Gunvant Shah,Shree Moraribapu, Shree Virrapan Mioly in Baroda,8-2-2011

 

 

 

રામાયણ જ રામરાજ્યનું પથદર્શક છે: મોરારિબાપુ

       

 
 
 
 

ભવ્ય ભારતની કલ્પના રામાયણમાં છે : વિરપ્પા મોઇલીરામનું રૂપ લેવાથી જો રાવણની વૃત્તિ બદલાતી હોય તો રામનું નામ લેનારની વૃત્તિ ન બદલાય? : ડૉ.ગુણવંત શાહ

વસંતપંચમીના દિને શ્રી સરદાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા ‘રામાયણ-સદ્ભાવના સુવાસ’ના ચર્ચા ચોરામાં રામાયણી સંત પૂ.મોરારિબાપુ, કેન્દ્રિય કાયદા મંત્રી ડૉ.વિરપ્પા મોઇલી અને ચિંતક ડૉ.ગુણવંત શાહે ચિંતન રજૂ કર્યું હતું.

પૂ.મોરારિબાપુએ રામાયણનું દર્શન કરાવતાં જણાવ્યું હતું કે, ત્યાગ એ રામાયણનો મૂળ મંત્ર છે. રામ અને ભરતે સત્તા હું નહીં તું તેવી ભાવનાથી એકબીજા તરફ ફંગોળી ત્યાગનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. રામે વાણી સ્વાતંત્રય આપ્યું, પ્રજાજનોને આઝાદી સાથે અધિકાર પણ આપ્યો કે, રામના વક્તવ્યમાં કાંઇ અનુચિત બોલાઇ જાય તો તેમના પ્રજાજનો રામને બોલતા અટકાવી શકતા હતા. રામરાજ્ય સુધી પહોંચવા રામાયણ પથદર્શક છે. રામરાજ્યએ બહુમતીનું રાજ્ય નહોતું પરંતુ સર્વમતિનું રાજ્ય હતું.જેના જીવનના મૂળમાં રામાયણ હશે તે જવાબદારીમાંથી છટકી શકશે નહીં.

કેન્દ્રિય કાયદા મંત્રી અને રામાયણ મહાઇશ્વરમ્ ગ્રંથના રચિયતા ડૉ.વિરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે, ભવ્ય ભારતના નિર્માણની કલ્પના રામાયણમાં છે. આ મહાગ્રંથ જ્ઞાન-વિજ્ઞાનનો ભંડાર છે. મને માતા દ્વારા ગોદમાં બેસાડી રામાયણનું જ્ઞાન અપાયું હતું. આજે આ રામાયણ મારા જીવનનો હિસ્સો છે. રામ વગર અયોધ્યામાં પ્રજાનું સુશાસન હતું જે સાચા ગણતંત્રનું દર્શન કરાવતી હતી. રામાયણે અનેક જીવનનું રક્ષણ કર્યું છે અને અનેકના જીવનમાં પરિવર્તન આવ્યું છે. રામાયણ અને મહાભારત આ બંને મહાગ્રંથોએ દેશની સરહદો પાર કરી વિશ્વને તેની શક્તિની અનુભૂતિ કરાવી છે.

રામાયણના ભાષ્યકાર-ચિંતક-લેખક ડૉ.ગુણવંત શાહે રામાયણનાં ત્રણ પાત્રો રાવણ, કુંભકર્ણ અને વભિીષણમાં ફેર શું છે? તેમ ટાંકી જણાવ્યું કે, કુંભકર્ણ ભાઇને ખાતર સત્ય જતું કરવા તૈયાર હતો. વિભિષણ એ વ્યક્તિ છે કે, જે સત્ય ખાતર ભાઇને જતો કરવા તૈયાર હતો. જ્યારે અહંકારી રાવણ જે ભાઇ અને સત્ય બંનેને જતા કરે પરંતુ અહંકારને જતો કરવા માગતો નહોતો. ડૉ.શાહે યુદ્ધના અંતિમ તબક્કામાં રાવણ-કુંભકર્ણ વચ્ચે થયેલા સંવાદોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કુંભકર્ણે સીતાને પામવા માયાવી રાવણને રામનું રૂપ ધારણ કરી સીતા પાસે જવા સમજાવ્યો ત્યારે રાવણે ગભરાતાં કહ્યું, આ યુક્તિ અજમાવી ચૂક્યો છું. પણ રામ બનું છું ત્યારે વૃત્તિ બદલાઇ જાય છે.

