Divya Bhasker10-10-10

ગુણવંત શાહ: અયોધ્યા ઈતિહાસનું ટર્નિંગ પોઇન્ટ

 
 
  
ભારતીય સેક્યુરિઝમનું પોત સુતરાઉ કાપડનું છે, નાયલોનનું નથી. ભારતને મહાત્મા ગાંધીનો સર્વધર્મ-સમભાવ સદે, નહેરુનું ધર્મશૂન્ય સેક્યુરિઝમ ન સદે.

આદરણીય મોરારિબાપુ રામભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે રામભક્ત નથી. મૌલાના વહિદુદ્દીન ખાન સાચા ઇસ્લામના ઉપાસક છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસ્લામના આલિમ નથી. ફાધર વાલેસ ઇસુભક્ત છે માટે સેક્યુલર છે. તેઓ સેક્યુલર છે માટે ઇસુના ભક્ત નથી. બધા રામભક્ત મોરારિબાપુ નથી હોતા. બધા મૌલવી મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા. બધા પાદરી ફાધર વાલેસ નથી હોતા. ધર્મનો મર્મ ભુલાઇ જાય ત્યારે બાહ્યાચાર લોકોમાં એવી ડંફાસ મારતા ફરે છે કે પોતે જ ધર્મ છે. ધર્મના ક્ષેત્રમાં જે પિત્તળ હોય તે પોતાને સોનું ગણાવતું રહે છે. બિચારું સોનું છોભીલું પડી જાય છે, કારણ કે ઘણાખરા લોકો પિત્તળને જ સોનું માનનારા હોય છે. જલાલુદ્દીન રુમી કહે છે કે જગતમાં બનાવટી સોનું છે તે બાબત એટલું સાબિત કરે છે કે ક્યાંક અસલી સોનું હોવું જ જોઇએ.

અયોધ્યાના વિવાદનો જે ચુકાદો આવ્યો તેને ઈતિહાસનું ટર્નિંગ પોઇન્ટ કહેવાનું કારણ શું? જવાબ સાંભળો. છેલ્લાં સાઠેક વર્ષથી આપણા દેશને ત્રણ પ્રકારની કટ્ટરતા પજવતી રહેતી હતી: (૧) હિંદુ કટ્ટરતા (૨) મુસ્લિમ કટ્ટરતા અને (૩) સેક્યુલર કટ્ટરતા. જ્યાં કટ્ટરતા હોય ત્યાં અલ્લાહ ગેરહાજર હોય છે. જ્યાં કટ્ટરતા હોય ત્યાં તર્ક અને ન્યાય ગેરહાજર હોય છે. કટ્ટરતા સ્વભાવે ઝનૂનવર્ધક હોય છે. જ્યાં ઝનૂન હોય છે ત્યાં વિચાર ટકી શકતો નથી અને વિચાર ન હોય એવી ભીડ છોડીને ધર્મ ભાગી છુટતો હોય છે. કટ્ટર હિંદુત્વ એ ધાર્મિક અપરાધ છે. કટ્ટર મુસલમાનત્વ એ મજહબી ગુનો છે.

કટ્ટર સેક્યુરિઝમ એ બૌદ્ધિક બદમાશી છે. આવી ત્રણ પ્રકારની કટ્ટરતા પર સૌથી મોટો પ્રહાર અયોધ્યાના વિવાદ અંગે આવેલા ચુકાદા દ્વારા થયો છે. ભારતીય સેક્યુરિઝમનું પોત સુતરાઉ કાપડનું છે, નાયલોનનું નથી. ભારતને મહાત્મા ગાંધીનો સર્વધર્મ-સમભાવ સદે, નહેરુનું ધર્મશૂન્ય સેક્યુરિઝમ ન સદે. ઘરે પ્રેમથી મળવા અને જમવા આવેલા મિત્ર આરફિ મોહમ્મદ ખાને કહ્યું: ‘હિંદુ કે મુસ્લિમ વોટબેંકના નામે રાજકારણ રમવાના દિવસો ગયા.

હવે કોમવાદનું રાજકારણ નહીં ચાલે, પરંતુ વિકાસ અને પ્રગતિનો જ એજન્ડા ચાલશે.’ સેક્યુલર હોવા બદલ જેમણે સૌથી વધારે વેઠ્યું, એવા મુસલમાન નેતાનું નામ આરફિ મોહમ્મદ ખાન છે. He is secularism personified. સો ટચનું સેક્યુરિઝમ જોવું હોય તો એકવાર ઇસ્તંબૂલ જવા જેવું છે. ત્યાં આવેલું સંત સોફિયાનું ચર્ચ ઇ.સ. ૫૩૭માં બંધાયેલું. આટલું મોટું અને આટલું જૂનું ચર્ચ મેં જીવનમાં કદી જોયું ન હતું. એ ગ્રીક આર્થોડોકસ ચર્ચ હતું. ઇ.સ. ૧૪૫૩ની સાલમાં એહમદ બીજાએ કોન્સ્ટંટટિનોપલનો કબજો લીધો પછી આ ચર્ચ મસ્જિદમાં ફેરવાઇ ગયું. પૂરાં ૪૮૧ વર્ષ સુધી એ મસ્જિદ બની રહ્યું. એ વર્ષો દરમિયાન ચર્ચની અંદરની ભીંતો પર ઇસુ, જોસેફ અને વર્જિન મેરીનાં ભવ્ય મ્યુરલોને મુસ્લિમ શાસકોએ કોઇપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડ્યું. મસ્જિદમાં વળી કોઇ અવતારની કે વિભૂતિની ભવ્ય છબી ટકી શકે? કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

