Divya Bhasker Article on 4-7-2010

આવતીકાલની જીવનશૈલી હકુના મટાટા

Source: GunvantShah, VicharoNa Vrundravan ma | Last Updated 18:35(04/07/10)

આદિવાસી લોકોની સરળતા હવે મ્યુઝિયમની શોભા વધારનારી બનતી જાય છે. પચાસ વર્ષ પછી ક્યાંક જીવતા રહેલા છેલ્લા આદિમાનવને ટીવી પર બતાવવામાં આવશે. નિર્દોષ મનુષ્યતાનું એ અંતિમ સ્મિત હશે! એ સ્મિતના ઊંચા ભાવ બોલાશે.

કપટી માણસને પણ કપટરહિત માણસ ગમતો હોય છે. જુઠો માણસ પણ ઇચ્છે છે કે સામેવાળો એને સાચી વાત કહી દે. ઇર્ષ્યાળુ માણસને પણ પોતાની ઇર્ષ્યા થાય તે ગમતું નથી. અપ્રામાણિક માણસ પણ, બીજો કોઇ માણસ પોતાની સાથે અપ્રામાણિકતા ન બતાવે એવી અપેક્ષા રાખે છે. આદિવાસી લોકોની સરળતા હવે મ્યુઝિયમની શોભા વધારનારી બનતી જાય છે. સુધરેલા લોકો જે કુતૂહલથી પ્રાણીઘરમાં પશુપક્ષીમાં જોવા જાય, એવા જ કુતૂહલથી આદિવાસીઓને જોવા-મળવા જાય છે. આદિવાસીઓના ભોળપણનું પણ માર્કેટિંગ થઇ રહ્યું છે.

વીસ-પચ્ચીસ વર્ષ પછી આ પૃથ્વીના ગોળા પર ક્યાંક બચેલી અપ્રદૂષિત ઋજુતા આફ્રિકાનાં જંગલોમાં પણ જોવા નહીં મળે. કહેવાતા સુધરેલા માણસને દૂર દૂર જંગલમાં વસનારા આદિમાનવોની સહજ જીવનશૈલી મનોહર જણાય છે. મહાનગરના તાણયુક્ત માણસને આદિમાનવની તાણમુકત જીવનશૈલી ગમી જાય છે. કારણ શું? એ જ કે અસરળતાથી ભરેલા સમાજમાં રૂંધામણ અનુભવતા માનવીને સરળતા પ્રત્યે જબરું આકર્ષણ રહેતું હોય છે. સહજ જીવનશૈલી દિવસે દિવસે દોહ્યલી બનતી જાય છે. આદિવાસી નૃત્યોમાં અને ગીતોમાં રહેલી સહજ સરળતાને નીરખનારા માનવીને લાગે છે કે પોતે જે ગુમાવી ચૂકયો છે, તે હજી ક્યાંક બચેલું છે. આજથી પચાસ વર્ષ પછી ક્યાંક જીવતા રહેલા છેલ્લા આદિમાનવને ટીવી પર બતાવવામાં આવશે. નિર્દોષ મનુષ્યતાનું એ અંતિમ સ્મિત હશે! એ સ્મિતના ઊંચા ભાવ બોલાશે.

કેન્યાના આદિવાસીઓના એક સમૂહગીતમાં પ્રેમ અને બિરાદરીનું સહજ સૌંદર્ય સચવાયું છે. એમાં માનવતાનું અભિવાદન છે. એમાં નથી કોઇ ઉપદેશ કે નથી કોઇ તત્વજ્ઞાન. એમાં જે કંઇ છે, તે ખળખળ વહેતા માનવતાના નિર્મળ ઝરણા જેવું છે. એને કોઇ પણ ધર્મ સાથે લેવાદેવા નથી. એને કોઇ વિચારધારા (સ્કૂલ ઓફ થોટ) સાથે સંબંધ નથી. એ તો બસ પરિશુદ્ધ માનવતાનો ઉદ્ગાર છે. ગીતના શબ્દો આંખ, કાન અને જીભનું મૌન જાળવીને સાંભળો :

જામ્બો સોના (કેમ છો?)હબારી ગાની (તમે કેમ છો?)મજુરી સાના (બહુ સારું છે)વાગેની હુકારી બાવા (તમે અમારે ત્યાં આવો ને!)કેન્યા યેટી (અમારા કેન્યામાં)કેન્યા યેટુ (કોઇ તકલીફ નથી)હકુના મટાટા (કોઇ તકલીફ નથી)ઇચી યેયે અમાની (અમારા દેશમાં શાંતિ છે)હકુના મટાટા (કોઇ તકલીફ નથી)ઇચી યેયે ઉપાન્ડો (અમારા દેશમાં પ્રેમ છે)હકુના મટાટા (કોઇ તકલીફ નથી)ઇચી યે યે ઉમોની (અમારા દેશમાં એકતા છે)હકુના મટાટા… હકુના મટાટા (કોઇ જ તકલીફ નથી).

