હું સુરતનો છું તોય વડોદરું મને ખૂબ વહાલું છે : ગુણવંત શાહ Divya Bhasker, 11-9-2011

 

હું ૧૯૫૯માં સુરતથી વડોદરા આવ્યો ત્યારે વડોદરા કેવું હતું ? સુરતી લોકોની માનસિકતા વડોદરાના લોકોની માનસિકતા કરતાં જુદી હતી, કારણ કે વડોદરા એક સુખી રજવાડું હતું. એ વર્ષમાં વડોદરાનું રેલવે સ્ટેશન કેવું હતું ? સ્ટેશનનાં પગથિયાં પાસે મોટા મોટા ટોપલામાં મઘમઘતાં પુષ્પો પર નજર પડી. ટોપલા પાસે ગુલાબ, જુઈ, મોગરા અને ગલગોટાના હાર લટકી રહ્યા હતા. સ્ટેશનની બહાર ડાબી બાજુએ હારબંધ ઘોડાગાડીઓ ઊભી હતી. સુરતની ઘોડાગાડીઓ અસુંદર હતી, જ્યારે વડોદરાની ઘોડાગાડીઓની અંદરની સુંદર સજાવટ પર રજવાડી મુદ્રા અંકિત થયેલી હતી.

પગથિયાંથી થોડેક છેટે કાળી-પીળી ટેક્સીઓની લાઇન હતી. સ્ટેશનની બરાબર સામે આવેલા ગોળાકાર બાગમાં મહારાજા સયાજીરાવની ભવ્ય પ્રતિમા શોભી રહી હતી. હું લગભગ ગામડિયાના વિસ્મયથી બધું નીરખી રહ્યો હતો. મારું મન સુંદર શહેર જોઈને લઘુતાગ્રંથિમાં ડૂબી ગયું હતું. સ્ટેશન પરથી દેખાતા ભવ્ય ઘુમ્મટોમાં પહેલો ઘુમ્મટ મારી ફેકલ્ટીનો હતો. હું કોઈ નગરમાં નહીં, પરંતુ કોઈ સ્વપ્નપ્રદેશમાં પ્રવેશી રહ્યો હતો. અંદરથી એક અવાજ ઊઠી રહ્યો હતો : હવે વડોદરું છોડે એ બીજા !

પ્રેમાનંદનું વડોદરું મને ગમી ગયું. મહારાજા સયાજીરાવ ગાયકવાડની શીળી છત્રછાયામાં રાજ્યની પ્રજાને સ્વરાજ માટે પણ ઝાઝું આકર્ષણ ન હતું. વીસમી સદીના પ્રારંભે શ્રી અરવિંદે મહારાજા સયાજીરાવના ઉચ્ચાધિકારી તરીકે માસિક રૂપિયા ૩૬૦ લેખે પોતાની સેવા આપી હતી. શ્રી સુન્દરમે નોંધ્યું છે કે, કવિ ન્હાનાલાલનું ‘વસંતોત્સવ’ શ્રી અરવિંદે વાંચ્યું હતું અને શ્રી છગનલાલ મોદીએ એમને ગુજરાતી શીખવ્યું હતું. વડોદરાની શંકર પોળમાં વિનોબાજીનું બાળપણ વીત્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં રાજ્યના આદરણીય સંગીતકાર હતા. કશિનસિંહ ચાવડા ચેતના પ્રેસ ચલાવતા હતા. સુરેશ જોશી અધ્યાપક કુટિરમાં મધુભાઈ બુચના ઘરની સામે રહેતા હતા તેથી પરિચિત હતા. વડોદરામાં વર્ષો વીતતાં ગયાં, પરંતુ મનોમન સુરત અને વડોદરાની સરખામણી વારંવાર થઈ જતી. થોડાક ગૌરવ સાથે વડોદરાના લોકો પોતાના શહેરને સંસ્કારનગરી કહેતા. સુરતી હોવા છતાંય મને એ વાત સાચી લાગવા માંડી હતી.

