Divya Bhasker. 18-7-2010

વાલ્મીકિ રામાયણ મને કેમ ગમે છે?

 ગુજરાતી સાહિત્ય પરિષદમાં રા.વિ.પાઠક સભાગૃહમાં માત્ર થોડીક જ ખુરસીઓ તૂટેલી છે. સભાગૃહમાં ઉપર ફરતા પંખા એટલા ઊંચા છે કે દુર્બોધ સાહિત્ય લખનારા વિદ્વાનોની માફક લગભગ અતડા રહી જાય છે. સભાગૃહની ધ્વનિશ્રવણ ક્ષમતા (acoustics) એટલી તો ગરીબ છે કે શબ્દની હત્યા થતી હોય એવું લાગે! શું આ સભાગૃહ વાતાનુકૂલિત ન થઇ શકે? ગ્રામોદ્યોગ કક્ષાની માઇક્રોફોન સિસ્ટમ ક્યારે બદલાશે? સ્વર્ણિમ ગુજરાતના આ વર્ષમાં પણ આ સભાગૃહનો જીર્ણોદ્ધાર નહીં થાય? આપણે ક્યારે જાગીશું? લગભગ રૂપિયા ૨૫ લાખ ભેગા કરવા માટે કુલ કેટલી મિનિટ જોઇએ? સાચી વાત એ છે કે આ મનની ગરીબી છે. પ્રતિભાવની રાહ જોઇએ??? કોઇ એક જ વ્યક્તિમાં સિંહ જેવાં લક્ષણોની સાથોસાથ કોયલ જેવાં લક્ષણો પ્રગટ થાય ખરાં? ભાગ્યે જ એવું બને કે એક જ વ્યક્તિમાં વીરત્વ અને કવિત્વનો સુમેળ પ્રગટ થાય. પૃથ્વી પર પ્રથમ મહાકાવ્ય લખનારા વાલ્મીકિને બે ઉપમા મળી, એક સિંહની અને બીજી કોકિલની! એક શ્લોકમાં કહ્યું છે : ‘વાલ્મીકિ તો મુનિઓમાં સિંહ જેવા છે, જે કવિતારૂપી વનમાં વિહાર કરનારા છે.’ (વાલ્મીકે મુનિ સિંહસ્ય કવિતાવનચારિણ:). આગળ કહ્યું છે : ‘તેઓ કવિતારૂપી શાખા પર બેઠા બેઠા અત્યંત મધુર શબ્દધ્વનિમાં રામનામના ટહુકા કરી રહ્યા છે. આવા કોકિલસમા વાલ્મીકિને વંદન’. (આરુદ્ધ કવિતાશાખાં વન્દે વાલ્મીકિ કોકિલમ્). બને છે એવું કે જે વીર હોય, તે કવિ ન હોય અને જે કવિ હોય તે વીર નહીં હોય. વાલ્મીકિ એક્સાથે વીર હતા અને કવિ પણ હતા. ઉમાશંકર જોશીએ એમને ‘ઋષિકવિ’ કહ્યા હતા. સદીઓ પછી સુરતમાં કવિ નર્મદ પેદા થયો, જે વીર નર્મદ પણ કહેવાયો. હજારો વર્ષ પછી વીરત્વ અને કવિત્વ એક જ વ્યક્તિમાં સાથોસાથ પ્રગટ થયું. રાંદેરની જે નિશાળમાં નર્મદે નોકરી કરી તે જ નિશાળમાં લગભગ ૧૦૦ વર્ષ પછી ભણવાનું બન્યું. સુરતનો વિક્ટોરિયા બાગ હવે ગાંધીબાગ તરીકે જાણીતો છે. નાના હતા ત્યારે એ બાગમાં નર્મદની પ્રતિમા નીચે શબ્દો વાંચવા મળે છે : વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી. સુરતના ગોપીપુરામાં આવેલી ન.ઘે.