આ પંક્તિઓ સાંભળીને એક પ્રશ્ન મનમાં ઊઠે છે : બધી સગવડો અને બધી ટેક્નોલોજીના આશીર્વાદ પામ્યા પછી આખરે માણસે મેળવ્યું શું? એ વધારે સુખ પામ્યો? એ વધારે શાંતિ પામ્યો? જો જવાબ ના હોય, તો એ નાદાન મનુષ્ય પામ્યો શું? એની નાદાનિયતના ભંગારમાંથી એટમબોંબ સર્જાયો!

સોળમી સદીમાં સુધારક માર્ટિન લ્યુથરે કહેલું કે ખાનગી મિલકત, એ તો મનુષ્યને અન્ય પ્રાણીઓથી જુદો પાડનારી મુખ્ય ઘટના છે. શું આ વાત સાચી છે? કહે છે કે ચિમ્પાન્ઝીઓ લગભગ વેપારી ઢબે લેવડદેવડ કરે છે. તેઓ ખોરાકના બદલામાં સેક્સ, પીઠ ખંજવાળી આપવાના બદલામાં સેક્સ અને સંતાનનું રક્ષણ કરવાના બદલામાં સેક્સનો સોદો કરતાં હોય છે. પ્રાણીઘરમાં નોકરી કરનાર માણસની સાવરણી પાંજરામાં રહી જાય ત્યારે એક ઘટના બને છે. પાંજરામાં દાખલ થયા વિના એ સાવરણી લેવી શી રીતે? સિળયાની બહાર ઊભેલો નોકર ચિમ્પાન્ઝીને સફરજન બતાવે છે અને પછી સાવરણી તરફ ઇશારો કરે છે. સોદો પતી જાય છે. આ વાત જાણીતા વિજ્ઞાની અને ફિલસૂફ કાર્લ સેગને પોતાના પુસ્તક, Shadows of Forgotten Ancestoresમાં કરી છે. ગુજરાતના પુસ્તકપ્રેમી વાચકોએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઇએ. (ગુજરાતમાં શરૂ થયેલો કાર્યક્રમ મારું પ્રિય પુસ્તક જોર પકડે તો તેમાં સુંદર અંગ્રેજી પુસ્તકો પણ આવકાર્ય ગણાશે).

પરિવારમાં પણ રાજકારણ હોય છે. આજકાલ જે ટીવી સિરિયલો ચાલે છે, તેમાં મૂર્ખ દેરાણી અને મહામૂર્ખ જેઠાણી વચ્ચે તથા લલ્લુ જેવા જેઠ અને ર વિનાના રમૂજી એવા દિયરિયા વચ્ચે ચાલતા મોં માથા વિનાના સંવાદો નિરંતર ચાલ્યા જ કરે છે. નણંદ-ભોજાઇ વચ્ચે ચાલતું ઠંડું યુદ્ધ પરિવારનું મનોરંજન બને છે. ભારતીય ગૃહિણી ટીવી સિરિયલ જોતી હોય ત્યારે નાનકડી ખલેલ પણ વેઠવા તૈયાર નથી હોતી. દેશનો સરેરાશ બુદ્ધિ અંક (I.Q) કેટલો? સિરિયલનો પ્રોડ્યુસર ઇચ્છે તેટલો! પરિવારમાં પણ મહાસાગરમાં વહેતા ગલ્ફસ્ટ્રીમના ગરમ પ્રવાહો અને લેબ્રાડોરના ઠંડા પ્રવાહો વહેતા રહે છે. આ સિરિયલોના સાર ત્રણ મુદ્દામાં આવી જાય છે : (૧) પરિવારમાં જુઠું બોલવાનું વધી પડ્યું છે. (૨) સ્વજનને છેતરવામાં નડતો ખચકાટ ઘટી ગયો છે. (૩) આપસના રોજિંદા વ્યવહારમાં કપટની બોલબાલાનું જોર ઓછું નથી. પ્લાસ્ટિકનાં પુષ્પો રોજ ખીલતાં રહે છે.

