ગુણવંત શાહ: અપરિપક્વ લોકતંત્રની દુર્ગંધ, Divya Bhasker, 12-12-2010

  

બરાક હુસૈન ઓબામા ભારતનો પ્રવાસ પૂરો કરીને સીધા ઇન્ડોનેશિયા ગયા. તે દેશમાં આપેલા પ્રથમ પ્રવચનમાં એમણે એક વિધાન કર્યું તે હૈયે વસી ગયું. એમણે કહ્યું: The world now has ‘grown small’ જ્યાં ગ્રોથ હોય, ત્યાં સ્મોલ કેવી રીતે સંભવે? આજની દુનિયા નાની બની ગઇ છે અને એ જ ખરા Growth ની નિશાની છે. આવું સુંદર વિધાન સાંભળીને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું એક વિધાન યાદ આવી ગયું. સાંભળો:

આપણી દુનિયા જેમ જેમ
નાની થતી જાય,
તેમ તેમ આપણાં હૃદય
વિશાળ બનતાં જાય એ જરૂરી છે.

લોકતંત્ર અને તેમાંય સેક્યુલર લોકતંત્રની તંદુરસ્તીનો બધો આધાર માનવીના હૃદયની વિશાળતા પર છે. આર.એસ.એસ.ના ભૂતપૂર્વ સરસંઘચાલક કે. એસ. સુદર્શને સોનિયા ગાંધી સામે જે બકવાસ ઠાલવ્યો તેમાં અપરિપક્વ લોકતંત્રની દુર્ગંધ પ્રગટ થઇ. ભાજપ તથા સંઘ એ વિધાન તો વ્યક્તિગત બાબત છે, એમ કહીને છુટી પડે તે ન ચાલે. એ વિધાનને વખોડી કાઢવું જોઇતું હતું. એ વિધાનને કારણે સોનિયાજીની પ્રતિષ્ઠા જરાય ઘટી નથી, પરંતુ હિંદુત્વની છબીને નુકસાન થયું છે. આર.એસ.એસ. અંગે આ કટારમાં બે વખત કડવું વાક્ય લખાયું છે: ‘ટૂંકી ચિંઠ્ઠી ચાલે, ટૂંકી દ્રષ્ટિ ન ચાલે.’

જે મનુષ્ય પાસે વેદમાં પ્રબોધાયેલી માનવધર્મી વિશાળતા ન હોય, ઉપનિષદ દ્વારા પ્રબોધાયેલી એકત્વની ભાવના ન હોય અને ગીતા દ્વારા પ્રબોધાયેલી ‘અભેદ દ્રષ્ટિ’ ન હોય તે મનુષ્યને ‘હિન્દુ’ કહેવામાં વિવેક નથી. (મણિલાલ નભુભાઇ દ્રિવેદીએ લખેલા ગીતાભાષ્યમાં ગીતાનો સાર ‘અભેદ’ છે, એમ કહ્યું છે.) આવું બેજવાબદાર વિધાન કરવા બદલ સુદર્શનજીએ જાહેરમાં ક્ષમા માગવી જોઇએ. લોકતંત્રમાં આલોચનાનું મહત્વ છે, નિંદાકૂથલીનું નહીં. લોકતંત્રમાં ભૂલ કરવાની છુટ છે અને તેથી ક્ષમા માગવાની પણ છુટ છે.

લોકતંત્રમાં કોઇ પક્ષ ચૂંટણી હારી જાય તેથી સમાજને કોઇ ખાસ લાભ કે ગેરલાભ થતો નથી. તંદુરસ્ત રાજકારણનો એ તો એક ખેલ છે. જ્યાં ખેલ હોય ત્યાં ખેલદિલી હોવી જોઇએ. કોઇ પક્ષની હાર થાય ત્યારે તેનો ‘કચ્ચરઘાણ’ નીકળી ગયો કે તેનાં ‘સૂપડાં સાફ થઇ ગયાં’ એમ કહેવામાં કોઇ વિવેક નથી. લોકતંત્ર આખરે તો વિચારતંત્ર અને વળી વિવેકતંત્ર છે. ક્રિકેટની મેચમાં ક્યારેક કોઇ ટીમ બૂરી રીતે હારે, પછી એ જ ટીમ બીજી મેચમાં જીતી જાય છે. લોકતંત્રમાં હારજીત તો ચાલ્યા કરે, પરંતુ રાજકારણ ખેલતી વખતે પણ કેટલાક નોર્મ્સ જળવાય તે જરૂરી છે. શરદ યાદવે રાહુલ ગાંધીને ગંગામાં ફેંકી દેવાની વાત કરી હતી.