બંબાખાનું તો બધાં જ શહેરોમાં હોવાનું , પરંતુ વડોદરામાં અને માત્ર વડોદરામાં જ ‘અગ્નિશાંતિ કેન્દ્ર’ જેવો સુંદર શબ્દપ્રયોગ રૂઢ થયો છે. એન્જિનિયરિંગ કા¸લેજ તો દેશનાં અનેક શહેરોમાં હતી, પરંતુ વડોદરામાં ફ¸કલ્ટી ઓફ ટ¸કનોલોજીને ‘કલાભવન’ જેવું મજાનું નામ પ્રાપ્ત થયું હતું. દેશનાં બધાં શહેરોમાં કોર્ટ હોવાની, પરંતુ વડોદરામાં કોર્ટને ‘ન્યાયમંદિર’ કહેવામાં આવે છે. વડોદરાના રેલવે સ્ટેશનથી માંડ ત્રણસો ડગલાં ચાલીએ ત્યાં સયાજીગંજનું ટાવર જોવા મળે છે. એ ટાવરના ઘડિયાળના ચંદા પર બાર આંકડા હિંદીમાં છે. વડોદરાની પોળોમાં બાળકો રમી શકે તે માટે થોડાક ચોરસફૂટ જગ્યા ખાસ અલાયદી રાખવામાં આવતી. ગાયકવાડી ગામોમાં અતિથિગૃહના મકાન સાથે પુસ્તકાલયની સગવડ અચૂક રાખવામાં આવતી. વડોદરામાં પણ સેન્ટ્રલ લાઇબ્રેરી તે કાળે જુદી પડી આવતી હતી. સુરતમાં એક ફિળયાનું નામ ‘પાણીની ભીંત’ હતું, જ્યારે વડોદરામાં ‘પાણીગેટ’ વિસ્તાર ઘણો મોટો ! સુરતની શેરીઓ ગંદી જણાતી, જ્યારે વડોદરાની પોળો સ્વચ્છ જણાતી.

વડોદરા સાથેનો પરિચય વધ્યો તે સાથે મને રૈયત (masses) અને લોકો (people) વચ્ચેનો સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક તફાવત સમજાતો ગયો. કૃપાળુ રાજાશાહીની આણ હેઠળ જીવનારી પ્રજા (subjects)ની ફ્યૂડલ માનસિકતા આજ્ઞાધીન હોવાની. સુરત પંથકમાં બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮) અને દાંડીકૂચ(૧૯૩૦) જેવી બે ગાંધીઘટના બની હતી. વડોદરા સ્વરાજની લડતના મિજાજથી ઝાઝું રંગાયેલું ન હતું. વડોદરામાં વારંવાર મને રજવાડી માનસિકતાનો પરિચય મળતો થયો. મારા અર્ધચેતન મનમાં સુરત અને વડોદરા વચ્ચે સતત થયા કરતી સરખામણીનો કોઈ પાર ન હતો. સુરત માટે તાપીનો વિશાળ જળવૈભવ હતો. વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રીના અસ્તિત્વનો ખ્યાલ ચોમાસામાં રેલ આવે ત્યારે જ આવતો.

સુરતમાં લોકો જેને ભૂસું કહે, તેને વડોદરાના લોકો ફરસાણ કહેતા. સુરતની સ્ત્રીઓ કરતાં વડોદરાની સ્ત્રીઓને અંબોડલે ફૂલની શોભા અધિક જોવા મળતી. વડોદરામાં સુરત કરતાં ઉપવનોની સંખ્યા વધારે હતી. અ દિવસોમાં સુરત કરતાં વડોદરામાં વિધ્યુત પંખા ઘણા વધારે જોવા મળતા. વડોદરામાં બારીએ પડદા ટાંગવાનો રિવાજ હતો. સુરતમાં એ ઝાઝો ન હતો. સુરતની ઘારી વખણાતી, વડોદરાનો ચેવડો વખણાતો. સુરતમાં કિલ્લો હતો, વડોદરામાં યુનિવર્સિટી હતી. સુરતમાં કા¸લેજો હતી, વડોદરામાં હોમ સાયન્સ ફ¸કલ્ટી અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટી હતી. સુરતમાં બંનેનો અભાવ હતો. વડોદરા પાસે હંસાબહેન મહેતા જેવાં દ્રષ્ટિવંત વાઇસ-ચાન્સેલર હતાં, સુરત પાસે યુનિવર્સિટી જ ન હતી. વડોદરા સુરત જેટલું અસ્વચ્છ ન હતું.

