ચાલો, હવે જીવવા માટે ષડ્યંત્ર રચીએ, Divya bhasker, 8-8-2011

જીવવાનું ષડ્યંત્ર રચવાની શુભ શરૂઆત સ્ટેટસ નામના ગંદા શબ્દને ‘જીવનવટો’ આપવાથી થઇ શકે. તકલાદી સ્ટેટસનો આડો સંબંધ હોદ્દો, બેંક બેલેન્સ, પાંચમાં પુછાતા રહેવાની કળા અને મોંઘી કાર સાથે જોડાઇ જાય છે. આ બધી બાબતો ખરી પડે પછી જે બચે, તે જ ખરેખરું મૂલ્યવાન ગણાય.

માણસ ક્યારેક કોઇને રંજાડવા માટે કે મારી નાખવા માટે ષડ્યંત્ર રચતો હોય છે. ષડ્યંત્ર પાર પાડવા માટે એ પોતાની બધી જ પ્રાણશક્તિ પોતાના સાહસયુક્ત પરાક્રમને સફળ બનાવવામાં કામે લગાડે છે. પ્રાણશક્તિ જ એના પ્રચંડ સંકલ્પબળ (વિલ પાવર)ની માતા છે.

તમે કદી કોઇ શબને વિચારતું જોયું છે? જે મનુષ્ય જીવે છે, તે જ વિચારે છે. વળી જે મનુષ્ય વિચારે છે, તે જ જીવે છે. જે મનુષ્ય વિચારવાની ખો ભૂલી ગયો હોય એને ‘જીવતો’ ગણવો એ કેવળ રિવાજ છે. રિવાજનો સંબંધ મોટાભાગના માણસોના લોકપ્રિય અજ્ઞાન સાથે હોય છે. એથેન્સમાં સોક્રેટિસ ખરા અર્થમાં ‘જીવતો’ હતો. અમેરિકાના કોન્કોર્ડ શહેરથી છેટે આવેલ વોલ્ડન તળાવ પાસે રહેવા જનારો થોરો ‘જીવતો’ હતો. બ્રિટનના પેનરિન ડાયડ્રેથ ગામમાં રહેનારો બટ્રૉંડ રસેલ ‘જીવતો’ હતો. ભારતમાં રવીન્દ્રનાથ ઠાકુર પૂરી માત્રામાં ‘જીવતા’ હતા. લેબેનોનમાં જન્મ પામેલો ખલીલ જિબ્રાન સોળે કળાએ ‘જીવતો’ હતો.

ખાલિદ હુસૈનીએ અફઘાનિસ્તાન પર આધારિત નવલકથા લખી અને એનું નામ રાખ્યું: ‘The Kite Runner.’ અફઘાનિસ્તાનમાં રશિયાનું શાસન સમાપ્ત થયું પછી તાલિબાનના જુલમની શરૂઆત થઇ હતી. એ જુલમ ઇસ્લામને નામે ચાલતો રહ્યો હતો. એ કોઇ ઓર્ડિનરી જુલમ ન હતો. એ તો લગભગ પવિત્ર જુલમ ગણાતો હતો. નવલકથાના નાયકનું નામ આમિર છે. એનો પિતા કટ્ટરપંથી મુસલમાન છે. પિતા કટ્ટર ઇસ્લામી હોવા છતાં શરાબનું સેવન મોજથી કરતો હોય છે.

આમિર શરાબી બાપને કહે છે: ‘બાબા! અમને તો નિશાળમાં એવું શિખવાડવામાં આવ્યું છે કે શરાબ પીવાનું ઇસ્લામમાં હરામ છે.’ આમિરના શિક્ષકનું નામ મુલ્લા ફતિઉલ્લા ખાન હોય છે. તેઓ વર્ગમાં બાળકોને રોજ ભણાવે છે કે શરાબસેવન કરવું એ મહાપાપ છે. આમિરને એનો શરાબી પિતા જે જવાબ આપે છે તે અત્યંત મૌલિક છે. કટ્ટરપંથી પિતા પોતાના પુત્રને કહે છે: ‘દુનિયામાં પાપ કેવળ એક જ છે અને તે છે ચોરી કરવી. બાકીનાં બધાં જ પાપ તો ચોરીનાં જ વિવિધ સ્વરૂપો છે. જ્યારે તમે કોઇનું ખૂન કરો છો ત્યારે તમે એના જીવનની ચોરી કરો છો. તમે એ માણસની પત્ની પાસેથી એના પતિના જીવનની ચોરી કરો છો.

તમે એ માણસનાં સંતાનો પાસેથી એમના પિતાના જીવનની ચોરી કરો છો. તમે જ્યારે જૂઠું બોલો છો ત્યારે સામેના માણસ પાસેથી એના સત્ય જાણવાના અધિકારની ચોરી કરો છો. જ્યારે તમે કોઇને છેતરો છો ત્યારે તમે તેની પાસેથી પ્રામાણિક વ્યવહાર પામવાના અધિકારની ચોરી કરો છો.’ નવલકથામાં પિતાએ પુત્ર આમિરને આપેલો ચોટદાર જવાબ વાંચીને એવું લાગવા માંડે કે શરાબસેવન તો સાવ નિર્દોષ બાબત છે! ગમે તેમ તોય એમાં ‘ચોરી’ નથી. અરે! જીવવા માટેનું ષડ્યંત્ર શું આપણને અફઘાનિસ્તાનનો એક શરાબી બાપ શીખવી ગયો?

