માતૃભાષા એ બાળકનો હક છે, તે અપાવો જ જોઇએ

 

 

– બાળકોને મૂળાક્ષર ભણાવતા પહેલાં તેમની અભિવ્યક્તિને ખીલવવા માટે પીંછી આપવાનો ગુણવંત શાહનો અનુરોધ

– ફૂલ જેવાં માસુમ ભૂલકાંઓને આગોતરું શિક્ષણ આપવાના નામે ભણતરના બોજ તળે દબાવવા માટેની જે પ્રવૃત્તિ થઈ રહી છે, તેની સામે ‘દિવ્ય ભાસ્કર’એ ‘સ્કૂલે જતાં પહેલાં…’ ના નામે એક શ્રૃંખલા છેડી છે, જે અંતર્ગત રવિવારે પ્રખર ચિંતક અને લેખક ડૉ. ગુણવંત શાહની એક એક્સકલુસિવ મુલાકાત

– ‘જે શાળામાં ગોખણવિદ્યા પર ભાર અપાય તે નહીં પણ સંસ્કારવિદ્યા ઉપર ભાર અપાતો હોય, તો શાળા યોગ્ય કહેવાય.’

સુરતમાં એક વ્યાખ્યાન માટે આવેલા પ્રખર ચિંતક અને લેખક ડૉ. ગુણવંત શાહને મળવાનું થયું. સમયપાલનના આગ્રહી ગુણવંતભાઈએ અગિયાર વાગ્યાનો સમય આપ્યો હતો એટલે અમે અગિયારના ટકોરે પીપલોદ ખાતે તેમની પુત્રી ડૉ. મનીષા પાનવાલાના ઘરે મુલાકાત માટે પહોંચ્યા. ખાદીનો ઝભ્ભો-લેંઘો અને શિયાળાની સવારને પગલે શાલ અને મફલર પહેરીને હિંચકા ઉપર બેઠેલા ડૉ. શાહે અમને આવકાર્યા. ઘરની ઓસરીમાં બેઠા બેઠા હાલમાં શિક્ષણની સાંપ્રત સ્થિતિમાં વાલીઓમાં વધતું અંગ્રેજી માધ્યમનું વળગણ અને તેમાંથી ઉદ્ભવી રહેલા પ્રશ્નો પર અમે વિશદ્ ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં નીકળેલા પ્રશ્નોના ડૉ. શાહે અત્યંત પ્રેરક જવાબો આપ્યા હતા, જે અહીં પ્રસ્તુત છે.

બાળકને ક્યા માધ્યમમાં ભણાવવું જોઇએ?

ગુજરાતી માધ્યમમાં જ. આજે સવારની જ વાત છે, હું, સુરતમાં જ રાંદેરમાં મારા પરિચિત ડૉ. નીરવ પટેલને ત્યાં હતો. નીરવ પોતે ડોક્ટર છે, તેની પત્ની પણ ડોક્ટર છે. છતાં તેમણે તેમનાં સંતાન માટે આ જ મુદ્દે ચર્ચા નીકળી તો સીધો જવાબ આપ્યો કે અમે તો અમારા બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવીશું.

કેમ ગુજરાતી માધ્યમમાં ભણાવવું જોઇએ?

આવો સવાલ કેમ? ફ્રાંસમાં આવો સવાલ ઊઠ્યો છે? જાપાનમાં આ સવાલ થાય છે? પણ આ સવાલ હિન્દુસ્તાનમાં જ થાય છે. આપણે ત્યાં કોલોનિયલ માઇન્ડને કારણે આવો સવાલ ઉઠાવાય છે. આઝાદી પછી પણ આ માનસિકતા હજુ દેખાઇ રહી છે. આપણે વીંટીમાં નંગ પહેરીએ તો તેને વીંટી વગર પહેરી શકાય? નહીં ને..? કેમકે, વીંટીનું નંગ જો અંગ્રેજી હોય તો વીંટી એ ગુજરાતી ભાષા છે.

અંગ્રેજી માધ્યમમાં ભણાવવા સામે શું વાંધો?

માતૃભાષા એ બાળકનો નેચરલ હક છે એ યુનાઇટેડ નેશને પણ સ્વીકાર્યું છે. તો બાળકોના આ માનવ અધિકારને શા માટે જતો કરવો?!

અંગ્રેજીમાં જ બાળકને ભણાવવું પડે તો?

