ગુણવંત શાહ: પતંગિયાની નાતમાં કેલેન્ડર નથી હોતુ

કોઇ ક્ષણને બાથમાં લેવાનું ગજું કેલેન્ડર પાસે ક્યાંથી? પતંગિયું તો સ્વભાવે જ વિક્રમ સંવત, ઇસવીસન અને હજિરીસનથી પર હોય છે. માણસની નાતની વાત જુદી છે. બે પગ પર ઊભેલા એ પ્રાણીની નાતમાં સદીઓનાં કોષ્ટક મંડાય છે અને ક્ષણની ઉપેક્ષા થાય છે. પરિણામે એ પતંગિયાની માફક ક્ષણની સંગાથે વહી નથી શકતો.

આ જે વહેલી સવારે ચાલવાનું શરૂ કર્યું ત્યારે જડેલા એક વિચારને કારણે મનમાં પ્રસન્નતા પ્રસરી ગઇ. વિચારની ખલેલ સિવાયની બીજી કોઇ ખલેલ માણસને પ્રસન્નતાનો પરચો નથી કરાવતી. શું કોઇ પરપોટો દીર્ઘાયુ ભોગવે ખરો? પરપોટો સદાય ક્ષણભંગુરતાનું પ્રતીક ગણાતો રહ્યો છે. પરપોટો માણસને પોતાના ટૂંકા જીવન દ્વારા એક શિખામણ આપે છે: ‘જેટલો લોભ કરવો હોય તેટલો કરી લો. જેટલા રાગદ્વેષ કેળવવા હોય તેટલા કેળવી લો. જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તેટલો કરી લો. સમય બહુ થોડો છે. તમને વાંધો ન હોય તો જેટલો પ્રેમ થાય તેટલો ધરાઇને કરી લેજો. તમારી પાસે કરુણા વહેંચવા માટે પણ હવે ઝાઝો સમય નથી. તમારું જીવન તમે માનો એટલું લાંબું નથી. તમારી પાસે એક રોટલો હોય, તો તેમાંથી સામે ઊભેલા ભૂખ્યા માણસને બટકું રોટલો આપવાથી તમારી પ્રસન્નતા વધશે. મરવાનું નક્કી જ છે, પરંતુ અન્ય માટે ઘસાઇ છુટવામાં મળતો પરિતોષ તમારા મૃત્યુને પણ ચાર ચાંદ લગાવી દેશે.’ ચાલતી વખતે હૃદયમાં જે પંક્તિઓ ઊગી તે આવી હતી:

એક પરપોટો
દસેક સેકન્ડ સુધી ન ફૂટ્યો
ત્યારે અન્ય પરપોટા બોલ્યા:
દાદા બહુ લાંબું જીવ્યા!

પતંગિયાની નાતમાં કેલેન્ડર નથી હોતું. કોઇ ક્ષણને બાથમાં લેવાનું ગજું કેલેન્ડર પાસે ક્યાંથી? પતંગિયું તો સ્વભાવે જ વિક્રમ સંવત, ઇસવીસન અને હજિરીસનથી પર હોય છે. માણસની નાતની વાત જુદી છે. બે પગ પર ઊભેલા એ પ્રાણીની નાતમાં સદીઓનાં કોષ્ટક મંડાય છે અને ક્ષણની ઉપેક્ષા થાય છે. માણસને નદી કરતાં ઓવારા પર વધારે શ્રદ્ધા હોય છે. પરિણામે એ પતંગિયાની માફક ક્ષણની સંગાથે વહી નથી શકતો. જીવન દરમિયાન માણસ અનેક પત્રકો ભરતો રહે છે, જેમાં એક ખાનું ‘કાયમી સરનામું’ કર્યું તેનું હોય છે. એ ખાનામાં કાયમી સરનામું લખતી વખતે એની બોલપેન ધ્રૂજતી કેમ નથી? કેવળ ટેવને આધારે માણસ પોતાનું કાયમી સરનામું લખે ત્યારે એક વાત ભૂલી જાય છે કે આ પરપોટિયા જગતમાં કેવળ એક જ બાબત કાયમી છે અને તે છે પરિવર્તન. Change is the only thing which is permanent.. આવા પરિવર્તનનું વાહન છે ક્ષણ અને ક્ષણનું કાવ્ય એટલે પતંગિયું!

