શિયાળાની રાતને ‘શીમણી’ કહે છે. તેઓના શબ્દો કાન દઇને સાંભળો : ‘અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું.’

મુંબઇમાં ઠંડીના કટકા નથી પડતા, પરંતુ બારે મેઘ તૂટી પડે તેવો ભીનોછમ વૈભવ ત્યાં મળે છે. આષાઢના પ્રથમ દિવસે મેઘદૂત મહોત્સવ જામે ત્યારે મુંબઇગરાને એક શબ્દ ખલનાયક જેવો અળખામણો લાગે છે : ‘ઓફિસ.’ મહાનગરોમાં ઓફિસાસુરનો આતંકવાદ માણસના જીવનને ઓહિયાં કરી જાય છે. આવું બને ત્યારે વરસાદ પણ વહાલો ન લાગે.

શિયાળાની રાતે ‘પાછલી ખટઘડી’ પૂરી થવા આવે ત્યારે મને ચાલવાની ચળ ઊપડે છે. અંધારામાં લંબાયે જતી સડક પર આવેલા પ્રત્યેક ખાડાના સ્વભાવને સમજવામાં તારાઓનું આછું અજવાળું મદદરૂપ થાય છે. શિયાળામાં પણ જે માણસ ધીમી ગતિએ ચાલે તેની પત્નીની દયા કોઇ નથી ખાતું. લંડન-પેરિસ-ન્યૂ યોર્ક- બર્લિનમાં ડોસીઓ પણ મરેલી ચાલે નથી ચાલતી.

મુંબઇની ગુજરાતણો પ્રમાણમાં ઝડપથી ચાલે છે કારણ કે તે સમયસર કયાંક પહોંચવા માગે છે. સાડીને બદલે પંજાબી ડ્રેસ કે પેન્ટ પહેરનારી સ્ત્રીઓની ચાલમાં થોડુંક ચેતન અવશ્ય ઉમેરાયું છે. ડોકટરો કહે છે કે પગ એ બીજું હૃદય છે. મરવાના વાંકે ચાલનારા, ઢીલું ઢીલું બોલનારા, વીલું વીલું હસનારા અને માથે લીધેલું કામ ધીમું ધીમું કરીને વખત મારનારા માણસોને દેશદ્રોહી કોણ કહેશે?

રોજ નિયમિત ઝડપભેર ચાલનારનું હૃદય પોતાના માલિકને દગો દેવા તૈયાર નથી હોતું. કોઇ પણ હાર્ટને ફેઇલ થવાનું નથી ગમતું.શિયાળાનું સૌંદર્ય હૂંફ થકી પ્રગટ થાય છે. ઉનાળાનું સૌંદર્ય પવનની શીતળ લહેરખી દ્વારા પ્રગટ થાય છે. ચોમાસાનું સૌંદર્ય ભીનાશથી ભરેલા હૃદય થકી પ્રગટ થાય છે.

શિયાળામાં જે સ્થાન હૂંફવૈભવનું છે, તેવું જ સ્થાન માણસના જીવનમાં મૈત્રીવૈભવનું છે. ભગવાન બુદ્ધે મૈત્રીને બ્રહ્મવિહારના પહેલા પગથિયે આદરપૂર્વક બેસાડી છે. જપાનની એક કહેવતના શબ્દો છે : ‘એક જ મધુર શબ્દ શિયાળાના ત્રણ મહિના સુધી ગરમાટો પૂરો પાડે છે.’ જે માણસ એકાદ સાચી મૈત્રી પામ્યો હોય તેને ‘ગરીબ’ કહેવામાં સમૃદ્ધિનું અપમાન છે.

જયાં દિલ હોય ત્યાં દલીલ ન હોય. જયાં સરચાઇ હોય ત્યાં સ્માર્ટનેસની જરૂર નથી પડતી. જે મૈત્રી એકાદ ગેરસમજને કારણે તૂટી પડે, તે મૈત્રી તો તૂટી પડવાને જ લાયક હતી. દાબદબાણિયાં લગ્નોને સ્વીકારનારો રુગ્ણ સમાજ સ્વરછ છૂટાછેડા સ્વીકારે તે માટે કદાચ આપણે બાવીસમી સદીના આરંભ સુધી રાહ જોવી પડશે.

એનાતોલે ફ્રાન્સ સાવ સાચું કહે છે : ‘આપણને ન ગમતાં હોય તેવા લોકોથી દૂર થઇ જવું એ કેટલી સુંદર બાબત છે?’ છૂટાછેડા પતિ-પત્ની વરચે જ થાય એવું નથી. મૈત્રી મધુર હોય તો પવિત્ર છે. કેટલાક માનવસંબંધો તૂટે તેને પણ છૂટાછેડા ગણીએ તો ‘સ્વરછ છૂટાછેડા’ પવિત્ર છે.

આપણા જીવનમાં કાયમ કેટલીક એવી વ્યકિતઓ હોય છે, જે નજીક ન આવે તો તેમનો આભાર માનવો જોઇએ. તુલસીદાસ કહી ગયા કે અસંતથી દૂર ભાગો. કયારેક કેટલાક એવા ગંધાતા નમૂના સામે ભટકાઇ જાય છે કે આપણને આપણું નાક દબાવવાનું મન થાય.સૂર્ય કદી હિમાલયવાદી, ગંગાવાદી, મંદિરવાદી, ખેતરવાદી, ઝૂંપડીવાદી કે બંગલાવાદી નથી હોતો.

