સોનીના ત્રાજવામાં રિંગણ ન તોલાય, Divya bhasker, 19-12-2011

 

સંવેદનશીલ આદમીને ઘાયલ કરવા માટે તો અમી-નીતરતી બે આંખ જ પૂરતી છે. આદમીને ઘાયલ કરવાની એ જ ખરી રીત છે. એવા આદમીને કરડાકીથી ભરેલી આક્રમક નજરથી ઘાયલ કરવો એ પાપ છે. એનું સંવેદનશીલ હૃદય તો સોનીના ત્રાજવા જેવું છે. સોનીનું ત્રાજવું તો ચોખાના પાંચ દાણા મૂકીએ તોય નમી પડે! આવા સંવેદનશીલ ત્રાજવામાં રિંગણ તોલવાની ગુસ્તાખી ન થાય. સમાજને આવી નઘરોળ ગુસ્તાખી કોઠે પડી ગઇ છે.

 

પ્રત્યેક સવારે અંધારાનો વિદાય સમારંભ ગોઠવાય છે. ઊગતો સૂર્ય અંધારાને હડસેલો મારીને ભગાડી નથી મૂકતો. પૂવૉકાશની ક્ષિતિજે ડોકિયું કરતાં પહેલાં સૂર્ય અંધારાને ધીરે ધીરે, હોલે હોલે, સમજાવી-પટાવીને ગ્રેસપૂર્વક વિદાય કરે છે. આકાશના ટમટમતા તારાઓ ધીરે ધીરે અર્દશ્ય થતા રહે છે. સૂર્ય કેટલો ગ્રેસફુલ છે તે ઊઘડતી ઉષા દ્વારા આપણી સમજમાં આવે છે.

 

માણસ નામના પ્રાણીને ગુલાબ કરતાં ગુલકંદમાં વધારે રસ પડે છે. એને કેરી કરતાં અથાણામાં વધારે રસ પડે છે. એને મૂલ્ય કરતાં કિંમતમાં અને કિંમત કરતાં કમિશનમાં વધારે રસ પડે છે. બજાર આપણા માથા પર ચડી બેઠી છે. સ્ત્રીનું સૌંદર્ય પણ બજારને પનારે પડ્યું છે. સાધુનો આશ્રમ બજારમય બની રહ્યો છે. તરફડતી માછલીને પાણી પીવડાવવાની જરૂર નથી. એ તરફડતી હોય ત્યારે હળવેકથી એને પાણીમાં મૂકી દેવી સારી. બંગાળી લોકો માછલીને જલફલ કહે છે. માછલીનું હોવું એટલે જ પાણીમય હોવું. બજારમાં માછલીના ઢગલાબંધ મૃતદેહો ત્રાજવે તોલાય છે. લોકો એ મૃતદેહોને પણ ‘માછલી’ કહે છે. માણસની શબનિષ્ઠા ભારે હઠીલી છે. મરેલી માછલી કિંમતવાન છે, મૂલ્યવાન નથી.

 

વહેલી સવારે ફરવા નીકળતી વખતે માણસે અન્ય માણસની કંપનીના મોહમાંથી છુટવું જોઇએ. કંપની તો શીતળ પવનની, ઝાકળ ભીંજ્યાં વૃક્ષોની અને કુમળાં કિરણોની પણ હોય છે. શું પંખીઓનો કલરવ એ મધુર કંપની નથી? પ્રત્યેક સવારે અંધારાનો વિદાય સમારંભ ગોઠવાય છે. ઊગતો સૂર્ય અંધારાને હડસેલો મારીને ભગાડી નથી મૂકતો. પૂવૉકાશની ક્ષિતિજે ડોકિયું કરતાં પહેલાં સૂર્ય અંધારાને ધીરે ધીરે, હોલે હોલે, સમજાવી-પટાવીને ગ્રેસપૂર્વક વિદાય કરે છે.

 

આકાશના ટમટમતા તારાઓ ધીરે ધીરે અર્દશ્ય થતા રહે છે. સૂર્ય કેટલો ગ્રેસફુલ છે તે ઊઘડતી ઉષા દ્વારા આપણી સમજમાં આવે છે. સંધ્યાટાણે એવા જ ગ્રેસ સાથે અંધારું સૂર્યને વિદાય આપે છે. આથમી ગયા પછી પણ સૂર્યનું અજવાળું સ્વિચ પડે તેમ નષ્ટ નથી થતું. એ અજવાળું પ્રેમપૂર્વક અંધારાને ભેટે છે. અને પછી અદબભેર વિદાય થાય છે.