હજી સુધી કોઇ નદી ઓવારાની માયાને કારણે વહેતી અટકી ગઇ હોય એવું બન્યું નથી. જે ક્ષણે નદી વહેવાનું છોડે, તે જ ક્ષણે એ ‘નદી’ મટી જાય છે. વહેવું અને સતત વહેવું એ નદીનો સ્વધર્મ છે. સતત વહેતી રહેતી નદી પ્રતિક્ષણ નવી છે. નદીની આવી નિત્ય નૂતનતાનો જયજયકાર કરીને પાયથાગોરસના સમકાલીન એવા ગ્રીસના મહાન ચિંતક હિરેકિલટસે કહ્યું હતું: ‘તમે એક જ નદીમાં બે વાર સ્નાન કરી શકો છો.’ આ યાદગાર શબ્દોમાં ઉપનિષદના મંત્રમાં હોય તેવું ઊંડાણ છે અને લાઘવ પણ છે. માણસની અંધશ્રદ્ધા વાસી બાબતો પર વધારે હોય છે. પરિણામે ધર્મ નામની સરિતામાં તરવાને બદલે માણસ પંથપ્રપંચના તળાવમાં અને અંધશ્રદ્ધાના ખાબોચિયામાં ડૂબી મરવાનું વધારે પસંદ કરે છે.

શું વાસી ધર્મ કદી પણ તાજી સમસ્યાઓને ઉકેલી શકે? એમ કદી ન બને. ધર્મમાં પેઠેલાં અનિષ્ટોને જે લોકો નવા યુગના સંદર્ભે જોઇ ન શકે, તેઓ ધર્મના નામે ધતિંગના કૂવામાં હોંશે હોંશે ડૂબવામાં જીવન પૂરું કરવાના. મંગળસૂત્ર પહેરનારી ગૃહિણી પતિ કરતાંય પોતાના મંગળસૂત્રને વધારે જાળવે ત્યારે શું સમજવું? પ્રત્યેક માણસના માથા પર એક મંદિર હોય છે. એ માથું ન જળવાય, તો ઇંટચૂનાના મંદિરે જવાથી કોઇ લાભ નહીં થાય. મનમંદિર જળવાઇ જાય, તો જીવન આપોઆપ જળવાઇ જાય. પતંગિયા પાસે દ્વેષ કરવાનો સમય જ ક્યાં છે? એને માટે તો પ્રત્યેક ક્ષણ આનંદથી ભરી ભરી! એ જે પુષ્પ પર બેસે તે પુષ્પને આકાશદીક્ષા અને આનંદદીક્ષા આપે છે.

મૃત્યુના દરવાજે ટકોરા મારી આવ્યા પછી એક ચમત્કાર બનતો મેં જોયો છે. સવારે ચાલવાનું શરૂ થાય પછી એવું યાદ નથી રહેતું કે હું વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીના રસ્તા પર ચાલી રહ્યો છું. ક્યારેક એવું પણ ભાન નથી રહેતું કે હું ભારત નામના દેશમાં આવેલા ગુજરાત રાજ્યના કોઇ શહેરમાં ‘ટહુકો’ નામના ઘર પાસે ડગલાં માંડી રહ્યો છું. ચમત્કાર એ વાતનો કે ચાલતી વખતે એવો ભાવ વારંવાર જાગે છે કે હું પૃથ્વીના ગોળા પર ક્યાંક એક humanoid (માણસનો દેખાવ ધરાવતા પાત્ર)ની માફક ચાલી રહ્યો છું. આવું ‘ગ્લોબલાઇઝેશન’ કાયમ ટકતું નથી, પરંતુ જે થોડીક ક્ષણો પૃથ્વીમય, માનવીમય અને બ્રહ્નમય બની તેમાં બધા ધર્મોનો સાર આવી જતો જણાય છે.