કરુણાનિધિએ કહ્યું: ‘રામ કઇ એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા ગયા હતા?’ આવો જ બફાટ રાહુલ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણી વખતે કર્યો હતો. રાહુલે કહેલું: ‘એક વાર મારું કુટુંબ કોઇ વાતનો નિર્ણય લે પછી પાછું વળીને કદી ન જુએ. પછી એ ભારતના સ્વરાજની બાબત હોય કે પાકિસ્તાનના ભાગલા પાડવાની બાબત હોય.’ થોડાક દિવસ પર બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે નિતીશકુમારે લાલુપ્રસાદ યાદવને કૂદાકૂદ કરનારા વાનરની ઉપમા આપી હતી. વાનરો બદનક્ષીનો દાવો માંડે તો!

અપરિપક્વ લોકતંત્રની સૌથી અસહ્ય દુર્ગંધ ભ્રષ્ટાચાર થકી પ્રગટ થાય છે. એ. રાજા ગયા તો ખરા, પરંતુ એમણે કરેલા ગોટાળાના એક લાખ ૭૬૩૭૯ હજાર કરોડ રૂપિયાનું શું? સામાન્ય નાગરિકનું મન આટલી મોટી રકમને મનમાં ઝટ પચાવી શકતું નથી. એ આંકડો ખગોળીય જણાય છે. એની સરખામણીમાં બોફોર્સ ગોટાળાની કે ચારા ગોટાળાની રકમ સાવ નાની લાગવા માંડે છે. જયલલિતાએ ગૂગલી ફેંકી, પરંતુ એમના ગોટાળા ઓછા ખરા? ન્યાયતંત્રની વિશ્વસનીયતા ખાડે ગઇ છે. એડવોકેટ શાંતિભૂષણે સુપ્રીમ કોર્ટના છ-છ ન્યાયમૂર્તિઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. કોલકતાની હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સેન સામે મહાઅભિયોગ ચાલવાનો છે કારણ કે એમનો ભ્રષ્ટાચાર પકડાયો છે. લશ્કરના વડા દીપક કપૂર ઉપરાંત અન્ય સિનિયર અધિકારીઓ આદર્શ ગોટાળામાં સામેલ છે. ડિક્ષનરીમાં જોડણીદોષ હોય ત્યારે જવું ક્યાં?

કોંગ્રેસ પાસે જે ચારિત્રય બચ્યું છે તેનું ગુરુત્વ મધ્યબિંદુ વડાપ્રધાન મનમોહનસિંહ છે. શત્રુઓ પણ એમને રુશવતમુક્ત માને છે. તેઓ ઠંડી મક્કમતાના સ્વામી છે અને ભદ્રતાની પ્રતિમા જેવા છે. ભ્રષ્ટાચાર કોઇ એક રાજકીય પક્ષનો ઇજારો નથી. કોઇ પણ પક્ષ એનાથી મુક્ત નથી. એ એક પ્રજાકીય રોગ છે. આપણી પ્રજાના લોહીમાં ભ્રષ્ટાચાર હિમોગ્લોબિન બનીને ફરતો રહે છે. કર્ણાટકના ભાજપી મુખ્યપ્રધાન યેદુયુરપ્પાનો ભ્રષ્ટાચાર ઓછો નિંદનીય નથી. ભાજપે ‘Zero ટોલરન્સ’ બતાવીને ભ્રષ્ટાચાર અંગે કડક પગલાં ભરવાં જ પડશે. ડબલ સ્ટાન્ડર્ડ હવે નહીં ચાલે.

