રામના મનુષ્યત્વનો જયજયકાર Divya Bhasker, 29-1-2012

વાલ્મીકિ રામાયણના રામ નિતાંત મનુષ્ય છે. રામચરિતમાનસના રામ વિષ્ણુના અવતાર છે અને અધ્યાત્મ રામાયણના રામ સાક્ષાત્ વિષ્ણુ છે. વાલ્મીકિ રામાયણમાં રામ પોતે સ્પષ્ટ શબ્દોમાં પોતાને મનુષ્ય તરીકે ઓળખાવે છે. લંકાવિજય પછી સીતાની અગ્નિપરીક્ષા થઇ ત્યારે દેવતાઓ રામને કહે છે: ‘આપ તો સાક્ષાત્ પરબ્રહ્ન છો.’ રામ જવાબમાં દેવોને કહે છે: ‘હું તો મારી જાતને મનુષ્ય અને દશરથનો દીકરો માનું છું.’ રામના મનુષ્યત્વનો આનાથી વધારે તગડો પુરાવો બીજો કયો હોઇ શકે?

રામના મનુષ્યત્વની શોભા એમના મર્યાદાપાલનમાં રહેલી જણાય છે. આપણી આ દુનિયા મર્યાદા પર ટકી રહેલી છે. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, મહાસાગર અને આકાશને સમાવી લેતું આ બ્રહ્ન મર્યાદાને કારણે ટકેલું છે. રામ ‘મર્યાદાપુરુષોત્તમ’ ગણાયા તેના મૂળમાં એમનો સહજ વિવેક હતો.

મહામાનવ રામનો ચહેરો કેવો હતો? રોજ સવારે મારા સેલફોનમાં ફીડ કરેલા સુભાષિતના શબ્દોમાં જવાબ સાંભળવા મળે છે:
પ્રાત: સ્મરામિ રઘુનાથ મુખારવિંદમ્|
મંદસ્મિતમ્ મધુરભાષી વિશાલભાલમ્ ॥
આ જ સુભાષિતમાં રામના વ્યક્તિત્વ માટે ‘નયનાભિરામ’ શબ્દ પ્રયોજાયો છે. અન્ય કોઇ મહામાનવ માટે ‘નયનાભિરામ’ શબ્દપ્રયોગ થયો નથી. ‘અભિરામ’ એટલે મનોહર, પ્રિય, અનુકૂળ, સુંદર અને આકર્ષક. આવો ભવ્ય ચહેરો ધરાવનાર રામનું મનુષ્યત્વ પણ એટલું જ દિવ્ય હતું. જ્યાં મનુષ્યત્વનો જયજયકાર હોય ત્યાં જ ધર્મ હોવાનો. જ્યારે જ્યારે મનુષ્યત્વ ક્ષીણ થાય ત્યારે ત્યારે ધર્મની ગ્લાનિ થવાની જ!

થોડીક વિચિત્ર લાગે એવી વાત કરું? રામ વિશે વાત કરતી વખતે મને વિશ્વવિખ્યાત અભિનેત્રી ઓડ્રે હેપ્બર્નનું સ્મરણ થઇ રહ્યું છે. કદાચ આવા અનુબંધમાં થોડોક અવિવેક જણાશે, પરંતુ મારી વાત કહી દઉં પછી એવું નહીં લાગે. ઓડ્રે હેપ્બર્ન જેમાં નાયિકા હતી તેવી બે ફિલ્મો જોવાનું બનેલું. એક હતી Wait Until Dark અને બીજી હતી My Fair Lady. એ અભિનેત્રીને કોઇકે પૂછ્યું: ‘હોઠની સુંદરતા કોને કહેવી?’ અભિનેત્રીનો જવાબ કોઇ પણ ફિલસૂફને હૈયે કોતરાઇ જાય એવો હતો: ‘જે હોઠ પરથી કરુણાવાન શબ્દો વહેતા થાય, તે હોઠ સુંદર ગણાય.’ રામના મનુષ્યત્વની શોભા એમના મર્યાદાપાલનમાં રહેલી જણાય છે. આપણી આ દુનિયા મર્યાદા પર ટકી રહેલી છે. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, મહાસાગર અને આકાશને સમાવી લેતું આ બ્રહ્ન મર્યાદાને કારણે ટકેલું છે. રામ ‘મર્યાદાપુરુષોત્તમ’ ગણાયા તેના મૂળમાં એમનો સહજ વિવેક હતો.

