અસ્તિત્વના પંખીની ચાંચ અને પાંખ, Divya Bhasker,

ઉડ્ડયનના ઉત્સવમાં ચાંચ અને પાંખ વચ્ચેના સુમેળની જરૂર પડે છે. ચાંચ પૃથ્વીપ્રિયા છે અને પાંખ આકાશપ્રિયા છે. સંસ્કૃતમાં પ્રયોજાતો એક સમાસ અત્યંત અર્થપૂર્ણ છે. સંસ્કૃતમાં ‘ધ્યાવાપૃથિવ્યૌ’ એટલે સ્વર્ગ અને પૃથ્વી. પંખીની ચાંચ પૃથ્વીસ્વરૂપા છે. પંખીની પાંખ સ્વર્ગસ્વરૂપા કે આકાશસ્વરૂપા છે. બંનેનો સુમેળ એટલે ધ્યાવાપૃથિવ્યૌ!

જેટલી ઉત્કટતા સાથે કોઇ નિષ્ઠાવંત શરાબી મધુશાલામાં જાય એટલી ઉત્કટતા સાથે માણસ ક્યાંક જાય ખરો? જેટલી ચીવટથી કોઇ કંજૂસ માણસ ધનસંગ્રહ કરે એટલી ચીવટથી માણસ કોઇ સદ્કર્મ કરે ખરો? શરાબી અને કંજૂસની નિષ્ઠા અંગે શત્રુઓને પણ શંકા નથી હોતી, પરંતુ કોઇ રાજકારણી માણસની પ્રામાણિકતા અંગે તો એની પત્નીને પણ ખાતરી નથી હોતી. જીવનનિષ્ઠા ખૂટી પડે ત્યારે વ્યસનનિષ્ઠા, ધનનિષ્ઠા અને વ્યવહારનિષ્ઠા વધી પડે છે. આ વાત સમજાય ત્યારે આયખું પૂરું થવાની તૈયારીમાં હોય છે. અજ્ઞાની સમાજમાં જીવન વેડફી મારવું એ ગુનો નથી ગણાતો.

આપણા અસ્તિત્વના કોમળ પંખીનું આયખું એટલું તો ટૂંકું હોય છે કે પ્રેમ કરવા સિવાય અને પ્રેમ પામવા સિવાયની બીજી કોઇ માથાકૂટ માટે સમય ન બચે. એ પંખીને પરમેશ્વરે ચાંચ પણ આપી છે અને પાંખ પણ આપી છે. ચાંચ કેવળ દાણા ચણવા માટે જ નથી આપી. એ ચાંચ વડે રોજ સવારે કલરવ પણ વહેતો મૂકવાનો છે. કોયલનું આયખું કેરીને ડાફું મારવામાં જ વીતી જાય તે ન પાલવે, એણે ટહુકવાનું પણ છે!

અસ્તિત્વના દિવ્ય પંખીએ માત્ર ચાંચમય બનીને જીવી ખાવાનું નથી. એણે પોતાની પાંખ પ્રસારીને દૂર દૂર આવેલા પરમના પાદર પર પહોંચવાનું પણ છે. આવા પ્રયાણ માટે જે પ્રાણશક્તિ જોઇએ તે પ્રાપ્ત કરવામાં પેલો નિષ્ઠાવંત શરાબી અને કંજૂસ આપણો ગુરુ! ઉડ્ડયનના ઉત્સવમાં ચાંચ અને પાંખ વચ્ચેના સુમેળની જરૂર પડે છે. ચાંચ પૃથ્વીપ્રિયા છે અને પાંખ આકાશપ્રિયા છે. સંસ્કૃતમાં પ્રયોજાતો એક સમાસ અત્યંત અર્થપૂર્ણ છે. સંસ્કૃતમાં ‘ધ્યાવાપૃથિવ્યૌ’ એટલે સ્વર્ગ અને પૃથ્વી. પંખીની ચાંચ પૃથ્વીસ્વરૂપા છે.

પંખીની પાંખ સ્વર્ગસ્વરૂપા કે આકાશસ્વરૂપા છે. બંનેનો સુમેળ એટલે ધ્યાવાપૃથિવ્યૌ! સ્વર્ગ અંગે લોકોમાં જે ગોટાળો પ્રવર્તે છે તેમાં મનોરંજન ઘણું હોય છે. અથર્વવેદમાં સ્વર્ગ અંગે મૌલિક વાત થઇ છે: સ્વર્ગ એટલે શુદ્ધ મન! જ્યાં સ્વચ્છ મન છે ત્યાં સ્વર્ગ છે. એ સ્વર્ગ પૃથ્વીથી દૂર આવેલો કોઇ પ્રદેશ નથી. નિષ્કપટ માણસ પૃથ્વી પર આવેલા સ્વર્ગનો દેવદૂત છે.

