વિક્રમાદિત્યનું ન્યાયાસન અને આજની સુપ્રીમ કોર્ટ , Divya Bhasker.29-7-2012

વિક્રમાદિત્યના ન્યાય અને આજની કોર્ટના ન્યાય વચ્ચે તફાવત શું? આજની કોર્ટ ન્યાય આપવામાં જે વિલંબ કરે છે તેમાં ન્યાયની મશ્કરી થાય છે. ગરીબને ન્યાય નથી મળતો.

સત્યના સગા ભાઇનું નામ ન્યાય છે. ન્યાય પવિત્ર ઘટના છે. વડોદરામાં કોર્ટને ન્યાયમંદિર કહેવામાં આવે છે. ‘અમર’ ફિલ્મમાં મહંમદ રફીના ગીતની પંક્તિ યાદગાર બની હતી: ઇન્સાફ કા મંદિર હૈ યે ભગવાન કા ઘર હૈ. જે વકીલ સત્યને ભોગે કમાણી ન કરે તેને સંત કહેવો જોઇએ. એ વકીલ ન્યાયમંદિરનો દ્વારપાલ છે. વકીલ કજિયા-દલાલ નથી. ગુનેગારને સજા મળે અને નિર્દોષ મનુષ્ય સજામુક્ત બને તો જ ન્યાય જળવાય. ગાંધીજીએ દુનિયાને ‘ખરી વકીલાત’ એટલે શું તે બતાવી આપ્યું. શું તેમની કમાણી ઓછી હતી? જોહાનિસબર્ગમાં ચાલતી ધમધોકાર વકીલાત ગાંધીજીએ છોડી ત્યારે એમની કમાણી વર્ષે પાંચ હજાર પાઉન્ડની હતી. પ્રામાણિક બનવાથી કમાણી ઘટે એવી માન્યતા ક્યારે દૂર થશે? પ્રામાણિક વેપારી ઓછું નથી કમાતો.

સુરતના ગોપીપરામાં આવેલી ન. ઘે. ઝવેરી જૈન હાઇસ્કૂલના દસમા ધોરણમાં ભણતી વખતે અમારું અંગ્રેજી પાઠયપુસ્તક હતું: ‘ગ્લીનિંગ્સ ફ્રોમ ઇંગ્લિશ લિટરેચર.’ એમાં ત્રીજો પાઠ સિસ્ટર નિવેદિતાએ લખેલી વાર્તા પર હતો. વાર્તાનું મથાળું હતું: ‘The Judgement-Seat of Vikramaditya.’  એ વાર્તાનો સાર સિસ્ટરના શબ્દોમાં સાંભળો:

સદીઓ વીતી, પરંતુ ઉજ્જૈન જેવી વિખ્યાત નગરી બીજી ન હતી. ત્યાં જ્ઞાનની ઉપાસના થતી. હોમર, દાન્તે અને શેક્સ્પિયર જેવા વિશ્વના ઉત્તમ કવિઓની હરોળમાં બેસે એવો કવિ કાલિદાસ એ નગરીમાં રહેતો હતો. ઇસુ થઇ ગયા તેના પ૭ વર્ષ પહેલાં ત્યાં માળવાનો રાજા વિક્રમાદિત્ય થઇ ગયો. કિંગ આર્થરની માફક રાજા વિક્રમનો ન્યાય વિખ્યાત હતો. લોકોમાં એનો આદર હતો. તેથી એ પૂજનીય ગણાતો. એ કદી છેતરાતો નહીં. એણે કદી કોઇ નિર્દોષને સજા ફરમાવી ન હતી. ગુનેગારો જ્યારે એની સામે આવે ત્યારે ધ્રૂજી ઊઠતા. કેસના મૂળ સુધી પહોંચીને ન્યાય તોળવાની એની ચીવટ અદ્ભુત હતી. એના ગયા પછી જ્યારે પણ કોઇ ન્યાયાધીશ સાચો ન્યાય તોળે, ત્યારે લોકો બોલી ઊઠતા: ‘અરે એ ન્યાયાધીશ જરૂર વિક્રમાદિત્યના ન્યાયાસન પર બેઠો હોવો જોઇએ.’

