Divya Bhasker Article 14-3-2010

સફળતા કરતાં સાર્થકતા ઊંચેરી

Gunvant Shah

સફળતા પ્રાપ્ત કરવાની ઝંખના વ્યક્તિને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી.

vicharona vrndavanmaસૌ દોડી રહ્યાં છે. તેઓ દોડવામાં જ એટલાં રમમાણ છે કે દિશા અંગે વિચારવાનો સમય નથી. દોડવાનું પ્રયોજન શું છે? દોડવું એ જ દોડવાનું પ્રયોજન ન હોઇ શકે. ઘોડાની રેસ જોવાનું બન્યું નથી, પરંતુ ફિલ્મોમાં વગર લેવેદેવે દોડતા અને હાંફતા ઘોડાઓ જોયા છે.

જેકપોટ સૌના નસીબમાં નથી હોતો. એક જણ બડભાગી બને તે માટે ઘણા બધા લોકોએ ધોવાઇ જવું પડે છે. સુખને દૂરબીન વડે જોતાં રહેવું પડે છે, પરંતુ નિરાશા તો હાથવેંત છેટી હોય છે. સુખનું શિખર સર કરવા માટે નિરાશાના સરળ હપ્તા પાડવામાં આવે છે. મહત્વાકાંક્ષી માણસનાં કારસ્તાનો બિચારા ઘોડાને જંપીને બેસવા દેતાં નથી.

ઘોડો રેસથી અને જેકપોટથી પર હોય છે. ઘોડો કેવળ ઘોડો જ હોય છે. માણસ પોતાની રુગ્ણતા ઘોડાના જીન પર ગોઠવી દે છે અને બિચારો ઘોડો માણસની પ્રોક્સિમાં દોડતો જ રહે છે.

પુરાણકથામાં અશ્વમાનવ (સેન્ટોર)ની કલ્પના વાંચવા મળે છે. ગિરીશ કર્નાર્ડનું વિખ્યાત નાટક ‘હયવદન’ યાદ આવે છે? આજના અશ્વમાનવનું શરીર અશ્વનું અને મુખ માનવીનું! ઘોડાની રેસમાં એક ઘોડો થોડોક આગળ નીકળી જાય ત્યારે સંભળાતી હર્ષની કિકિયારી, પાછળ પડી ગયેલા ઘોડા પર અરમાનોનો દાવ લગાવી બેઠેલા અન્ય લોકોના કાનમાં ભોંકાતી રહે છે.

એક ઘોડો થોડોક ધીમો પડે ત્યારે અનેક લોકોનું હૃદય એક ધબકારો ચૂકી જાય છે. વિજય પામેલા ઘોડાને થાબડવામાં આવે છે, વહાલથી પંપાળવામાં આવે છે અને ક્યારેક ચુંબન પણ કરવામાં આવે છે. કેટલાય સુખી લોકોની તમોગુણી નવરાશ ઘોડાઓને જંપવા નથી દેતી. લોર્ડ હેલિફેક્સનું વિધાન છે : ‘ઘોડાઓ ચોરવાના ગુના બદલ માણસને ફાંસી નથી અપાતી, પરંતુ ઘોડા ન ચોરાય તે માટે ફાંસી આપવામાં આવે છે.’ અશ્વતા અને મનુષ્યતા વચ્ચેની મૈત્રી સદીઓ જૂની છે.

આપણે સૌ દોડી રહ્યાં છીએ, પરંતુ આપણા મોંમાં ભેરવાયેલી લગામ દેખાતી નથી. રેસકોર્સનું મેદાન ગોળ હોય છે અને આપણી પૃથ્વી પણ ગોળાકાર છે. આગળ નીકળી જવાની લગનમાં મોંમાં ભેરવાયેલી લગામ પણ કોઇને ખૂંચતી નથી. જે ખૂંચવું જોઇએ તે ન ખૂંચે, ત્યારે જાણવું કે મનુષ્ય સફળ થવાના નશામાં ચકચૂર છે.

લગામ વિનાનો મનુષ્ય ક્યાં તો સાધુ હોય કે પછી સેતાન હોય. ઘણા સુખી લોકો ‘લાયન’ તરીકે પોતાને ઓળખાવે છે. જંગલમાં રાજાશાહી નથી હોતી, તોય આપણે સિંહને ‘વનરાજ’ કહીએ છીએ! સિંહને આ વાતની ખબર નથી હોતી. આપણા પ્રક્ષેપો સિંહને માથે મારવામાં આવે છે. કોઇ શિયાળ લુચ્ચું નથી હોતું. કોઇ બગલો દંભી નથી હોતો.

