હવે દેશને સરદાર પટેલ ક્યારે મળશે? Divya Bhasker ,30-10-2011-

 

બંધારણ ઘડાયું ત્યારે સરદાર લઘુમતી અને માનવ અધિકારો અંગેની કમિટીના ચેરમેન હતા. એમાં બિનહિન્દુઓ અન્યને પોતાના ધર્મમાં પ્રવેશ માટે વટલાવી શકે એવી છુટ લઘુમતીઓને આપવાનો પ્રશ્ન આવ્યો. સરદારના કેટલાક ખાસ ટેકેદારો એ છુટ બિનહિન્દુઓને મળે તેના સખત વિરોધી હતા. બધા વિરોધને અવગણીને સરદારે બંધારણમાં ખ્રિસ્તીઓ અને મુસલમાનોને બંધારણની કલમ-૨૫ પ્રમાણે ધર્મપ્રચારની છુટ અપાવેલી.

 

સાચો નેતા કેવો હોય? એ સરદાર વલ્લભભાઇ પટેલ જેવો હોય. એ સતત પોતાના સાથીઓની કાળજી રાખે અને એની વાણી એવી હોય કે ઢીલો માણસ ટટ્ટાર થઇ જાય. એ નેતાની હાજરીમાં સૂતેલો માણસ બેઠો થઇ જાય, બેઠેલો માણસ ઊભો થઇ જાય, ઊભેલો માણસ ચાલવા લાગે અને ચાલતો માણસ દોડવા લાગે! બારડોલી સત્યાગ્રહ ૧૯૨૮માં થયેલો. રામનારાયણ વિશ્વનાથ પાઠક સરદારની સ્ટાઇલ વિશે લખે છે તે વાંચીએ તો ખ્યાલ આવે કે નેતા તરીકે સરદાર કઇ ધાતુના બનેલા હતા. રા. વિ. પાઠક લખે છે:

 

હું બારડોલી ગયો અને તરત જ તેમણે મને સ્વજન ગણી લીધો. સદ્ગત મહાદેવભાઇ મારા અંગત મિત્ર, તેને લીધે આમ બન્યું હોય એ સંભવિત છે, પણ વધારે સાચું તો એ લાગે છે કે એમની લડતમાં કોઇ જોડાય એટલે તરત તેને તેઓ સ્વજન ગણી લેતા. માટે જ તેઓ જન્મથી જ સરદાર હતા. બારડોલી રહ્યો ત્યારે એક વાર સવારમાં તેમણે મોટર તૈયાર કરાવી. ફોર્ડે પોતાની નવી ગાડી ભેટ મોકલેલી તે એ હતી એમ મને યાદ છે. સહેજ પૂછતાં કહે: ‘ફલાણે દૂરને ગામ અમુક ભાઇને ખસ થઇ છે. એકલો દૂર રહ્યો મૂંઝાઇ ગયો છે. આમ મૂંઝાઇ ગયો છે, પણ લડતમાં મૂકો તો તીરની પેઠે જાય. હું જરા જઇ આવીશ એટલે એની અકળામણ મટી જશે.’ આ સાચા સરદારનું લક્ષણ છે. એ પોતાના દરેક સિપાહીને અંગત રીતે ઓળખે છે, ચાહે છે અને તેની સાથે સમાન ભાવે વર્તે છે.

 

બારડોલી તાલુકામાં ફરતાં ફરતાં કોઇ નાના આશ્રમમાં અમારો મુકામ થયો. અમે ગયા ત્યારે અમારે માટે કંસાર કરેલો હતો. કંસાર પીરસાયો એટલે તેને ઉદ્દેશીને (સરદાર) મહાદેવભાઇને કહે: ‘મહાદેવ! આ નહોય તમારો આશ્રમ, ખાઓ, પીઓ, મજા કરો.’ સરદાર સંયમને માનતા… પણ તપને લીધે મન, જીવ, હૃદય ચીમળાઇ જાય એ એમને પસંદ ન હતું. (‘બુદ્ધિપ્રકાશ’, ૬-૧-૧૯૫૧). બારડોલી સત્યાગ્રહની આવી વાતો વાંચીને પ્રશ્ન થાય: શું બારડોલી પંથકના વિદ્યાર્થીઓ સુધી પણ આ પ્રસંગોની સુગંધ પહોંચશે ખરી? આપણાં પાઠ્યપુસ્તકોને નીરસ બનાવવા માટે આતુર એવા સાહિત્યકારો ઓછા નથી. મોડર્ન મેનેજમેન્ટ અને લીડરિશપના કોઇ પણ પુસ્તકમાં સરદાર પટેલનાં લક્ષણો શોભે તેવાં છે.

