ભગવાન બુદ્ધ અને ઝેન વિચારધારા Divya Bhasker

ચીનમાં રાજા-રજવાડાંને બોધિધર્મે ધ્યાનનો મર્મ સમજાવ્યો. બોધિધર્મનું ધ્યાન ચીનમાં ચાન તરીકે પ્રસરી ગયું અને સમય જતાં એ જાપાનમાં પહોંચ્યું ત્યારે ઝેન તરીકે પ્રચલિત થયું.

મહામાનવ રામ માટે ‘નયનાભિરામ’ જેવું અનોખું વિશેષણ પ્રયોજાયું છે. સમ્રાટ અશોક માટે ‘દેવાનાં પ્રિય’ જેવા બે શબ્દો પ્રયોજાયા છે. ભગવાન બુદ્ધના વિચારો તે સમયના બ્રાહ્નણો માટે અસહ્ય બની રહ્યા કારણ કે તેમાં એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સ્થાપિત હિતો સામે ખુલ્લો બળવો પ્રગટ થતો હતો. ‘દેવાનાં પ્રિય’ એટલે દેવાને પ્રિય એવો અર્થ થાય, પરંતુ સંસ્કૃત શબ્દકોશમાં એનો અર્થ છે: ‘બકરો, ગમાર કે મૂર્ખ.’ માનશો? ‘બુદ્ધુ’ શબ્દ પણ ‘બુદ્ધ’ પરથી આવ્યો છે.

જૈન સાધુઓ વાળ કપાવતા નથી પણ વાળ ખેંચી કાઢે છે, એટલે કે લુંચન કરે છે. ‘લુચ્ચો’ શબ્દ ‘લુંચન’ પરથી આવેલો છે. બ્રાહ્નણોએ શ્રમણો પ્રત્યે જે ગુસ્સો પ્રગટ કર્યો તેના આ થોડાક નમૂના ગણાય. સાચા બ્રાહ્નણનાં લક્ષણો ગણાવનારો એક આખો અધ્યાય પવિત્ર ગ્રંથ ‘ધમ્મપદ’માં છે, જેનું મથાળું છે: ‘બ્રાહ્નણવગ્ગો.’ આદરણીય મોરારિબાપુ કે મારે માટે સર્વધર્મ સમભાવ એ તો લોહીમાં ફરતા હીમોગ્લોબિન જેવી સહજ ઘટના છે.

એક ગામમાં ભગવાન બુદ્ધનો નિવાસ હતો. કર્મકાંડ માટે બીજે ગામ જતી વખતે બ્રાહ્નણે પત્નીને કહ્યું: ‘જો એ શ્રમણ આપણે ઘેર ભિક્ષા માટે આવી ચડે તો કશુંય આપતી નહીં.’ એ જમાનામાં કોઇ પત્નીની મગદૂર છે કે પતિની આવી કડક સૂચનાનો અનાદર કરે? બીજે દિવસે સવારે તથાગત ભિક્ષા માટે આંગણામાં આવીને ઊભા ત્યારે બ્રાહ્નણની પત્નીએ વિનય અને વિનમ્રતાપૂર્વક કહ્યું: ‘ભગવન્! આજ હમારે ઘર મેં આપકો દેને કે લિયે કુછ નહીં હૈ. ક્ષમા કરે.’ ત્રણ દિવસ સુધી બુદ્ધ ભિક્ષા માટે ઘરે આવ્યા અને પત્નીનો વિવેકપૂર્ણ જવાબ સાંભળીને ચાલી ગયા.

ચોથે દિવસે બુદ્ધ આવ્યા ત્યારે બ્રાહ્નણ પતિ ઘરમાં હતો. એણે ઓટલે આવીને તથાગત પર ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું: ‘મેરી પત્ની બાર બાર ના કહતી રહી ફિર ભી આપ યહાં કર્યું રોજ ચલે આતે હૈ?’ ભગવાન બુદ્ધે પ્રસન્ન ચિત્તે બ્રાહ્નણને કહ્યું: ‘જિસ વિનમ્રતાસે, જિસ માધુર્યસે ઔર જિસ આભિજાત્યસે તેરી પત્ની મુઝે ના કહતી થી ઉસ ના સુનને કે લિએ મૈં આતા થા.’ આપણી પરંપરાનો અત્યંત મધુર શબ્દ ‘તથાગત’ (તથ+આ+ગત) છે. જે આ પ્રમાણે આવે અને આ પ્રમાણે ચાલી જાય તે ‘તથાગત’ ગણાય. One who comes and goes thus. ભગવાન બુદ્ધ પૂર્વાશ્રમમાં રાજકુમાર સિદ્ધાર્થ હતા. જેના જીવનનો અર્થ સિદ્ધ થયો તે ‘સિદ્ધાર્થ’. આપણે માટે પણ એમ બને તે અશક્ય નથી.

