આપણું હૃદય એ જ હિલ સ્ટેશન! SUNDAY BHASKER,22-7-2012

વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. વાદળ આખે આખું વરસી પડ્યું છે. માણસનું મુલાયમ હૃદય એ જ ખરું હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશન એટલે આકાશનું પાદર. માણસને ત્યાં જવાનું અને રહેવાનું ગમે છે કારણ કે માણસ મૂળે આકાશનું સંતાન છે, એમ ઉપનિષદ કહે છે.

વરસાદ બંધ પડી ગયો ત્યારે હીંચકે બેસીને એક ર્દશ્ય જોયું. સોસાયટીમાં આવેલા એક બહુમાળી મકાનની વિશાળ અગાશીમાં એક માણસ નજરે પડ્યો. એના હાથમાં મોબાઇલ ફોન હતો. ઊંચી આભ-અટારીમાં આવેલી સિન્ટેક્ષની ટાંકીનું ઢાંકણ ખોલીને અંદર ડોકિયું કરતી વખતે એ ફોન પર વાત કરી રહ્યો હતો. પાંચેક મિનિટની ગડમથલ પછી એણે અગાશી છોડી. કદાચ પોતાના ફ્લેટમાં જવા માટે એ દાદરનાં પગથિયાં ઊતરી ગયો હશે. એ માણસને ખલનાયકની જેમ જોતો રહ્યો ત્યારે મેં શું જોયું? પાંચેક મિનિટ વિશાળ અગાશીમાં રહ્યો તે દરમિયાન એ માણસે એક પણ વાર વાદળોથી શોભતા અનંત આકાશ ભણી નજર સુધ્ધાં નાખી નહોતી. આવું બન્યું તેમાં મારા પિતાશ્રીનું શું ગયું! વગર કારણે અમથો અમથો ખિન્ન થાય તેનું જ નામ શિક્ષક. સંસ્કૃતમાં અગાશી માટે અત્યંત સુંદર શબ્દ છે: ‘આકાશિકા.’ આકાશિકામાં પહોંચીને આકાશની ઉપેક્ષા! વાહ વાહ રામજી.

વચલી પરસાળનું અંધારું ભર ઉનાળે ઠંડક આપતું. દેશી નિળયાંનાં ઢાળવાળાં છાપરાં નીચે પટેલ અને પટલાણી વચ્ચે ઝઘડો થાય પછી એ બંને જો વચલી પરસાળના અંધારામાં જંપી જાય તો માનવું કે એ બપોર ઉનાળાની જ હોવી જોઇએ. ધણી અને ધણિયાણી વચ્ચે જો ઝઘડો જ ન થાય તો તો લગ્નપ્રથા લાજી મરે! નાગર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તેય ભદ્રતાથી ભરેલો હોય છે. ઝઘડતી વખતે પણ પતિ-પત્નીના ઉચ્ચાર શુદ્ધ હોય એવો અનુભવ છે. પટેલ અને પટલાણી દિલ દઇને લડે છે. જે યુગલ લડવામાં કરકસર કરે તે લાગણી ઠાલવવામાં ઉદાર શી રીતે બની શકે? કદાચ ગુસ્સો ઠલવાય તે પણ ઉમળકો ઠાલવવાની જ એક રીત હોઇ શકે. જે ઘરમાં ક્યારેય વાસણ ન ખખડે તે ઘરના મહેમાન બનવા માટે કેટલા ટન શુષ્કતા જોઇએ? ડાહ્યાડમરા પરિવારના મહેમાન થવામાં માલ નથી.જે સૂર્ય શિયાળામાં હૂંફ આપીને પોતાની કરુણા ઠાલવે, તે જ સૂર્ય ઉનાળામાં આકરી લૂ વરસાવે છે.

વૃક્ષની સામે પણ ન જોનારો એવો કોઇ કાર-માલિક બપોરે પોતાની ગાડી પાર્ક કરવા માટે વૃક્ષની શીળી છાંયડીની શોધમાં ચક્કર લગાવતો રહે છે. વૃક્ષ એટલે શું અને એની છાંયડી એટલે શું તેનું ભાન માણસને થાય તે માટે જ વૈશાખ અને જેઠ મહિનાનું નિર્માણ થયું છે. જે ગામમાં રિળયામણું પાદર ન હોય ત્યાં જરૂર કશુંક ખૂટતું જણાય છે. રિળયામણું પાદર એટલે એક ઘટાદાર વડલો અને નીચે પાણીની પરબ. હવે ‘પરબ’ નામની મધુર ઘટના અર્દશ્ય થતી જાય છે. લોકો દુકાનેથી ખરીદીને મિનરલ વોટરની બાટલી મોંએ માંડે છે. જ્યાં પરબ હોય ત્યાં ગેરુઆ રંગનાં માટલાં હોય અને ચકચકતો કળશિયો હોય. જ્યાં કળશિયો હોય ત્યાં શીતળ જલધારા હોય. શીતળ જલધારા એ જ કરુણાની ધારા.

