મહાભારતના કૃષ્ણ છે લીલા-પુરુષોત્તમ , Divya Bhasker, Sunday

કૃષ્ણને આપણે ત્યાં ‘લીલા-પુરુષોત્તમ’ કહ્યા તેનું રહસ્ય સમજવા જેવું છે. તેઓ દ્વન્દ્વાતીત છે અને વળી ગુણાતીત પણ છે. સમગ્ર શ્રાવણ મહિ‌નો આપણને કૃષ્ણમય બનવાની ભીની તક પૂરી પાડે છે. શ્રાવણનાં ઝરમરિયાં માણસને રાધામય બનાવનારાં છે.

આ પણી આ દુનિયા કેટલી સુંદર અને કેટલી અસુંદર છે તે જાણવું હોય તો મહાભારત વાંચવું. સમગ્ર સંસારમાં જ્યાં જુઓ ત્યાં જોડકું (દ્વન્દ્વ) નજરે પડે છે. સુંદર-અસુંદર, શુભ-અશુભ, સ્વચ્છ-અસ્વચ્છ, તેજ-તિમિર, સુગંધ-દુગ્ર્ાં(ધ, સાધુ-અસાધુ, કરુણા-ક્રૂરતા, ભલું-બૂરું, મંગલ-અમંગલ અને સુખ-દુ:ખ જેવાં અસંખ્ય જોડકાં માનવીને રમાડે છે. ગીતામાં કૃષ્ણે એક મૌલિક વાત કહી છે. આવાં દ્વન્દ્વોથી પર હોય તેને માટે ગીતામાં ‘દ્વન્દ્વાતીત’ શબ્દ પ્રયોજાયો છે. માનવીના મનની આ બહુ ઊંચી અવસ્થા છે. કૃષ્ણ એ જ અવસ્થા ધારણ કરીને જીવ્યા.

યોગેશ્વર કૃષ્ણે ગીતામાં બીજી મૌલિક વાત કહી છે. આ દુનિયામાં ત્રણ ગુણોની લીલા સતત ચાલતી રહે છે. આ સંસાર એટલે શું? સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ વચ્ચે પ્રતિક્ષણ ચાલતી આંતરક્રિયા સંસારમાં બધા ખેલ સર્જે છે. કોઇપણ માણસ ગમે તેટલો મહાન હોય તોય ચોવીસે કલાક સત્ત્વગુણમાં સ્થિર નથી હોતો. વળી એ માણસ ગમે તેટલો બદમાશ હોય તોય ચોવીસે કલાક તમોગુણમાં જ રમમાણ નથી હોતો. સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ જેવી ત્રણ અવસ્થામાં માનવીના મનની આવન-જાવન ચાલતી રહે છે.

યુધિષ્ઠિ‌ર સત્ત્વગુણપ્રધાન છે તોયે જુગારનું આમંત્રણ મળે ત્યારે રજોગુણ અને તમોગુણમાં સરી પડે છે. દુર્યોધન તમોગુણવાન છે તોય એનો રાજ્યકારભાર વખણાયો છે અને એ ‘સુયોધન’ કહેવાયો છે. ભીષ્મ સત્ત્વગુણમાં સ્થિર ખરા, પરંતુ દ્રૌપદી વસ્ત્રહરણના પ્રસંગે રજોગુણી કાયરતામાં સરી પડે છે. સંસાર આ ત્રણે ગુણો વચ્ચે સતત ચાલતી આંતરક્રિયા સિવાય બીજું શું છે જે સ્થિતપ્રજ્ઞ આ ત્રણે ગુણોથી પર હોય એને માટે ગીતાએ મૌલિક શબ્દ આપ્યો: ‘ગુણાતીત.’ ગીતાનું આવું વિશ્લેષણ વેદ-ઉપનિષદમાં જોવા મળતું નથી. કૃષ્ણને આપણે ત્યાં ‘લીલા-પુરુષોત્તમ’ કહ્યા તેનું રહસ્ય સમજવા જેવું છે. તેઓ દ્વન્દ્વાતીત છે અને વળી ગુણાતીત પણ છે. સમગ્ર શ્રાવણ મહિ‌નો આપણને કૃષ્ણમય બનવાની ભીની તક પૂરી પાડે છે. શ્રાવણનાં ઝરમરિયાં માણસને રાધામય બનાવનારાં છે.

