Divya Bhasker 12-9-2010

ઉંમર ભૂલીને વરસાદમાં પલળવા માંડો

 
 

આજકાલ મારા ચિદાકાશમાં મેઘદૂત મહોત્સવ ચાલી રહ્યો છે. વરસાદ પડતો હોય ત્યારે અંદરથી ખલેલ ન પામે તેવી વ્યક્તિથી ચેતીને ચાલવું રહ્યું. વરસાદ કોઇપણ પ્રકારની ખલેલ ન પમાડે તેમને જો દેશનિકાલ કરવામાં આવે, તો જરૂર તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.રામ જેવા રામ ધોધમાર વરસાદથી ખલેલ પામ્યા હતા, પરંતુ આપણે કોરા ને કોરા! સીતા તે ક્ષણે રામની સાથે હોત, તોય રામ ખલેલ પામ્યા હોત. એ ખલેલ વિયોગમૂલક ન હોત, શૃંગારમૂલક હોત.

જે માણસ વરસાદ પડતો હોય ત્યારે અંદરથી ખલેલ ન પામે તેનાથી ચેતીને ચાલવું રહ્યું. સમગ્ર સમાજ કેટલીય બિનજરૂરી અને બોગસ ખલેલથી પીડાઇ રહેલો સમાજ છે. જે મનુષ્ય વર્ષાઋતુમાં ઊધ્ર્વમૂલ ખલેલ પામે તે સાધુ ગણાય. જે મનુષ્ય આવી ભીની ઋતુમાં પ્રેમાળ ખલેલ પામે તે શાયર કહેવાય. જે મનુષ્ય વરસાદ પડે ત્યારે કોઇને ન કહેવાય એવી ખાનગી ખલેલ પામે તેને રસિકજન કહેવાય. જેમને વરસાદ કોઇપણ પ્રકારની ખલેલ ન પમાડે તેમને જો દેશનિકાલ કરવામાં આવે, તો જરૂર તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.

ખાનગી ખલેલ એટલે શું? તમે જેને પામવા માગતા હતા, પણ પામી ન શક્યા અને જીવનના કન્વેયર બેલ્ટ પર વસ્તુની માફક વહેતા રહ્યા તેવી કોઇક વ્યક્તિના સ્મરણથી ભીની બનેલી આંખો સૌના નસીબમાં નથી હોતી. ભીની ધરતી, ભીનું હૃદય અને ભીની આંખો, એ જ જીવનનું પ્રચ્છન્ન પ્રયાગ! શહીદ થવા માટે મરવું જ પડે એવું કોણે કહ્યું? જીવતેજીવત પણ ભીની ભીની શહાદતનો સ્વાદ માણી શકાય છે.

વાલ્મીકિ રામાયણના ષ્કિંધાકાંડમાં આખો ને આખો ૨૮મો સર્ગ વર્ષાઋતુના વર્ણનથી ભીનો બન્યો છે. વર્ષાઋતુનું વર્ણન સીતાના વિયોગે ઝૂરતા મર્યાદાપુરુષોત્તમ રામ પોતે કરી રહ્યા છે. વાલીનો વધ અને સુગ્રીવનો રાજ્યાભિષેક થઇ ચૂકયો છે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર નિવાસ કરી રહ્યા છે. કુલ ૬૬ શ્લોકોમાં રામ લક્ષ્મણને વર્ષાઋતુ વિશે વાત કહેતા રહે છે. સાંભળો:

હે સુમિત્રાનંદન!
નીલા રંગનો આશ્રય લઇને
ચમકી રહેલી આ વીજળી
મને રાવણના ખોળામાં તરફડતી
સીતા જેવી દેખાય છે.
મંદ મંદ હવા નિસાસા જેવી જણાય છે.
વાદળોની ગર્જના થાય ત્યારે
જાણે મૃદંગનો ધ્વનિ ઊઠતો સંભળાય છે.
મૈથુન વખતે અંગોના મર્દનને કારણે તૂટેલી
દેવાંગનાઓની મોતીમાળાઓ
(સુરતામર્દવિચ્છિન્ના: સ્વર્ગસ્ત્રીહાર મૌક્તિકા:)
જેવી જણાતી અનુપમ જલધારાઓ
બધી દિશાઓમાં (ધોધરૂપે) પડી રહી છે.
હે લક્ષ્મણ! મારો શોક વધી ગયો છે.
મારા માટે દિવસો પસાર કરવાનું
મુશ્કેલ બની ગયું છે.
ખૂબ જ જોરથી વરસાદ પડી રહ્યો છે
(વર્ષાપ્રવેગા વિપુલા: પતિન્ત).

