Articl From Bhagvan Ni Tapal

તમારી સાથો સાથ ચાલતો ત્રીજો પુરુષ

મહાસાગર ભલે અતિ ગહન અને વિશાળહોય,પરંતુ આખરે તો એ અસંખ્ય જલબીન્દુઓનોબનેલો છે. એની બિંદુતા અને વિશાળતા વચ્ચે અતૂટ અનુબંધ રહેલો છે. હિમાલય ગમે તેટલો વિરાટ હોય તોય એ દ્રવ્યના અસંખ્ય કણોનો બનેલો છે. હિમાલયની હિમાલાયતા પણ આખરે તો કણ-કણના સરવાળાની સંપ્રાપ્તિ છે. પૃથ્વી પર પ્રત્યેક સળગતા દીવાની જ્યોત આખરે તો સૂર્યનું જ સંતાન છે. કાળ અનાદિ અને અનંત છે, પરંતુ આખરે તો એ અસ્ખલિત ક્ષણપ્રવાહ  છે. એ ક્ષણપ્રવાહ શાશ્વત છે, પરંતુ શાશ્વતી પણ ક્ષણબિંદુઓની જ અહોનિશ લીલા છે. પરમેશ્વર લીલા-પુરુષોતમ છે.

આપણે નિહાળીએ કે ન નિહાળીએ, પરંતુ સૃષ્ટિમાં સતત ક્ષણપ્રવાહ ચાલી રહ્યો છે. આપણે જાગીએ કે ઊંઘીએ,  સદ્કર્મ કરીએ કે દુષ્કર્મ કરીએ, પ્રવૃત્તિ કરીએ કે પ્રમાદ સેવીએ, પ્રેમસાગરમાં ડૂબકી મારીએ કે રાગદ્રેષના તરંગો પર તરીએ, પાપ કરીએ કે પુણ્ય વાવીએ અને ધ્યાન કરીએ કે નશો કરીએ, પરંતુ એ ક્ષણપ્રવાહ તો સાવ સ્વતંત્રપણે જગતની લીલાથી લેપાયા વગર સતત ચાલતો જ રહે છે. ઘડીભર થંભી જઈને એ પ્રવાહને સાક્ષીભાવે નીરખીએ તો કદાચ સમજાય કે આપણું ‘હોવું’ એ તો અનંત કાળપ્રવાહમાં ઉદભવતું, તરતું, વહી જતું અને વિલીને થતું એક જીવનબિંદુ છે. એ જીવનબિંદુ જ આપણું ચેતનાબિંદુ છે. કદાચ એ જીવનસ્ફુલિંગને ઉપનીષદના ઋષિ આત્મા કહીને પ્રમાણે છે. આત્મા શું તે આપણા જેવા સામાન્ય માણસને ભલે ન સમજાય, પરંતુ વહી જતી ક્ષણને નીરખવાની ટેવ પડે તોય બેડો પાર!

ક્ષણપ્રવાહ કયારે શરૂ થયો એની ભાળ ન મળી તેથી ઋષિઓએ એને અનાદિ કહ્યો. એ પ્રવાહનો કોઈ અંત જણાતો નથી તેથી તેને અનંત કહ્યો. અનાદિ અને અનંત એવા એ ક્ષણપ્રવાહનો સબંધ શાશ્વતી સાથે રહેલો છે. શાશ્વતીના એ મહાપ્રવાહમાં ક્યાંક ઊઠતા એક તરંગ જેવું આપણું જીવન! એ જીવનને ગીતામાં व्यक्तमध्य કહ્યું છે. પરમાત્માએ આપણને જીવન નામની મહાન ભેટ આપી છે. વાતે વાતે સામા માણસને ‘થેંક યૂ’ કહેનારો માણસ જીવન જેવી મહાન ભેટ આપનારા પરમેશ્વરની પ્રાર્થના પણ ન કરે, તો એના જેવો નગુણો બીજો કોણ? જીવતા હોવું એ જેવોતેવો ચમત્કાર નથી. એની આગળ બીજા બધા જ ચમત્કારો ફિક્કા પડી જાય છે. જીવતા હોવું એ ચમત્કાર ખરો, પરંતુ જીવંત હોવું એ બહુ મોટી સંપ્રાપ્તિ ગણાય. જીવંત હોવું એટલે ક્ષણે ક્ષણે જાગ્રત (aware) હોવું. જાગ્રત રહીને ક્ષણમાં નિવાસ કરનારી શાશ્વતીને નીરખવાની છે. આપણે એને ક્ષણયોગ કહી શકીએ. એટલે ક્ષણ સાથેનું તાદાત્મ્ય. ક્ષણયોગ એટલે અનાદિ અને અનંત એવી શાશ્વતી સાથેનું ધ્યાનાનુંસંધાન.

