Divya Bhasker, 14-11-2010

ગુણવંત શાહ: હોટેલ મોહેન્જોદારો

 કાશ્મીરના પ્રશ્ને ડિપ્લોમસી રમવામાં પાકિસ્તાન ભારત કરતાં વધારે સ્માર્ટ છે. આતંકવાદી હુમલાઓ ચાલુ રાખીને, પથ્થરમારાનું આયોજન કરીને, પ્રજાને ગુમરાહ કરીને અને અલગતાવાદી સંગઠનોને મદદ પહોંચાડીને પાકિસ્તાન આપણી નરમ, કોમળ અને અનિશ્વયમાં અટવાતી સરકારને રીતસર રમાડે છે. એવી છાપ પડે છે, જાણે કે આપણે કાશ્મીર ગુમાવી બેસવા માટે માનસિક તૈયારી રાખીને બેઠાં છીએ! અભિનેતા અનુપમ ખેર પાકિસ્તાન ગયા ત્યારે ટેક્સી ડ્રાઇવરે એમની પાસેથી પૈસા લેવાની ના પાડી અને કહ્યું: ‘તમારી ફિલ્મોએ અમને એટલું બધું સુખ આપ્યું છે કે વાત ન પૂછો. મને પૈસા ચૂક્વીને એ સુખમાં ખલેલ ન પહોંચાડશો.’ ભારતીય મુલાકાતીઓને લાહોર કે ઇસ્લામાબાદમાં આવા અનુભવો વારંવાર થતા હોય છે. પાકિસ્તાનથી ભારતની મુલાકાતે આવનારા લોકોને આવા અનુભવો થાય છે ખરા? જવાબ આપણે ગૌરવ લઇ શકીએ તેવો નથી. પાકિસ્તાનની નેશનલ કાઉન્સિલ ઓફ આર્ટ્સ તરફથી એક નાટક ઇસ્લામાબાદમાં ભજવાયું હતું. નાટકનું નામ હતું: ‘હોટેલ મોહેન્જોદારો.’ પાકિસ્તાનના જાણીતા લેખક ગુલામ અબ્બાસે લખેલી ટૂંકી વાર્તા પરથી આ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. એ વાર્તા લગભગ પચાસ વર્ષો પહેલાં લખાઇ હતી. નાટકમાં એક રંગીન કલ્પના રજૂ થઇ છે. પાકિસ્તાન દુનિયાનો એવો પ્રથમ દેશ છે, જે સ્પેસ ટેક્નોલોજીમાં ખૂબ આગળ વધ્યો છે અને માનવસહિત ચંદ્ર પર અવકાશયાન મોકલવામાં સફળ થયો છે. આ ઘટનાની ખુશાલીમાં હોટેલ મોહેન્જોદારોમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને આવી મહાન સફળતા મેળવનારા વિજ્ઞાનીઓનું સન્માન યોજવામાં આવે છે. બીજે દિવસે મસ્જિદમાં ઉપદેશ (ખુત્બ) આપી રહેલા મૌલવી જાહેર કરે છે કે અવકાશયાત્રા ઇસ્લામવિરોધી બાબત છે. ત્યાર બાદ બીજા મૌલવીઓ એ વાતમાં સૂર પુરાવે છે અને વિજ્ઞાનીઓની ભારે નિંદા કરે છે. તેઓ કહે છે કે બધાં જ વૈજ્ઞાનિક સંશોધનો ઇસ્લામવિરોધી છે. આવા આંદોલનનું જોર વધતું જાય છે અને લોકોને કહેવામાં આવે છે કે સાબુ અને ટૂથપેસ્ટ જેવી ચીજો પણ ઇસ્લામવિરોધી છે. વાત આગળ વધે છે અને આધુનિક શિક્ષણને, તથા ખાસ કરીને કન્યાઓ શિક્ષણ લેતી થાય તેનો વિરોધ કરવામાં આવે છે. ધીરે ધીરે સરકાર અને રાજકારણ પર મૌલવીઓનો પ્રભાવ વધી જાય છે અને મૌલવીઓ ફતવા બહાર પાડવાનું શરૂ કરે છે. મસ્જિદો પર સૂત્રો ચીતરવામાં આવે છે અને ત્યાં બંદૂકો તથા બોમ્બનો છુટથી ઉપયોગ કરવામાં આવે છે. નવા અમીરો ઝડપભેર ચૂંટણીમાં વિજય પામે છે અને એટલી જ ઝડપથી એમની હત્યા થતી રહે છે. પાકિસ્તાનની ભાંગી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. નાટકના છેલ્લા ર્દશ્યમાં એક બોડો (વૃક્ષવિહીન) ડુંગર બતાવવામાં આવે છે. એ ડુંગર પર એક બોર્ડ પર શબ્દો વાંચવા મળે છે: ‘એક જમાનામાં અહીં એક પાકિસ્તાની સંસ્કૃતિ હતી.’ પડદો પડે તે પહેલાં નાટકના દિગ્દર્શક સ્ટેજ પર આવે છે અને શ્રોતાઓને કહે છે કે : પવિત્ર કુરાનમાં એવી શક્તિશાળી સંસ્કૃતિઓનો ઉલ્લેખ થયો છે, જે કાળક્રમે નાશ પામી હતી. (આરિફ મોહમ્મદ ખાનના પુસ્તક: ‘Text And Context, પાન ૨૩૧-૩૨) ***** કાશ્મીર ભારતથી છુટું થાય. તો શું થાય? વિનોબાજીએ કાશ્મીરની પદયાત્રા દરમિયાન કહ્યું હતું: ‘કાશ્મીર મેં દો હી નામ ચલતે હૈ, એક અલ્લા ઔર દૂસરા લલ્લા.’ ૧૪મી સદીમાં કાશ્મીરમાં એક એવી સ્ત્રી થઇ ગઇ જેને લોકો લલ્લેશ્વરી (લલ્લ ડેડ) કહે છે. નરસિંહ મહેતાનાં પદો અને તુકારામના અભંગની માફક સંત લલ્લેશ્વરીનાં પદો પેઢી પછીની પેઢી સુધી કાશ્મીરમાં લોકો આદરપૂર્વક ગાતાં રહ્યાં છે. ગુજરાતની ભક્તકવિ પાનબાઇનું સ્મરણ થાય એવાં પદો (વાખ) લલ્લેશ્વરીએ કાશ્મીરી ભાષામાં અછાંદસ તોય લયબદ્ધ ગીતોમાં ઢાળી શકાય એ રીતે લખ્યાં છે. મુંબઇના સુરેશ ગાલાએ શૈવ ભક્ત લલ્લેશ્વરીનાં પદોનો છંદોબદ્ધ અનુવાદ ‘અસીમને આંગણે’ પ્રગટ કર્યો છે. અહીં માત્ર થોડીક પંક્તિઓ પ્રસ્તુત છે. સાંભળો: ઘર છોડીને વન ગયા, તોય સર્યો નહીં અર્થ, જ્યાં લગ મનવશ થાય ના, ત્યાં લગ બધુંય વ્યર્થ! ****** પરમને તટે નીરખી, શિવશક્તિની જોડ, ગયો ભય હવે મોતનો પામી અમરત સોળ! ***** એ જ ૧૪મી સદીમાં મુસ્લિમ સંત નંદ ઋષિ (શેખ નુરુદ્દીન) કાશ્મીરમાં થઇ ગયા. કાશ્મીરનું મન આ બે સંતોના પ્રભાવ હેઠળ જરા જુદો સેકયુલર મિજાજ ધરાવતું થયું છે. આજે પણ ત્યાં સૂફી સંતોને ‘ઋષિ’ કહેવાનો રિવાજ છે. લોકો એવા અનોખા મિજાજને ‘કાશ્મીરિયત’ કહે છે. કાશ્મીરની સૂફી પરંપરાનો પરચો ઔરંગઝેબના મોટા ભાઇ દારા શિકોહને મળ્યો હતો. એ ઉપનિષદોના અભ્યાસ માટે કાશ્મીર ગયો હતો અને એણે ઉપનિષદનો ફારસી અનુવાદ કર્યો, તે ભારતપ્રેમી વિલિયમ જેમ્સને પહોંચ્યો હતો. આમ આપણા ઉપનિષદોને યુરોપમાં પહોંચાડવાનું કાર્ય એક મોગલ યુવરાજે કાશ્મીરમાં જઇને કર્યું હતું. કાશ્મીર સ્વતંત્ર રાજ્ય બને તો સૂફી પરંપરામાં રંગાયેલી કાશ્મીરિયત નષ્ટ થાય અને કટ્ટરપંથી ઇસ્લામનું ચડી વાગે. પાકિસ્તાનમાં સૂફી દરગાહો પર આત્મઘાતી બોંબરોના જીવલેણ હુમલા સતત થતા રહ્યા છે. ગયા જુલાઇમાં સૂફી સ્થાનક ‘દાતા દરબાર’ પર થયેલા હુમલામાં ૪૭ માણસો માર્યા ગયા હતા. ઓક્ટોબરની શરૂઆતમાં બે આત્મઘાતી હુમલાખોરોએ બોંબધડાકા કર્યા એમાં કરાચીના સૂફી સ્થાનકમાં આઠ માણસો મરી ગયા હતા. થોડાક જ દિવસો પર મોટરસાઇકલ પર વળગાડેલા બોમ્બધડાકામાં પાંચ માણસો માર્યા ગયા હતા. ઇસ્લામી કટ્ટરપંથીઓ માને છે કે રહસ્યવાદી સૂફી પરંપરા મૂળે ઇસ્લામવિરોધી છે અને એમાં સૂફી સંગીત કે સૂફી ન્úત્ય કે સૂફી બંદગી અસ્થાને છે. ‘સ્વતંત્ર કાશ્મીર’ એક એવું સમણું છે, જેમાં સ્વતંત્રતાનો અર્થ પાકિસ્તાની આક્રમકતાનો સ્વીકાર એવો થાય છે. સૈયદ ગિલાનીને કાશ્મીરિયત પ્રત્યે નહીં, પાકિસ્તાની મુદ્રા ધરાવતી કટ્ટરપંથી ઇસ્લામિયત પ્રત્યે ખેંચાણ છે. કાશ્મીરની સમસ્યા અંગે ટીવી પર ચાલતી ચર્ચા સાંભળવા જેવી હોય છે. એ ચર્ચામાં દિલીપ પાડગાંવકર જેવા બૌદ્ધિકો જે જે મુદ્દા રજૂ કરે તે મુદ્દા પાકિસ્તાની શાસકોને ભાવી જાય અને ફાવી જાય તેવા હોય છે. બૌદ્ધિક મનુષ્યની એક વ્યાખ્યા નોંધી રાખવા જેવી છે: ‘પોતાની પત્ની પર બળાત્કાર થાય પછીના કલાકે જે મનુષ્ય, બળાત્કાર પાછળ રહેલાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરવા લાગે તે બૌદ્ધિક મનુષ્ય કહેવાય.’ કાશ્મીરના પ્રશ્ને ડિપ્લોમસી રમવામાં પાકિસ્તાન ભારત કરતાં વધારે સ્માર્ટ છે. આતંકવાદી હુમલાઓ ચાલુ રાખીને, પથ્થરમારાનું આયોજન કરીને, પ્રજાને ગુમરાહ કરીને અને અલગતાવાદી સંગઠનોને મદદ પહોંચાડીને પાકિસ્તાન આપણી નરમ, કોમળ અને અનિશ્વયમાં અટવાતી સરકારને રીતસર રમાડે છે. એવી છાપ પડે છે, જાણે કે આપણે કાશ્મીર ગુમાવી બેસવા માટે માનસિક તૈયારી રાખીને બેઠાં છીએ! આપણી કરોડરજજુ ટટ્ટાર રહેવાની ખો ભૂલી ગઇ છે! કસાબ થૂંકી શકે છે અને અરુંધતી રોય, ગિલાની સાથે બેસીને બૌદ્ધિકતાને રમતી મેલે છે. માઓવાદ અને આતંકવાદનું મિલન કાશ્મીરમાં થાય, તો તે અશક્ય નથી. કાશ્મીર ભારતથી વિખૂટું પડે તો ભાગલા પાછળ રહેલી Two-nation-theory પાછળ રહેલી માનસિકતા ફરી સાચી પડે અને ભારતીય મુસલમાનોનું હિત જોખમાઇ શકે છે. અરુંધતી કાશ્મીરી પંડિતો માટે અવાજ ઉઠાવે એ શક્ય છે? જમ્મુ અને લડાખમાં વસનારા બિનમુસ્લિમ લોકોનો અવાજ તમે ક્યારેય સાંભળ્યો? આપણી કાયરતા હવે સહિષ્ણુતાને નામે ઓળખાય છે. આપણી અનિર્ણાયકતા માનવ-અધિકારોની માવજતમાં ખપે છે. કાશ્મીર ગુમાવી બેસીએ, તો તેની ખરી જવાબદારી ઇસ્લામાબાદની નહીં હોય, દિલ્હીની હશે. બળાત્કારનો પ્રથમ પ્રયત્ન બળાત્કાર કહેવાય છે, પરંતુ પંદરમો પ્રયત્ન અડધી સંમતિ ગણાય છે. (લખ્યા તા. ૨૬-૧૦-૨૦૧૦) પાઘડીનો વળ છેડે આપણાં માતપિતા જુદાં નથી. તો પછી આ ભેદભાવ શાને? હિંદુ અને મુસલમાન એક જ પરમેશ્વરને ભલે ભજે. આપણે આ દુનિયામાં ભાગીદાર તરીકે આવ્યાં છીએ. આપણે આપણાં સુખદુ:ખ વહેંચવાં જોઇએ.- નંદ ઋષિ (શેખ નુરુદ્દીન, ૧૪મી સદી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s