રામ જેવા રામ ધોધમાર વરસાદથી ખલેલ પામ્યા, પરંતુ આપણે કોરા ને કોરા! સીતા તે ક્ષણે રામની સાથે હોત, તોય રામ ખલેલ પામ્યા હોત. એ ખલેલ વિયોગમૂલક ન હોત, શૃંગારમૂલક હોત! ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે મનમાં એક વિચિત્ર પ્રાર્થના ઊગી રહી છે : ‘હે ભગવાન! હું છું તેના કરતાં સારો દેખાઉ તેવી ગંદી ઝંખનાથી મને બચાવી લેજે. કાલે ઊઠીને હું પતન પામું, તો તેને માટે બીજા લોકો જવાબદાર નહીં હોય. પતનની ક્ષણે પણ હું સ્વાવલંબી હોઉં તો એક ચમત્કાર થશે. હું સુધરી જાઉં ત્યારે પણ સ્વાવલંબી હોઇશ.’ આ બધી વાત છોડો અને ઉંમર ભૂલીને પલળવા માંડૉ. ધર્મનો મર્મ સમજાઇ જશે.

ટર્કીના કોનિયા નગરમાં વિખ્યાત સૂફી સંત જલાલુદ્દીન રૂમીની દરગાહ આવેલી છે. એ નગરમાં રહેતો એક સૂફી ફકીર અલ્લાહનો પાકો ભક્ત હતો. એ ફકીર બજાર ભણી જઇ રહ્યો હતો ત્યાં સામે એક મુસલમાન મળી ગયો. એ આખી રાત એક તવાયફ (રામજણી)ને ત્યાં ગાળીને ઘરે પાછો ફરી રહ્યો હતો. ફકીરે એને પૂછ્યું : ‘તું ક્યાં ગયો હતો?’ જવાબમાં પેલા નિખાલસ મુસલમાને કહ્યું: ‘હું તો તવાયફને ત્યાં ગયેલો અને હવે ઘેર જાઉં છું.’ ફકીર આગળ ચાલ્યો. ત્યાં બીજો મુસલમાન મળ્યો. ફકીરે એને પૂછ્યું : ‘તું ક્યાં જઇ રહ્યો છે?’ જવાબમાં એ મુસલમાન જુઠ્ઠું બોલ્યો: ‘હું શાકભાજી લેવા માટે બજારમાં જઇ રહ્યો છું.’ સૂફી ફકીર એ મુસલમાનનો ચહેરો જોઇને બધી વાત પામી ગયો. એણે એ જૂઠા મુસલમાનને સંભળાવ્યું: ‘તું જે ઔરતને ત્યાં જઇ રહ્યો છે, તેને શું શાકભાજી સમજે છે?’ દુનિયાના બધા લોકો આ બે મુસલમાનોમાં સમાઇ જાય છે.

પહેલો નિખાલસ મુસલમાન આજે નહીં તો કાલે જાગશે, પરંતુ બીજો મુસલમાન કદી નહીં જાગે. આજકાલ ઘણાખરા લોકોને સારા હોવાની નહીં, સારા દેખાવાની ચળ ઊપડી છે. જેના બ્રહ્નચર્યના રાતના અંધારિયા એકાંતમાં ભાંગીને ભુક્કા થઇ ગયા હોય એવા માણસ પણ જીવનભર ‘બ્રહ્નચારી’ તરીકે આદર પામતો રહે છે. આવા દંભી લોકો કરતાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સો દરજજે સારા! એમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે: ‘મૈં અપરિણીત હૂં, બ્રહ્નચારી નહીં હૂં.’