મિથિલા નગરીમાં આવેલી પુષ્પવાટિકામાં રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર માટે પુષ્પો લેવા માટે જાય છે. વસંતનું આગમન થઇ ચૂક્યું છે. ‘રામચરિતમાનસ’માં તુલસીદાસજી લખે છે: પુષ્પો ચૂંટતાં પહેલાં રામ ચારે દિશામાં નજર નાખે છે અને પછી માલિની (માળીપત્ની)ને પૂછીને પુષ્પો ચૂંટવાનું શરૂ કરે છે. (ચહું દિસી ચિતઇ પૂંછી માલીગન). વર્ણભેદના એ યુગમાં રાજકુમાર રામ પુષ્પ ચૂંટતાં પહેલાં માળીપત્નીની પરવાનગી માગે એ ઘટનામાં રહેલા સૂક્ષ્મ વિવેક રામના મનુષ્યત્વને પ્રગટ કરનારો છે. 

વર્ણભેદના એ યુગમાં જે માળી હોય તે હિંમત એકઠી કરે, તો બહુ બહુ તો રામને નમસ્કાર કરી શકે અને તેય દૂરથી! બરાબર એ જ સમયે પુષ્પવાટિકામાં પોતાની સખીઓ સાથે સીતાનું આગમન થાય છે. સીતા ગૌરીપૂજન માટે મંદિરે જાય છે અને એની એક સખી જરાક જુદી પડે ત્યાં રામને જુએ છે. હરખભેર એ સીતાને જઇને કહે છે: ‘સીતા સીતા! મેં રામને જોયા!’ સીતા કુતૂહલપૂર્વક પૂછે છે: ‘મને કહે તો ખરી કે રામ કેવા દેખાય છે?’ 

સખી કહે છે: ‘અરે સીતા! તને શું કહું? મારી જીભ પાસે આંખ નથી અને વળી મારી આંખ પાસે જીભ નથી. (ગિરા અનયન નયન બિનુ બાની).’ રામની નજર જ્યારે સીતા પર પડી ત્યારે એમની સુંદર આંખ અનિમેષપણે સીતાને જોતી જ રહી ગઇ (ભએ બિલોચન ચારુ અચંચલ). આવું સહજ વિજાતીય આકર્ષણ મનુષ્યત્વની સૌથી તગડી સાબિતી ગણાય. રામની મર્યાદાયુકત મુગ્ધતા અને સીતાની મુગ્ધતાયુકત મર્યાદાનું એ પ્રથમ મિલન હતું. વસંત છે, શૃંગાર છે, પરંતુ ક્યાંય સ્વચ્છંદતા નથી.

વાલ્મીકિ રામાયણના રામ નિતાંત મનુષ્ય છે. રામચરિતમાનસના રામ વિષ્ણુના અવતાર છે અને અધ્યાત્મ રામાયણના રામ સાક્ષાત્ વિષ્ણુ છે. વાલ્મીકિ રામાયણમાં રામ પોતે સ્પષ્ટ શબ્દોમાં પોતાને મનુષ્ય તરીકે ઓળખાવે છે. લંકાવિજય પછી સીતાની અગ્નિપરીક્ષા થઇ ત્યારે દેવતાઓ રામને કહે છે: ‘આપ તો સાક્ષાત્ પરબ્રહ્ન છો.’ રામ જવાબમાં દેવોને કહે છે: ‘હું તો મારી જાતને મનુષ્ય અને દશરથનો દીકરો માનું છું.’ રામના મનુષ્યત્વનો આનાથી વધારે તગડો પુરાવો બીજો કયો હોઇ શકે? આપણી પરંપરામાં દેવોને મોક્ષનો અધિકાર આપવામાં આવ્યો નથી. 