સરિતાનું સૌંદર્ય એના ખળખળ વહેતા પ્રવાહમાં રહેલું છે. ક્ષણસરિતાનું  સૌંદર્ય પણ એના વહેણમાં રહેલું છે. પ્રત્યેક ક્ષણે પારંગતી પરીવર્તનતાને નિહાળવી એ જ વિપશ્યના છે. વિપશ્યના એટલે વિશિષ્ટ રીતે જોવું-પેખવું-નીરખવું. જગતના સમગ્ર સૌંદર્યની જનની પરિવર્તનતા છે. તેથી કહ્યું : ક્ષણે ક્ષણે યન્ન્વતામુપૈતી તદેવ રૂપમ રમણીયતયા: ક્ષણે ક્ષણે જે નવલાં રૂપ ધારણ કરે તે જ સુંદરતાનું ખરું સ્વરૂપ છે. પરિવર્તનતા અને રમણીયતા એકાકાર છે. છોડ પર ખીલેલું પુષ્પ પ્રતિક્ષણ પરિવર્તન પામતું રહે છે તેથી સુંદર છે ઋતુઓ સુંદર દીસે છે કારણ કે ઋતુઓ પૃથ્વી પર મુકામ કરીને કાયમી અડ્ડો જમાવતી નથી. વસંત રમણીય છે કારણ કે વસંતના પેટમાં જ પાનખર બેઠેલી હોય છે.

આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્રેષ અને માયા- મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસ વૃતિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે? જયારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે. ક્ષણયોગ એટલે પૂરી માત્રામાં જીવવાનો જાગ્રત પ્રયત્ન. ખરો સાધુ ક્ષણયોગી  છે તેથી નિર્લેપ છે. એ નિર્લેપ છે કારણ કે જીવનની પરિવર્તનતા સાથે એકરૂપ એવી રમણીયતાનો એ રસજ્ઞ છે. ક્ષણે ક્ષણે નવલાં રૂપ! ક્ષણે ક્ષણે નવી રંગભૂમિ! ક્ષણે ક્ષણે પ્રગટતી નિત્યનૂતનતા!

જે ક્ષણ આનંદવિહોણી છે,

તે જ ક્ષણ પરાયી છે.

જે ક્ષણ આનંદમય છે

તે જ ક્ષણ પોતીકી છે.

ઋષિ તે છે,

જેની બધી ક્ષણો આનંદમય છે.

ઋષિ આનંદમય છે,

તેથી જ ઈશ્વરમય છે.

પરમાત્મા આનંદસ્વરૂપ છે.

કવિ ટી. એસ. એલિયત ‘ધ વેસ્ટ લેન્ડ’ માં એક પ્રશ્ન રજૂ કરે છે: ‘તમારી સાથોસાથ સતત ચાલતો એ ત્રીજો પુરુષ કોણ છે?’ આફ્રિકાની સ્વાહિલી ભાષામાં વિખ્યાત એવી ઉક્તિમાં એલિયતના રહસ્યમય પ્રશ્નનો જવાબ મળે છે: હું જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં તે મારી પાછળ પાછળ ચાલતો રહે છે. (પો પોટે નીન્દાપો એનિફૂયેતા).’ સાચા સાધુને એવી પ્રતીતિ થાય છે કે ક્ષણે ક્ષણે એની સમીપે પરમેશ્વર હોય જ છે. ક્ષણની સાર્થકતા આવી પ્રતીતિમાં રહેલી છે. જીવનમાં થોડીક સાર્થક ક્ષણો મળે તોય ઘણું!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s