એ તો કેવળ ‘હોય’ છે. એનું હોવું એટલે જ અંધારાનું ન હોવું. સૂર્ય કદી અંધારા પ્રત્યે શત્રુતા નથી રાખતો કારણ કે છેલ્લાં કરોડો વર્ષોવીતી ગયાં, તોય સૂર્યની નજરે કયારેય અંધારું પડયું નથી. આમ સૂર્યને પ્રકાશવાદી, ઉષ્માવાદી કે ઊર્જાવાદી ગણવાનું પણ યોગ્ય નથી. સૂર્ય કેવળ સૂર્ય છે અને એ છે તેથી આપણે છીએ.

શિયાળાની સવારે સૂર્યને જોવાનો નથી. આપણામાં બચેલી બધી આભારવૃત્તિ (ગ્રેટફુલનેસ) એકઠી કરીને એનાં દર્શન કરવાનાં છે. ઉપનિષદના ઋષિએ સૂર્યની સામે જોઇને શબ્દો ઉદગાર્યા હતા : ‘તારું કલ્યાણકારી સ્વરૂપ હું નીરખું છું. જે પરમપુરુષ તમે છો, તે જ હું છું.’ પરમેશ્વર પછી માનવીની સમજમાં આવે એવું કોઇ જીવનમય, ઊર્જામય અને પ્રકાશમય સત્ય હોય તો તે સૂર્ય છે.

સૂર્યપૂજા ભારતવર્ષમાં હતી, ઇજિપ્તમાં હતી અને ઇન્કા સંસ્કતિ (પેરુ) માં પણ હતી. તમે બદરી-કેદારના કોઇ શિખર પર હો કે ગ્રાન્ડ કેન્યનની ભવ્ય ભેખડની ધાર પર હો કે કિલિમાંજારોની ટોચ પર હો, બધે તમને સૂર્યોદય સમયે પ્રાર્થનામય પળ મળી જ રહેવાની. જો આપણે બેભાન હોઇએ તો શિયાળાનો સૂર્યોદય પણ લાચાર!

સૂર્યનું સત્ય આખરે તો પરમ સત્યનું સંતાન છે. સત્ય કદી પણ માકર્સવાદી, ગાંધીવાદી, હિંદુત્વવાદી, ઇસ્લામવાદી, યહૂદીવાદી કે ઇસુવાદી નથી હોતું. સત્ય કેવળ સત્ય હોય છે. આપણા પરિશુદ્ધ ‘હોવા’ પર જયારે સ્માર્ટનેસ ચડી બેસે ત્યારે મુખવટો પહેરવો જ પડે છે. માણસના સ્ટેટસનો ખરો આધાર સત્યનિષ્ઠા પર હોવો જોઇએ.

જયારે સ્ટેટસ ચૌદ કેરેટનું હોય ત્યારે સ્માર્ટનેસ હડસેલો મારીને માણસની સત્યનિષ્ઠા પર ચડી બેસે છે. એ પ્રક્રિયા પૂરી થાય ત્યારે સમાજને એક વી.આઇ.પી. પ્રાપ્ત થાય છે. મહાનગરના કુલ પ્રાણવાયુ પર જયારે કાર્બન ડાયોકસાઇડનું આક્રમણ વધી પડે ત્યારે લોકો માસ્ક પહેરવા માંડે છે.

આપણા બીઇંગ પર જયારે પણ સ્માર્ટનેસનું આક્રમણ થાય ત્યારે મુખવટો પહેરવો પડે છે. સ્માર્ટનેસનો વટ પડે છે, જયારે સત્યનિષ્ઠાનો પ્રભાવ પડે છે. જયાં વટની બોલબાલા હોય ત્યાં મુખવટો હોવાનો. લોકો જેને સ્ટેટસ કહે છે તે કયારેક તો ભવ્ય ચણતરવાળો ખાળકૂવો હોય છે. ખાળકૂવો ઝટ દેખાતો નથી. એ પોતાની દુર્ગંધને સંતાડી રાખે છે.

શિયાળાની એક ખૂબીનો હું આશક છું. શિયાળો કદી પણ ઠંડો હોવાનો દંભ નથી કરતો. એ ઠંડો ‘હોય’ છે. માણસને ચોરી કરવામાં શરમ નથી લાગતી, પણ જેલમાં જવામાં લાગે છે. ગણિકા શરમાતી નથી, પણ ગણિકાને ત્યાં જનારા સૌ છાનામાના જાય છે. આપણે રોજ રોજ જાતજાતના મુખવટાઓને મળીએ છીએ. કયારેક એવું પણ બને છે કે કોઇ ચહેરાને મળવાનું બને છે. એવું મળવું એ જ મૈત્રી છે અને મૈત્રીની સૌથી પ્રિય ઋતુનું નામ શિયાળો છે.

પાઘડીનો વળ છેડે

હે શિયાળુ પવન!
વહેતો રહેજે, વહેતો જ રહેજે.
પોતાના પર થયેલા
ઉપકારને ભૂલી જનારા
મનુષ્ય જેટલો નિર્દય તો
તું નથી, નથી અને નથી. – વિલિયમ શેકસ્પિયર

Article by Dr.Gunvant B. Shah published in Divya Bhaskar Sunday, on January 18, 2009

Advertisements

One thought on “શિયાળાની રાત શીમણી ને સવાર રળિયામણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s