કોઇ વાઘ ક્રૂર નથી હોતો. બધાં પ્રાણીઓ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે જીવે છે. કેવળ મનુષ્ય પોતાની પ્રકૃતિ છોડીને વિકૃતિને પનારે પડે છે. જૂનાગઢના નવાબે કૂતરાનાં લગ્ન ધામધૂમથી કરાવેલાં. ઘોડાનો ઇન્ટરવ્યૂ જ લેવાનો બાકી છે. વરરાજાના ઘોડાનું સ્ટેટસ વરરાજાના સ્ટેટસ જેટલું જ હંગામી હોય છે.

રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીના ઘોડાઓનું સ્ટેટસ ક્ષત્રિયના સ્ટેટસ જેવું જ હોવાનું! માલદાર માણસનો આલ્શેસિયન કૂતરો એરકન્ડિશન્ડ ઓરડામાં સૂઇ જાય એવું નજરે જોયું છે. એ કૂતરાનું ડોગફૂડ, ગરીબ માણસના રોટલા કરતાં વધારે આરોગ્યદાયી હોય છે. ગાયમાતાનાં માનપાન પાળેલા શ્વાન કરતાં ઓછાં હોય છે. ઘોડાઓમાં પંચકલ્યાણી ઘોડો શ્રેષ્ઠ ગણાયો છે.

જે ઘોડો નબળો હોય તેને અબલક કહેવામાં આવે છે. મનુષ્યોની તકરારમાં યુદ્ધ દરમિયાન કુલ કેટલા ઘોડા મર્યા હશે? પોતાની પીઠ પર બેઠેલા રાજાનો દુશ્મન જે ઘોડા પર બેઠો છે, તે ઘોડાને પોતાનો દુશ્મન ગણવાનું કોઇ ઘોડા માટે શક્ય ખરું? રાણા પ્રતાપનો ઘોડો અમરત્વ પામ્યો, પરંતુ વગર કારણે ‘શહીદ’ થયેલા લાખો નિર્દોષ ઘોડાઓનું શું? એમને તો કીર્તિ પણ ન મળી!

હરીફાઇ આજના બિઝનેસનું કાળજું છે. મેનેજમેન્ટ એનું હૃદય છે. નફો એનો પ્રાણ છે. સફળતા એનો ધબકાર છે. સફળતા હવે રોગની કક્ષાએ માણસને કનડતી થઇ છે. સફળતા એક એવો નશો છે, જે માનવીને સાર્થકતાની અનુભૂતિ સુધી પહોંચવા જ નથી દેતો. રૂપસુંદરી મેડોના સફળ થાય છે, જ્યારે કરુણામૂર્તિ મધર ટેરેસા સાર્થક થાય છે.

મોડર્ન મેનેજમેન્ટ, લીડરશિપ અને બિઝનેસના બધા ખ્યાલો સફળતાની સીમ વટાવીને સાર્થકતાના ઉપરવાસ ભણીની યાત્રાનો પ્રારંભ કરાવનારા નથી હોતા. સાર્થકતા એવરેસ્ટની ટોચ પર આસનસ્થ છે, જ્યારે સફળતા પાવાગઢની અડધી માચીએ માંડ પહોંચતી હોય છે. આજનો માણસ છીછરી સફળતાનો આશક બનીને ‘પ્રથમ’ શબ્દના પ્રેમમાં પડ્યો છે.

પ્રથમતા એને ચુંબકની માફક ખેંચે છે. પ્રથમતા પ્રાપ્ત કરવાની ઝંખના એને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી. એનું પરિવારજીવન ખતમ થાય, તોય એ હાંફવાનું છોડવા તૈયાર નથી હોતો. તમે જીભ બહાર કાઢીને બેઠેલા હાંફતા શ્વાસને ધારીને જોયો છે?