વર્ષો વીતી ગયાં. ઉજ્જૈનથી થોડેક દૂર આવેલાં ધૂળિયાં ખંડિયેરોમાં દટાયેલા રાજા વિક્રમના મહેલની જમીન પર ગાયો ચરતી હતી. ગાયની ડોકમાં ઘંટડીઓનો મધુર રણકાર હતો. સાંજ પડે ત્યારે ગોધૂલી સમયે ગાયો ગામમાં પાછી ફરતી. ઉજ્જૈન પાસે આવેલા ગામના ગોવાળિયા પાદરની ખરબચડી ભોંયમાં રગદોળાતા ઘાટીલા પથ્થરો ઉછાળતા. એ પથરાળી જમીનમાં એક મોટો પથ્થર પડયો હતો. તે પથ્થર પર માટી જામી ગઇ હતી. એ મોટો પથ્થર ન્યાયાસન જેવો દેખાતો હતો. એક ગોવાળિયો તેના પર બેઠો અને એણે ઘાંટો પાડીને કહ્યું: ‘સાંભળો રે લોકો તમે જે કોઇ ઝઘડો હોય તે મારી સમક્ષ લાવજો. હું સાચો ન્યાય આપીશ.’ ગોપાળમિત્રો અમથા અમથા લડવા લાગ્યા અને પછી પેલા નાના ન્યાયાધીશ પાસે ગયા અને બોલ્યા: ‘મી લોર્ડ, અમને ન્યાય આપો.’ ધીરે ધીરે એ ગોવાળિયાની કીર્તિ‌ પ્રસરી ગઇ. ન્યાયાસન પર બેઠો ન હોય ત્યારે એ ગોવાળિયો સાવ સામાન્ય છોકરો જ બની જતો. ધીરે ધીરે આસપાસના ગામલોકો ન્યાય માટે એ ગોવાળિયા પાસે આવવા લાગ્યા.

વખત જતાં આ વાત રાજા સુધી પહોંચી ગઇ. ઉજ્જૈન તો ત્યારે માળવાની રાજધાની પણ ક્યાં હતી? રાજાને થયું કે એ ગોવાળિયો જરૂર રાજા વિક્રમાદિત્યના ન્યાયાસન પર બેઠો હશે. રાજાએ તો ખોદકામ કરાવ્યું અને કાળા આરસનો મોટો ટુકડો મળી આવ્યો. એની સાથે પચીસ જેટલા દેવદૂતોની સુંદર પ્રતિમાઓ પણ હતી. હુકમ થયો કે પ્રજા ત્રણ દિવસ ઉપવાસ કરે અને પ્રાર્થના કરે, પછી ચોથા દિવસે રાજા ન્યાયાસન ગ્રહણ કરશે. જેવો રાજા ન્યાયાસન પર બેસવા ગયો ત્યાં પચીસ પ્રતિમાઓમાંથી એક દેવદૂત બોલ્યો: ‘ઊભો રહેજે. વિચાર કર કે તું વિક્રમાદિત્યના આ આસન પર બેસવાને પાત્ર છે ખરો?’ રાજા થોભ્યો અને છેવટે બોલ્યો: ‘ના, હું યોગ્ય નથી.’ દેવદૂતે કહ્યું: ‘ત્રણ દિવસ ઉપવાસ અને પ્રાર્થના કર પછી શુદ્ધ થઇને તું કદાચ આસન પર બેસી શકે.’ આટલું બોલીને પોતાની પાંખો ફફડાવતો દેવદૂત ઊડી ગયો. આ પ્રમાણે પચીસ વાર રાજા આસન પર બેસવા જાય ત્યાં એક પછી એક દેવદૂત એને રોકે અને ટોકે પછી ઊડી જાય. રાજાએ પ્રયત્ન ન છોડયો.

