Matru Bhasha Vandana

હે ગુજરાતીઓ! આ છેલ્લી ટ્રેન છે

Gunvant Shah

ટૂંકમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ હોય એ સહજ બાબત છે. એનો વિવાદ ભારતમાં છે તેના મૂળમાં આપણું ગુલામી માનસ (કોલોનિયલ માઇન્ડ) કામ કરી રહ્યું છે. દુનિયાનો કોઇ પણ કેળવણીકાર આ બાબતે અવઢવમાં નથી. આવું લખવા પાછળ અંગ્રેજી પ્રત્યે કોઇ દ્વેષ નથી. અંગ્રેજી ભાષા પ્રત્યે મને અઢળક પ્રેમ છે. ક્યારેક તો હું અંગ્રેજીમાં વિચારે ચડી જાઉ છું. કેટલીયે વિશ્વપરિષદોમાં અંગ્રેજીમાં પ્રવચનો કર્યા છે અને પરદેશી જર્નલોમાં અંગ્રેજીમાં સંશોધન પેપર્સ પ્રગટ કર્યા છે. અંગ્રેજી માઘ્યમનો વિરોધ એ અંગ્રેજીનો વિરોધ નથી, નથી અને નથી જ!gunvant shahકવિ ઉમાશંકર જોશીના નિવાસનું નામ ‘સેતુ’ હતું. ગુજરાતના વિદ્યાપુરુષ એવા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જ્યારે કવિના નિવાસે ગયા ત્યારે ઝાંપા પાસે થોભી ગયા. એમના સ્વાગત માટે ઊભેલા ઉમાશંકરભાઇને મુ.વિષ્ણુભાઇએ જે યાદગાર શબ્દો કહ્યા તે સાંભળો :

આ સેતુ તે તો પૂર્વ અને પશ્વિમ વચ્ચેનો સેતુ,અઘ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સેતુ,તથા પ્રાચીન અને અર્વાચીન વચ્ચેનો સેતુ!

save gujaraitiઆવા થોડાક શબ્દોમાં તો મુ.વિષ્ણુભાઇએ કવિના વિશ્વરૂપદર્શનનો મર્મ પ્રગટ કરી દીધો! કવિ અને મનીષીનું એ મિલન યાદગાર હતું.

આજનો યક્ષપ્રશ્ન એ છે કે : શું ગ્લોબલાઇઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં પરિબળો જોશીલાં હોય ત્યારે શિક્ષણનું માઘ્યમ માતૃભાષા હોય એવી વાત ટકી શકે ખરી? શું એ સામે પ્રવાહે તરવા જેવી બાલિશ વાત નથી? આ બે પ્રશ્નોમાં ભારોભાર પ્રામાણિકતા રહેલી છે, તે સાથે ભારોભાર નાદાનિયત પણ રહેલી છે.

યુરોપમાં બ્રિટન સિવાયના બધા દેશોની માતૃભાષા અંગ્રેજી નથી. ડેન્માર્ક, સ્વિડન અને ફિનલેન્ડમાં શિક્ષણનું માઘ્યમ અંગ્રેજી નથી. ફ્રાન્સમાં શિક્ષણનું માઘ્યમ ફ્રેન્ચ છે. સ્પેન અને પોર્ટુગલમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા છે, અંગ્રેજી નથી. ઇટલીમાં, જર્મનીમાં, ગ્રીસમાં, નોર્વેમાં, રૂમાનિયામાં, હંગેરીમાં, ચેકોસ્લોવેકિયામાં અને પોલેન્ડમાં લોકો ગોરા ખરા, પણ ઘણાખરા લોકોને અંગ્રેજી બોલતાં પણ આવડતું નથી.

બ્રિટનની માતૃભાષા અંગ્રેજી છે અને શિક્ષણનું માઘ્યમ અંગ્રેજી છે. ટૂંકમાં સમગ્ર યુરોપમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ છે. આ જ વાત રશિયાને, ચીનને, જાપાનને અને સમગ્ર અરબસ્તાનને લાગુ પડે છે. કેનેડામાં બ્રિટિશ કોલમ્બિયામાં અંગ્રેજીનું ચલણ છે, પરંતુ અન્ય કેટલાંક રાજ્યોમાં ફ્રેન્ચનું ચલણ છે અને શિક્ષણનું માઘ્યમ પણ ફ્રેન્ચ છે.

