સમગ્ર વિશ્વ રાધાકૃષ્ણનું વૃંદાવન છે Divya bhasker, 21-8-2011

ગોકુળ એક એવું વિશ્વગ્રામ છે, જ્યાં પૂર્ણ સંતુલન સહજ હોય છે. ગોકુળમાં રાસલીલા હોય, બળાત્કાર ન હોય. ગોકુળમાં ઝઘડો પણ મધુર હોવાનો. ગોકુળની માખણચોરી પણ પ્રેમાળ હોવાની. સમગ્ર વિશ્વ રાધાકૃષ્ણનું વિરાટ વૃંદાવન છે. વિશ્વ જો વૃંદાવન ન બને, તો કુરુક્ષેત્ર બની જાય. પસંદગી આપણે કરવાની છે.

વિશ્વની પ્રત્યેક સ્ત્રીમાં રાધાતત્વ પડેલું છે. પ્રત્યેક પુરુષ કૃષ્ણતત્વનો પ્રતિનિધિ છે. ચીનની ફિલસૂફીમાં આવાં બે તત્વોને યિન અને યાંગ તરીકે પ્રમાણવામાં આવ્યાં છે. આ બે તત્વો વચ્ચેનું અસંતુલન દુનિયાને યુદ્ધ સુધી તાણી જાય છે. ગોકુળ એક એવું વિશ્વગ્રામ છે,જ્યાં આ બે તત્વો વચ્ચે પૂર્ણ સંતુલન સહજ હોય છે. ગોકુળમાં રાસલીલા હોય, બળાત્કાર ન હોય. ગોકુળમાં ઝઘડો પણ મધુર હોવાનો. ગોકુળની માખણચોરી પણ પ્રેમાળ હોવાની. સમગ્ર વિશ્વ રાધાકૃષ્ણનું વિરાટ વૃંદાવન છે. વિશ્વ જો વૃંદાવન ન બને, તો કુરુક્ષેત્ર બની જાય. પસંદગી આપણે કરવાની છે. શ્રાવણી ઝરમરિયાં અને ઘેર ઘેર ગોકુળિયાં!

દુનિયા જ્યાં સુધી કૃષ્ણ ભણી ન વળે ત્યાં સુધી વિશ્વશાંતિ કેવળ સમણું બની રહેશે. કૃષ્ણ કોઇથી ન છેતરાય, પરંતુ આપણે એમને પણ ન છોડ્યા! એમણે ભાગવદ્ગીતાના બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ સમજાવ્યો, પરંતુ આપણે અજ્ઞાનને છાતીએ વળગાડીને વહેમના વમળમાં ફસાયા. કૃષ્ણે ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મળ્યોગનો મર્મ પ્રગટ કર્યો, પરંતુ આપણે કામચોરીયોગને ઓફિસોમાં અને ફેક્ટરીઓમાં પ્રતિષ્ઠિત કર્યો.

કૃષ્ણે ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિયોગનો મહિમા સમજાવ્યો, પરંતુ આપણે અંધશ્રદ્ધાયોગની જમાવટ કરીને વ્યક્તિપૂજા દ્વારા ભલભલા સાધુજનોને બગાડ્યા. કૃષ્ણે ગીતાના અઢારમાં અધ્યાયમાં સાચા સંન્યાસનું સૌંદર્ય પ્રગટ કર્યું, પરંતુ આપણે સંન્યાસીઓને કૌભાંડયોગ તરફ ધકેલ્યા. ધર્મને અધર્મમાં ફેરવી નાખવાની આપણી ક્ષમતા આગળ યોગેશ્વર કૃષ્ણ પણ લાચાર!

ગોકુળઅષ્ટમીને આપણે જુગાર-અષ્ટમી બનાવી દીધી. ગણપતિચોથને આપણે ઘોંઘાટચોથ બનાવી દીધી. કૃષ્ણે સહજ આનંદ અને પ્રેમનો મહિમા કર્યો, પરંતુ આપણે આનંદવિરોધી અને પ્રેમનિરોધી સમાજ રચી બેઠા. કૃષ્ણે ગાયની સેવા કેમ થાય તેનો દાખલો બેસાડ્યો અને આપણે ગાયને રસ્તે રવડતી મેલીને એને પ્લાસ્ટિકનાં ઝભલાં ચાવતી કરી દીધી. કૃષ્ણે વાંસળીના સૂર વહેતા મેલીને વૃંદાવનમાં મધુરતા રેલાવી અને આપણે વરઘોડામાં બેન્ડવાજાં વગડાવીને કૂતરાં ભસે એવા ઘોંઘાટ સાથે ટ્રાફિક અટકાવ્યો.