આજે પણ મને કોઇ કળશિયાની ધારથી પાણી પીવડાવે, તો હું પ્યાલાને બદલે ખોબો ધરવાનું પસંદ કરું. આવી રીતે પાણી પીધા પછી રૂમાલ વડે મોં લૂંછે એ બીજા! કોઇ ન જુએ તેમ ખમીસની બાંય વડે મોં લૂંછી લેવાનો વૈભવ છોડવા જેવો નથી. કોઇપણ જાહેર સમારંભમાં વપરાયેલા ગ્લાસ વડે પાણી પીવા કરતાં સ્વચ્છ ખોબા વડે પાણી પીવાનું વધારે હાઇજેનિક ગણાય. માણસના બે હાથ ભેગા મળે ત્યારે નમસ્કાર સર્જાય અને નમસ્કારમાં જોડાયેલા હાથ નેવું અંશને ખૂણે ખુલ્લા થાય ત્યારે ખોબો સર્જાય. ખોબો બે કામ કરે છે. એ કોઇનું આપેલું ગ્રહણ કરે અને આપણી પાસે હોય તે અન્યને આપે છે. એક માણસને બીજા માણસ સાથે જોડતી ખોબા-ઘટના દિવ્યતાની કલાકૃતિ છે. એ નમસ્કાર જેટલી જ પવિત્ર છે. ખોબો એટલે ગિવ એન્ડ ટેઇકની કવિતા!

ખોબા કલ્ચરને સ્થાને હવે બાટલી કલ્ચર ગોઠવાઇ ગયું છે. બાટલી કલ્ચર હોય ત્યાં કોકા કોલા હોય, છાશ ન હોય. બાટલી કલ્ચર હોય ત્યાં શરાબ હોય, લીંબુપાણી ન હોય. બાટલી કલ્ચર આઇસકયુબ વિના ન જામે. કડકડતી ઠંડી પડતી હોય તોય આઇસકયુબ તો જોઇએ જ! ગ્લાસમાં ગોઠવાયેલા પારદર્શક આઇસકયુબ પર જે નશીલી ધાર પડે તે પશ્ચિમી સંસ્કૃતિની માદક ધાર હોય છે. કળશિયાની ધાર અને બાટલીની ધાર વચ્ચેનો તફાવત બે સંસ્કૃતિ વચ્ચેનો તફાવત છે. વ્હીસ્કીના પેગ હોય છે, લસ્સીના પેગ નથી હોતા. છાશ અને બિઅર વચ્ચેની ટક્કરમાં છાશ હારી રહી છે. તમે છાશની જાહેરાત ટીવી પર જોઇ છે?

પશ્ચિમની સંસ્કૃતિ પાસે લેવા જેવું ઘણું છે. ત્યાંથી સ્વચ્છતાની, સ્ત્રી-દાક્ષિણ્યની અને શિષ્ટાચારની આયાત કરવા જેવી છે. ત્યાંથી સરળતાની અને નિખાલસતાની આયાત કરવા જેવી છે. ત્યાંથી અન્યની પ્રાઇવસી પ્રત્યેના આદરની આયાત કરવા જેવી છે. ત્યાંથી શિસ્ત અને કર્તવ્યપરાયણતાની આયાત કરવા જેવી છે. આવી સુંદર બાબતોની સાથે સાથે બાટલી આવી, પરંતુ બાટલી સાથે બીજું કશુંય ન આવ્યું. નમસ્કાર લાચાર, ખોબો લાચાર, પાદર લાચાર, દેશી નિળયાંવાળાં છાપરાં લાચાર, મોભારો લાચાર અને તેની નીચે રહેતાં પટેલ-પટલાણી પણ લાચાર! ટીવી પર ઠલવાતો પશ્ચિમી ગંદવાડ અત્યંત નફ્ફટ છે. ટીવીની ચેનલો TRP વધે તે માટે કશુંય કરવા તૈયાર છે. ટીવી પર, ફિલ્મોમાં અને રસ્તે રસ્તે જોવા મળતાં મોટાં હોર્ડિંગ્સ પર નગ્નતા જ નગ્નતા! સમાજમાં સેક્સ સાવ ખુલ્લી પડી ગઇ છે. સોળ વર્ષની ચંપાને આઇટેમ ગર્લ બનવાનાં અરમાન જાગ્યાં છે. આખું ને આખું સ્ત્રી-શરીર સાવ જ નિખાલસ બનીને નાચી રહ્યું છે. ‘લજજા’ શબ્દ શરમાઇને શબ્દકોશમાં સંતાઇ ગયો છે. શૃંગાર પણ લજજા વિના જામે ખરો?

વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. વાદળ આખે આખું વરસી પડ્યું છે. માણસનું મુલાયમ હૃદય એ જ ખરું હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશન એટલે આકાશનું પાદર. માણસને ત્યાં જવાનું અને રહેવાનું ગમે છે કારણ કે માણસ મૂળે આકાશનું સંતાન છે, એમ ઉપનિષદ કહે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું: આકાશમ્ અભિજાયતે (૭, ૧૨). જે ધરતી પર વરસાદ પડતો હોય તે ધરતીમાંથી ઊગેલો માણસ કરુણા વિનાનો શી રીતે હોઇ શકે? ગોડ પાર્ટિકલ એટલે કરુણાનો કણ!

કોયલ વિદાય થઇ રહી છે. ચોમાસુ સવારની ભીનાશમાં સંભળાતો કલરવ અધિક મધુર જણાય છે. એવે વખતે સવારે દૂરથી વહી આવેલો એક જ ટહુકો સહસ્ર ચાંચમાંથી પ્રગટ થતા ફિળયાના કલરવને મુગ્ધતાથી છલકાવી દે છે. મંત્રમુગ્ધ બનેલો માણસ ટહુકામુગ્ધ બને ત્યારે વરસાદનો મંદ્રધ્વનિ શરૂ થાય છે. વર્ષાઋતુ આપણને એક જ વાત સમજાવવા આવે છે અને તે એ કે સૌંદર્યબોધ સત્યબોધથી જરાય ઊતરતી ઘટના નથી. વરસાદ એક નીખરવા જેવી, સાંભળવા જેવી અને સ્પર્શબોધ પામવા જેવી દિવ્ય ઘટના છે. જે વી.આઇ.પી. પાસે વરસાદ માણવાની ફુરસદ નથી તેની પત્ની જરૂર ‘અખંડ દુભૉગ્યવતી’ હોવાની. આકાશમાં જ્યારે મેઘદૂત મહોત્સવ જામ્યો હોય ત્યારે Busy હોવાનો અભિશાપ!

આપણા જીવનમાંથી ઉમળકો વિદાય થાય તે પહેલાં ઉમળકાભેર આપણે વિદાય થઇએ તો કેવું! વાદળના ગડગડાટને કોઇ ઘોંઘાટ નથી કહેતું. વીજળીના ચમકારને કોઇ ખલેલ નથી કહેતું. પ્રેમથી છલકાતા હૃદયને મંદિર ગણવાનો રિવાજ ક્યારે શરૂ થશે?

પાઘડીનો વળ છેડે

મારી વાટમાં આવતા
દરેક વૃક્ષને ઓળખું
એ પહેલાં
હું એમને ચાહવા લાગેલો.
તું આ જ કેડીએ
આવી હતી ને?
– રઘુવીર ચૌધરી

કાવ્યસંગ્રહ: ‘ફૂટપાથ અને શેઢો’માંથી)

Advertisements

2 thoughts on “આપણું હૃદય એ જ હિલ સ્ટેશન! SUNDAY BHASKER,22-7-2012

  1. In fact my views not comments on today’s article on VIKARAMADITYA’S JUSTICE.Somehow I missed the PUNCH in this article.In present judiciary they do not give JUSTICE they deliver JUDGEMENT only.In that case even if Apex court exonerates someone it can not repeat can not be said that he/she was not guilty…..this is applicable to ALL like laloo,mayavati ,afzal guru and so on……I HOPE U UNDERSTANDS THIS HARD FACT…REGARDS J K JOSHI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s