લોકતંત્રની આત્મહત્યા શક્ય છે? Divya Bhasker, 8-4-2012

લશ્કરના સર્વોચ્ચ વડા જ જ્યારે લશ્કર પાસે પૂરતો શસ્ત્રસરંજામ નથી એમ કહે ત્યારે પ્રજાએ શું સમજવાનું? ભ્રષ્ટાચારના કેન્સરથી હવે લશ્કર અને ન્યાયતંત્ર પણ બાકાત નથી. બધી વાતનો સાર એટલો જ કે ભારતમાં નિરાશાનું રાષ્ટ્રીયકરણ થયું છે. લોકતંત્રની આત્મહત્યા અશક્ય ખરી?

ટીવી પર સમાચાર જોતી વખતે એક પછી એક ચેનલ બદલતો રહું છું. આંખ અને કાન આતુર હોય છે એવા એકાદ સમાચાર જાણવા માટે, જેમાં દેશના કલ્યાણના વાવડ હોય. કલ્યાણના વાવડ તો દૂર રહ્યા, પરંતુ દેશનું સત્યાનાશ જવા બેઠું હોય એવા સમાચાર વિનાનો કોઇ દિવસ જતો નથી. આવી છાપ શું નિરાશાવાદી વલણને કારણે પડે છે? વાત એમ છે કે દેશનો સામાન્ય નાગરિક જબરો આશાવાદી છે. એ જો આશાવાદી ન હોત તો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાનપદે અખિલેશ યાદવ બેઠો ન હોત. એ જો આશાવાદી ન હોત તો કણૉટકની ભાજપ સરકાર ટકી શકી ન હોત.

એ જો આશાવાદી ન હોત તો વડાપ્રધાન મનમોહનસિંઘ પોતાના પદ પર નિરાંતે બેઠા ન હોત. એમના કિસ્સામાં નમાલાપણું નમ્રતામાં ખપી ગયું છે અને એમની ઢીલાશ સજજનતામાં ખપી ગઇ છે. એમની આર્થિક પ્રામાણિકતા પણ એમની નિષ્ક્રિયતાને ઢાંકી નથી શકતી. કદાચ તેઓ પોતાની સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ક્રોધે ભરાવાની તાકાત જ ગુમાવી બેઠા હોય એવી છાપ પડે છે. લોકતંત્રમાં છાપ (પરસેપ્શન) બહુ મોટો ભાગ ભજવે છે.આજકાલ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ ફલિ એસ. નરિમાનની આત્મકથા, ‘Before Memory Fades’ વાંચવાનું ચાલે છે. તેઓ લખે છે:

ન્યાયમૂર્તિઓ પણ માણસો હોય છે
અને આકાશના તારાઓની માફક
તેમનામાં પણ કલંક હોય છે
આવાં કલંક હોવાં છતાંય
તેઓ ઝળહળતા રહે છે!

@@@

જ્યારે ભદ્ર વર્તણૂંકના સ્થાપિત થયેલાં
સ્વીકૃત સિદ્ધાંતો અને ધોરણો
ભોંયભેગાં થાય,
જ્યારે પ્રસ્થાપિત પ્રણાલિકાઓને
હવામાં ફંગોળી દેવામાં આવે,
ત્યારે કોઇ બંધારણ કે પછી
ગમે તેવા સુંદર શબ્દોમાં લખાયેલું
બંધારણ પણ કામ ન આપી શકે.
એવી પરિસ્થિતિઓમાં
લોકતંત્ર આત્મહત્યા કરવા પ્રેરાય છે.

આવા ઉમદા પારસી સજજનની આત્મકથા વાંચીને મનમાં એક વિચાર આવી ગયો. શું આપણે આવા શાણા અને સ્વચ્છ પારસી મહાનુભાવને ભારતના ઉપરાષ્ટ્રપતિ ન બનાવી શકીએ? તમે દુનિયામાં ક્યાંય પારસી પ્રજા જેવી નિરુપદ્રવી અને હસમુખી લઘુમતી જોઇ છે? આપણું કોણ સાંભળે?