આપણે બાલકૃષ્ણને પારણામાં ઝુલાવ્યા, પરંતુ ક્રૂરતાપૂર્વક બાલમજુરીની પ્રથા ચાલુ રાખી. બૂટપોલિશ કરવા માટે યાચના કરનારા કે ભીખ માગનારા નાનડિયામાં આપણને ‘નટવર નાનડો’ ન દેખાયો અને લાલો પણ ન દેખાયો. રાધાનું નામ લેતી વખતે હવેલીઓમાં ભક્તોની આંખ ભીની થઇ, પરંતુ દહેજના દોજખમાં અગ્નિસ્નાન કરનારી કોઇ કોડભરી કન્યામાં આપણને રાધા ન દેખાણી. વૈષ્ણવ હોવા બદલ ગૌરવ લેનારા અને બાવાશ્રીને નમન કરનારા કૃષ્ણભક્તોને ‘વૈષ્ણવજન’ બનવાની આકાંક્ષા ન થઇ. નરસિંહ મહેતાનું એ ભજન હવેલીઓમાં કદી ન સંભળાયું!

કૃષ્ણે ગીતાના સોળમા અધ્યાયમાં દંભને આસુરીવૃત્તિના પ્રથમ લક્ષણ તરીકે દુર્ગુણોનો આધ્યપિતા ગણાવ્યો અને આપણે દંભને પ્રાણવાયુને સ્થાને બેસાડી દીધો. કૃષ્ણને સહજ કર્મ દોષયુક્ત હોય તોય ત્યજવા યોગ્ય ન લાગ્યું, પરંતુ આપણે કૃત્રિમતાના દુકાનદાર બની બેઠા. કૃષ્ણે સખા અર્જુનની બધી દલીલો ધીરજપૂર્વક સાંભળીને ગીતામાં ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા જીવનયોગનું રહસ્ય બતાવ્યું. આપણને સંતાનોની સાચી દલીલો સાંભળવાની ફુરસદ પણ ન મળી.

કૃષ્ણે કુબ્જાનો સ્વીકાર કર્યો, પરંતુ કેટલાક સ્વાદઘેલા પતિદેવોએ ‘દાળ બરાબર નથી’ એમ કહીને પત્નીઓ પર હાથ ઉગામ્યો. પત્ની પતિવ્રતા બને એવું ઇચ્છનારા પુરુષોએ પત્ની ‘મિત્રવ્રતા’ બને એ માટે ઉત્સાહ ન બતાવ્યો. આપણને સહજપણે આવી મળેલા કર્મને કૃષ્ણે સ્વધર્મ ગણાવીને બિરદાવ્યો, પરંતુ આપણે ભ્રષ્ટાચારને રાષ્ટ્રના ચોકમાં રોપીને પ્રતિષ્ઠિત કર્યો. કૃષ્ણની દ્વારિકામાં ‘કનકકોટ ચળકારા કરે’ એવી સમૃદ્ધિ હતી. આપણે આળસની સાધના કરીને ગરીબીને ગળે વળગાડી.

બધી નિરાશા વચાળે હજી કેટલાય પરિવારોમાં ગોકુળ સચવાયું છે. ભારતમાં એવા તો કરોડો પરિવારો છે, જ્યાં સરળતા, સજ્જનતા અને સમભાવનું વૃંદાવન જળવાયું છે. કેટલાય પરિવારો એવા છે, જેમાં પતિ અને પત્ની વચ્ચે પાર્ટનરશિપનું સૌંદર્ય જળવાયું છે. કેટલાય પરિવારોમાં કૃષ્ણનું સાહિત્ય વંચાય છે. લાખો પરિવારોમાં રામાયણનું પારાયણ થાય છે. કેટલાય પરિવારોમાં નિશાળે જતી વખતે સંતાનો માબાપને જે શ્રીકૃષ્ણ કહે છે.

કેટલાય પરિવારો નિવ્ર્યસની જીવન ગાળીને સહજ સુખનો અનુભવ કરે છે. કેટલાંય ઘરો એવાં છે, જ્યાં કામવાળી સાથે (પરિવારના સભ્ય સાથે થાય એવો) ભદ્ર વ્યવહાર થાય છે. કેટલાય પરિવારોમાં સંતાનો વિવેકપૂર્વક માતાપિતા સાથે તીવ્ર દલીલબાજી કરી શકે છે અને કેટલાંય માતાપિતા સંતાનોની સાચી વાત સ્વીકારે પણ છે. આવા પરિવારોનું યોગક્ષેમ સાચવી લેવા માટે લીલાપુરુષ એવા સર્વલોકમહેશ્વર કૃષ્ણ ટાંપીને બેઠા છે. આપણી અર્જુનતા સચવાઇ જાય, તો પાર્થસારથિ સામે જ બેઠા છે.