સુરત પાસે વીર નર્મદનો ‘જોસ્સો’ હતો, વડોદરા પાસે ન હતો.વડોદરાના લોકો પાસે સુરતી નિખાલસતા ન હતી, પરંતુ દરબારી વિનયમાં ઝબોળાયેલી ખાનદાની હતી. સુરત પાસે મહારાજા સયાજીરાવનો લોકધર્મી કારભાર ન હતો. વડોદરામાં પુસ્તકાલય પ્રત્યેનો પ્રેમ વિશેષ હતો. સુરતના લોકોને ખાણીપીણીમાં વધારે રસ હતો. સુરત અલગારી હતું, વડોદરું દરબારી હતું. નવરાત્રિના ગરબા વડોદરામાં વધારે કલાત્મક જણાતા, સુરતમાં થોડાક ગ્રામીણ જણાતા. વડોદરાનો રિકશાવાળો પેસેન્જર બેસે કે તરત મીટર પાડતો, જ્યારે સુરતનો રિકશાવાળો મીટર પાડ્યા વિના જ ભાવતાલ કરતો.

સુરતી બહારથી ખરબચડો જણાય તોય અંદરની ભદ્રતા ન ચૂકે અને એનું વહાલ પણ મુલાયમ ! વડોદરા છોડીને ચેન્નાઈમાં પ્રોફેસર બન્યો. ત્યાંથી મુંબઈ ગયો અને છેવટે સુરતમાં પ્રોફેસર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. નિવૃત્તિ પછી ક્યાં સ્થિર થવું એવો પ્રશ્ન મને ન થયો. નિવૃત્ત થઈને કોઈ પણ જાતની અવઢવ વિના વડોદરાના નવા ઘરમાં રહેવા લાગ્યો. એ ઘરનું નામ રાખ્યું : ‘ટહુકો’. પ્રેમાનંદનું વડોદરું મારું વડોદરું બની ગયું ! આજે પણ કોઈને પત્ર લખું તેમાં પણ હું વડોદરા નહીં, ‘વડોદરું’ લખું છું.

( ગુણવંત શાહની આત્મકથા ‘ જાત ભણીની જાત્રા’ માં વડોદરા વિષે આવી થોડીક વાતો થઈ છે. )

નોંધ : યાદ રહે કે આજે (૧૧ સપ્ટેમ્બર) વિનોબાજીની જન્મતિથિ છે. એમનું ઘર શંકરપોળમાં આવેલું હતું. એમનું બાળપણ વડોદરામાં વીત્યું હતું. વાત નીકળી છે તો કહી દઉં કે આજે મહંમદઅલી ઝીણાની મૃત્યુતિથિ પણ છે અને ૧૯૦૬માં સત્યાગ્રહનો પ્રારંભ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ આજે જ શરૂ કર્યો હતો.

Advertisements

7 thoughts on “હું સુરતનો છું તોય વડોદરું મને ખૂબ વહાલું છે : ગુણવંત શાહ Divya Bhasker, 11-9-2011

 1. also, Sept 11, 1893: Swami Vivekananda and Virchand Raghavji Gandhi were in Chicago attending Parliament of the World’s Religions.
  Pravin

 2. Sir , could you please start the email subscriber service ?

  so it can be saved in our mail account , so please post this link on blog.

  Thanking you .

 3. સાહેબ,આપની તબિયત ના સમાચાર મળ્યા બહુ દુખ થયું,આશા રાખું છું આપની તબિયત સારી હશે.ને આપ બહુ જલ્દી સાજા થઇ સાહિત્ય ની સેવા કરતા રહો એવી ઈશ્વર પાશે પ્રાર્થના.

  • Respected Dr. Gunvantbhai Shah,

   I am happy to know about your speedy recovery of health.
   You like Vadodara but how can you forget Surat ?
   We all SURTI always remember you. We are eagerly waiting for you in Jeevan Bharti Hall/, Gandhi Smruti Bhavan /, South Guj University for your interesting ,encouraging lectures.

   With regards,
   Prof. Daiya
   SVNIT, Surat.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s