અમેરિકામાં અંગ્રેજી માઘ્યમ હોય એ સ્વાભાવિક છે. ટૂંકમાં શિક્ષણનું માઘ્યમ માતૃભાષા જ હોય એ સહજ બાબત છે. એનો વિવાદ ભારતમાં છે તેના મૂળમાં આપણું ગુલામી માનસ (કોલોનિયલ માઇન્ડ) કામ કરી રહ્યું છે. દુનિયાનો કોઇ પણ કેળવણીકાર આ બાબતે અવઢવમાં નથી.

આવું લખવા પાછળ અંગ્રેજી પ્રત્યે કોઇ દ્વેષ નથી. અંગ્રેજી ભાષા પ્રત્યે મને અઢળક પ્રેમ છે. ક્યારેક તો હું અંગ્રેજીમાં વિચારે ચડી જાઉ છું. કેટલીયે વિશ્વપરિષદોમાં અંગ્રેજીમાં પ્રવચનો કર્યા છે અને પરદેશી જર્નલોમાં અંગ્રેજીમાં સંશોધન પેપર્સ પ્રગટ કર્યા છે. અંગ્રેજી માઘ્યમનો વિરોધ એ અંગ્રેજીનો વિરોધ નથી, નથી અને નથી જ!

ઢાલની બીજી બાજુ ઓછી મહત્વની નથી. હવે અંગ્રેજી જાણ્યા વિના અને ભણ્યા વિના ચાલવાનું નથી. ગૂજરાત વિદ્યાપીઠમાં કે ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં પણ ઉત્તમ અંગ્રેજીના શિક્ષણની અને કોમ્પ્યુટર કૌશલ્યની કેળવણીની વ્યવસ્થા ન હોય તો વિદ્યાર્થીઓ મોટાં થઇને ગાંધીજનોને માફ નહીં કરે.

‘અંગ્રેજી હટાવ’ ઝુંબેશ ચલાવનારા રામમનોહર લોહિયાનું અવસાન ૧૯૬૮માં થયેલું. એ વખતે પણ લોહિયાજી સાથે હું અસંમત હતો. જાણી રાખવા જેવું છે કે ભારતમાં અન્ય કોઇ પણ યુનિવર્સિટીઓમાં કોમ્પ્યુટર ન હતું, ત્યારે રામલાલ પરીખ ગૂજરાત વિદ્યાપીઠમાં કોમ્પ્યુટર લાવ્યા હતા.

તે દિવસોમાં વિદ્યાપીઠના ગેસ્ટહાઉસમાં (રૂમ નંબર પાંચમાં) આવીને મને સદગત નવલભાઇ શાહે કહ્યું હતું : ‘આ રામલાલને થયું છે શું?’ તે વખતે પણ મારો ટેકો રામલાલભાઇની દીર્ઘદ્રષ્ટિને હતો. તે વખતે પણ રામલાલભાઇ અંદરથી લોહિયાજીના ‘અંગ્રેજીવિરોધ’ સાથે જ સંમત હતા. સમય સમયનું કામ કરે છે.

આજનું ગુજરાત ઢાલની બંને બાજુનો સ્વીકાર ઝંખે છે. અંગ્રેજીની ઉપેક્ષા આજનાં માતાપિતાને જરા પણ માન્ય નથી. તેઓ ગુજરાતી ભાષાના વિરોધી નથી. જો કોઇ દ્રષ્ટિવંત આચાર્ય કે પ્રાઇવેટ સ્કૂલ-કોલેજ ચલાવનારી મેનેજમેન્ટ ગુજરાતી માઘ્યમની ઉત્તમ નિશાળમાં ઉત્તમ અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા કરે, તો એવી નિશાળમાં વાલીઓ પ્રવેશ માટે પડાપડી કરશે.

અમદાવાદમાં સી.એન.વિદ્યાલય આવી મોડલ (model) નિશાળ બની શક્યું હોત. જો ગુજરાતના સમજુ-શાણા-વ્યવહારુ વાલીઓ ધારે તો હજી આજે પણ ૧૦૦૦ નવી ‘મોડલ સ્કૂલો’ શરૂ કરી શકે અને ગુજરાતી માઘ્યમની નિશાળોને એવા આદર્શ નમૂનામાં ઢાળી શકે. ગુજરાતી ભાષા, કલ્ચર અને અસ્મિતા બચાવવા માટે આ છેલ્લી ટ્રેન છે.