આ વર્ષે પહેલો વરસાદ થોડોક મોડો પડ્યો. લોકો ટાંપીને બેઠા હતા. ખેડૂતો ઉદ્ગ્રીવ નજરે આકાશ ભણી તાકી રહ્યા હતા. ધરતીની ધૂળનો પ્રત્યેક કણ આભમાંથી ટપકી પડેલા જલબિંદુને છાતીએ ચાંપે તે રીતે જ્યારે માણસ પ્રત્યેક ક્ષણને મોહબ્બતથી માણે ત્યારે જીવવા માટેનું ષડ્યંત્ર ભવ્ય અને દિવ્ય બની રહે છે. મોસમના પહેલા વરસાદને નિહાળવાની રીત માણસે માણસે જુદી જુદી હોય છે. જ્ઞાની મનુષ્ય પ્રથમ વરસાદને ધ્યાનસ્થ ચિત્તે નિહાળે છે. કવિ એને વિસ્મયની આંખે નિહાળે છે. ભક્ત એને ભીના હૃદયે નિહાળીને તરબોળ થાય છે. ભક્તિ એટલે જ ક્ષણે ક્ષણે તરબોળતા!

માણસ ક્યારેક કોઇને રંજાડવા માટે કે મારી નાખવા માટે ષડ્યંત્ર રચતો હોય છે. ષડ્યંત્ર પાર પાડવા માટે એ પોતાની બધી જ પ્રાણશક્તિ પોતાના સાહસયુક્ત પરાક્રમને સફળ બનાવવામાં કામે લગાડે છે. પ્રાણશક્તિ જ એના પ્રચંડ સંકલ્પબળ (વિલ પાવર)ની માતા છે. એવું સંકલ્પબળ માણસ સુંદર રીતે જીવવા માટે ભાગ્યે જ પ્રયોજતો હોય છે. પૂરી માત્રામાં જીવવું અને ધરાઇને જીવન માણવું એ જેવુંતેવું પરાક્રમ નથી. ઘણાખરા માણસો અડધુંપડધું અને વળી અધકચરું જીવન જીવ્યે રાખે છે. માણસના અસ્તિત્વનો મોટોભાગ ઠિંગરાઇ જાય તોય એવા લગભગ થીજી ગયેલા માણસને લોકો ‘જીવતો’ ગણે એમાં રિવાજનો પ્રભાવ વરતાય છે.

ક્યારેક અજ્ઞાનને કારણે માણસને અમથું અમથું લાગ્યા કરે છે કે પોતે આખો ને આખો ‘જીવતો’ છે. થોરોએ પોતાના પુસ્તક ‘વોલ્ડન’માં ઇરાદાપૂર્વક જીવવા (લિવિંગ ડેલિબરેટ્લી)ની મૌલિક વાત કરી હતી. પૂરી માત્રામાં જીવવાનો સંકલ્પ કરનાર નસીબદાર માણસ જીવવા માટેનું ઊધ્ર્વમૂલ ષડ્યંત્ર રચતો હોય છે. એ માટે મહાભિનષ્ક્રિમણ કરવાની જરૂર નથી. એવા ષડ્યંત્ર માટે ખાનગીમાં એક સંકલ્પ કરવો પડતો હોય છે. ભગવાન એમાં રાજી રાજી!જીવવાનું ષડ્યંત્ર રચવાની શુભ શરૂઆત સ્ટેટસ નામના ગંદા શબ્દને ‘જીવનવટો’ આપવાથી થઇ શકે.

તકલાદી સ્ટેટસનો આડો સંબંધ હોદ્દો, બેંક બેલેન્સ, પાંચમાં પુછાતા રહેવાની કળા અને મોંઘી કાર સાથે જોડાઇ જાય છે. આ બધી બાબતો ખરી પડે પછી જે બચે, તે જ ખરેખરું મૂલ્યવાન ગણાય. તમે કોઇ કારનું મૂલ્યાંકન એના હોર્નના અવાજ પરથી કરી શકો ખરા? કેટલીક મૂર્ખ મોટરગાડીઓ એવું માનતી ફરે છે કે પોતાનું હોવું એટલે જ હોર્નનું હોવું! સ્ટેટસનો ખરો સંબંધ સમાજ સાથે નહીં, ‘સ્વ’ સાથે હોય છે. કોઇને ખબર પણ ન પડે એ રીતે જીવનસાધના થતી રહે તો માનવું કે સાચા સ્ટેટસની ભાળ મળી છે. માણસને પોતાની જાત પ્રત્યે આદર (self esteem) ના રહે ત્યારે જીવન ક્ષીણ થતું રહે છે. એ ધીમું મૃત્યુ છે.