ઇ.સ. ૬૨૫માં કાંજીવરમ્ના દરિયાકિનારેથી શ્રમણ બોધિધર્મ વહાણમાં બેસીને ચીન ગયો. ચીનમાં રાજા-રજવાડાંને બોધિધર્મે ધ્યાનનો મર્મ સમજાવ્યો. બોધિધર્મનું ધ્યાન ચીનમાં ચાન તરીકે પ્રસરી ગયું અને સમય જતાં એ જાપાનમાં પહોંચ્યું ત્યારે ઝેન તરીકે પ્રચલિત થયું. કર્મ અને કર્તા એકરૂપ બની જાય એ ઝેન વિચારધારાનું કાળજું છે. એક સવારે તથાગતનું પ્રવચન શરૂ થવાની તૈયારીમાં હતું ત્યાં એક શિષ્યે તાજું ખીલેલું સોનેરી પુષ્પ એમનાં ચરણોમાં ધરી દીધું. બુદ્ધ ધ્યાનસ્થ ચિત્તે એ પુષ્પને નિહાળતા જ રહ્યા અને પ્રવચન શરૂ જ ન થયું! આ ઘટના ઝેન પંથની કેન્દ્રીય બાબત ગણાવા લાગી.

ઝેન પંથને તેથી ‘રિલિજિયન ઓફ ધ ગોલ્ડન ફ્લાવર’ પણ કહે છે. ઝેન મઠમાં વોકિંગ મેડિટેશન કરવામાં આવે છે, જેમાં ચાલવાની સ્થૂળ ક્રિયા સાથે એકાકાર થવાનું મહત્વ છે. જાપાનમાં ઝેન સાધુઓ ચા તૈયાર કરે ત્યારે એટલા એકરૂપ બને છે, જેને ‘ટી સેરેમની’ કહેવામાં આવે છે. લામા સૂર્યદાસે પુસ્તક લખ્યું જેનું મથાળું છે: ‘અવેકનિંગ ધ બુદ્ધ વિધિન.’ એમાં તેઓ કહે છે: ‘ચાલતી વખતે એવી રીતે ચાલો, જાણે બુદ્ધ ચાલી રહ્યા છે. એવી રીતે ઊભા રહો, જાણે બુદ્ધ ઊભા છે. વિચારતી વખતે એવી રીતે વિચારો જાણે બુદ્ધ વિચારે છે. બુદ્ધ જીવે એ રીતે જીવો.’ આવી એકરૂપતાનાં થોડાંક ઉદાહરણો આપવાનું યોગ્ય ગણાશે.

સાંભળો:શરૂઆત ભગવદ્ગીતાથી કરું? ૧૯૩૨ની સાલમાં ધૂળિયા જેલમાં ઋષિ વિનોબાએ જે ‘ગીતા પ્રવચનો’ આપ્યાં તે અમર બની ગયાં. સાને ગુરુજીએ તે નોંધી લીધાં. આટલું સરળ અને સચોટ ગીતાભાષ્ય બીજું મારા ધ્યાનમાં નથી. પ્રવચનની પ્રથમ પાંચ-સાત મિનિટમાં જ વિનોબાએ જે વાત કરી તેમાં ઝેનનો મર્મ પ્રગટ થયો છે. ગીતા કહેનારો કૃષ્ણ અને ગીતા સાંભળનારો અર્જુન પણ કૃષ્ણમય બની ગયો! વ્યાસદેવ જેવા રચનાકાર પણ ‘પીગળીને એવા સમરસ બની ગયા કે તેમનેય લોકો કૃષ્ણ નામથી ઓળખવા લાગ્યા.’ આમ એ ત્રણેની જાણે ‘એકચિત્ત સમાધિ’ થઇ. ઝેન વિચારધારાનો સાર એટલે એકચિત્ત સમાધિ! બીજું ઉદાહરણ કબીરનું ઝેન છે. વીણા સહસ્રબુદ્ધેને મધુર કંઠે કબીરનું ભજન તમે જરૂર સાંભળ્યું હશે:

ઘટ ઘટમેં પંછી બોલતા
આપ હી દંડી, આપ તરાજૂ,
આપ હી બૈઠા તોલતા!
આપ હી માલી, આપ બગીચા
આપ હી કલિયાં તોડતા!
ઘટ ઘટ મેં પંછી બોલતા.