@@@

નાના હતા ત્યારે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠા હોઇએ ત્યારે સાવ ધીમી ગતિએ પસાર થતા માલગાડીના ડબ્બા ગણવાની મજા માણતા. લગભગ એ જ રીતે દેશમાં એક પછી એક બહાર આવતાં કૌભાંડો ગણવાની પીડા સામાન્ય નાગરિક ભોગવી રહ્યો છે. કૌભાંડોની હારમાળા અટકવાનું નામ નથી લેતી. ભ્રષ્ટાચારમાં ખવાઇ ગયેલા રૂપિયાનો આંકડો ખગોળીય જણાય છે. કોમનવેલ્થ ગેમ્સના ગોટાળા પછી ૨-જી સ્પેકટ્રમમાં રૂપિયા એક લાખ ૭૬ હજાર કરોડનો ગોટાળો બહાર આવ્યો.

પછી મુંબઇમાં આદર્શ હાઉસિંગ ગોટાળો બહાર આવ્યો. સામાન્ય નાગરિક આવા આઘાત પચાવે તે પહેલાં CAGનો બિનસત્તાવાર હેવાલ ફૂટી ગયો તેમાં દસ લાખ કરોડ રૂપિયાનો ગોટાળો પ્રગટ થાઉં થાઉં કરે છે! આપણને થોડીક કળ વળે તે પહેલાં લશ્કરના જનરલ વી. કે. સિંહે જાહેર કર્યું કે ૬૦૦ ટેટ્રા ટ્રકોના સોદામાં એમને ૧૪ કરોડ રૂપિયાની રુશવતની ઓફર થઇ હતી.

હજી પ્રકાશમાં ન આવ્યાં હોય એવાં કૌભાંડો કેટલાં? સંરક્ષણમંત્રી એન્ટની અત્યંત પ્રામાણિક પ્રધાન છે. તેમને ‘મિસ્ટર કલીન’ કહેવામાં આવે છે અને એ વિશેષણ સાચું છે. લશ્કરના સર્વોચ્ચ વડા જ જ્યારે લશ્કર પાસે પૂરતો શસ્ત્રસરંજામ નથી એમ કહે ત્યારે પ્રજાએ શું સમજવાનું? ભ્રષ્ટાચારના કેન્સરથી હવે લશ્કર અને ન્યાયતંત્ર પણ બાકાત નથી. બધી વાતનો સાર એટલો જ કે ભારતમાં નિરાશાનું રાષ્ટ્રીયકરણ થયું છે. લોકતંત્રની આત્મહત્યા અશક્ય ખરી? ફલિ નરિમાન સાવ સાચા! બધાં નોર્મ્સ ભોંયભેગાં થયાં છે.

ગુજરાતની વિધાનસભાના ગયા સત્રમાં સ્પીકરનું વલણ અશોભનીય રહ્યું. તેઓ ભાજપના નહીં, પરંતુ બધા જ વિધાનસભ્યોના આદરણીય સ્પીકર ગણાય. વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલને સત્રના અંત સુધી સસ્પેન્ડ કરવાનું પગલું સ્પીકર નામની સંસ્થાની ગરિમા ઘટાડનારું હતું. વળી CAG રિપોર્ટમાં સરકારની મર્યાદાઓ બતાવી છે, તેની ખુલ્લી ચર્ચા વિધાનસભામાં થવી જોઇતી હતી. મોદી સરકારની છબી સ્પીકરના પક્ષપાતપૂર્ણ વલણને કારણે ઝાંખી પડી છે.