આજકાલ મારા ચિદાકાશમાં મેઘદૂત મહોત્સવ ચાલી રહ્યો છે. ધોધમાર વરસાદની સાથે ધોધમાર વિસ્મય વરસી રહ્યું છે. ઘરનો બાગ નિત્યનૂતન હોય છે. એ પ્રતિક્ષણ બદલાતો રહે છે, એ વાતની ખબર કેવળ પતંગિયાને જ હોય છે. લાંબા સમય સુધી નજરે ન ચડેલા છોડ પર ઓચિંતું એક મજાનું ફૂલ ખીલેલું જોવા મળે છે. રાતોરાત એ છોડ પર રંગવૈભવ પ્રગટ થયો. મારાથી માંડ પાંચ-સાત ફૂટ છેટે મોગરો ખીલ્યો છે. કેટલાંક સંવેદનશીલ નાક સુધી જ એની મહેક પહોંચે છે. મોગરાનું ખીલવું એ જ મોગરાનો મોક્ષ! રવિન્દ્રનાથ કહે છે કે પુષ્પ ખીલે અને ખૂલે એ જ એનો મોક્ષ!

ઋતુઓ વહેતી રહે છે. મહિનાઓ દોડતા રહે છે. કલાકો ઊડી જતા જણાય છે. કાલચક્ર એક ક્ષણ માટે પણ વિરામ લેતું નથી. આપણે જે કન્વેયર બેલ્ટ પર પસાર થતાં રહીએ છીએ તે સાક્ષાત્ કાળનો કન્વયેર બેલ્ટ છે. ઉપદેશકો પોતાને અસામાન્ય ગણાવીને લોકોનો અહોભાવ ઉઘરાવતા રહે છે. આપણા જેવા અસંખ્ય સામાન્ય માણસોનું તો પાપ પણ સામાન્ય! ઉપદેશકોનું પાપ પણ અસામાન્ય! એમનું પતન પણ વિકરાળ! રુગ્ણ સમાજમાં અસત્યનું માર્કેટિંગ ધર્મની છાયામાં થતું રહે છે. ગણપતિચોથ ઘોંઘાટચોથ બની રહે છે.

ગોકુળઅષ્ટમી જુગારઅષ્ટમી બની રહે છે. ગણપતિબાપાની મૂર્તિઓ તો માટીની જ સારી! પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જળાશયમાં પધરાવવી એ ભયંકર ગુનો છે. પર્યાવરણની સુરક્ષા વિના ધર્મની સુરક્ષા નહીં થાય. અવાજનું પ્રદૂષણ ઓછામાં ઓછું કરનારો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. હિંદુઓની માફક મુસલમાનો પણ લાઉડસ્પીકર પરથી પ્રદૂષણ વધારતા રહે છે. આ બંને કોમ વચ્ચેના વૈમનસ્યનું રહસ્ય જાણવું છે? તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે. લાઉડસ્પીકર એક રોગનું નામ છે. ધર્મને અમથા ઘોંઘાટથી અને નાદાન ધર્મગુરુઓથી બચાવી લેવાનો છે. થોડાક શબ્દો સાંભળો:

ધર્મ? એ વળી કઇ બલાનું નામ છે?
હું તો માત્ર જીવનને જાણું છું.
જીવન એટલે ખેતર, દ્રાક્ષવાટિકા.
મંદિર તમારી ભીતર છે.
તમે જ છો એ મંદિરના પૂજારી!

તમને ખલિલ જિબ્રાનના આ શબ્દો ગમી ગયા? એ શબ્દો ‘ધિસ મેન ફ્રોમ લેબેનોન’માં વાંચવા મળ્યા.

પાઘડીનો વળ છેડે

‘ગુજરાતની પ્રજાને સુપેરે જાણતા લોકમાન્ય ટિળકને એક વખત કોઇએ ગુજરાતી લોકોની કહેવતરૂપ બની ગયેલી ધીરજ અને એના આત્મસંયમ વિશે પૂછ્યું હતું, ત્યારે તેમણે પોતાની લાક્ષણિક રીતે ઉત્તર વાળ્યો હતો કે શાણા અને શિસ્તબદ્ધ ગુજરાતીઓના ધૈર્યનો અંત આવે ત્યાર પછી તેમને જીતી શકાતા નથી…’

નોંધ : ટિળક મહારાજના આવા પ્રાણવાન શબ્દો સદ્ગત મોરારજીભાઇ દેસાઇએ પોતાની આત્મકથા ‘મારું જીવન વૃંતાત’ (ભાગ-૩)માં ટાંક્યા છે. (પૃષ્ઠ ૬૪-૬૫). ગુજરાતને રોજ પરોણી મારનારા દિલ્હીના શાસકો સુધી આ વાત કોઇકે પહોંચાડવી જોઇશે.