ઝવેરી જૈન હાઇસ્કૂલમાં મારી સાથે દીપક પંડ્યા ભણતો હતો. એક દિવસ દીપક મને આમલીરાનમાં આવેલા એના ઘરે લઇ ગયો. એ દીપકનું ઘર તે વીર નર્મદનું ઘર હતું. આગલા ભારોટિયા પર બે શબ્દો વાંચવા મળેલા : ‘પ્રેમ અને શૌર્ય.’ ચંદ્રકાંત ટોપીવાળાએ જયદેવ શુક્લને પત્રમાં લખ્યું કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નર્મદ માટે કવિ, સાહિત્યકાર, સંસ્કૃતપિુરુષ કે સારસ્વત જેવું વિશેષણ છોડીને ‘વીર’ વિશેષણ જ આગળ ધર્યું છે. ચંદ્રકાંતભાઇએ આગળ ઉમેર્યું કે નર્મદના અવસાન સમયે ‘બુદ્ધિપ્રકાશ’ ની નોંધમાં લખ્યું છે : ‘વીર વિદ્વાન ઓછો થયો છે.’ ટૂંકમાં કહું કે વાલ્મીકિ અને નર્મદ વચ્ચેનો જે સેતુ રચાયો તે વીરત્વ અને કવિત્વના સમન્વયનો સેતુ હતો. મારા પ્રિય પુસ્તક તરીકે મેં વાલ્મીકિનું રામાયણ કેમ પસંદ કર્યું? ગાંધીજીની ‘આત્મકથા’ મને ઓછી પ્રિય નથી. રજનીશે ગાંધીજીની આત્મકથાનાં વખાણ કરવામાં કોઇ કસર છોડી ન હતી. આમ છતાં મેં વાલ્મીકિ રામાયણ પસંદ કર્યું તેનું એક કારણ છે. ગાંધીજીની આત્મકથામાં સત્ય છે, પણ કવિતા નથી. વાલ્મીકિના રામાયણમાં સત્ય ઉપરાંત કવિતા પણ છે. આવા મહાકાવ્યની નિયતિ શું હોઇ શકે? કોઇ પણ મહાકાવ્યની નિયતિ એક જ હોઇ શકે : ‘શાશ્વતી’. રામાયણને ‘કાવ્યબીજં સનાતનમ્’ કહેવામાં આવ્યું છે. વાલ્મીકિનો આશ્રમ તમસા નદીને તીરે આવેલો હતો. ભગવદ્ગીતાના પ્રારંભે ‘ધર્મ’ શબ્દ પ્રયોજાયો છે. વાલ્મીકિ રામાયણના પ્રથમ શ્લોકમાં ‘તપ’ અને ‘સ્વાધ્યાય’ જેવા બે શબ્દો પ્રયોજાયા છે. વાલ્મીકિના આશ્રમમાં દેવર્ષિ નારદનું આગમન થયું. નારદ કેવા? તપ અને સ્વાધ્યાયમાં અનુરક્ત (તપ: સ્વાધ્યાયનિરતં) એવા નારદજી પધાર્યા એ પ્રસંગના ઉલ્લેખથી મહાકાવ્યનો આરંભ થયો છે. વાલ્મીકિ નારદને પૂછે છે : ‘ધ્યુતિમાન, ધૃતિમાન, બુદ્ધિમાન, નીતિમાન, ધનુર્વેદજ્ઞ, વેદવેદાંત-તત્વજ્ઞ, પ્રિયદર્શી, ધર્મજ્ઞા, પ્રતિભાવન અને સર્વલોકપ્રિય એવો કોઇ યુગપુરુષ ન જડે તો મહાકાવ્ય લખાય ખરું? નારદ કહે છે : ‘તમે જે દુર્લભ ગુણોનું વર્ણન કર્યું તેવા મહામાનવ રામ છે.’ હવે રવીન્દ્રનાથ ટાગોરે આ પ્રસંગનું નિરૂપણ કર્યું તે અત્યંત મૌલિક છે. સાંભળો : વાલ્મીકિ કહે છે : ‘હા, હા, રામની કીતિgકથા મેં સાંભળી છે, પણ એમના જીવનની બધી ઘટનાઓ હું જાણતો નથી. ક્યાંક સત્યભ્રષ્ટ ન થઇ જાઉં એવી બીક રહે છે.’ નારદ વાલ્મીકિને કહે છે : ‘સત્ય એ જ, જે તમે કહેશો. જે ઘટે છે, તે બધું સત્ય નથી. હે કવિ! તમારી મનોભૂમિ એ જ રામની જન્મભૂમિ છે, એને અયોધ્યા કરતાંય સાચી જાણો.’ ‘ભાષાઓ છંદ’ કાવ્યમાં રવીન્દ્રનાથે નારદને મુખેથી વાલ્મીકિને કહેવડાવેલા આવા સુંદર શબ્દોને આપણા સુધી પહોંચાડવાનું શ્રેય ડો.ભોળાભાઇ પટેલને જાય છે. એમણે વર્ષો પહેલાં લેખ લખ્યો હતો, જેનું મથાળું હતું : ‘કવિનું સત્ય : સવાઇ સત્ય’. (‘પરબ, ઓગસ્ટ, ૧૯૯૮). આ સભામાં આદરણીય ભોળાભાઇ સામે બેઠા છે તેનો મને હરખ છે. નારદજી વિદાય થયા પછી વાલ્મીકિ સંધ્યાસ્નાન માટે તમસા નદીને તીરે પહોંચ્યા. તમસા રોજની માફક વહી રહી હતી. એ રમણીય હતી અને એનું જળ સજ્જન મનુષ્યના મન જેવું સ્વચ્છ (રમણીયં પ્રસન્નામ્બુ સન્મનુષ્યમનો યથા) અને પ્રસન્ન હતું. નદીનાં જળની પ્રસન્નતા એટલે વહેતાં જળની ખળખળતા! ઋષિકવિની સાથે એમનો પ્રિય શિષ્ય ભરદ્વાજ પણ હતો. વિચારમગ્ન વાલ્મીકિની નજરે ક્રૌંચ પક્ષીનું યુગલ પડ્યું, જે મૈથુનમગ્ન હતું. બીજી જ ક્ષણે કોઇ શિકારીએ વાલ્મીકિની દેખતાં જ તીર છોડ્યું અને નર પક્ષીને વીંધી નાખ્યો. એ પક્ષીની માદાનો કરુણ ચિત્કાર ઋષિએ સાંભળ્યો અને એમના મુખમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડ્યો : ‘નહીં નહીં નિષાદ! અનંત સમય સુધી તું જીવનમાં કદી પણ ઠરીઠામ નહીં થાય કારણ કે તેં પ્રણયમાં તલ્લીન એવા ક્રૌંચયુગલમાંથી એકની હત્યા કરી નાખી છે.’ આવો અનુવાદ કવિ ઉમાશંકર જોશીએ કર્યો છે. એમના કહેવા પ્રમાણે આપણાં લોકગીતોમાં માદા ક્રૌંચ માટે ‘કુંજલડી’ શબ્દ પ્રયોજાયો છે. આ ઘટના નિહાળીને (કઠોપનિષદમાં કહ્યું છે તેમ) ઋષિની હૃદયગ્રંથિ ભેદાઇ ગઇ. એમનો શબ્દ શ્લોકત્વ પામ્યો અને અંતર્બોધ (ઇન્ટયુઇશન)નું ઝરણું વહેતું થયું. (કવિ કાન્તે intuition માટે ‘સહજોપલબ્ધિ’ શબ્દ પ્રયોજ્યો હતો). રામકથાનો પ્રારંભ ખંડિત યુગલત્વના ચિત્કારથી થયો. એ ચિત્કાર આજે પણ શાંત થયો છે ખરો? આજે પણ ‘મળેલા જીવ’ નિરાંતે ઓતપ્રોત થઇ શકતા નથી. તમસા