જ્યાં વિશાળતા છે ત્યાં ધર્મ છે અને જ્યાં સંકુચિતતા હોય ત્યાં અધર્મ હોવાનો. પતંગિયાને નીરખવાનું રાખીએ, તો સમય થંભી જાય અને પરપોટાને નીરખવાનું રાખીએ તો સમય અનંતને ઓવારે બેસીને ખીલ ખીલ હસે!આજકાલ વસંતનો રોમાન્સ પૂરજોશમાં ખીલ્યો છે. ‘રોમાન્સ’ માટે તમે ગમે તે ગુજરાતી પર્યાય વિચારશો, તોય મૂળ શબ્દને ન્યાય નહીં મળી શકે. લાંબા વિચારને અંતે ‘રોમાન્સ’ માટે બે શબ્દો ભેગા કરવાનું સૂÍયું છે. ‘રોમાન્સ’ એટલે ‘અલૌકિક અધ્ધરતા’. વસંતની સવારે રોજ ટહુકા સાંભળતી વખતે એક વિચાર પજવી જાય છે. ટહુકો એ કાન વડે સાંભળવાનો કોઇ ધ્વનિ નથી.

ટહુકો તો વસંતનો ગાયત્રીમંત્ર છે. હજારો કિલોમીટરનું અંતર કાપીને કોઇ કોયલ તમારી સોસાયટીમાં આવેલા અજાણ્યા વૃક્ષ કે આંબા પર બેસીને ટહુકી, તે ઘટનાને સુયોગ (સિન્ક્રોનિસિટી) ગણવાને બદલે તમે છાપામાં ડોકું ઘાલીને હત્યાના, બળાત્કારના, હિંસાના અને ચૂંટણીના ભંગાર સમાચાર વાંચતા રહેશો? તમે પતિ કે પત્નીને અન્યાય કરવામાં એટલા પાવરધા છો કે દૂર દૂરથી ખાસ તમારે માટે જ ઘર પાસે આવી પહોંચેલી કોયલને અન્યાય કરો તેમાં શી નવાઇ! એ ટહુકો ગાયત્રીમંત્ર કરતાં ઓછો પવિત્ર શી રીતે હોઇ શકે? એ સ્વભાવે બ્રહ્નનો મધુર ધ્વનિ છે. મૃત્યુ નક્કી જ હોય, તો ફિળયામાં સંભળાતા વાસંતી ટહુકા હૃદયપૂર્વક સાંભળતી વેળાએ શ્વાસ ખૂટી પડે એનાથી વધારે રૂડું શું હોઇ શકે? આવી અલૌકિક અધ્ધરતા પ્રાપ્ત થાય ત્યારે મૃત્યુ પણ ધન્ય બને!

આપણી માઇક્રોફાઇન્ડ લાગણીઓનું ઉપવન ઉજજડ બની રહ્યું છે. ખિસકોલીની પૂંછડી પર બેઠેલી ક્ષણ ખબર પણ ન પડે એ રીતે વહી જાય છે. જે માણસ પાસે વિચારનું દ્રવ્ય ન હોય, તે કાયમ દ્રવ્યનો જ વિચાર કરતો રહે છે. એવા માણસને ‘અભણ’ કહેવાનો રિવાજ આપણે ત્યાં નથી. બે પ્રકારનું ધ્યાન માણસે વારંવાર કરવું જોઇએ: પતંગિયા ધ્યાન અને પરપોટા ધ્યાન.બંને માણસનાં ગુરુ થઇ શકે તેમ છે. ગમે તે હિસાબે લાંબું જીવવાની ઝંખના પણ તમોગુણી હોઇ શકે છે. પ્રકૃતિના ખોળે ખેલવું અને સમય પૂરો થાય ત્યારે પ્રકૃતિની ગોદમાં પોઢી જવું એ જ અધ્યાત્મ છે. લાંબાં પ્રવચનોમાં ઘણુંખરું અધ્યાત્મ શબ્દોના રાફડામાં ખોવાઇ જાય છે. અધ્યાત્મના અહંકારથી બચવા જેવું છે. અહંકાર સાિત્વક હોય તોય શું? ‘

પાઘડીનો વળ છેડે
એક એવો દિવસ ઊગશે
જ્યારે સૂર્ય કેવળ એવા
મુકત માણસો પર પ્રકાશ વેરશે,
જેઓ વિવેકબુદ્ધિને જ સર્વોપરી ગણશે.
અને જ્યારે
જુલમગારો અને ગુલામો ઉપરાંત
ધર્મગુરુઓ તથા તેમની
દગાખોર યુક્તિઓ
માત્ર ઈતિહાસનાં પાનાંમાં
કે પછી નાટકનાં દ્રશ્યોમાં જ
જોવા મળશે.
– માર્ક્વીસ દ કોન્ડોરસેટ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s