હિંદુ-મુસ્લિમ એકતાનો નેશનલ હાઇવે, Divya Bhasker, 5-12-2010

 

ગાય ‘કામધેનુ’ છે અને એ દેશની સૌથી મોટી ‘ઇન્ડસ્ટ્રી’ પણ છે. કોઇપણ સંજોગોમાં ગાયની હત્યા ચલાવી ન લેવાય. જેમ વાઘ અને સિંહની હત્યા રોકવા માટે કાયદો થયો છે, તેવો જ કાયદો ગાયની હત્યા રોકવા માટે થવો જોઇએ. ગાય કેવળ હિંદુઓની શી રીતે હોઇ શકે? ગાય તો માનવતાની માતા છે. શું ગાયનું દૂધ કેવળ હિંદુઓ માટે જ છે? હે ગુજરાતી નાગરિકો! ચાલો એકતાના આ નેશનલ હાઇવે પર. તમારે હુલ્લડ સિવાય કશું જ ગુમાવવાનું નથી.

ગીનીઝ બુક ઓફ રેકોડ્ઝમાં નોંધ પામે એવી ઘટના બની ગઇ. વડોદરાથી લગભગ ત્રીસ કિલોમીટર છેટે આવેલા એક્લબારા ગામે આવેલી હજરતશાહ ક્યામુદ્દીન દાદાની દરગાહ પાસે સદ્ભાવના સંમેલન યોજાયું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં હિંદુઓ અને મુસલમાનો ભેગા થયા તેમાં મહિલાઓની સંખ્યા પણ ઓછી ન હતી. સંમેલનમાં સર્વત્ર સૂફી વિચારધારાની સુગંધ પ્રસરી રહી હતી. ભીડ હતી તોય કોલાહલ ન હતો. શ્રોતાઓ એકચિત્તે વકતાઓને સાંભળી રહ્યા હતા.

હિંદુ-મુસ્લિમ એકતાનું આવું મહાપર્વ મંચ પરથી નિહાળીને મારા પ્રવચનમાં પ્રથમ વિધાન સહજપણે થઇ ગયું: ‘હિંદુ-મુસ્લિમ એકતાનો નેશનલ હાઇવે સૂફી વિચારધારામાંથી પસાર થાય છે.’ સંમેલનમાં એકતાનો ઉપદેશ નહોતો અપાયો કારણ કે એકતા હાજરાહજૂર હોય ત્યાં ઉપદેશ ખરી પડે છે. સંમેલનનો કેન્દ્રસ્થ વિષય હતો: ‘ઘરે ઘરે ગાયો પાળો.’ આ એક વિક્રમસર્જક ઘટના હતી.

આદરણીય લોકશિક્ષક મોરારિબાપુની ઉપસ્થિતિમાં દિલ્હી દરબારમાં માનવંતુ સ્થાન પામેલા અહમદ પટેલે સુંદર પ્રવચનને અંતે ગોશાળા માટે રૂપિયા દસ લાખ આપવાની જાહેરાત કરી હતી. પ્રાધ્યાપક રઝિવાન કાદરીએ સરદાર વલ્લભભાઇ પટેલની કેટલીક એવી વાતો રજૂ કરી કે જે લોકોના જાણવામાં આવી ન હોય. અમારા સૌના યજમાન હતા, હાજી કદીરુદ્દીન પીરઝાદા. એમણે સ્વાગત પ્રવચનમાં કહ્યું: ‘સૂફી સંતોનું કામ એકમેક વચ્ચે પ્રેમ સ્થાપવાનું છે. કોઇપણ સંજોગોમાં ગાયની હત્યા ચલાવી ન લેવાય. જેમ વાઘ અને સિંહની હત્યા રોકવા માટે કાયદો થયો છે, તેવો જ કાયદો ગાયની હત્યા રોકવા માટે થવો જોઇએ.’

નોંધવા જેવું છે કે કદીરભાઇના પિતા પીર માંગરોળવાળા ગાયના પરમ ઉપાસક હતા. તેમની સ્મશાનયાત્રામાં જોડાયેલા હજારો લોકોમાં હિંદુઓની સંખ્યા વધારે હતી. તા. ૯મી ઓક્ટોબર, ૧૯૮૧ને દિવસે સુરતના રંગ ઉપવનમાં કદીરભાઇએ મોરારજી દેસાઇનું ગીતા-પ્રવચન (આ લખનારના પ્રમુખપદે) ગોઠવ્યું હતું. એ દિવસે એકઠી થયેલી માનવ મેદનીએ કોઇ રાજકીય નેતાને નહીં, પરંતુ ભગવદ્ગીતાના પરમ ઉપાસક એવા મોરારજીભાઇને ધ્યાનપૂર્વક અને આદરપૂર્વક સાંભળ્યા હતા.