જે પ્રજા જરૂર ન હોય અને લાભ ન હોય, તોય જૂઠું બોલે તેને અભ્રષ્ટ નેતાઓ ક્યાંથી મળવાના? કટોકટી પૂરી થઇ પછી ઇન્દિરાજી હાયાઁ અને મોરારજીભાઇ વડાપ્રધાન બન્યા ત્યારે પશ્ચિમ બંગાળના સામ્યવાદી મુખ્યપ્રધાન જ્યોતિ બસુ વિનય ખાતર મળવા ગયા. એમને મોરારજીભાઇએ કહેલું: ‘તમે વિરોધપક્ષના મુખ્યપ્રધાન છો, એ કારણે કેન્દ્રની સરકાર પશ્ચિમ બંગાળને કોઇ અન્યાય નહીં થવા દે તેની ખાતરી રાખજો.’ રુચિકા જેવી સગીર બાળા પર બળાત્કાર કરનારા હરિયાણાના ભૂતપૂર્વ પોલીસ વડા એસ.પી.એસ. રાઠોડને જામીન મળે તેવી ગોઠવણ સી.બી.આઇ.એ કરી આપી!

‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ (૧૫-૧૧-૨૦૧૦)ના તંત્રી લેખમાં સી.બી.આઇ.ના આવા પક્ષપાત માટે શબ્દો પ્રયોજાયા: ‘કુખ્યાત લાગણીવશતા સાથે જોડાયેલી બાહ્ય ગણતરીઓ’ (notorious susceptibility to extraneous considerations). એ. રાજાના કેસ અંગે પણ સુપ્રીમ કોર્ટે સી.બી.આઇ.ની ધીમી ગતિની આકરી ટીકા કરીને કહ્યું હતું: ‘શું તમે આ કેસમાં દસ વર્ષ લગાડશો?’ એ જ સી.બી.આઇ. ગુજરાતની વાતે અતિશય ઝડપી કેમ જણાય છે? આવી રીતે હિસાબ ચૂકતે કરવા માટે સી.બી.આઇ.નો ઉચ્ચાલન તરીકે ઉપયોગ થાય ત્યારે દેશના સમવાય તંત્ર (ફેડરલ સીસ્ટમ) પર મોટો પ્રહાર થાય છે. મોરારજીભાઇએ જ્યોતિ બસુને કહેલા શબ્દો મનમોહનસિંહના મુખમાં શોભે તેવા છે, પરંતુ તેઓ ક્યારેક બેકસીટ ડ્રાઇવિંગના શિકાર બનતા જણાયા છે. ૧૦ જનપથના ઇશારાની ઉપેક્ષા કરવાનું એમને માટે મુશ્કેલ છે. સી.બી.આઇ.ની પ્રતિષ્ઠા કૂવાને તિળયે પહોંચી છે. એ હવે વધુ નીચે જઇ શકે તેમ નથી.

અપરિપક્વ લોકતંત્રની સૌથી મોટી દુર્ગંધ વંશાનુગત વડાપ્રધાનપદ સાથે જોડાયેલી ફ્યુડલ માનસિકતા થકી પ્રસરતી રહે છે. રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાની પસંદગી કરે! એ જ રાહુલ મહારાષ્ટ્રમાં અશોક ચવ્હાણની પણ પસંદગી કરે! આવી અપરિપક્વ હરક્તો દ્વારા યુવરાજ રાહુલને રીતસર પ્રોજેક્ટ કરવામાં આવે છે. રાહુલનું મહત્વ વધી જાય છે કારણ કે એ ‘સોનિયાપુત્ર’ છે. સોનિયાનું મહત્વ છે, કારણ કે એ ‘રાજીવપત્ની’ છે. રાજીવ વડાપ્રધાન બન્યા હતા કારણ કે તેઓ ‘ઇન્દિરાપુત્ર’ હતા. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન બન્યાં હતાં કારણ કે તેઓ ‘નહેરુપુત્રી’ હતાં.