 

આપણા અહંકારને વિદાય આપવા માટે ઊઘડતી ઉષા અને સંકેલાતી સંધ્યાના સમયે બને તેટલા શૂન્યસ્થ થવાનું રાખવું જોઇએ. શૂન્યસ્થ થવું એટલે જ સ્વસ્થ થવું! મહાનગરમાં આવી બે મહાન ઘટનાઓની નોંધ પણ નથી લેવાતી. મહાનગરમાં બીજું બધું મળે, પરંતુ grace ન મળે. જ્યાં બધું જ બજારગ્રસ્ત હોય ત્યાં ગ્રેસ નથી હોતો. રાખી સાવંત પાસે ભરતનાટ્યમની નજાકત ક્યાંથી? ખીલેલા ગુલાબની કોમળ પાંદડી તો પવનની લહેરખી આવે તોય ખરી પડે! સંવેદનશીલતા જ્યારે (માઇક્રોફાઇન્ડ) કોમળતા પ્રાપ્ત કરે ત્યારે ગ્રેસ શક્ય બને છે. ગુલાબના ફૂલને કચડી નાખવા માટે બુલડોઝરની જરૂર નથી, માણસની આંગળીઓ જ પૂરતી છે. કોઇ કવિને દુ:ખી કરવા માટે હાથકડીની જરૂર નથી, એક કઠોર વાક્ય જ પૂરતું છે. એક દર્દમંદ શાયરે ગ્રેસનો મહિમા પંક્તિઓમાં પ્રગટ કર્યો છે.

 

પાઉં આહિસ્તા રખ, દર્દમંદોને રાસ્તે મેં ફૂલ બિખેરે હૈ!

 

સંવેદનશીલ આદમીને ઘાયલ કરવા માટે તો અમી-નીતરતી બે આંખ જ પૂરતી છે. આદમીને ઘાયલ કરવાની એ જ ખરી રીત છે. એવા આદમીને કરડાકીથી ભરેલી આક્રમક નજરથી ઘાયલ કરવો એ પાપ છે. એનું સંવેદનશીલ હૃદય તો સોનીના ત્રાજવા જેવું છે. સોનીનું ત્રાજવું તો ચોખાના પાંચ દાણા મૂકીએ તોય નમી પડે! આવા સંવેદનશીલ ત્રાજવામાં રિંગણ તોલવાની ગુસ્તાખી ન થાય. સમાજને આવી નઘરોળ ગુસ્તાખી કોઠે પડી ગઇ છે.

 

છોડના જતન માટે પાણીની ઝારી પૂરતી છે. અખરોટનું કોચલું તોડવા માટે સ્ટીમરોલરની શી જરૂર? મીણબત્તીના અનાક્રમક પ્રકાશ માટે અંગ્રેજીમાં ‘કેન્ડલ પાવર’ શબ્દપ્રયોગ જાણીતો છે. એ કેન્ડલ પાવર ટ્યૂબલાઇટના આક્રમણ સામે હારી ચૂકયો છે. અંધારું મીણબત્તીની જયોત સાથે આમન્યાપૂર્વક વરતે છે. આખરે તો મીણબત્તીની જયોત પણ મહાજયોત એવા વિરાટ સૂર્યની જ સગી દીકરી છે ને! કોઇ ઘાયલ કવિની આંખમાંથી સરી પડેલું અશ્રુબિંદુ આખરે તો મહાસાગરનું જ સંતાન! માનવસંબંધોમાં ક્યારેક વહેણ અને વમળની ભાઇબંધી હોય છે.

 

ક્યારેક એવું બને છે કે સાવ નજીક જણાતી વ્યક્તિ વાસ્તવમાં ખૂબ દૂર રહી જાય છે અને દૂર જણાતી વ્યક્તિ હૃદયના એકતારા પર કોમળ આંગળીઓ ફેરવતી રહે છે. મહાસાગરના ઊંડાણનો અણસાર સપાટી પર તરનારી સ્ટીમરને ક્યાંથી આવે? ડૂબકી મારીને મહાસાગરના પેટમાં પેસી જનારી સબમરીનને પણ મહાસાગરના અગાધ ઊંડાણનો પૂરો ખ્યાલ નથી આવતો. સપાટી પર તરતી સ્ટીમર તો વળી સબમરીન કરતાંય વધારે બોલકણી હોય છે તેથી સતત પીસવો વગાડતી રહે છે.

 

તમે કદી વહેલ માછલીનું મધુર સંગીત સાંભળ્યું છે? ઘણાં વર્ષો પર અવકાશયાન વોયેજર મહાયાત્રાએ અનંત ભણી ગયું ત્યારે વહેલના સંગીતની કેસેટ એમાં રાખવામાં આવી હતી. બીલીમોરામાં અવધૂતવાડીમાં યોજાયેલા અમારા વિચારશિબિરમાં એ કેસેટ ધરાઇને સાંભળવા મળેલી. (પૂરાં પચ્ચીસ વર્ષ સુધી પ્રતિવર્ષ યોજાયેલા એ શિબિરમાં સાહિત્યકારો, શિક્ષકો અને સુજ્ઞ વાચકો પોતાને પૈસે ભાગ લેતા અને મનગમતા એક પુસ્તકનો પરિચય કરાવતા.) ‘નેશનલ જયોગ્રાફિક’ સામિયક તરફથી એ કેસેટ ગ્રાહકોને ભેટરૂપે મળી હતી. જો એ કેસેટને બારગણી ઝડપે ફેરવવામાં આવે તો વહેલના સંગીતનો સ્વર પક્ષીઓના કલરવ જેવો સંભળાય છે. વહેલને પણ મહાસાગરના હૃદયનો પરિચય નથી હોતો, પરંતુ એને મહાસાગરના મૌનનો પરચો મળતો હોય છે.