આપણી કોલોનિયલ લઘુતાગ્રંથિ કેવી છે? કોઇ ચર્ચા ટીવી પર ચાલતી હોય ત્યારે હિંદીમાં મજબૂત દલીલ કરનારા વિદ્વાન કરતાં પણ અંગ્રેજીમાં નબળી દલીલ કરનારનો વધારે પ્રભાવ કેમ પડે છે? ખોટા અંગ્રેજીમાં બોલનાર લલ્લુ, શુદ્ધ ગુજરાતીમાં બોલનાર ચાલાક મનુષ્ય કરતાં વધારે ‘સ્માર્ટ’ જણાય તેનું કારણ શું?

વિજ્ઞાની નારલિકર કહેશે કે શિક્ષણનું માઘ્યમ તો માતૃભાષા જ હોવું જોઇએ. માતૃભાષાનો સંસ્કારવૈભવ ગુમાવી બેઠેલું સ્વર્ણિમ ગુજરાત પિત્તળિયું ગુજરાત બની નહીં જાય? ગુજરાતી ભાષા વિના ગુજરાતની અસ્મિતા ટકી શકે ખરી? યસ, આ છેલ્લી ટ્રેન છે. અંગ્રેજી માઘ્યમની નિશાળોમાં બાળક શું પામે છે તેની ખબર સૌને છે, પરંતુ એ શું ગુમાવે છે તેની ખબર કોને હશે?

નરેન્દ્ર મોદીનું અંગ્રેજી બહુ સારું નથી. આમ છતાં એમનું અંગ્રેજી જાપાનના યુકીઓ હાટોયામા કરતાં, ફ્રાન્સના નિકોલસ સાર્કોઝી કરતાં, જર્મનીનાં એન્જેલા મારકેલ કરતાં, ચીનના હુ જિન્ટાઉ કરતાં, ઇટલીના સિલ્વિયો બેરલુસ્કોની કરતાં, રશિયાના ડ્મિટ્રી મેડ્વેડેવ કરતાં, સાઉદી અરેબિયાના કગિં અબ્દુલ્લાહ કરતાં અને ભારતનાં સોનિયા ગાંધી કરતાં ખોટું નથી.

ગુજરાતની પ્રજા એમને પૂછવાની છે : ‘નરેન્દ્રભાઇ, તમે ગુજરાતીના સંગોપન-સંવર્ધન અંગે શું કર્યું?’ માતૃભાષાનું માઘ્યમ ગ્લોબલાઇઝેશનમાં અડચણરૂપ નથી. વિદ્યાર્થી ટેબલ વિશે ભણે ત્યારે ‘ટેબલ’ની સંકલ્પના (કન્સેપ્ટ) આત્મસાત્ કરે છે. સમજણ ખીલે તેમાં પારકી ભાષાનું માઘ્યમ બોજરૂપ છે. કોઇ અંગ્રેજ બાળકને ગુજરાતી માઘ્યમમાં ભણાવી તો જુઓ!

ગાંધીનિર્વાણ દિને નરસિંહ મહેતાની નગરી જૂનાગઢથી માતૃભાષા વંદનાયાત્રાનો પ્રારંભ થશે. એ યાત્રા ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, કડી, પાલનપુર, મહેસાણા, વલ્લભવિદ્યાનગર, નડિયાદ, વડોદરા, ભરૂચ, બારડોલી, વલસાડ, બીલીમોરા અને નવસારી થઇને છઠ્ઠી ફેબ્રુઆરીએ સુરતમાં વિરામ પામશે.

યાત્રામાં ગુજરાતી ભાષાનાં ૧૦૦ ઉત્તમ પુસ્તકોનું પ્રદર્શન-વેચાણ થાય તેવું સુંદર આયોજન ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી થયું છે. એ યાત્રામાં પ્રવચનો ટૂંકાં હશે અને ઔપચારિકતા ઓછી હશે. સભા મોટી દેખાડવા માટે પી.ટી.સી.ના કે નિશાળોના વિદ્યાર્થીઓનો ગેરઉપયોગ કરવાની સખત મનાઇ છે.

અમે સૌ યાત્રાળુઓ અમારા માનવંતા, યશવંતા અને ગુણવંતા યજમાનોને જણાવવાની રજા લઇએ છીએ કે અમને સગવડ પ્રત્યે કોઇ પણ જાતનો દ્વેષભાવ નથી. ગુજરાતી ભાષાના આપણા મૂર્ધન્ય સાહિત્યકારો જુદે જુદે સ્થળે યાત્રામાં જોડાવાના છે. કેટલાંક નગરોમાં અઘ્યાપકોનાં સંમેલનો પણ ગોઠવાયાં છે.