ત્રીજું ઉદાહરણ મહાત્મા ગાંધીનું છે. ગાંધી શતાબ્દી ૧૯૬૯ના વર્ષમાં આચાર્ય રજનીશ વડોદરામાં પ્રવચનો માટે આવ્યા હતા. ગાંધીનગરગૃહમાં પ્રવેશ ફી એક રૂપિયો હતી. નાની વયના રજનીશ જબલપુર બાજુ પધારેલા ગાંધીજીને મળવા આતુર હતા, પરંતુ એ છુટ ન મળી. આયોજકોએ કહ્યું: ‘બાપુ ભોજન કરે ત્યારે થોડે છેટે રહીને તમે એમને જોઇ શકશો, પણ મળી નહીં શકો.’ આ પ્રસંગ કહીને રજનીશે શ્રોતાઓને જ જણાવ્યું તે સગે કાને મેં પણ સાંભળેલું: ‘જબ ગાંધી ભોજન કર રહે થે તબ માનો પૃથ્વી થમ ગઇ હો. વે કેવલ ભોજન હી કર રહે થે, એકચિત્ત હોકર! યહી હૈ ઝેન કા મર્મ.’

તે દિવસોમાં આચાર્ય રજનીશ સંપૂર્ણ ખાદીધારી હતા. બાપુ! તમે પણ ખાદીધારી છો અને હું પણ ખાદી પહેરું છું, પરંતુ રજનીશ ખાદીધારી કેમ હતા? રાજકોટ તો ખાદીની રાજધાની છે. અહીં જયાબહેન શાહ છે અને દેવેન્દ્રભાઇ તો ખાદી-ગ્રામોધ્યોગ કમિશનના અધ્યક્ષ છે. વડોદરાના કોઇ પત્રકારે રજનીશને પૂછ્યું: ‘તમે ખાદી પહેરવાનો આગ્રહ કેમ રાખો છો?’ રજનીશે આપેલો જવાબ સાંભળો: ‘ખાદીના પ્રત્યેક તાણાવાણામાં કોઇની જીવંત આંગળીઓનો સ્પર્શ રહેલો છે, તેથી મને ખાદી ગમે છે.’

ચોથું ઉદાહરણ વિનોબાજીનું છે. ૧૯૫૪માં બોધગયામાં અખિલ ભારતીય સર્વોદય સંમેલન મળ્યું હતું. ભૂદાન આંદોલન જોરમાં હતું અને રાંદેરથી અમે ત્યાં પહોંચી ગયેલા. રાંદેરથી ૩૦-૩૫ કિલોમીટર દૂર અછારણ ગામે જન્મેલા વલ્લભસ્વામી વિનોબાજીના અંતેવાસી હતા. તેઓ પોતાના કર્કશ અવાજમાં જાહેરાત કરતા: ‘અબ કતાઇ યજ્ઞ શુરુ હોતા હૈ.’ વિનોબાજી રેંટિયો ચલાવે ત્યારે કદી તાર તૂટતો જોયો નથી. પછી તો કાંજીવરમ્ના સંમેલનમાં પણ વિનોબાજીને રેંટિયો ચલાવતા જોયા હતા. ૧૯૫૭માં શંકરાચાર્યના ગામ કાલડિમાં સર્વોદય સંમેલન મળ્યું ત્યારે પણ કલાકો સુધી વિનોબાજીને કાંતતા જોવાનો લહાવો મળેલો. કાંતનાર અને કાંતવાની ક્રિયા એકરૂપ બને ત્યારે ‘એકચિત્ત સમાધિ’ સિદ્ધ થતી જોયેલી.

એ હતું વિનોબાનું ધ્યાન-ચાન-ઝેન!અંતે એક ઝેનકથા કહીને વાત પૂરી કરું? કયોટો ઝેનપંથની વૈશ્વિક રાજધાની ગણાય છે. બાપુ! આપે દેશદેશાવરમાં રામકથા કરી છે. એક કથા જાપાનના કયોટો શહેરમાં થઇ શકે? કયોટોના ફળિયામાં હકુ ઇન નામનો ઝેન સાધુ રહેતો હતો. એ જ ફળિયામાં અનાજનો વેપારી પણ રહેતો હતો. એની દીકરી ખૂબ રૂપાળી હતી. એક દિવસ એનાં માતાપિતાને ખબર પડી કે દીકરીને મહિના જાય છે. ખૂબ દબાણ કર્યું તોય દીકરીએ પુરુષનું નામ ન આપ્યું. બહુ દબાણ થયું ત્યારે દીકરીએ ઝેન સાધુ હકુ ઇનનું નામ આપ્યું.