નહેરુગાંધી પરિવારમાં જે કોઇ જન્મે તેના ડી.એન.એ.માં જ વડાપ્રધાન બનવા માટેનાં બધાં જીનેટિક લક્ષણો હાજર! કરુણાનિધિએ આવું જ કર્યું. મુલાયમસિંહે આવું જ કર્યું. લાલુપ્રસાદે રીતસર રાબડીરાજ ચલાવ્યું અને હવે પોતાના પુત્રને ઘોડા પર પલાણ્યો છે. માયાવતી આ બાબતે મુક્ત છે કારણ કે વંશાનુગત શાસનની શક્યતા જ નથી. આવું બને તેમાં લોકતંત્રના મિજાજનું અપમાન છે. શું પ્રણવ મુખરજી જેવા વિચક્ષણ નેતા કદી પણ વડાપ્રધાન કે કોંગ્રેસપ્રમુખ બનવાનું સ્વપ્ને પણ કલ્પી શકે ખરા? રાહુલભૈયા પાસે પ્રણવબાબુ કરતાં હજારમા ભાગનું શાણપણ ન હોય તેથી શું? કોંગ્રેસનો સિનિયરમોસ્ટ નેતા પણ આખરે તો સિનિયરમોસ્ટ ‘ગણોતિયો’ છે.

સામાન્ય કક્ષાનો સરેરાશ કોંગ્રેસમેન ‘વસવાયો’ છે. આવી ફ્યૂડલ માનસિકતા ક્યારે જશે? પ્રાદેશિક પક્ષોનું બ્લેકમેઇલ ટળે તે માટે દેશમાં દ્રિપક્ષી લોકતંત્ર ખીલવું જોઇએ. પરિવારવાદ વિનાની ગરિમાયુક્ત કોંગ્રેસ દેશ માટે અત્યંત જરૂરી છે. એ જ રીતે રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી પણ જરૂરી છે. આપણે ધીમી ગતિએ દ્રિપક્ષી લોકતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ. લોકો બધું સમજતા હોય છે. યહ પબ્લિક હૈ, સબ જાનતી હૈ.

(લખ્યા તા. ૧૫-૧૧-૨૦૧૦)

પાઘડીનો વળ છેડે

‘જો હું ધારત તો પચ્ચીસ વર્ષની ઉંમરે
વડોપ્રધાન બની શક્યો હોત.
પરંતુ મેં નિર્ણય કર્યો કે
એ ઢબે કશું જ કરવું નથી.
મારે સિનિયર લોકોની આસપાસ
ફરીને કિકિયારીઓ પાડવી ન હતી.’- રાહુલ ગાંધી.

નોંધ ‘તહેલકા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં બોલાયેલા શબ્દો.

(ટા.ઓ.ઇ. તા. ૧૮-૯-૨૦૦૫). આ ઉપકાર યાદ રાખીને, ‘હરખ હવે તું હિંદુસ્તાન!’

Advertisements

4 thoughts on “ગુણવંત શાહ: અપરિપક્વ લોકતંત્રની દુર્ગંધ, Divya Bhasker, 12-12-2010

 1. hello sir,hu tamari pustako college samaythi vanchu chu ne tamari “sabde sabde setubandh’ namni book vanchta aa blog na vishe khabar padi hati
  tamaru lakhan khubaj prerana dayak che

 2. એકતાની આબોહવામાં જે ભંગ પાડે તે રાજકારણમાંથી ફેંકાઇ જશે. તેમણે આર.એસ.એસ.ના સરસંઘચાલક ભાગવતના નિવેદનની પ્રશંસા કરીને જણાવ્યું કે બધા બદલાયા છે અને હજી બદલાશે
  ૧૦-૧૦-૧૦
  હવે આ બદલાવની વાસ્‍તવિકતા પણ સામે આવી ગઇ છે. સંઘે એનો અસલી પચાવી પાડવા વાળો ચહેરો બતાવ્‍યો છે, એમ પણ આખું ભારત તમે એના મુળ માલિકો પાસેથી પચાવી લીધું છે.

 3. hello sir,
  sachej loksahi ma vansvad na chale. aapna desh ma chale chhe je desh nu durbhagya chhe. sabko sanmati de bhagvan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s