*** *** ***

યાદગાર સદ્ભાવના સંમેલનમાં મારા પ્રવચનમાં થયેલી વાતોનો ટૂંક સાર અહીં પ્રસ્તુત છે. કાન દઇને સાંભળજો:

૧ વર્ષો પહેલાં ગુજરાતના રાજ્યપાલ મહેદી નવાઝ જંગ હતા. તેમની સુપુત્રી ડૉ. ઇસરત મહેદી ઇજિપ્તમાં ભારતીય એલચી ખાતામાં કલ્ચરલ સેન્ટરની અધ્યક્ષા હતી. ઇસરત બહેને મારો મેળાપ કૈરોમાં એક સૂફી ફકીર સાથે કરાવ્યો હતો. એ ફકીરનું નામ હતું: અબ્દલ હાઇ. એમણે કરેલી એક સુંદર વાત હૈયે કોતરાઇ ગઇ છે. સૂફી ફકીરો મોડી રાત સુધી મુરીદો (શિષ્યો) સાથે જે સત્સંગ કરે તેમાં માત્ર ગુરુ બોલે છે અને બાકીના બધા સાંભળે છે. અબ્દલ હાઇએ મને કહ્યું: ‘એક બોલતા હૈ ઔર સબ સુનતે હૈ, લૈકિન જો બોલતા હૈ વો ભી સુનતા હૈ, કયોંકિ બોલનેવાલા તો સફિe અલ્લાહ હી હોતા હૈ!’ ગુરુ પાસે અલ્લાહ બોલાવડાવે છે.

૨ પાકિસ્તાનની આબિદા પરવીન સૂફી ભજનો સંભળાવે ત્યારે સરહદ ખરી પડે છે. એ કહે છે કે કવ્વાલીનો જન્મ સૂફી સંતોની દરગાહોમાં થયો છે. ગુલામઅલી જેવો ગાયક આપણને પારકો નથી લાગતો. મહેંદી હસનને સાંભળતી વખતે આપણને યાદ પણ નથી રહેતું કે એ પાકિસ્તાનનો કલાકાર છે. આબિદા પરવીનની પંક્તિઓ યાદ આવે છે:

નદી કિનારે ધુઆં ઉઠે,
મૈં જાનું કુછ હોયે,
જિસકે કારણ મૈં જોગન બની,
કહીં વોહી ન જલતા હોવે!

૩ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પાકિસ્તાનમાં આત્મઘાતી માનવબોમ્બને કારણે એક પણ હિંદુ, ખ્રિસ્તી, પારસી કે બૌદ્ધ મર્યો નથી. ગયા મહિનામાં જ ત્યાં દરગાહો પર થયેલા આત્મઘાતી હુમલાઓમાં ૧૦૦થી વધારે સૂફીપંથના માણસો મર્યા છે. પાકિસ્તાનમાં શિયા મરે છે, અહમદિયા મરે છે અને સૂફીપંથમાં માનનારા ભક્તો મરે છે. ત્યાં દરગાહ પર વારંવાર હુમલા થાય છે. ભારતમાં દરગાહ પર હિંદુઓ પણ જાય છે. અહીં ભરાયેલા આ ઉર્સમાં ઘણા હિંદુઓ આવ્યા છે. ફરીથી કહું છું કે સૂફી વિચારધારામાં એકતાની સુગંધ છે. સૂફી સંતો (રસૂલેખુદા) મહંમદસાહેબને પ્રથમ સૂફી માને છે. સૂફીપંથ એ ઇસ્લામનો ભક્તિમાર્ગ છે.

૪ લોકો કેવા મૂર્ખ હોય છે? તેઓ ઉર્દૂને મુસલમાનોની ભાષા ગણે છે. કોઇ પણ ભાષા કેવળ એક જ કોમની શી રીતે હોઇ શકે? એ જ રીતે ગાય કેવળ હિંદુઓની શી રીતે હોઇ શકે? ગાય તો માનવતાની માતા છે. શું ગાયનું દૂધ કેવળ હિંદુઓ માટે જ છે? અંદર અંદર લડવાનું બંધ કરવું પડશે, કારણ કે દુનિયામાં આપણી મશ્કરી થાય છે અને વિકાસ ખાડે જાય છે. કોમવાદ જ વિકાસનો ખરો દુશ્મન છે.

૫ લોકશાહીની વિરુદ્ધમાં ત્રણ શાહી કામ કરે છે: એક છે મહંતશાહી, બીજી છે મુલ્લાશાહી અને ત્રીજી છે પાદરીશાહી. આપણી અને અલ્લાહની વચ્ચે દલાલોની જરૂર નથી. જે જોડે તે ધર્મ અને જે તોડે તે અધર્મ! ((‘religion’ શબ્દ મૂળે લેટિન ‘religare’ પરથી આવેલો છે, જેનો અર્થ છે: જોડવું કે બાંધવું.)