નદીને તીરે થયેલો ક્રૌંચવધ આજે પણ કુલાભિમાનને કે મિથ્યાભિમાનને કારણે થતી હત્યા (આ‹નર કિલિંગ) ચાલુ છે. કાલગંગા વહેતી રહે છે તોય માણસની સમસ્યાઓ તેવી ને તેવી! તીરકામઠાંની જગ્યાએ એક-૫૬ આવી જાય અને રથની જગ્યાએ ટેન્ક આવી જાય તેથી શો ફેર પડે? માનવીની ચીસ તો તેવી ને તેવી! છાંદોગ્ય ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં ‘î’ની સંજ્ઞામાં યુગલત્વ (મિથુનત્વ) સંસૃષ્ટ છે એવું કહ્યું છે. ઉપનિષદના ઋષિ મૈથુન (મિથુનસ્ય ભાવ: ઇતિ મૈથુન:) ને અશ્લીલ ગણનારા નથી. જે સહજ હોય તે જ સ્વચ્છ હોવાનું. બ્રહ્નાજીએ આશ્રમમાં જઇને વાલ્મીકિને કહ્યું: ‘કાવ્યમાં લખેલી તમારી કોઇ પણ વાત જુઠી નહીં થાય (ન તે વાગનૃતા કાવ્યે કદાચિન્ન ભવિષ્યતિ). રામાયણની પાઠવિધિમાં કહેવાયું : ‘વાલ્મીકિ જેવા ગિરિશૃગમાંથી રામાયણ જેવી મહાનદી રામસાગર ભણી વહેતી (રામસાગરગામિની) થઇ. ઓરિસ્સામાં મહાત્મા માટે એક શબ્દપ્રયોગ જાણીતો છે : ‘ચલન્ત વિષ્ણુ’. કુબેરનાથ રાય તપસ્વી વાલ્મીકિની ફરતે જે રાફડો રચાઇ ગયો તેમાં ચમકતી બે આંખોને ‘કવિચક્ષુ’ કહે છે. આપણા કાયદાપ્રદાન વીરપ્પા મોઇલી રામાયણ પર ગ્રંથ લખી ચૂક્યા છે. એમને પ્રવચન માટે અમદાવાદમાં પરિષદે બોલાવવા જોઇએ. ડો.યશપાલ નાિસ્તક, રેશનલિસ્ટ અને વિજ્ઞાની છે. તેમણે પોતાના હેવાલમાં લખ્યું છે : ‘આપણો અભ્યાસક્રમ આપણી સંસ્કૃતિથી કપાઇ ગયો છે.’ રામ આપણા સંસ્કૃતિપુરુષ છે. રામ એક વિચારનું નામ છે અને વિચારને મૃત્યુ હોતું નથી માટે રામ અમર છે. (ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘મારું પ્રિય પુસ્તક’ કાર્યક્રમના પ્રારંભ તા.૩-જુલાઇ-૨૦૧૦ને દિવસે આપેલું પ્રવચન). પાઘડીનો વળ છેડે ખરેખરો સંત કવિ કરતાંય વધારે દોહ્યલો ગણાય અને જ્યારે શાણપણ તથા કાવ્યમય વાણી જેવાં બે વરદાન એક જ મનુષ્યમાં જોવા મળે ત્યારે મહાન કવિ પ્રાપ્ત થાય છે. આવા કવિઓ કેવળ એમની પ્રજાના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કવિઓ બની રહે છે.- ટી.એસ.એલિયટ (‘ઓન પોએટ્રી એન્ડ પોએટ્સ’ પુસ્તકમાં ‘Goethe as the Sage’પ્રકરણમાંથી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s