માતા-પિતા ક્રોધથી રાતાંપીળાં થઇ ગયાં. બાળકના જન્મ પછી તેઓ હકુ ઇન પાસે પહોંચ્યાં અને બોલ્યાં: ‘આ રાખો તમારું પાપ! અમે તમને સાધુ માન્યા હતા, પરંતુ તમે તો બદમાશ નીકળ્યા!’ હકુ ઇને બે હાથમાં બાળક લઇ લીધું અને કહ્યું: ‘એમ કે?’ થોડાક દિવસ બાદ પેલી દીકરીએ સાચી વાત માતા-પિતાને જણાવી દીધી અને કહ્યું: ‘બાળકનો બાપ તો કયોટાની માછલી બજારમાં રહેતો યુવક છે. હકુ ઇન નિર્દોષ છે.’ માતાપિતાના પસ્તાવાનો પાર ન રહ્યો.

‘અમે અપરાધી કાંઇ ન સમજયા, ન ઓળખ્યા ભગવંતને’ આવા ભાવથી તેઓ સાધુને ત્યાં પહોંચ્યાં ત્યારે હકુ ઇન બાળકને દૂધ પિવડાવી રહ્યા હતા. માતા-પિતાના હાથમાં બાળકને મૂકતી વખતે હકુ ઇને કહ્યું: ‘એમ કે?’ એ સાધુ માટે બે વખતે બોલાયેલા ‘એમ કે?’ શબ્દોમાં પૂરું સમત્વ હતું. ગીતામાં કહ્યું: ‘સમત્વં યોગ ઉચ્ચતે.’ મિત્રો! હું મંડપનો માણસ નથી, ઓડિટોરિયમનો માણસ છું. કોઇ ગુસ્તાખી થઇ ગઇ હોય, તો ક્ષમા કરશો.

(રાજકોટમાં ૨૦૧૨ની તા. ૧૫-એપ્રિલની પ્રસન્ન સવારે રામકથાના પ્રારંભે આપેલું પ્રવચન).

પાઘડીનો વળ છેડે

જાપાનમાં અણુબોંબને કારણે જ્યાં સર્વનાશ વેરાયો હતો, તે નાગાસાકી નગરમાં રામકથા થવાની છે. ઝેન વિચારધારાની વૈશ્વિક રાજધાની કયોટો નગરીમાં પણ રામકથા થશે, પરંતુ એક શરત છે: ગુણવંતભાઇએ નવ દિવસ સુધી હાજર રહીને રોજ કથાના પ્રારંભે અડધો કલાક ભગવાન બુદ્ધ પર પ્રવચન કરવું પડે. યથાયોગ્યં તથા કુરુ. અને બીજી વાત પણ કહી દઉં. એ કથા ત્યાં મંડપમાં નહીં થાય, ઓડિટોરિયમમાં જ થશે!- મોરારિબાપુ

Advertisements

3 thoughts on “ભગવાન બુદ્ધ અને ઝેન વિચારધારા Divya Bhasker

  1. Ghana samay baad aapno article vanchava malyo…khuba sundar…aapana article vanchavnu lagabhag vyasan jevu chhe…D.Bhaskar maa ghana samaythi articles aavta nathi…

  2. Respcted Gunvantbhai, remembering you heartly on this very special day of Guru Purnima. You taught me very important lessons of life. May god shower you with robust health and much of Wealth.

  3. Sunday Dvyabhaskar,8 july,2012-Title “Ekveesmi sadi No Halkat Manas. Dear Gunvant bhai,I respect your articles but some of sentence which is diffucult to cultivate, like “Arab spring is not accidental occasion, Are you aware of “Arab spring”??what is Arab spring? If you cant understand than it is better to eyewash for me.It is propaganda of western world,Arab world,EU and Israel to destablise current government of muslim state which is against america plan and put puppet government.These warmonger country today working with too many propaganda.Kindly observe trueness.Iraq,afghanistan,libya,egypt,syria.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s