જે ગામોમાં યાત્રા નથી પહોંચવાની ત્યાંથી ઉપયાત્રાઓ નીકળીને યાત્રામાં જોડાવાની છે. માતૃભાષાના માઘ્યમ માટે આગ્રહ રાખનારા મહાત્મા ગાંધીજીના આશીર્વાદ અમને મળશે એવી શ્રદ્ધા છે. તમે જે ભાષામાં રડી શકો તે તમારી માતૃભાષા. એ ભાષામાં ભણવું એ બાળકનો જન્મસિદ્ધ અને જીવનસિદ્ધ અધિકાર છે. જય જય ગરવી ગુજરાત!

પાઘડીનો વળ છેડે –માણસ જો પારકી ભાષામાં કડકડાટ બોલવા લાગે તો એ ભાષામાં વિચારવા માંડે છે. પારકી ભાષા બોલતી વખતે એ જાણે ‘બીજો માણસ’ હોય તેવું અનુભવે છે. આ ‘બીજો માણસ’ મોહ પમાડે છે, પરંતુ ક્યારેક મન સ્વચ્છ હોય ત્યારે સહજપણે અંદર રહેલો માણસ હૃદયનો કબજો લઇ લેતો હોય છે.-ટી.એસ.એલિયટ

નોંધ : એલિયટે લખેલા નાટક ‘ધ કોન્ફિડેન્શિયલ ક્લાર્ક’ ના પ્રથમ પ્રવેશમાં એક પાત્રના મુખેથી બોલાયેલા આ શબ્દો આપણને જગાડી શકે તેટલા પ્રાણવાન છે. ગુજરાતીઓ ક્યારે જાગશે?

This is the message from Gunvant shah to all Gujaraties in the world.

Advertisements

6 thoughts on “Matru Bhasha Vandana

 1. આદરણીય શ્રી ગુણવંત શાહ
  આપનો આ લેખ ખૂબ જ સુંદર અને માતૃભાષામાં અપાતા જુદા જુદા દેશોમાં અપાતા શિક્ષણ વિષે સુંદર માહિતિ આપનારો હોઈ આપનો આ લેખ દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં વાંચ્યા સાથે જ દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના લાભાર્થે મારાં બ્લોગ ઉપર આપના અને દિવ્ય ભાસ્કરના સૌજન્ય સાથે પ્રસિધ્ધ કર્યો છે. આપનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ આપની આ માતૃભાષા વંદનની યાત્રા ને એકી અવાજે વધાવી લેશે અને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું !

  સ-સ્નેહ
  અરવિંદ

 2. Respected Gunvant Shah,
  I request you to write about lord Krishna. Specially i want to know that what was happen with Radha when Krishna left her. I read only about Krishna. I have not found any information about Radha. I want to know history of Radha. If you know any book which has information of Radha then please let me know.

  Regards,
  Pradip Savaliya

 3. બ્લોગની દરેક પોસ્ટ ની નીચે બીજા દ્વારા કરવામાં આવતી છણાવટને comments કહેવામાં આવે છે. સાચું કહું તો આપના જેવા મહાન વિચારક અને લેખક કે જેને એક વાર વાંચતા જ પ્રસંશક થઇ જવાય તેવી હસ્તી ના લેખ પર અમો comments કરી શકવાની લાયકાત ધરાવતા નથી. હા આપની પોસ્ટ સાથે અમો જોડાઈ જરૂર શકીએ. ફક્ત શિષ્યભાવથી… હું ખુબ જ વિનમ્રતા પૂર્વક જણાવવા માંગું છુ કે હું આપનો પ્રસંશક છું. અને આ “માતૃભાષા વંદના યાત્રા”ની અભિયાન બાદ આપની પ્રત્યેના આદરમાં ઓર વધારો થયો છે. માતૃભાષા વિષે એકાદ જાણીતી વાત હું લખું છું. આશા રાખું છું કે આપને પસંદ આવશે.

  “માણસ જે ભાષામાં બોલે તેના કરતા જે ભાષામાં વિચારે તે તેની માતૃભાષા કહેવાય છે.”