નવું વર્ષ ચોક્કસ તિથિએ રિવાજ મુજબ આવી પહોંચે છે, પરંતુ એ રિવાજ મુજબ પસાર નથી થતું. એ ક્યારેક મનનો ધરતીકંપ અને મનની સુનામી પણ લેતું આવે છે. જે. બી. પ્રસ્ટિલી પૃથ્વીને સ્વર્ગ બનાવવાની ચાવી બતાવે છે. નવા વર્ષના પ્રારંભે એના શબ્દો સાંભળવા જેવા છે:

આપણું જીવ્યું
કર્મોથી જાણવું, વર્ષોથી નહીં.
આપણું જીવ્યું
વિચારોથી જાણવું, શ્વાસોચ્છ્વાસથી નહીં.
આપણું જીવ્યું
હૃદયની ઊર્મિઓથી જાણવું, ધબકારાથી નહીં.
જેનું ચિંતન અધિક થયું,
જેના ભાવ ઉત્તમ રહ્યા,
જેનાં કર્મો પ્રભુ-પ્રીત્યથેg થયાં,
તે જ ખરું જીવ્યો!

ઘરમાં ચોર ઘૂસી જાય એટલી જ ચૂપકીથી જીવનમાં પ્રમાદ ઘૂસી જાય છે. પ્રમાદનો સંબંધ કેવળ આળસ સાથે નથી. માણસ લાખ કામો કરે, પરંતુ જે ખરેખર કરવું જોઇએ તે ન કરે, તો તેને આળસુ ન કહી શકાય, પ્રમાદી જરૂર કહી શકાય. કશુંય કામ ન કરે તે આળસુ કહેવાય અને પોતાના ઉડ્ડયનમાં મદદરૂપ થાય એવું ખાસ કામ ન કરે તે ‘પ્રમાદી’ કહેવાય હું એક એવા મૂર્ખ સજ્જનને નજીકથી ઓળખું છું, જે પોતાના જીવનને વેડફી મારવામાં ઉસ્તાદ છે. એની પાસે બુદ્ધિ પણ છે અને મૌલિક વિચારશક્તિ પણ છે. એને ઘડીની ફુરસદ નથી હોતી. એ ધારે તો ગણનાપાત્ર લેખક બની શકે તેમ છે. એ આખો દિવસ Busy હોય છે.

એ આળસુ નથી પણ ‘પ્રમાદી’ છે. એ બીજાં બધાં કામો કરે છે, પરંતુ જે ખરું કામ છે તે નથી કરતો. આવો માણસ કામગરો હોય તો પણ ‘પ્રમાદી’ ગણાય. કોઇ સંગીતકાર સંગીતની સાધનામાં ગાબડું પાડીને અન્ય કામોમાં સમય વેડફી મારે તો તે ‘પ્રમાદી’ ગણાય. એની ચાંચ કામગરી, પરંતુ એની પાંખ પ્રમાદી! દુનિયામાં રોટલાની ઉપેક્ષા નથી કરવાની, પરંતુ રોટલા આગળ અટકી જવાનું નથી. રોટલા સાથે કવિતા પણ જોઇશે.

કવિ નિરંજન ભગતે વડોદરામાં મળેલી સાહિત્ય પરિષદમાં જે અધ્યક્ષીય પ્રવચન કરેલું તેમાં કહેલું: સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો. ચાંચ અને પાંખના સુમેળ વિના અસ્તિત્વના પંખીનું જીવન જામતું નથી. સમણાં તો પંખીની જાત! માનશો? ઓક્ટોબરની ૧૯થી ૨૩ તારીખો દરમિયાન કેલિફોર્નિયામાં સાન રાફેલ ખાતે એક આંતરરાષ્ટ્રીય પરિષદ મળી હતી, જેનો મુખ્ય વિષય હતો: ‘વિજ્ઞાન અને અદ્વૈત (ઓમ = mc2)’ વિદ્વાનોની યાદીમાં એક ભારતીય નામ હતું: અમિત ગોસ્વામી. વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય વિના દુનિયા સ્વસ્થ નહીં બને. એકવીસમી સદી કદાચ આવા સમન્વયનું સંગીત પૃથ્વી પર વહેતું મેલે તે શક્ય છે.