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષો ક્ષીણ થયા. પરિણામે ગુંડારાજનું પુનરાગમન થયું. દેશના પ્રાદેશિક પક્ષો કેન્દ્ર સરકારને બ્લેકમેઇલ કરતા રહ્યા છે. રાહુલની જહેમત માયાવતીને નડી અને મુલાયમને ફળી! ભાજપ એક એવો પક્ષ છે, જે સત્તામાં ન હોય તોય એક રહી શકતો નથી. ઉત્તરાખંડમાં કોંગ્રેસને પાંચ બેઠકો વધારે મળી હોત, તો સ્થિર શાસન પ્રાપ્ત થાત. દેશના સમજુ નાગરિકને એટલી ખબર છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભ્રષ્ટાચાર, સત્તાપ્રેમ અને અંદર અંદરની ખેંચાતાણી બાબતે કોઇ ખાસ તફાવત નથી. આમ છતાં રાષ્ટ્રીય પક્ષો મજબૂત બને અને દ્રિપક્ષી લોકતંત્ર સ્થપાય તેની પ્રતીક્ષા કરવા જેવી છે. બાદલ, કરુણાનિધિ, માયાવતી, મુલાયમ, જયલલિથા કે ચદ્રાબાબુ નાયડુ સરવાળે દેશને ખૂબ જ મોંઘાં પડ્યાં છે. ગઠબંધન એટલે જ સોદાબાજી અને સોદાબાજી હોય ત્યાં દગાબાજી હોવાની જ!

દિનેશ ત્રિવેદીને સો સો સલામ! તેઓ ઈતિહાસ રચીને વિદાય થયા. મમતાજીની તૃણમૂલ કોંગ્રેસ ગરીબોને નામે ગરીબીની માવજત કરનારી પાર્ટી છે. ત્રણ ત્રણ દાયકાના સામ્યવાદી કુશાસન પછી મમતાને જે તક મળી, તે કોંગ્રેસને મળવી જોઇતી હતી. દિનેશભાઇનું રેલવે બજેટ બધી રીતે સમતોલ અને વિકાસલક્ષી હતું. રેલવેમાં સલામતી, સ્વચ્છતા અને આધુનિકતા માટે સૂચવાયેલાં પગલાં હવે નાણાંને અભાવે નહીં લઇ શકાય. એ બજેટને વડાપ્રધાન, નાણાપ્રધાન અને આયોજનપંચના ઉપાધ્યક્ષ અહલુવાલિયાનો ટેકો હતો. એમના યાદગાર શબ્દો હતા: ‘પ્રથમ દેશ, પછી પરિવાર અને પછી પક્ષ.’

અણ્ણા હજારે ફરી બેઠા થયા અને દિલ્હીમાં ગાજયા, પરંતુ એમની ટીમ પાસે વાણીનો સંયમ નથી. સાચી વાત પણ અવિનયને કારણે બાજી બગાડે છે. પ્રત્યેક દુકાનમાં ‘નુકસાનીનો માલ’ હોય છે, પરંતુ તેથી બધો જ માલ ખરાબ ન ગણાય. કેજરીવાલે ૧૪ પ્રધાનોને જંતરમંતરની જાહેર સભામાં દોષી ઠેરવી દીધા. ચિદમ્બરમને જસ્ટિસ સૈનીએ નિર્દોષ જાહેર કર્યા છે. સુબ્રહ્નણ્યમ સ્વામીએ માંડેલો કેસ હાઇકોર્ટમાં ન્યાયાધીન છે. પછી એ સુપ્રીમ કોર્ટમાં જશે. આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી ચિદમ્બરમને નિર્દોષ ગણવા જોઇએ. આવી ભદ્રતા ન જળવાય તો લોકતંત્રની આત્મહત્યા શક્ય બનશે. વિરોધ કરવાની આવી હલકટ રીતને તંદુરસ્ત લોકતંત્રમાં કોઇ સ્થાન નથી. મર્યાદાપુરુષોત્તમ રામના આ દેશમાં લોકતંત્રની મર્યાદાઓ ભ્રષ્ટાચાર અને અવિવેકને કારણે તૂટી રહી છે. સાવધાન!

(તા. ૧-૪-૨૦૧૨, રામનવમી)

પાઘડીનો વળ છેડે

આંતરિક કટોકટી (જૂન ૧૯૭૫)નો એક પદાર્થપાઠ એ હતો કે બંધારણીય અધિકાર ધરાવનારાઓએ આપણને નિરાશ કર્યા હતા, જેમાં સરકારમાં કામ કરતા પ્રધાનો, સંસદના સભ્યો, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ સુધ્ધાંનો સમાવેશ થાય છે.ફલિ એસ. નરિમાન(આત્મકથા, પાન-૧૬૩)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s