બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં. Divya bhasker, 25-9-2011

હૃદયરોગ કંઇ મફતમાં નથી મળતો. એને માટે જીવનભર મથામણ કરવી પડતી હોય છે. થોડીક એવી વાતો વહેંચવી છે, જે તમને હૃદયરોગનો હુમલો મોડો થાય તેવી શક્યતા વધારી શકે. એકવીસમી સદીનો સૌથી લોકપ્રિય અપશબ્દ ‘ટેન્શન’ છે. જીવનમાં ડગલે ને પગલે ટેન્શન રાખવાની કુટેવ ૭૫ વર્ષ સુધી નભી ગઇ. છેવટે હૃદય થાકી મર્યું અને રાતે એક વાગે એણે પોતાના માલિક સામે બંડ પોકાર્યું. માલિક બડો વિચિત્ર! અરે, મને વળી હૃદયરોગનો હુમલો થાય જ શી રીતે? એનામાં પડેલો સાત્વિક અહંકાર હૃદયની વેદનાને સ્વીકારવા તૈયાર ન હતો.

વિચારો શરૂ થઇ ગયા. હું રોજ વહેલી સવારે નિયમિતપણે ઝડપભેર ચાલું છું. ચાલતી વખતે મારા સેલફોન પરથી સંભળાતા વેદમંત્રોનું શ્રવણ કરું છું. ચાલતી વખતે પક્ષીઓના કલરવને પ્રાર્થનામય ચિત્તે સાંભળું છું. થોડીક ક્ષણો દરમિયાન અંધારું વિદાય થાય અને પ્રકાશ પથરાતો જાય તે સમયે ‘તમસો મા જ્યોતિર્ગમય’ શબ્દોને મારા હૃદયમાં પંપાળું છું. સૂર્ય ઊગે ત્યારે ઉપનિષદના પ્રિય મંત્રોથી એનું અભિવાદન કરું છું. હીંચકા પર બેસું ત્યારે ઘરના બાગનો સમ્રાટ હોઉં એવો વહેમ સેવવાનું મને ગમે છે. મને વળી હાર્ટ એટેક આવે? નથી તળેલું ખાતો. નથી મીઠાઇ ખાતો.

ચાવી ચાવીને ખાઉં છું અને ક્યારેય એક કોળિયો વધારાનો ખાધો હોય એવું યાદ નથી આવતું. કકડીને ભૂખ લાગે ત્યારે ગણીને બે રોટલી ખાઉં અને વળી ફળાહાર વધારે કરું. ઘસઘસાટ ઊંઘવાનો વૈભવ માણું છું. અરે ગાંડા! તું આટલો બધો શાણો છે તો તારું હૃદય કેમ અકાળે ભાંગી પડ્યું? બચ્ચા, નક્કી દાળમાં કશુંક કાળું છે. તારો સાત્વિક અહંકાર છોડ અને હૃદયની ખાનગી વાત નમ્રતાપૂર્વક સાંભળ. તું મોટો તોપચી હોય તે તારા ઘરનો! કિરતારને ત્યાં તું મચ્છર છે મચ્છર! હે મચ્છર, તું તારા જીવનું ઓડિટ તપાસ.

તારા હૃદય પર થયેલા અત્યાચારો યાદ છે? કોઇ સભામાં જરા અમથું મોડું થાય ત્યારે તેં તારા લોહીના ભ્રમણની શી વલે કરી હતી તેનો તને ખ્યાલ છે? સભામાં તું સમયસર પહોંચે ત્યારે જો આયોજકો આમતેમ અટવાતા હોય ત્યારે તારા ક્રોધનો જવાળામુખી ફાટી નીકળે તે તને યાદ છે? પ્રવાસમાં કે પદયાત્રામાં તેં તારા પ્રેમાળ અને ઉદાર સ્વભાવના સાથીઓને કડક અને કડવા શબ્દો દ્વારા કેટલા દુ:ખી કર્યા તે તને યાદ છે? માતૃભાષા વંદનાયાત્રા વખતે કોઇ પણ ગામે સભામાં મોડા ન પડાય તેવા તમોગુણી આગ્રહને કારણે તારી સાથે જોડાયેલા લોકો પર શું શું વીત્યું તે તને યાદ છે? તારો Perfaction માટેનો આગ્રહ કેટલો હિંસક હતો એ તને યાદ છે? ડૉ. ભદ્રાયુ વછરાજાનીને જ બધી વાતની ખબર છે. તું નાદાન છે કારણ કે રામાયણ, ઉપનિષદ અને ગીતા પર ભાષ્યો લખ્યા પછી પણ તને એક વાત ન સમજાણી.