છેક છેલ્લા દેવદૂતે રાજાને કહ્યું: ‘શું તું પેલા ગોવાળિયા જેટલો નિર્મળ છે?’ રાજાએ કહ્યું: ‘ના, હું નથી.’ છેલ્લો દેવદૂત પોતાના માથા પર આખું સિંહાસન મૂકીને ઊડી ગયો. છેલ્લા દેવદૂતે ન્યાયનું રહસ્ય પ્રગટ કર્ર્યું: ‘જે મનુષ્ય હૃદયનો ચોખ્ખો હોય અને બાળક જેવો નિષ્પાપ હોય તે જ સંપૂર્ણપણે ન્યાયી બની શકે.’ પેલો નિર્દોષ ગોવાળિયો તેથી જ વિક્રમાદિત્યના ન્યાયાસન પર વિરાજમાન થઇને ન્યાય તોળી શક્યો. (અત્યારે એ જૂનું પાઠયપુસ્તક મારા હાથમાં છે. જૂના દિવસો યાદ આવી ગયા)

@@@

લગભગ ૬૦ વર્ષ પછી રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલી આ વાર્તા વાંચીને પ્રથમ સ્મરણ માયાવતીજીનું થયું. ઉત્તરપ્રદેશમાં એમનું શાસન મુલાયમસિંહના શાસન કરતાં જરાય ઊતરતું ન હતું. વળી, અખિલેશ યાદવ પણ એમનાથી ચડિયાતો મુખ્યપ્રધાન સાબિત થાય તેમ નથી. આવકના પ્રમાણમાં વધારે સંપત્તિ ધરાવવાના આક્ષેપમાં સુપ્રીમ કોર્ટે એમને બેગુનાહ જાહેર કર્યાં છે. કેસ ચાલ્યો તેનાં આઠ-દસ વર્ષ દરમિયાન લોકો એમને ગુનેગાર માનતા રહ્યા. સુપ્રીમ કોર્ટે આ બાબતે સી.બી.આઇ.ની પણ સખત ટીકા કરી છે. ગુનો સાબિત ન થાય ત્યાં સુધી મનુષ્યને નિર્દોષ માનવાની તંદુરસ્ત પ્રણાલિકા મીડિયા-ન્યાયને કારણે નષ્ટ થાય છે. ડો. સુબ્રહ્મણ્યન્ સ્વામી ગમે તે કહે તોય જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી ચિદમ્બરમ્ નિર્દોષ ગણાવા જોઇએ.

આ જ વાત લાલુપ્રસાદ યાદવને પણ લાગુ પડે છે. લોકતાંત્રિક પરિપક્વતાની આ માગ છે. વળી, આપણી માન્યતા ગમે તે હોય, પરંતુ સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા પછી પણ આપણે જો માયાવતીજીને મનોમન નિર્દોષ ન માનીએ, તો તે પણ અન્યાયકર્તા જ ગણાય. મીડિયા આગળથી જ કોઇ વ્યક્તિ કે સંસ્થાને કે પક્ષને બદનામ કરે તો ન્યાય નંદવાય છે. ન્યાય જેવી પવિત્ર બાબતમાં અફવા, લોકમાન્યતા, પૂર્વગ્રહ, રાજકારણ કે મીડિયા-ન્યાયને સ્થાન ન હોઇ શકે. સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી અફઝલ ગુરુ પણ નિર્દોષ ગણાવો જોઇએ. સુપ્રીમ કોર્ટની સજા અંગે આખરી ચુકાદા પછીનું સરકારનું ઢીલું વલણ પણ ન્યાયની પવિત્રતાને ઘટાડનારું છે. સજાપાત્ર માણસને સજા ન થાય ત્યારે એ સજા નિર્દોષ માણસને જરૂર થતી હોય છે. વિક્રમાદિત્યનો ન્યાય એવી છૂટ ન આપે.