એ બેઠો હોય ત્યારે પણ શા માટે હાંફે છે? મોઢું વલ્લું કરીને હાંફવાની એને ટેવ પડી ગઇ છે. ક્યારેક મહાનગરનો માનવી ‘શ્વાનમાનવ’ બનીને હાંફતો રહે છે. હાંફવું એ એની ટેવ છે. નિરાંત તો પછાતપણાની કે અસફળતાની નિશાની ગણાય છે. એ હાંફે છે તેથી ‘ડાયનેમિક’ ગણાય છે. એ દોડે છે તેથી ‘સ્માર્ટ’ ગણાય છે. શ્વાનની બદનક્ષી કરવાનો મારો ઇરાદો નથી.

‘સફળતા’ની વ્યાખ્યા કરવાનું કામ ખિસકોલીને પકડવા જેટલું મુશ્કેલ છે. ‘વ્યાખ્યા’ શબ્દમાંથી ‘વ્યાખ્યાન’ શબ્દ આવ્યો છે. ‘મોંઘવારી’ની વ્યાખ્યા શું? ઘર બંધાઇ જાય એટલી રકમમાંથી માત્ર બાથરૂમ બંધાય, ત્યારે મોંઘવારીનો મર્મ સમજાય છે. મોંઘીદાટ નિશાળોમાં પ્રવેશ મેળવવા માટે આપવામાં આવતું દાન જ્યારે મોંઘા રેસ્ટોરાંમાં બેરરને અપાતી ટિપ જેટલું સહજ બને ત્યારે માનવું કે તમારું ‘જીવનધોરણ’ ઊચું આવ્યું છે.

જ્યારે માણસની ડાબા હાથની કમાણી એના પગાર કરતાં મોટી થાય ત્યારે એ માણસનું ‘જીવનધોરણ’ ઊંચું ગણાય! શહેરની સાર્વત્રિક ગંદકી પણ ક્યારેક રસ્તાના ક્રોસિંગ પર ઊડતા રંગીન ફુવારા આગળ ઝંખવાણી પડી જાય ત્યારે માનવું કે શહેર ‘વિકાસ’ પામ્યું છે.

વરસાદ પડે ત્યારે ફુવારાનો અહં ઘવાય છે. એની સફળતાના ઉછાળા શમી જાય છે. વરસાદ અધોગામી છે, છતાંય સાર્થક છે. ફુવારો ઊર્ઘ્વગામી છતાં વરસાદ પડે ત્યારે એની સફળતાનો પત્તો નથી લાગતો. ફુવારાને સૌથી મોટો ભય ચોમાસાનો લાગતો હોય છે. ફુવારાને રણ ગમતું હોય છે.

સફળતાના રોગને કારણે એક સારો ડોકટર બીજા સારા ડોક્ટરને, એક સારો કવિ બીજા સારા કવિને, એક રૂપાળી સ્ત્રી બીજી રૂપાળી સ્ત્રીને અને એક સંત બીજા સંતને સ્વસ્થતાપૂર્વક સ્વીકારી ન શકે એવું પણ બને છે. સમગ્ર સમાજ જ્યારે એકવીસમી સદીમાં સફળતા નામની વિષકન્યાના પ્રેમમાં ‘પડ્યો’ હોય ત્યારે ‘નિષ્ફળ’ છતાં સ્વસ્થ આદમીને શોધવા માટે દીવો લઇને દિવસના અજવાળામાં નીકળવું પડશે.

એવો આદમી ક્યાંક જડી જાય તો તમારે કોઇ આશ્રમે જઇને પોતાનું ધાર્મિક સામ્રાજય જમાવવા માટેના પેંતરા કરનારા ગુરુજીનો ચરણસ્પર્શ કરવાની તકલીફ નહીં લેવી પડે. આજકાલ મેનેજમેન્ટ, બિઝનેસ અને સફળતાના ખ્યાલો કોઇ મિલ્ટ-નેશનલ કંપનીમાં નહીં, પરંતુ ધનવૈભવથી ફાટફાટ થતા આશ્રમમાં ચરિતાર્થ થતા જોવા મળે છે. સાર્થકતા નામની શીલવાન ગૃહિણીની કામવાળીનું નામ સફળતા છે.

પાઘડીનો વળ છેડે…રાષ્ટ્રપ્રમુખો જે કશુંક પોતાની પત્ની સાથે ન કરી શકે, તે પોતાના રાષ્ટ્ર સાથે કરતા હોય છે.-મેલ બ્રૂક્સ(અમેરિકન ફિલ્મ ડાયરેક્ટર, ‘૨૦૦૦ ઇયર ઓલ્ડ મેન’ માંથી)


Advertisements

One thought on “Divya Bhasker Article 14-3-2010

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s