જીવવા માટે ષડ્યંત્રના બીજા પગથિયે એકાંતને ઓવારે બેસીને એક સંકલ્પ લેવો પડે છે. હું આ જગતને સતત વહી જતી જીવનસરિતાના ખળખળ વહેતા પ્રવાહ તરીકે નિહાળીશ. એ દિવ્ય પ્રવાહને હું પજવણી નહીં ગણું. સામાન્ય માણસને ત્રણ ઋતુઓનો ખ્યાલ હોય છે, પરંતુ ‘ઋતુસંહાર’ના સર્જક મહાકવિ કાલિદાસને છ ઋતુઓનો પરિચય હોય છે.

સંવેદનાની ચરમસીમાએ એવું પણ બને કે પ્રત્યેક ક્ષણે થતા પરિવર્તનને સાક્ષીભાવે જોવાનું શરૂ થઇ જાય. આવી જીવનદ્રષ્ટિને ‘વપિશ્યના’ કહે છે. પળ અને પરપોટા વચ્ચે ભાઇબંધી જામે ત્યારે પરિવર્તનતા એ જ સુંદરતા! ક્ષણે ક્ષણે યન્નવતામ્ ઉપૈતિ તદેવ રૂપમ્ રમણીયતયા:! સૌંદર્યની આવી વ્યાખ્યા અન્ય કોઇ સંસ્કૃતિમાં જાણવા મળતી નથી. સૌંદર્યનું કાળજું નિત્યનૂતનતામાં રહેલું છે.

જીવવાનું ષડ્યંત્ર રચવાના ત્રીજા પગથિયે મોટા ભાગના લોકોએ સ્વીકારેલી નીતિમત્તાના આક્રમણથી બચવાની વાત મહત્વની છે. બહુમતી કાયમ સાચી નથી હોતી. લઘુમતી કાયમ ખોટી નથી હોતી. વર્ષો પહેલાં કોઇ સ્ત્રી જ્યારે મૃત પતિના શબને ખોળામાં લઇને ચિતાની જવાળામાં વિલીન થઇ હશે, ત્યારે જયજયકાર કરનારા ટોળા વચ્ચે જેનું હૃદય આક્રોશપૂર્વક આક્રંદ કરી ઊઠ્યું હશે તે માણસ ‘જીવતો’ ગણાય. બાકીના સૌ મરહૂમ ગણાય. એવા એક જીવતા માણસનું નામ રાજા રામમોહન રાય હતું.

જીવવાના ષડ્યંત્રના ચોથા પગથિયે રોજિંદી ઘટમાળને ઢીલી કરીને તાજગી માણવાની હઠ પકડવાની છે. ઘટમાળ આપણી જાગ્રત અવસ્થાના કેટલાય કલાકોનો કોળિયો કરી જાય છે. મહાનગરમાં માણસ યંત્રવત્ બનીને ‘જીવતો’ રહે છે. ગીતામાં એવા લોકોને ‘યંત્રારૂઢાનિ’ કહ્યા છે. ઘટમાળમુક્તિ (ડીરૂટિનાઇઝેશન) માટે હળવા થવાની હઠ પકડવી એ બહુ મોટું પરાક્રમ છે. એ પરાક્રમ માટે નિવૃત્ત હોવાનું ફરજિયાત નથી.

જીવવાના ષડ્યંત્રના પાંચમા પગથિયે એક સંકલ્પ લેવાનો છે. કશુંક ન જાણતા હોઇએ, તો જાણવાનો ડોળ ન કરવો. જેના પ્રત્યે ભારોભાર અણગમો હોય તેના પ્રત્યે વહાલ હોવાનો દેખાવ ન કરવો. અંદરથી ભારે ગુસ્સો હોય ત્યારે માણસે ક્રોધમુક્ત હોવાનો ઢોંગ ન કરવો જોઇએ. જો મારી માન્યતા પણ મારી ન હોય, તો મારું જીવન ‘મારું’ શી રીતે હોઇ શકે? કબીરજીએ આવા મરી ચૂકેલા માણસોને ધ્યાનમાં રાખીને ગાયું હતું: ‘સાધો, યહ મુરદોં કા ગાંવ!’

પાઘડીનો વળ છેડે

સૌંદર્ય એ જ સત્ય છે.સત્ય એ જ સૌંદર્ય છે.- કવિ કિટ્સ
‘‘‘
બધી ઘટનાઓમાં રહેલું સૌંદર્ય નિહાળવું એટલે બધી ઘટનાઓમાં રહેલું સત્ય નિહાળવું – આર્નોલ્ડ

Advertisements

One thought on “ચાલો, હવે જીવવા માટે ષડ્યંત્ર રચીએ, Divya bhasker, 8-8-2011

  1. હમણાં ફરીથી પતંગિયા ની અવકાશયાત્ર વાંચવાનું ચાલે છે..ગાંધીજી ની વાત ગમી ઈશ્વર જ સત્ય છે તરફ થી સત્ય જ ઈશ્વર છે………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s