ન્યાય એટલે શું? કાયદાશાસ્ત્રના અભ્યાસ વિના પણ એટલું તો કહી શકાય કે ન્યાયશાસ્ત્રમાં બે બાબતો અનિવાર્ય છે: (૧) ગુનેગારને સજા થવી જોઇએ અને (૨) નિર્દોષ હોય તેને સજા ન થવી જોઇએ. ન્યાયશાસ્ત્ર કહે છે કે ૧૦૦ ગુનેગાર નિર્દોષ છૂટી જાય તે ચાલે, પરંતુ એક નિર્દોષને સજા થાય તે ન ચાલે. વિક્રમાદિત્યના ન્યાય અને આજની કોર્ટના ન્યાય વચ્ચે તફાવત શું? આજની કોર્ટ ન્યાય આપવામાં જે વિલંબ કરે છે તેમાં ન્યાયની મશ્કરી થાય છે. ગરીબને ન્યાય નથી મળતો. ગુનો ન કર્યો હોય તોય પોલીસ એને પજવે છે. આલ્ફ્રેડ હિ‌ચકોક કહેતો: ‘હું પોલીસનો વિરોધી નથી, બસ એટલું જ કે હું એનાથી ગભરાઉં છું.’ હજી ભારતના સરેરાશ પોલીસને સ્ત્રીઓ સાથે કેમ વાત કરવી એ નથી આવડતું. કોઇપણ સમાજ કેટલો સભ્ય છે તે જાણવું હોય તો પોલીસ સાથે કામ પાડવું અને જેલની વ્યવસ્થા કેવી છે તે જોવું. કરુણાની ખરી કસોટી બે જગ્યાએ થાય છે, એક હોસ્પિટલમાં અને બીજી જેલમાં. કરુણાનો કણ એ જ ગોડ પાર્ટિ‌કલ ‘

પાઘડીનો વળ છેડે

મારી વાત કોઇને ભલે ન ગમે,
પરંતુ હું એ કહેવાની
હિંમત કરું છું કે:
આપણાં કેદખાનાં તો
આપણી સૌથી મહત્ત્વની અને
સૌથી ખામી ભરેલી
સામાજિક સેવા છે.
– ઇનોક પોવેલ
(બ્રિટિશ રાજકારણી, ૧૯૬૧)

Advertisements

2 thoughts on “વિક્રમાદિત્યનું ન્યાયાસન અને આજની સુપ્રીમ કોર્ટ , Divya Bhasker.29-7-2012

 1. નમસ્કાર,

  સવિનય જણાવવાનું કે હું આપનો ચાહક અને વાચક છુ.

  એક હકીકત દોષ તરફ આપનું ધ્યાન દોરવાનું કે આપના તા ૨૯ / ૦૭/૨૦૧૨ના લેખમાં આપે જણાવેલ ૨૫ દેવદુત નહિ પણ તે ૩૨

  પૂતળીઓ હતી. જેની કહાનીઓ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં પ્રાપ્ય છે.

  અને તે ” રાજા વીર વિક્રમની બત્રીસ પુતળીની વાર્તા ” તરીકે મશહુર છે.

  આપ અવશ્ય ચેક કરી લેશો.

  વિરમું છું.

  રાજેન્દ્ર કણઝારીયા.

 2. માફ કરજો સાહેબ,આપ જેટલો પરિપક્વ નથિ.ભલે અહી ની અદાલત માયાવતી વિગેરે ને નિર્દોસ જાહેર કરે પણ જે સત્ય છે તે નહી બદલાય. અહી તો કદાચ કસબ પણ છૂટી જશે. બાકી હવે તો સો નિર્દોસ ભલે મરતા, પણ ઍક ગુનેગાર ના બચવો જોઈયે,કારણકે તે ઍક બીજા હજારો નિર્દોષો ની હત્યા કરતો ફરશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s