  ગુજરાત માં જન્મીને મોટો થયેલ માણસ કે જેના ઘરનું વાતાવરણ ગુજરાતી હોય તો તે ભલે અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ લે. પરંતુ તે અંગ્રેજી માં વિચારી શકે તે શક્યતા ઘણી ઓછી છે. મેં એવી વ્યક્તિ પણ જોઈ છે કે જેનો જન્મ લંડન માં થયો છે, જે ગુજરાતી લખી વાંચી શકતો નથી. પરંતુ તે એટલું શદ્ધ ગુજરાતી બોલે છે કે એક ગુજરાતી તરીકે આપણે પણ આટલું સુંદર અને શુદ્ધ ગુજરાતી બોલી શકતા નથી. કારણકે તેના ઘરે સંપૂર્ણ ગુજરાતી વાતાવરણ છે. દા.ત. જયારે તેમને મારા ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું અને પછી તેમને વધારે જમવા માટે આગ્રહ કર્યો ત્યારે તે વ્યક્તિ ના શબ્દો હતા. ” ના બસ! હવે ધરાઈ ગયો.”

  મને લાગે છે કે ગુજરાતીઓ માટે ” આ છેલ્લી ટ્રેન છે ” પરંતુ તેની સફર પૂરી થઇ ને સફળ થવાની શક્યતાઓ બહુ જ ઉજળી છે..

  ફરીથી આપણે આદર સાથે શુભેચ્છાઓ પાઠવું છું..

  પરાગ ચોકસી

 4. Respected Gunvant Shah,
  First of all Congratulation for ur success “matrubhasha vandan yatra” and thank you very much to guide such a nice way to all gujaratis in this manner.

  You help me lot to take brave decision, either I Educate my child in Gujarati Medium or English Medium? Because I face many different opinion on this.and only 1 or 2 people suggest that I have to educate in gujarati medium,rest were suggest for English medium.

  I hope you will definately do next step after success of “Matrubhasha vandan yatra”

  Thankyou again,
  regards,

  bhavin

 5. આપે લખ્યું છે કે હે ગુજરાતીઓ! આ છેલ્લી ટ્રેન છે…. તો આ વાત સાથે હું સંમત પણ છું અને નથી પણ… સંમત એટલા માટે કે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે કોઈક તો ચિંતા કરે છે… પણ આ કોઈ એકે ચિંતા કરવા જેવો સવાલ નથી… પણ પુરા સમાજે આ બાબતે ચિંતા કરવી જોઈએ… તમારી વાત સાથે એટલા માટે સંમત નથી.. કેમકે આજે ગુજરાતી ભાષામાં કોઈ એવા સાહિત્યકાર નથી કે જે ગુજરાતી ભાષા સાચી લખીને કે તેને જીવંત રાખી શકે એવી કોઈ રચના પણ નથી… આજના જે સાહિત્યકારો છે તે તમામ માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે જ લેખ લખે છે… માટે લખીને ચિંતા કરવી સહેલી છે પણ તેનો અમલ કરવો ખુબ જ અઘરો છે…. હું કોઈ તમારા લેખની ટીકા કરી શકું એટલો સક્ષમ તો નથી… પણ આજના સ્પર્ધાત્મક યુગમાં ગુજરાતી ભાષાને કોઈ જગ્યાએ સ્થાન નથી અપાયું ત્યારે તમે પોતે વિચારો કે કયા માતા પિતા તેમનું બાળક અન્ય બાળકોથી પાછળ રહે એવું ઈચ્છે… એટલે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે છે… ત્યારે માતાપિતાને દોષ દેવા કરતા આપણી સિસ્ટમનો દોષ વધારે છે…. જોકે આ તબક્કે હું એટલું જ કહીશ કે તમારી ગુજરાતી ભાષાને જીવંત રાખવાની આ ઝુંબેશ ચાલુ રાખવી જોઈએ અને એમાં મારો પણ સહયોગ આપવા તૈયાર છું…. આપના લેખ અંગેના મારા વિચારો એટલા મજબુત તો નથી… પણ જે વિચારો સ્ફૂર્યા તે લખ્યા… તમને ખુબ ખુબ અભિનંદન આટલી ચિંતા કરવા બદલ.. અને આ ઝુંબેશ સફળ થાય એવી શુભકામનાઓ…..

  અભિજિત તુષાર ભટ્ટ, અમદાવાદ

 6. Pingback: Webમહેફિલ » Blog Archive » ગુજરાતી : ઉમાશંકર જોશી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s