પ્રેમના પનઘટ પર પહોંચેલી પનિહારીએ પોતાની ગાગરમાં કેવળ પાણી જ નથી ભરવાનું. એણે તો આસપાસના આકાશમાં અટવાતા ટહુકા પણ ગાગરમાં ઠાલવીને નજિધામ પહોંચવાનું છે. ભગવદ્ ગીતા આપણા અસલ ઘરને ‘પરમ ધામ’ કહે છે. જેને વાતવાતમાં દુનિયાના લોકો ધ્યેય કહે છે તે તો વાસ્તવમાં આપણા સ્વધર્મનું બીજું નામ છે. ‘સ્વધર્મ’ ગીતાનો મૌલિક શબ્દ છે. વેદ કે ઉપનિષદમાં ‘સ્વધર્મ’ શબ્દ ઝટ જડતો નથી. સ્વધર્મ એટલે સહજધર્મ. એને શોધવા માટે ફાંફાં મારવા ન પડે. એ ઘણું ખરું સામેથી આવી પડે છે.

જે માણસ પોતાની જાતને યાયાવર પંખી જેવો પ્રવાસી સમજે, તે જ ખરો પ્રેમ કરી શકે. પ્રેમની એક ખૂબી સમજી રાખવા જેવી છે. એને ચાંચ કરતાં પાંખ વધારે વહાલી હોય છે. ચાંચ અન્નબ્રહ્નનું અને પ્રાણબ્રહ્નનું ઉપસ્થાન છે, જ્યારે પાંખ વિજ્ઞાનબ્રહ્ન અને આનંદબ્રહ્નનું ઉપસ્થાન છે. માણસને બંનેની ગરજ હોય છે. ગમે તેવા કવિ કે મનીષીને સાંજ પડે ત્યારે ભૂખ લાગે છે. એ ભૂખની અવગણના કરનારો ભીંત ભૂલે છે. ગીતાએ એવી સ્થૂળ ભૂખને ‘વૈશ્વાનર’ સાથે જોડી છે. આપણો જઠરાગ્નિ સાક્ષાત્ કૃષ્ણનો પ્રતિનિધિ છે.

પાઘડીનો વળ છેડે

ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ચાર્લ્સ દ ગોલે ‘War Memoirs’ પુસ્તક લખ્યું છે, જેમાં યુદ્ધનાં સંસ્મરણો આલેખ્યાં છે. એ પુસ્તકમાં એમણે એક જગ્યાએ જે વિધાન કર્યું છે, તે ગુજરાતના અને દેશના લોકોને અર્પણ:
મહાન ક્ષણો દરમ્યાન
ઈતિહાસ કેવળ
એવા જ માણસોને
સત્તાની ટોચ પર બેસાડે છે,
જેઓ બનાવોને

Advertisements

One thought on “અસ્તિત્વના પંખીની ચાંચ અને પાંખ, Divya Bhasker,

 1. મુ.શ્રી ગુણવંતભાઈ
  ખુબ ખુબ અભિનંદન
  આપને હાર્ટએટેક માંથી સારા નરવા થવા બદલ અંતઃ પૂર્વક શુભેચ્છા પાઠવું છું.પ્રભુ આપને દીર્ઘાયુ બક્ષે એવી અભ્યર્થના.ગુજરાતીઓ અને ગુજરાતી સાહિત્યને આપની હજુ ખુબખુબ જરૂરત છે .મારી આજે ૭૦ વર્ષ ની ઉમરે મને એ ભીતી લાગે છે કે હવે શું ગુણવત્ શાહ અને સુરેશ દલાલ ચંદ્રકાંત બક્ષીનહિ હોય તો આજનું ભણતર નવી પેઢી માં આવી પ્રતિભા પેદા કરી શકશે ?જીવનભર આપ સૌએ સાહિત્યની સેવાર્થે જે મજલ કરીછે તે અવર્ણીય છે ..હું અપના લખાણથી ખુબ પ્રભાવીત છું ,તમારા લેખોથી મારા જીવનમાં ખુબ ખુબ બદલાવ લાવી શક્યો છું.એ બદલ આપનો આભારી છું ,વડોદરા આવવાનું થશે તો આપને મળવાનો લાભ આપશો તો આભારી થઈશ. આપની તંદુરસ્તી માટે શુભેચ્છાસહ અહી વિરમું ર્છું
  (તાજા કલમ : સુરત આવો તો જરૂરથી આમારું ઘર પવિત્ર કરશો આવી અભ્યર્થના)
  નરેન્દ્ર શાહ ના જયશ્રી કૃષ્ણ

  નરેન્દ્ર લાલચંદ શાહ
  ૮૦૨ નંદ ઈન્ક્લેવ (વેસ્ટ)
  ગોવર્ધનજીનાથજી ની હવેલી કમ્પાઉન્ડ
  ડુમસ રોડ સુરત (૩૯૫૦૦૭)
  તા : ૨૬ -૯-૨૦૧૧
  મોબાઈલ : ૯૩૭૭૯૦૭૦૨૫ ,ફોન : ૦૨૬૧ ૨૭૨૦૨૭૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s