૬ સ્વચ્છ અને સ્વસ્થ સેક્યુલરિઝમ ભારતની એકતા માટે અત્યંત જરૂરી છે, પરંતુ ગંદું સેક્યુલરિઝમ એકતાનું દુશ્મન છે. યુ.એસ.એસ.આર.ના ભાગલા થવામાં વાર નહોતી લાગી. આપણે જાગ્રત ન રહીએ તો ભારતના વધુ ભાગલા થઇ શકે છે. સૂફી સંતોએ કદી પણ અને ક્યારે પણ એકતા તૂટે એવી કોઇ વાત કરી નથી. એ જ રીતે મધ્યયુગના હિંદુ સંતોએ પણ ભેદભાવ રાખ્યો નથી.

*** *** ***

આ વિરાટ સભામાં અહમદ પટેલે બે મૌલિક વાતો કરી હતી: (૧) વ્યક્તિનું મન તંદુરસ્ત (મનદુરસ્ત) હશે તો તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકશે. (૨) ગાય ‘કામધેનુ’ છે અને એ દેશની સૌથી મોટી ‘ઇન્ડસ્ટ્રી’ પણ છે. આદરણીય મોરારિબાપુએ કહ્યું હતું કે દેશમાં જેમ લોકસભા હોય, તેમ સદ્ભાવના સભા પણ હોવી જોઇએ. ગુજરાતમાં બાપુ પોતાની રીતે સદ્ભાવનાનું બહુ મોટું કામ કરી રહ્યા છે. ક્યારેક સેક્યુલરિઝમના નામે પણ સદ્ભાવના ઘટે એવું બન્યું છે.

જે દિવસે જ્ઞાતિ કે કોમ સાથે જોડાયેલી વોટબેંક ક્ષીણ થઇ જશે ત્યારે સદ્ભાવનાની સુગંધ સમગ્ર દેશમાં પ્રસરી જશે. બિહારની ચૂંટણીનાં પરિણામો બતાવે છે કે વોટબેંક ઢીલી પડી રહી છે. એક્લબારામાં મળેલા સદ્ભાવના સંમેલન (તા. ૨૧-૧૧-૨૦૧૦)ની સુગંધ ગુજરાતમાં પ્રસરતી રહેશે. હે ગુજરાતી નાગરિકો! ચાલો એકતાના આ નેશનલ હાઇવે પર. તમારે હુલ્લડ સિવાય કશું જ ગુમાવવાનું નથી.

પાઘડીનો વળ છેડે

સન ૧૯૩૦માં હું જ્યારે ઉત્તરપ્રદેશના ગામડામાં મદરેસાનો વિદ્યાર્થી હતો ત્યારે અમને એક કવિતા ભણાવવામાં આવેલી:

કલ જો ઘાસ ચરીથી બનમેં
દૂધ બની વો ગાય કે થાનમેં.

એનો અર્થ એટલો જ કે ગાય એક વિશિષ્ટ પ્રાણી છે. એ ઘાસ ખાય છે અને બદલામાં દૂધ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગાય દિવ્ય છે, કારણ કે એ non-milk (એટલે બિનદૂધ)માંથી milk (દૂધ) આપે છે. ગાય પાસેથી માણસે ઘણું બધું શીખવાનું છે. દરરોજ માણસ તાણ વેઠે છે. તમે જો ગાયની જીવનશૈલી અપનાવો, તો જરૂર તાણમુક્ત થશો. ટૂંકમાં નકારાત્મક અનુભવોને હકારાત્મક વિચારોમાં ફેરવી નાખો.

મૌલાના વહિદુદ્દીન ખાન (તા. ૧૩-૧૧-૨૦૦૯)

Advertisements

One thought on “હિંદુ-મુસ્લિમ એકતાનો નેશનલ હાઇવે, Divya Bhasker, 5-12-2010

 1. gunvant bhai . namashkar.
  tamaro 5/12/2010 no lekh vanchi ne bahu dukh thayu.
  tame gujratiyo ne hullad priya mano chho e jani ne pan bahu dukh thayu.
  mane e pan dukh chhe ke tame gujarat bahar na hullad vise ajan chho.
  mane tamara jevu lakhata to nathi aavdtu, pan koik ne kashmir ane bareli na hullad vise
  puchhi jojo. gujarat na hullado uper 5-5 filmo bane chhe. pan bareli hullado uper koi secular ni takat chhe film banava ni.
  “garv chhe gujarati chhu”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s