મસ્જિદ તરીકે એ ઇમારતમાં નમાજ પઢાતી રહી, પરંતુ ચર્ચમાંથી એક પણ છબી હટાવવામાં ન આવી. સગી આંખે જોયું કે ભીંત પરનાં ભવ્ય મ્યુરલો પર કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું. સન. ૧૯૩૪ સુધી મસ્જિદ તરીકે જાણીતી એ ઇમારતમાં એક ક્રાંતિ થઇ. કમાલ અતાતુર્ક જેવા ક્રાંતિકારી શાસકે એ મસ્જિદને મ્યુઝિયમમાં ફેરવી નાખી. પહેલાં ૯૧૬ વર્ષ ચર્ચ તરીકે અને પછીથી ૪૮૧ વર્ષ મસ્જિદ તરીકે રહ્યા બાદ આ ભવ્ય ઇમારત ઈતિહાસની સાક્ષી બની રહી.

આવી જ ઘટના ઇસ્તંબૂલમાં આવેલા કોરા ચર્ચમાં પણ બની હતી. એ ચર્ચ પણ મસ્જિદમાં ફેરવાયું હતું પણ પછી ચર્ચ બન્યું હતું. એ ચર્ચ ઇસુ પછીની ચોથી અને આઠમી સદીમાં બંધાયેલું. એમાં મ્યુરલો દ્વારા ઇસુ અને માતા મેરીની જીવનકથા પ્રગટ થઇ છે. યાદ રહે કે ૯૯ ટકા જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ટર્કી સેક્યુલર ગણતંત્ર ધરાવે છે. ઇસ્તંબૂલમાં અમારી હોટેલનો માલિક મુસલમાન હતો અને એનું નામ જિસસ હતું. ટર્કીમાં કેટલીય મુસ્લિમ છોકરીઓનાં નામ મેરી હોય છે.

લોર્ડ ભીખુ પારેખ હિંદુ છે અને દિલથી વિશ્વમાનવ છે. અમત્ર્ય સેન વિશ્વમાનવ છે, પરંતુ પોતે હિંદુ છે એમ કહેવાનું ટાળે છે. તારીખ ત્રીજી ઓક્ટોબરે મારા સૌથી પ્રિય મુસલમાન આરિફભાઇ અને આદરણીય મિત્ર ભીખુભાઇ ભોજન માટે ઘરે આવ્યા. અમારી વાતો ‘કેવળ’ સાડા ચાર કલાકો સુધી ચાલી! આરિફભાઇ પોતાનું તાજુમાજું પુસ્તક ભેટ આપતા ગયા : ‘Text And Context: Quran and Contemporary Challenges’ (Rupa, Delhi). હું અને ભીખુભાઇ સાંભળવાના મૂડમાં હતા. આરિફભાઇ અયોધ્યા વિવાદના ઈતિહાસની ઝીણામાં ઝીણી વિગતો અત્યંત અધિકારપૂર્વક અમારી સમક્ષ પ્રગટ કરી રહ્યા હતા.

તેઓ ઉત્તરપ્રદેશના મુસલમાનોની બદલાયેલી માનસિકતા અંગે એવાં એવાં ઉદાહરણો આપી રહ્યા હતા કે જેમાં રાજકારણની દુર્ગંધ ન હોય. મુલાયમસિંહ યાદવે જે કહ્યું તેનો વિરોધ મુસલમાનો તરફથી થયો. એકતાની આબોહવામાં જે ભંગ પાડે તે રાજકારણમાંથી ફેંકાઇ જશે. તેમણે આર.એસ.એસ.ના સરસંઘચાલક ભાગવતના નિવેદનની પ્રશંસા કરીને જણાવ્યું કે બધા બદલાયા છે અને હજી બદલાશે. ચર્ચા ચાલુ હતી તે દરમિયાન મલેરિયામાં પટકાયેલા આદરણીય મોરારિબાપુએ ફોન પર બંને મિત્રો સાથે વાત કરી. ભીખુભાઇએ મીઠી ટકોર કરી : ‘બાપુ, અમે માંદા પડીએ તો ચાલે, પરંતુ તમે માંદા પડો તે કેમ ચાલે?’

સાંઇ મકરન્દ દવે પુરાણકથા (માઇથોલોજી)નું સૌંદર્ય સમજાવતી વખતે કહેતા કે પુરાણકથા પરા-ઐતિહાસિક (પેરા-હિસ્ટોરિકલ) છે. કેટલાક લોકો કોર્ટના ચુકાદાને શ્રદ્ધા પર આધારિત ગણાવે છે. વાત એમ છે કે સાચો ન્યાયમૂર્તિ કાયદો, તર્ક, હકીકત અને સાબિતી ઉપરાંત પરિસ્થિતજિન્ય શાણપણ ધ્યાનમાં રાખે છે. ન્યાયમૂર્તિ એસ. યુ. ખાનની ભૂમિકામાં ભારોભાર વિવેકની આણ રહેલી છે. સોલી સોરાબજી જેવા ન્યાયવિદે ચુકાદાને માટે કહ્યું કે ન્યાયમૂર્તિઓએ ભારે હિંમત બતાવી છે. ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ (૧પ-૯-૨૦૦૭)માં સેક્યુલર કટારલેખક જગ સુરૈયાએ રામ માટે જે શબ્દો કહ્યા તે કાન દઇને સાંભળવા જેવા છે. એમના શબ્દો સાંઇ મકરન્દની વાતને ટેકો આપનારા છે. સાંભળો :

રામ કેવળ વાસ્તવિક નહીં,
પરંતુ અતિ-વાસ્તવિક છે.

Ram isn’t real,
He is hyper-real.
The myth or hyper-reality is
more real in the sense of
being more constant than reality.

ઘણા ખરા લોકો ધર્મનું ફળ ચાખવાને બદલે કેવળ ફળનું છોડું જ ચાવતા રહે છે. કોમી હુલ્લડો કાયમ છોટલાવાદીઓ વચ્ચે જ થાય છે. ફળનો ગલ ખાનારા કાયમ લઘુમતીમાં હોય છે. અયોધ્યાના લાંબા વિવાદનો ચુકાદો આખરી નથી. કોર્ટની બહાર સમાધાન થાય એથી રૂડું બીજું શું હોઇ શકે? આપણે તો એટલું જ ઇચ્છીએ કે વોટબેંકનું રાજકારણ અને ગંદું સેક્યુરિઝમ ખતમ થાય. ગાંધીજીએ રામાયણને ‘જગતનો સર્વોપરી’ ગ્રંથ ગણાવ્યો હતો. છેલ્લાં સાઠ વર્ષ દરમિયાન પ્રજાએ ગરીબી ઉપરાંત બીજું ઘણું ઘણું વેઠ્યું છે. એકતાની આબોહવાને નષ્ટ કરે તેવી કોઇપણ હરક્ત પ્રજા ચલાવી નહીં લે. સમન્વયનો સંદેશો અયોધ્યાથી અજમેર સુધી અને ચરારે શરીફથી રામેશ્વર સુધી ભલે પહોંચતો. ગાંધીજી ‘સનાતની હિંદુ’ હતા માટે વિશ્વમાનવ હતા. તેઓ વિશ્વમાનવ હતા માટે ‘સનાતની હિંદુ’ ન હતા.

પાઘડીનો વળ છેડે

તમે જો ઈતિહાસ તરીકે રામાયણ વાંચશો
તો તમને તેમાં ઘણીબધી પુરાણકથાઓ જડશે,
જો તમે પુરાણકથા તરીકે રામાયણ વાંચશો
તો તમને તેમાં ઘણોબધો ઈતિહાસ મળી આવશે.
એ. એલ. બેશામ

નોંધ :- વિશ્વવિખ્યાત ઈતિહાસકાર બેશામ ગાંધીજીના જબરા પ્રશંસક હતા. એમનું જાણીતું પુસ્તક ‘The wonder That was India’’ વાંચવા જેવું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશગિન (એન આર્બર)માં એમને સાંભળવાનો લહાવો મળેલો. સભામાં અમે કુલ પંદર માણસો હતા. પ્રવચનનો વિષય હતો: ‘ગાંધી થયા તે પહેલાં થયેલા સત્યાગ્રહોનો ઈતિહાસ’. વર્ગખંડના પાટિયા પર એમણે ગુજરાતીમાં શબ્દો લખ્યા હતા: રામનામ, પૂતળીબાઇ, વૈષ્ણવજન, સત્યાગ્રહ ઇત્યાદિ. એમણે ‘આમરણાંત ઉપવાસ’ માટે પ્રવચનમાં ‘પ્રાયોપવેશન’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. પ્રવચન પૂરા બે કલાક ચાલ્યું હતું.

Advertisements

One thought on “Divya Bhasker10-10-10

  1. સાચો હિંદુ વિશ્વમાનવ છે, ધર્મ મન અને મગજ ને બ્રહ્માંડ ની વિશાળતા ની અનુભૂતિ કરાવે ત્યારે ધાર્મિક બન્યા કહેવાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s