જો રામનું રૂપ લેવાથી રાવણની વૃત્તિ બદલાતી હોય તો રામનું નામ લેનારી વ્યક્તિની વૃત્તિ ન બદલાય? તેમણે રામાયણમાં હનુમાનજીને ‘સ્કોલર એક્સ્ટ્રા ઓર્ડિનરી’ લેખાવી ભગવાન રામ દ્વારા હનુમાનજીને ત્રણ વેદના જ્ઞાતા ઉપરાંત હનુમાનજીની વાણીને સંસ્કાર સંપન્ન, ક્રમ સંપન્ન , અસ્ખલિત, કલ્યાણમય અને હ્રદયને હરખ પમાડતી હોવાનું પ્રમાણપત્ર અપાયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

મોઇલી જેવા રાજકારણમાં હોય તો કહેવાનું મન થાય કે ફિર સુબહ હોગી…: પૂ. બાપુ

ડૉ.વિરપ્પા મોઇલી જેવા નેતાઓ રાજકારણમાં હોય તો કહેવાનું મન થાય કે દેશ માટે હજુ કશું ખરાબ નથી થયું… ફીર સુબહ હોગી તેમ પૂ.મોરારિબાપુએ મોઇલીના રામાયણ અંગેના જ્ઞાન અને તેમની પ્રામાણિક રાજનીતિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું. મારું ચાલે તો લોકસભામાં રામકથા કરું. પરંતુ મને તક મળે તો વાંધો નહીં હવે હું મોઇલીજીને કહું છું કે, તમારા રામાયણના જ્ઞાનનો લ્હાવો સમય મળે ત્યારે લોકસભાના સભ્યોને આપજો. કેન્દ્રિય મંત્રી વિરપ્પા મોઇલીને રામાયણ વિશે બોલતાં સાંભળી પ્રસન્નતા થઇ છે. તેમના પ્રવચનને સાંભળી એમ લાગે છે કે, મારા દેશનો મંત્રી ગાવાનું શરૂ કરે અને ખાવાનું બંધ કરે તો મને આનંદ થાય.

ભ્રષ્ટ વ્યક્તિને એક વર્ષમાં સજા થાય તે જ રામનો ન્યાય : વિરપ્પા મોઇલી

કેન્દ્રિય કાયદા મંત્રી વિરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે, રામ તરત જ ન્યાય આપવામાં પ્રસિદ્ધ હતા. હું દેશમાં ૩ વર્ષથી વધુ ન થયા હોય તેવા કેસોનો નિકાલ ૨૦૧૨ સુધીમાં કરી દેવાની મારી નેમ છે. રાઇટ ટુ જસ્ટિસનું બિલ સંસદમાં લાવવાની વિચારણા છે. ભ્રષ્ટ વ્યક્તિને એક વર્ષમાં જ સજા મળવી જોઇએ

હનુમાનજીની વાણી માટે રામે વર્ણવેલાં લક્ષણો બાપુમાં છે: ડૉ.ગુણવંત શાહ

રામે હનુમાનજીની વાણી માટે વર્ણવેલા તમામ લક્ષણો પૂ.મોરારિબાપુમાં છે તેમ ડૉ.ગુણવંત શાહે જણાવ્યું હતું. હનુમાનજીની વાણી સંસ્કાર સંપન્ન, ક્રમ સંપન્ન, અસ્ખલિત, કલ્યાણમય, હ્રદયને હરખ પમાડતી વાણી છે તેમ ભગવાન રામે લક્ષ્મણને કહ્યું હતું તે તમામ ગુણો બાપુમાં છે તેમ કહેતાં શ્રોતાઓએ આ વાતને વધાવી લીધી હતી.

 
 
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s