દેવોને જો મોક્ષ જોઇતો હોય તો એમણે મનુષ્ય તરીકે પૃથ્વી પર જન્મ લેવો જ પડે. આમ કેવળ મનુષ્યને જ મોક્ષ પામવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. મનુષ્યત્વનો આવો ઊધ્ર્વમૂલ મહિમા આપણી પરંપરામાં થયો છે. રવીન્દ્રનાથે ક્યાંક ‘જીવનદેવતા’ શબ્દપ્રયોગ કર્યો છે. આપણા જેવા અસંખ્ય સામાન્ય મનુષ્યો માટે ખરો માર્ગ એક જ છે અને તે છે: જીવનદેવતાની ઉપાસના. વર્ષો પહેલાં નિત્શે કહી ગયો: ભગવાન મૃત્યુ પામ્યો છે. 

નિત્શેના ગયા પછી ભગવાનને સ્થાને મનુષ્ય ગોઠવાયો અને મનુષ્યતાનો જયજયકાર થયો. આજે દુનિયાની પ્રજા એક જ સૂત્રમાં વિશ્વાસ રાખનારી જણાય છે: ‘પૈસો જ પરમેશ્વર છે.’ આજના યુગની આકાંક્ષા આપણું, જેવું છે તેવું મનુષ્યત્વ જાળવીને જીવનદેવતાની ઉપાસના કરવાની છે. મનુષ્યનું જીવન અતિ મૂલ્યવાન છે. એનાથી અધિક મૂલ્યવાન બીજું કશું નથી. 

થોડુંક ફંટાઇને આજના પ્રસંગ વિશે બે વાત કરવી છે. આપણું આ રા. વિ. પાઠક સભાગૃહ આજે લગભગ નવોઢાનું રૂપ ધારણ કરીને સૌનું ધ્યાન ખંચી રહ્યું છે. જૂના સભાગૃહમાં તા. ૩જી જુલાઇ, ૨૦૧૦ની સાંજે ‘વાલ્મીકિ રામાયણ’ પર પ્રવચન કરવાનું બનેલું. સભાગૃહની માઇક સિસ્ટમ ગરીબ હતી. સભાગૃહની ખુરસીઓ જર્જરિત હતી. 

સભાગૃહના પંખા અતિ ઊંચે હતા તેથી શ્રોતાઓની અકળામણ, વકતા જોઇ શકે તેટલી સ્પષ્ટ હતી. ‘દિવ્ય ભાસ્કર’માં એ પ્રવચન પ્રગટ થયું. (તા. ૧૮ જુલાઇ-૨૦૧૦). એ લેખને આરંભે (બોક્સમાં) સભાગૃહની ગરીબી અંગે સહેજ તીખી નોંધ પ્રગટ થઇ ત્યારે એ લેખ વાંચીને આદરણીય શ્રી મોરારિબાપુએ સીતારામ ટ્રસ્ટ તરફથી રૂપિયા પાંચ લાખ ગુજરાતી સાહિત્ય પરિષદને સીધા મોકલી આપ્યા હતા. 

શુભ શરૂઆત થઇ પછી પરિષદના મહામંત્રી રાજેન્દ્ર પટેલની ચીવટ કામે લાગી અને મિત્ર હર્ષ બ્રહ્નભટ્ટે પરસેવો પાડ્યો તેથી આપણે અત્યારે બેઠાં છીએ એ નવસર્જિત સભાગૃહ તૈયાર થયું. નવલરામે શિક્ષક માટે કહેલું: ‘ઢીલાં ઢીલાં ધોતિયાં ને વીલાં વીલાં મોં, રખે ને ભાઇ તમે મહેતાજી હો.’ આવો શિક્ષક હવે નહીં ચાલે. લઘરવઘર કવિ હવે નહીં ચાલે. ગુજરાતી સાહિત્ય પરિષદનો અગવડયુકત હોલ હવે નહીં ચાલે. પરિષદ યોજાય ત્યારે એક જ બેઠકમાં પાંચથી છ વકતાઓને ઠઠાડી દઇને છેલ્લા બે વકતાઓને થતો કાયમી અન્યાય હવે નહીં ચાલે. 

છેલ્લા વકતાને પણ રશ્કિનના વિખ્યાત પુસ્તક ‘અનટુ ધિસ લાસ્ટ’ની વિચારધારા પ્રમાણે ન્યાય મળવો જોઇએ. લોકો મંદિર માટે કે હોસ્પિટલ માટે દાન આપે. શું સાહિત્યના ક્ષેત્રે રૂપિયા ૬૮ લાખનું દાન મળી શકે? જે મિત્રોએ આવું માતબર દાન આપ્યું તેમને ધન્યવાદ. અહીં અટકાવી દઉં છું. બસ, એટલું જ કહેવું છે કે નવું સભાગૃહ નવો સાહિત્યકાર પણ માગે છે. આપણું જે ઉત્તરદાયિત્વ ગણાય.

રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા ત્યારે ભરતમિલાપ થયો. માતાઓના, ગુરુજનોના, નગરજનોના અને સ્વજનોના આનંદની કોઇ સીમા ન રહી. સૌની આંખોમાં હરખનાં આંસુ ઊભરાયાં. (હરખનાં આંસુ માટે મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ’માં શબ્દ પ્રયોજ્યો છે: ‘આનંદોત્થં નયનસલિલં.’ ભરત જ્યારે રામનાં ચરણોમાં ચૌદ ચૌદ વર્ષ સુધી રાજગાદી પર વિરાજમાન એવી રામ-પાદુકા પહેરાવે છે ત્યારે એની આંખમાંથી ટપકી પડેલાં અશ્રુજળનો અભિષેક થતો રહે છે. કવિ મૈથિલશરણ ગુપ્તાની પંક્તિઓ ‘સાકેત’માં પ્રગટ થઇ છે. રામ ભરતને કહે છે:

મૈં બન જા કે ર્હંસા,
કિન્તુ ઘર આ કે રોયા.
ખોકર રોયે સભી, 
ભરત, મૈં પાકર રોયા!

કશુંક ગુમાવે ત્યારે હસે અને કશુંક મળે ત્યારે ભાવવિભાર થઇને રડે તે જ તો રામનું મનુષ્યત્વ છે! (ગુજરાતી સાહિત્ય પરિષદના નવસર્જિત રા. વિ. સભાગૃહનું લોકાર્પણ થયું તે પ્રસંગે આપેલા પ્રવચનનું હોમવર્ક. તા. ૭ જાન્યુઆરી-૨૦૧૨).

પાઘડીનો વળ છેડે
સભાગૃહની શોભા અપરંપાર હતી. આખું સભાગૃહ સુજ્ઞ શ્રોતાજનોથી ભરેલું હતું. શાસ્ત્રોપસ્કૃત સારસ્વત શ્રી ભોળાભાઇનું અને સાહિત્ય મર્મજ્ઞ શ્રી રઘુવીર ચૌધરીનું પ્રવચન વિચારપ્રેરક રહ્યું. આદરણીય શ્રી મોરારબિાપુ મન મૂકીને વરસ્યા. એમનાં ઘણાં પ્રવચનો સાંભળવાનો લહાવો લીધો છે, તેમાં આ પ્રવચન શ્રેષ્ઠ હતું. સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો. વાહ વાહ રામજી!

Advertisements

3 thoughts on “રામના મનુષ્યત્વનો જયજયકાર Divya Bhasker, 29-1-2012

 1. Respested Sir,
  This is Mrs. Rajita Dave here. I am a very great fan of yours. My husband, Dr. Pratik Dave, is the principal in S.S.P Jain Arts and Commerce college at Dhrangadhra (dist. Surendranagar). My husband also writes articles in “ Phoolchhab”. We both read all your articles very keenly of Divya Bhaskar (Sunday suppliment). Even I an habituat to collect all your articles and read them time and again. Your article entitled “Ram na Manushyatva no jay jay kar” dated 29th of January 2012 is very touching . Personnaly I worship Lord Ram as my Ishta Deva. Sir the subhashit which is given at the starting of the article about the beauty of Lord Ram is very much liked by me, but unfortunately I don’t have the whole subhashit with me. So I humbly request you to mail me the whole subhashit on my son’s email mrunal303@gmail.com . I will really be oblidged. Eagerly awaiting for your reply.
  Rajita.

 2. શ્રી ગુણવન્ત શાહને 75મા જન્મદિનની શુભકામનાઓ…………………..

 3. Gunvant Bhai,

  My brother late Pankaj Joshi (from Wales) used to love reading your writings. He had told me some of the things that you have written and his last gift to me was your take on the Ramayana. Unfortunately I had not read a Gujarati book for 30 years so I was overwhelmed by it. Really enjoyed reading your article. I shall attempt to read the book now.

  Pranaam

  Chandrika Joshi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s