 

સરદાર પટેલ સેકયુલર હતા ખરા? ખાસ નોંધવા જેવું છે કે સરદાર સો ટચના સેકયુલર નેતા હતા એ વાત જોરદાર રીતે પ્રગટ કરવાનું શ્રેય એક એવા મુસ્લિમ વિદ્વાનને જાય છે, જેઓ કુરાનના ઊંડા અભ્યાસી હતા અને રાષ્ટ્રવાદી નેતા હતા. એ મુસ્લિમ આલિમનું નામ ડૉ. રફિક ઝકરિયા છે. એમનું પુસ્તક ‘સરદાર પટેલ એન્ડ ઇન્ડિયન મુસ્લિમ્સ’ સરદારને થતા રહેલા ઘોર અન્યાયને સમજવા માટે અત્યંત ઉપકારક છે. સેક્યુલરિઝમ નામની ફેશનને કારણે આપણા ગંદા રાજકારણમાં સાચું સેક્યુલરિઝમ દુર્લભ બની ગયું છે.

 

પુસ્તકમાંથી માત્ર પાંચ મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે:

 

‘ અયોધ્યાના રામમંદિર અંગેના વિવાદ અંગે સરદારે તા. ૯-૧-૧૯૫૦ને દિવસે તે વખતના ઉત્તરપ્રદેશ (સંયુક્તપ્રાંત)ના પ્રિમિયર શ્રી ગોવિંદવલ્લભ પંતને પત્ર લખ્યો તેમાં જણાવ્યું કે: ‘આવી બાબતો મુસ્લિમ કોમની સહૃદય સંમતિ હોય તો જ ઉકેલી શકાય. આવા ઝઘડાઓ બળ વાપરીને ઉકેલવાનો પ્રશ્ન જ નથી. આક્રમક વલણ સાથે લેવાયેલા કોઇ પણ એકપક્ષી કદમને ટેકો આપી શકાય નહીં. એવું બને તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું બળ કોઇ પણ ભોગે શાંતિ જાળવવા માટે વાપરવું પડે.’

 

‘ બંધારણ ઘડાયું ત્યારે સરદાર લઘુમતી અને માનવ અધિકારો અંગેની કમિટીના ચેરમેન હતા. એમાં બિનહિન્દુઓ અન્યને પોતાના ધર્મમાં પ્રવેશ માટે વટલાવી શકે એવી છુટ લઘુમતીઓને આપવાનો પ્રશ્ન આવ્યો. સરદારના કેટલાક ખાસ ટેકેદારો એ છુટ બિનહિન્દુઓને મળે તેના સખત વિરોધી હતા. બધા વિરોધને અવગણીને સરદારે બંધારણમાં ખ્રિસ્તીઓ અને મુસલમાનોને બંધારણની કલમ-૨૫ પ્રમાણે ધર્મપ્રચારની છુટ અપાવેલી.

 

‘ બંધારણસભામાં કલમ-૨૯ અને ૩૦ અન્વયે સરદારના આગ્રહને કારણે જ લઘુમતીઓને પોતાની ભાષા, લિપિ અને પોતાનું કલચર જાળવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની છુટ મળી. ‘ દેશના પ્રથમ ગૃહપ્રધાન તરીકે સરદારે હિન્દુ ઓફિસરો પર જ વિશ્વાસ રાખ્યો એ આક્ષેપ સાવ ખોટો છે. એમનો ખાસ વિશ્વાસુ ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ મુસ્લિમ હતો. વળી દિલ્હીના ચીફ પોલીસ કમિશનર તરીકે એમણે જેની નિમણુંક કરી તેનું નામ ખુરિશદ આલમ ખાન હતું.

 

‘ સરદાર પટેલે આકાશવાણીમાં ઉર્દૂને (માત્ર ઉત્તરપ્રદેશ જેવા વધારે મુસ્લિમ વસ્તી ધરાવનાર વિસ્તારને બદલે) અખિલ ભારતીય પ્રસારણમાં યોગ્ય સ્થાન આપવાનો આગ્રહ રાખેલો. ૧૯૪૯માં એમણે એ માટે પોતાના સાથી આર. આર. દિવાકરને પત્ર પણ લખેલો.