 

ઘણુંખરું માણસની સમજણને વ્યવહારનો રંગ લાગી જાય છે. માણસનું મૂલ્યાંકન એના પોશાક પરથી અને પરિવારનું મૂલ્યાંકન ઘરના રાચરચીલા પરથી થઇ શકે? ક્યારેક માણસની કમાણી પર એને મળતા આદરનો આધાર રહેતો હોય છે. દુનિયા પ્રેમ નામની આકાશી ઘટનાનું મૂલ્યાંકન પણ પોતાની દેડકાસૃિષ્ઠને આધારે કરે છે. પ્રેમ જેવી અલૌકિક, અવ્યવહારુ અને સૂક્ષ્મ ઘટનાને સ્થૂળને ત્રાજવે તોલવાને કારણે સદીઓથી ગોટાળા થતા રહ્યા છે.

 

સોનીના ત્રાજવામાં રિંગણ તોલવાનો અવિવેક કાયમ થતો રહે છે. સમગ્ર સૃષ્ટિ પ્રેમની યુનિવર્સિટી છે. આવી બૃહત્ યુનિવર્સિટીના શાશ્વત ચાન્સેલર કૃષ્ણ જ હોઇ શકે. એ યુનિવર્સિટીનું કેમ્પસ ગોકુળમાં આવેલું છે. એ યુનિવર્સિટીનાં ધોરણો ખૂબ ઊંચાં છે. એમાં કર્મનો કાયદો જ ચાલે છે. એના અમલમાં સર્વલોકમહેશ્વર કૃષ્ણ પણ માથું મારતા નથી. પ્રેમનો સંબંધ તિજોરી જોડે નહીં છાબડી જોડે હોય છે. છાબડીને તાળું નથી હોતું. માનવ-ઈતિહાસમાં સુગંધ ક્યારેય તિજોરીમાં વસી નથી.

 

તિજોરીમાં તો કેવળ વાસી ચીજો જ સચવાઇ શકે. નવ્વાણુ ટકા લોકો તિજોરીને શરણે જાય છે. જેઓ છાબડીની સુવાસ પામે છે તેઓ હોપલેસ લઘુમતીમાં હોય છે. જીવનમાં પ્રાપ્ત થતું સર્વોચ્ચ સુખ પણ થોડાક વખતમાં કંટાળો ઉપજાવે છે. કંટાળાનું ખરું નિવાસસ્થાન તિજોરી છે. તિજોરી હોય ત્યાં તાળું હોવાનું અને તાળું હોય ત્યાં માલિકીભાવ હોવાનો જ! કંટાળો કદી છાબડીને નથી પજવતો. ખાલી છાબડીમાં પણ થોડીક સુવાસ બચેલી હોય છે.

 

મનુષ્ય કશુંક શોધી રહ્યો છે. એ શોધ નિરંતર છે. એની ઝંખના સત્ય કે અહિંસા કે કરુણા સાથે જોડાયેલી નથી. આ ત્રણે બાબતો ખૂબ જ ઊંચી છે, પરંતુ ઝંખના તો પ્રેમની જ હોવાની! સત્ય-અહિંસા-કરુણા આદર્શ જરૂર છે, પરંતુ માનવીય ઝંખના શાશ્વત પ્રેમ સાથે જોડાયેલી છે. એવી ઊધ્ર્વમૂલ માનવીય ઝંખનાની રાજધાનીનું નામ ગોકુળ છે.

 

પાઘડીનો વળ છેડે

 

જબ મૈં આંસુઇ શબનમ સે દિલ કે જખ્મો કો ધોતા હૂં, દિલ તખ્ત-એ-ગુલ બન જાતા હૈ! – રાહી માસૂમ રઝા

Advertisements

3 thoughts on “સોનીના ત્રાજવામાં રિંગણ ન તોલાય, Divya bhasker, 19-12-2011

 1. Superb…, very good start of morning.Whenever i read something about love in your article Shri krishna is there only. I get exited to read this topic as i am also belong to Dwarikka , krishna nagari..
  thanks giving lovely morning.

 2. શ્રીયુત ગુણવંતભાઈ
  સાદર નમસ્તે.
  રવિવારે સવારમાં આ લેખ વાંચ્યો અને વર્ષો જુનો એક નાનકડો એક લેખ યાદ આવ્યો.
  સન ૧૯૨૫/જાન્યુઆરીના કુમારમાં આ લેખ છે.
  મને એમ જે તમારું ઇ–મેઇલ આઇડી હશે; તો એ પાનું તમને મેઇલ કરી શક્યો હોત.

  બે આંખથી જ ઘાયલ કર્યાની આ વાત છે.
  ઇ–મેઇલ મોકલી શકું ? જણાવશો.

  ––– રમેશ બાપાલાલ શાહ – કુમારકોશકર્તા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s