આવા પવિત્ર પરિવારોમાં મહેમાનનું અભિવાદન સો ટચના ઉમળકા સાથે થતું હોય છે. ઉમળકા વિનાનું ઘર એ કંસનું ઘર છે. કપટથી ભરેલો માણસ શિશુપાલ છે. ઇષ્ર્યા અને દ્વેષથી ભરેલો માણસ દુર્યોધન છે. મોહમાં અંધ બનેલો નેતા ધૃતરાષ્ટ્ર છે. હે ગોવિન્દ! અસ્તિત્વનો ઉત્સવ ચાલતો હોય એવા પરિવારોને બચાવી લેજો. શ્રાવણનાં ઝરમરિયાં મનને કૃષ્ણસુગંધથી અને સ્મરણમધુરા રાધાની ભક્તિથી ભરી દેનારાં છે. જ્યાં પ્રસન્ન પરિવાર હોય ત્યાં પ્રેમાનંદના શબ્દો સાચા પડે છે: અઢળક ઢળિયો રે શામળિયો!

આજનો માણસ એવા ભગવાનની શોધમાં છે, જે એની ઝંખનાનો આદર કરે. જીવન સતત બે પ્રદેશોમાં આવનજાવન કરતું રહે છે: એક છે ધર્મપ્રદેશ અને બીજો છે ઝંખનાપ્રદેશ. ધર્મપ્રદેશનો સંબંધ માણસ કેવો હોવો જોઇએ અને એનું કર્મ કેવું હોવું જોઇએ તેની સાથે છે. ઝંખનાપ્રદેશનો સંબંધ માણસની પ્રકૃતિદત્ત ઝંખના સાથે છે. ગમે તેવો મોટો ધર્મપુરુષ પણ ઝંખનામુક્ત નથી હોતો. ઝંખનાપ્રદેશ અને ધર્મપ્રદેશ વચ્ચે બાપેમાયાઁ વેર નથી.

માણસે પોતાની ઝંખનાને ધમૉનુકૂલ બનાવવા મથવાનું છે. ઝંખનાનો ધરાર અનાદર કરવામાં પ્રતિક્રિયાના ઉકરડા સર્જાય છે. કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે : ‘ધર્મથી વિરુદ્ધ નહીં એવો કામ હું છું.’ (૭,૧૧) કૃષ્ણની આવી ખૂબીનો જોટો જડે તેમ નથી. કહે છે કે કામદેવને બે પત્નીઓ હતી (૧) રતિ અને (૨) પ્રીતિ. રતિ માનવીની દેહપ્રધાન કામઝંખનાનું પ્રતીક છે. પ્રીતિ માનવીની આત્મપ્રધાન પ્રેમઝંખનાનું પ્રતીક છે.

રતિની અવગણના ધર્મને નામ ન થવી જોઇએ. રતિ સાથે જોડાયેલા ઝંખનાપ્રદેશને વટાવીને પ્રીતિના ધર્મપ્રદેશમાં પ્રવેશવાનું છે. રાસલીલામાં રતિ અને પ્રીતિ એકમેકને પામે છે. રતિ અને પ્રીતિ વચ્ચેનું આવું સમ્યક દર્શન કૃષ્ણની મૌલિક ભેટ છે. આવું ઊધ્વૉરોહણ સમગ્ર વિશ્વને વૃંદાવનના સૌંદર્ય, માધુર્ય અને સાહચર્યથી રિળયામણું બનાવશે.

પાઘડની વળ છેડે

હું હવે એવી અવસ્થાએ પહોંચ્યો છું
કે હરતા ફરતા પ્રત્યેક મનુષ્યમાં
મને ભગવાન વિહરતો દેખાય છે.
એ ભગવાન સંત અને સેતાન દ્વારા
કે સદ્ગુણી અને દુર્ગુણી દ્વારા
પ્રગટ થતો જ રહે છે.
એથી કરીને હું જ્યારે
જુદા જુદા લોકોને મળું ત્યારે
મારી જાતને કહું છું:
આ તો ભગવાનનું સંતસ્વરૂપ છે.
આ તો ભગવાનનું સેતાનસ્વરૂપ છે.
આ તો ભગવાનનું પવિત્ર સ્વરૂપ છે.
આ તો ભગવાનનું અપવિત્ર સ્વરૂપ છે.- રામકૃષ્ણ પરમહંસ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s