એ વાત બાયપાસ સર્જરી થાય ને તું બચી જાય તો યાદ રાખજે. ખૂબ ટેન્શન લઇને ફરવું એ ઇશ્વર પ્રત્યેની અશ્રદ્ધાનો તોફાની પુરાવો છે. ચિંતા સેવવી અને ચિંતા વહેંચવી એ પણ એક પ્રકારની નાસ્તિકતા છે. હવે તું ડાહ્યો થઇ જાય તો તારું મૃત્યુ પણ ધન્ય બની જશે. બાકી, તારા વિના આ જગતનું કશુંય અટકે તેમ નથી. જીવન ઉત્સવ બને, તો મૃત્યુ પણ મહોત્સવ બને!

આશ્વાસન એક વાતનું છે. તારા જેવા દુષ્ટને પણ વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે એ વાત તો હાર્ટ એટેક દ્વારા સાબિત થઇ ગઇ. તું પણ તારા વાચકોને ઓછો પ્રેમ નથી કરતો. ઐતરેય ઉપનિષદની વાત તને ખબર છે ને? ઋષિ કહે છે: દેવો ‘પરોક્ષપ્રિયા’ છે (પરોક્ષપ્રિયા ઇવ હિ દેવા:). અસંખ્ય વાચકોને તેં કદી જોયા નથી અને કદી જોવાનો પણ નથી. તે વાચકદેવોના ગુપ્ત આશીર્વાદને કારણે જ તું બચી ગયો! કવિ સુરેશ દલાલે મુંબઇનાં કુમુદબહેન પટવાને કહ્યું: ‘ગુણવંત નથી બચ્યો, આપણે સૌ બચી ગયાં!’ દેવો અપ્રત્યક્ષ છે અને અપ્રત્યક્ષતાનું સૌંદર્ય ક્યારેક પ્રત્યક્ષતા ઓછું કરતી હોય છે.

આદરણીય મોરારિબાપુએ ઓસ્ટ્રેલિયા પહોંચીને અવંતિકાને ફોન પર તબિયતના સમાચાર પૂછ્યા. આદરણીય પ્રમુખસ્વામીનો ફોન પણ તબિયતની પૃચ્છા માટે આવી ગયો. મરિયમપુરાના ચર્ચમાં ફાધર ટોનીએ સૌ ભક્તો સાથે પ્રાર્થના કરાવી અને માટુંગામાં કાયમ સવારે મળનારા સુજ્ઞ વાચકોના જૂથે ફાઇવ ગાર્ડન્સમાં પ્રાર્થના કરી. લોર્ડ ભીખુ પારેખે યાદગાર પત્ર પાઠવ્યો અને પછી ઘરે આવીને એવી વાતો કરી કે રોગ છોભીલો પડી જાય! સ્વામી સચ્ચિદાનંદજીએ છેક ઉત્તરપૂર્વના પ્રવાસમાંથી ફોનથી ખબર પૂછ્યા.