એક એવો સમાજ રચાતો જાય છે, જેમાં ભાઇ પોતાના સગા ભાઇ સાથે બિઝનેસ કરે, તો સ્વાર્થ ખાતર ભાઇને નવડાવી શકે છે. સરળતાને સ્થાને આંટીઘૂંટી ગોઠવાઇ ગઇ છે. વાતચીતમાં કપટના તાણાવાણા વધી પડ્યા છે. પરિવારમાં અને સમાજમાં જે વ્યક્તિ નિખાલસ અને નિષ્કપટ હોય, તે વ્યક્તિ જ માર ખાય છે. બુદ્ધિ અને કપટ વચ્ચેની મૈત્રી પાકી થતી જાય છે. સરળ માણસ કે પછી સીધી લીટીનો માણસ બુદ્ધુમાં ખપે એવી પરિસ્થિતિ સર્જાતી જાય છે. આવું બને ત્યારે હકુના મટાટાનું બાષ્પીભવન થઇ જાય છે. પછી નથી રહેતો પ્રેમ, નથી રહેતી શાંતિ અને નથી રહેતી એકતા! પ્રેમ, શાંતિ અને એકતા નષ્ટ થાય પછી કોઇ પરિવાર સુખી હોઇ શકે?

આપણા દેશમાં આત્માનો મહિમા બહુ થયો છે. લોકો વાતવાતમાં કહે છે : મારો આત્મા આ કામ કરવાની ના પાડે છે. આત્મા માટે લેટિન શબ્દ છે : એનિમા. અંગ્રેજી શબ્દો એનિમલ કે એનિમેટ પણ મૂળે એનિમા પરથી ઊતરી આવેલા છે. વર્ષો પહેલાં લિયોનાર્દ દ વિન્સીએ એક મૌલિક પ્રશ્ન ઉઠાવેલો : જાગ્રતિ કરતાંય સ્વપ્નમાં આપણી આંખ વધારે સ્પષ્ટ જોઇ શકે તેનું રહસ્ય શું? આ પ્રશ્નનો એ મહાન કલાકારે આપેલો જવાબ હૈયે વસી જાય તેવો છે. કહે છે :

સ્વપ્નમાં આપણેએવી બીજી આંખ વડેજોઇએ છીએ,જે આંખ વડે જાગ્રત અવસ્થામાંકલાકાર જુએ છે.

અત્યારના ખટપટિયા, ઉતાવિળયા અને ઉત્પાતિયા સમાજમાં માણસ પોતાની ભીતર ડોકિયું કરવાની નિરાંત ગુમાવી બેઠો છે. લોકો વાતવાતમાં કહે છે : મને મરવાની પણ ફુરસદ નથી. જ્યાં મરવાની ફુરસદ ન હોય, ત્યાં જીવવાની ફુરસદ ક્યાંથી હોય? પ્રત્યેક વૃક્ષ વૃક્ષધર્મ પાળે છે. પ્રત્યેક પુષ્પ પુષ્પધર્મ પાળે છે. પ્રત્યેક વાઘ વાઘધર્મ પાળે છે. પ્રત્યેક પર્વત પર્વતધર્મ પાળે છે. કેવળ માણસ માણસધર્મ પાળવાનું ચૂકી જાય છે. એ માણસધર્મ ચૂકી જાય છે, તેથી જ એણે ધર્મગુરુઓને શરણે જેવું પડે છે. માણસધર્મ સામેનાં ત્રણ મુખ્ય જોખમનાં નામ છે : મહંત, મુલ્લા, પાદરી. આ ત્રણે ખલનાયકો ધર્મના નામે લોકોને લડાવે છે. એ ત્રણે ખલનાયકો જે દુર્ઘટનાને જન્મ આપે તેને લોકો ઉપદેશ કહે છે. પરિણામ સ્પષ્ટ છે. સમાજમાં હકુના મટાટા ખતમ થાય છે. માનશો? અમારા વડોદરામાં એક રેસ્ટોરાંનું નામ હતું : હકુના મટાટા.

પાઘડીનો વળ છેડે

જ્યારે જ્યારે તમને સમજાયકે તમે બહુમતીને પક્ષે છો,ત્યારે માનવું કેસુધરવાનો સમય પાકી ગયો છે!

માર્ક ટ્વેઇન

Advertisements

2 thoughts on “Divya Bhasker Article on 4-7-2010

  1. hello,
    my name is kevin. i completed my diploma in mechanical . now, i working for for l & t limited. i want to be writer of novel.thus i want to study in 12th arts.i am in surat. which subjects i choose to get some talent in writing.you can give answer on my email id.dr.gunavantshah’s writing i read in sunday. if he give answer then i will surely satisfied. and i am indian (gujarati).
    jsk.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s