અંગ્રેજી મિડિયમમાં ભણનારે ગુજરાતી કાચું રહી ન જાય તેની કાળજી રાખવી જોઇએ અને ગુજરાતી માધ્યમવાળાએ અંગ્રેજી કાચું નહીં રહી જાય તેની કાળજી રાખવી જોઈએ. અંગ્રેજી એક ભાષા છે. ગુજરાતી માધ્યમની જ એવી સ્કૂલો હોવી જોઈએ જેમાં અંગ્રેજી શાળાઓ કરતાં પણ સારું અંગ્રેજી ભણાવાય. આપણે રોબર્ટ ફ્રોસ્ટ પણ નથી ગુમાવવાનો અને કલાપિ પણ નથી ગુમાવવાનો.

શાળાની પસંદગી ક્યા આધારે કરવી?

જે શાળામાં ગોખણવિદ્યા પર ભાર અપાય તે નહીં પણ સંસ્કારવિદ્યા ઉપર ભાર અપાતો હોય, પૂરતા શિક્ષકો રાખવામાં આવે, તેમને પૂરતો પગાર અપાતો હોય તેવી શાળા પસંદ કરવી જોઇએ. નહીં તો ઊંચી ફી લેતી શાળાઓ પણ ગરીબડી જ ગણાય.

બાળકોને બીજી શું પ્રવૃત્તિઓ કરાવવી

શિક્ષણમાં જે ખામી રહી ગઈ હોય તે મા-બાપે પૂરી કરવી પડશે. શારીરિક શિક્ષણ માટે શાળાઓએ પૂરતી વ્યવસ્થા રાખવી જોઈએ. નહીં તો શેરી રમત માટે પેરેન્ટ્સે જ પ્રોત્સાહન આપવું પડે. તેમાંથી જ કપિલદેવ કે ધોની પેદા થઈ શકે છે.

આઈટીનો ઉપયોગ કેમ લાભદાયક બને?

ઘારી ખાવી હોય તો પાંચ ખાઈએ તો નુકસાન થાય. આપણે ત્યાં તો ખુરશીમાં છાણના પોદળાની જેમ બેસીને ભંગાર ટીવી સિરિયલો જોવાય છે. એટલે, ટીવી ઓર કમ્પ્યૂટર શુડ બી અન્ડર યુ, યુ શુડ નોટ અન્ડર ધેમ.

બાળક પશ્ચિમી કલ્ચર શીખે તે માટે સલાહ?

પશ્ચિમની સંસ્કૃતિમાં પણ ખૂબ સારી બાબતો છે, જેમકે સમયની પાબંદી. તો તેને આપણે સ્વીકારવી જોઈએ, જ્યારે બળેવ હોય તો બહેનને ત્યાં રાખડી બંધાવવા જવાનું બીમાર માબાપને મળવા જવાનું, એવું આપણે ત્યાં જ બની શકે, એવું ત્યાં નહીં બની શકે. જોકે, આપણી હાલત બાવાના બેઉ બગડ્યા જેવી છે. સંસ્કૃતમાં તેના માટે ખાસ શબ્દ છે ‘ઉભયવિભ્રષ્ઠ:’

નાની ઉંમરે ભણતરના ભારથી કેમ બચાય?

બાળકને મૂળાક્ષર શીખવતા પહેલાં તેની અભિવ્યક્તિને ખીલવવી જોઈએ, તેને પેન્સિલને બદલે પીંછી, કલર આપો. ઘરની દીવાલ બગડશે અથવા તો એક બોર્ડ આપી દો, પરંતુ તેનાથી તેના મગજની અભિવ્યક્તિ ખીલશે.

બાળકો-વાલીઓમાટે સંસ્થાઓ જોઇએ?

હા, ચોક્કસ. જોકે, વાલીઓને પણ એજ્યુકેશનની જરૂર છે. સોનાનો ચમચો હોય તો પણ સૂપનો સ્વાદ માણી શકતો નથી. વાલીઓ ચમચા પાછળ પડ્યા છે, જરૂર છે સૂપ પાછળ પડવાની.

Gunvant Shah in Surat, An exclusive interview with Divya Bhasker,14-12-2010

 

 

 
 


 

Advertisements

One thought on “માતૃભાષા એ બાળકનો હક છે, તે અપાવો જ જોઇએ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s