નરેન્દ્ર મોદીએ ઉપવાસના પ્રથમ દિવસે દીકરી સાથે વાત કરીને ખબર પુછાવી હતી. સાવ અજાણ્યા ગામના સાવ અજાણ્યા વાચકોએ ફોન પર પ્રેમ વરસાવ્યો. એક અજાણ્યાં બહેને અંબાજીમાં આરતી કરીને તબિયત સુધરે તે માટે પ્રાર્થના કરી. મિત્ર વિનોદ ભટ્ટ નબળી તબિયતે આવવા તૈયાર થયા, તેમને રોકવા પડ્યા. આવું બધું થયું ત્યારે એટલી ખબર પડી કે હું છેક ફેંકી દેવા જેવો માણસ નથી. એટલી ખબર છે કે કર્મનો કાયદો કોઇને છોડતો નથી. રમણ મહર્ષિને વળી કેન્સર થાય? મહર્ષિ દયાનંદને વિષવમનની પીડા ભોગવવી પડે? જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચે, ત્યાં શ્રદ્ધાના પ્રદેશમાં વિસા મળે તોય બસ છે. આફ્રિકાની એક કહેવત કોઇ પણ કુકર્મ કરતી વખતે યાદ રાખવા જેવી છે:

ઇંડાંની ટોપલીમાં
પથ્થર મૂકશો,
તો ચિંતા કરવી
જ પડશે ને?

હોસ્પિટલમાં પહોંચ્યા પછીના થોડાક જ કલાકોમાં કેટલાં ઇંજેકશન ભોંકાયાં? ક્યાં ક્યાં ભોંકાયાં? દરરોજ હવે તારે કેટલી ગોળીઓ ગળવી પડે છે? એકવીસમી સદીનો આ મેડિકલ ગોળીબાર માણસને બચાવે પણ છે અને માંદો પણ રાખે છે. ડૉ. દર્શન બેંકર મોનિટર પર હૃદયમાં ક્યાંક જામી પડેલા કેલ્શિયમના કમબખ્ત ગઠ્ઠાને ઠેકાણે પાડવા મથી રહ્યા હતા. હું પણ ટીવી પર મારી મજબૂરીને નિહાળી રહ્યો હતો. મારું જ હૃદય આટલું પારકું શી રીતે હોઇ શકે? એને પોતાના માલિકની કોઇ જ શરમ ન નડી? જે સંસારમાં માણસનું પોતાનું જ હૃદય જો આટલું અવિનયી હોય તો અન્ય પર રોફ મારનારની મૂર્ખતા જરૂર ફિલોસોફિકલ હોવાની! વાચકો માટે ફિર વોહી દિલ લાયા હૂં!

હવે પછીનાં વર્ષોનું શું? સંન્યાસી જીવન ગાળવાની ઇચ્છા છે, પણ પાત્રતા નથી. ભલે ન હોય, પરંતુ કૃષ્ણ અહીં મદદે આવે છે. એમણે ગીતામાં એક અત્યંત મૌલિક શબ્દ આપ્યો છે: ‘યોગભ્રષ્ટ’. જે માણસ યોગના ઊંચા ધ્યેયથી ચળી ગયો તે ‘યોગભ્રષ્ટ’ ગણાય. આ અપશબ્દ નથી. ઊંચું નિશાન રાખ્યા પછી મળેલી નિષ્ફળતા પણ મૂલ્યવાન છે. હું ઊંચી પાત્રતા ધરાવતો નથી, પરંતુ નિષ્ફળ જવાની પાત્રતા તો કૃષ્ણ પણ મારી પાસેથી છીનવી શકે તેમ નથી. હું ‘યોગભ્રષ્ટ’ થાઉં તોય ઘણું!

(લખ્યા તા. ૨૧-૦૯-૨૦૧૧)

પાઘડીનો વળ છેડે

બાબુ મોશાય!
જિન્દગી બડી
હોની ચાહિયે
લંબી નહીં.

(ફિલ્મ ‘આનંદ’ના સંવાદમાં મૃત્યુને કિનારે પહોંચેલો રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનને આ વાત કહે છે.)

Blog:https://gunvantshah.wordpress.com

Advertisements

One thought on “બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં. Divya bhasker, 25-9-2011

  1. Sir i have been reading you nowadays.One thing i appreciate wholeheartedly about you is your ability to confess the truth.

    When analysing your writing minutely it makes me to go in the state where i can say that the name of my blog is worth of “i am confused so what” 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s