 

હૈદરાબાદનો નિઝામ ભારતમાં જોડાવા માટે તૈયાર ન હતો. જો એનું ચાલ્યું હોત તો આજે હૈદરાબાદ એક નાનું છતાં સાર્વભોમ રાષ્ટ્ર હોત. નિઝામે તો ભારત અને હૈદરાબાદમાં બે એલચીની નિમણુંક થાય તેવો પ્રસ્તાવ પણ મૂકેલો. સરદારે યોગ્ય સમયે લશ્કરી કાર્યવાહી ન કરી હોત તો! નિઝામના હૈદરાબાદને એમણે ‘ભારતના પેટમાં ચાંદું’ તરીકે ઓળખાવેલું. સરદાર ન હોત તો આજના આપણા દેશના નકશાનો આકાર જુદો હોત. હવે આવા સમર્થ સરદાર પટેલ દેશને ક્યારે મળશે?

 

વિનોબાજીએ સરદારને ગાંધીજીની લડતના ‘ધનુધૉરી, એમના શિષ્ય અને એમના Gઠઈ’ ગણાવીને કહ્યું હતું કે તેમને પાછીપાની કરવાની ટેવ ન હતી. દાદા ધમૉધિકારીએ સરદારને ‘રુદ્ર ભદ્ર’ નેતા તરીકે ઓળખાવ્યા હતા. વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને પત્રમાં સરદારને લખ્યું હતું: ‘વર્ષોથી તમે ભારતના મજબૂત માનવી રહ્યા છો… હું નથી માનતો કે દેશમાં એક પણ એવો માણસ હોય કે જે તમે નિર્ધારકરો પછી તમારી સામે ઊભો રહી શકે.’

 

ગાંધીજીએ લખ્યું: ‘વલ્લભભાઇ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.’ સરદારના અવસાન પછી પંડિત નહેરુએ લોકસભામાં કહ્યું હતું: ‘એમની અડોઅડ હું અહીં બેસતો. એમની ખાલી બેઠક જોતાં એક પ્રકારની એકલતા અને ખાલીપણું મને લાગશે.’ મહાદેવ દેસાઇએ લખ્યું હતું: ‘સુખી જીવન ગાળેલું છતાં અગવડ સહન કરવાની શક્તિમાં કદાચ તેઓ ઘણા લોકનેતાઓને ચઢી જાય.’ કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું: ‘હિન્દુસ્તાન જો ખેડૂતોનું રાષ્ટ્ર હોય તો વલ્લભભાઇ ખેડૂતોના રાજા છે.’

 

૧૯૫૦માં મળેલા નાસિક અધિવેશનમાં પુરુષોત્તમદાસ ટંડન પ્રમુખ તરીકે ચૂંટાયા અને કૃપાલાનીજી હાર્યા. ટંડનજી અહિંસામાં શ્રદ્ધા રાખનારા રાજર્ષિ હતા. તેઓ ચામડાની ચંપલ પહેરવાને બદલે રબરની ચંપલ પહેરતા. લોકસભામાં હતા, પરંતુ પોતાનું ૪૦૦ રૂપિયાનું ભથ્થું દાનમાં આપી દેતા. કોઇએ કારણ પૂછ્યું ત્યારે એમણે કહેલું: ‘મારા સાત દીકરાઓ થોડી થોડી રકમ મને મોકલે છે તેથી વધારે લેવાની જરૂર નથી.’ સરદાર પાસે આવાં રત્નોને પારખવાની શક્તિ હતી. આજના કોલેજિયનો સુધી આવી બધી વાતો કોણ પહોંચાડશે? હજાર વર્ષે પણ દેશને બીજા સરદાર નહીં મળે.

 

પાઘડીનો વળ છેડે

 

એ નક્કી કે જો જવાહરલાલનું નામ સૂચવાયું ન હોત, તો સરદાર જ (કોંગ્રેસના) પ્રમુખ તરીકે ચૂંટાયા હોત અને તેને કારણે ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. પાછળથી મારા મનમાં પ્રશ્ન થતો રહ્યો કે: ગાંધીજીની ઇચ્છા મુજબ જવાહરલાલનું નામ સૂચવવામાં હું નિમિત્ત બન્યો તે યોગ્ય હતું ખરું? … પણ ભાવિની આગાહી કોણ કરી શકે! – આચાર્ય કૃપાલાની

 

બલરાજ ક્રિશ્નાએ લખેલા પુસ્તક ‘India’s Bismarck: Sardar Vallabhbhai Patel’, Indus Source Books, ¡ પાન 191-192.

Advertisements

One thought on “હવે દેશને સરદાર પટેલ ક્યારે મળશે? Divya Bhasker ,30-10-2011-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s