Advertisements

7 thoughts on “Divya Bhasker 12-9-2010

 1. શ્રી ગુણવંત ભાઈનો આજના દિવ્ય ભાસ્કરમાં આ વરસાદી લેખ વાંચી મોજ આવી ગઈ……આ સંદર્ભે વરસાદી મોસમમાં (૧૯ જૂન ૨૦૧૦)લખાયેલી એક ગઝલ..
  સાદર……..

  આ ધરા, ફોરમ પ્રસારે ન્હાઇને વરસાદમાં,
  મેઘની શોભા વધારે ન્હાઇને વરસાદમાં.

  મોર કેકારવ કરી નાચે , કળા એવી કરે ,
  ઢેલડી જોવા પધારે ન્હાઇને વરસાદમાં

  કાગજી હોડી તરાવી પાર કરતું બાળપણ,
  દોડતું ઊભી બજારે ન્હાઇને વરસાદમાં.

  વૃક્ષને વળગી લતા ઝૂમી રહી આનંદથી,
  ડાળ ઝૂકી આવકારે ન્હાઇને વરસાદમાં.

  વાટ જોતી ખારવણની આંખડીમાં નાહુલો ,
  નાવ આવી છે કિનારે ન્હાઇને વરસાદમાં.

  પહાડ પર કલકલ નિનાદે કૂદતાં ઝરણાં જુઓ ,
  સ્વર્ગ ધરતી પર ઉતારે ન્હાઇને વરસાદમાં.

  હાથમાં લઈ હાથ ભીંજાયા પછી માંડી રમત,
  કોઈ ‘ મરમી ‘ જાત હારે ન્હાઇને વરસાદમાં.

 2. Any healthy society has to be monitored in terms of transactional analysis, kindly treat in general terms, instead of personal. Society’s arithmatic as a whole is of all of us i.e. all citizen, irrespective of religion, non-religion.

  First, mentoring study and its dictionary words which we all hear, listen & understand and create a mindset has to be healthy for our future healthy plural society, we all wants to leave for our future generation.

 3. RESPECTED SIR.
  AAPNI TANDURASTI NI MANGALKAMNA SATHE JANAVANU KE AAJAN DIVYA BHASKAR DAILY NI SUNDAY EDITION MA PRATHAM AKARSHAN NO KENDRA SUBJECT ANE TEMA SAMAVAYELI SATYATA NE NAT MASTAKE NAMAN
  1000 PERCENT SATYA JANKARI AAPVA BADAL AAPNE ABHINANDAN;PEHRELA KAPDAA MA FARTA EDITOR NI JOURNALISTO NE OPEN KARVA BADAL ABHINANDAN;KHREKHAR WE PROUD OF YOU SIR,KYAREK AAPNA ARTICLE NO VIRODH THAY TO AMNE BOLAVSHOJI AME JAWAB AAPISHU ANE PURAVA SATHE AAPISHU 210 PERCENT GUARENTEE’PEHLO PURAVO’DIVYA BHASKAR DAILY MA CHHE BIJO PURAVO SANDESH MA TIJO PURAVO GUJARAT SAMACHAR MA ASTITVA DHARAVE CHHE”SATTAPREMI JOURNALIST DB MA TOP OF POST MA CHHE”BY THE WAY CONGRATULATION

 4. Respected Sir,
  Tamraa badhaa j lekh hu vanchu chhu..Ravivaar ni raah joine betjjo hou ane saware Sunday Bhaskar aave ke tarat j sahu pratham tamaro lekh ane pachhi Manasdarshan vanchu..

  Ek namrata bhari ichha vyakt karu to shu tame ek lekh “Atmasamman ane aham” par lakho to? Mane lage chhe ke aaje atmasamman na parda pachhal aham j chaalakbal chhe..

  Please a mudda par prakash padva mari tamne vinanti chhe…

  Bhul thati hoy to kashmayachna

  TADRASH

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s