મહાભારત જેવું મહાકાવ્ય માણસને શું શીખવે છે? કવિ ઉમાશંકર તો મહાભારતને ‘વિરાટ કાવ્ય’ કહે છે. મહાભારત વિરાટ કાવ્ય છે તે એના સ્થૂળ કદને કારણે નથી. શ્લોકોની સંખ્યા વધારે હોય તેથી કોઇ કાવ્ય આપોઆપ વિરાટ કાવ્ય નથી બનતું. મહાભારતમાં માનવીના મનનું પ્રતિબિંબ ઝિલાયું છે. માનવીનું મન વિરાટને બાથમાં લેનારું છે તેથી મહાભારત અનન્ય મહાકાવ્ય છે. તૈત્તિરીય ઉપનિષદમાં ઋષિ ભૃગુ બ્રહ્મની ખોજ શરૂ કરે ત્યારે એને ક્રમશ: અન્નબ્રહ્મ, પ્રાણબ્રહ્મ, મનબ્રહ્મ, વિજ્ઞાનબ્રહ્મ અને આનંદબ્રહ્મનો આવિષ્કાર થાય છે. ટૂંકમાં માનવીનું મન પણ બ્રહ્મ જેટલું વિરાટ છે. વ્યાસ જેવા ક્રાંતદર્શી મહાકવિ જ આવા મનબ્રહ્મને મહાકાવ્યમાં પ્રગટ કરી શકે.

હજારો વર્ષોથી સંસારનો ખેલ ચાલતો રહ્યો છે. માનવી આખરે છે કોણ? એ કેવળ નાચણિયો છે. સંજોગો એને નચાવે છે. રાજા શાંતનુ શિકાર માટે યમુનાતટે ગયો ત્યારે એમની નજર મત્સ્યગંધા પર પડી. પ્રથમ નજરે શાંતનુ ઘાયલ થઇ ગયો. વર્ષો પછી શેક્સપિયરે ‘As You Like it’ નાટકમાં પાત્ર દ્વારા શબ્દો ઉદ્ગાર્યા: ‘Who ever loved that loved not at first sight?’ (પ્રથમ નજરે ન સંભવે, તે વળી પ્રેમ શેનો?) રાજા શાંતનુ યમુના કિનારે ન ગયો હોત તો મહાભારતનું યુદ્ધ થયું હોત ખરું? શાંતનુ પણ નાચણિયો અને આપણે પણ નાચણિયા નિયતિ નચાવે છે. મહાભારત આપણને નિયતિના આ વિરાટ નૃત્યની ઝાંખી કરાવે છે. મહાભારતના એ વિરાટ કર્મક્ષેત્રમાં એક રળિયામણું વટવૃક્ષ ઊભું છે. સતત નાચનારા મનુષ્યોને ગીતા જેવા ભવ્ય અને દિવ્ય વૃક્ષની શીળી છાયામાં એક શિખામણ કૃષ્ણ તરફથી મળી છે: નાચો, ભલે નાચો, પરંતુ સતત વિચારતા રહો કે: હું આખરે શા માટે નાચું છું? નાચનારની આવી આત્મસભાનતા (self-awareness) મનુષ્યને અન્ય પ્રાણીઓથી જુદો પાડનારી છે. ગીતાના ઉપદેશનો આ સાર છે.

કૃષ્ણ કેવળ અર્જુનના જ નહીં, આપણા સૌના સારથિ છે. તેઓ લીલા-પુરુષોત્તમ છે. માણસને દ્વેષ અને ઇષ્ર્યા નચાવે છે. દુર્યોધનનો તમોગુણ હઠીલો ન હોત તો મહાભારતનું યુદ્ધ થયું હોત ખરું? હિ‌ટલરનો અહંકાર પ્રબળ ન હોત તો બીજું વિશ્વયુદ્ધ થયું હોત ખરું? ધર્મરાજ યુધિષ્ઠિ‌ર જુગાર રમવા તૈયાર ન થાત તો દ્રૌપદીનું વસ્ત્રહરણ શક્ય હતું? મહાભારતના આરણ્યકપર્વમાં પાંડવોને વનમાં મળવા ગયેલા કૃષ્ણને યુધિષ્ઠિ‌ર પૂછે છે: ‘હસ્તિનાપુરમાં દ્યુતસભામાં જે કંઇ બન્યું ત્યારે હે કૃષ્ણ તમે ક્યાં હતા?’ કૃષ્ણ જવાબમાં કહે છે: ‘હું જો તે સમયે દ્વારકામાં હોત, તો એ સભામાં વગર આમંત્રણે પણ પહોંચી જાત. મેં જરૂર જુગારનો ખેલ અટકાવ્યો હોત. જે લતને કારણે તમારી પડતી થઇ છે તેના દોષ મેં વીરસેનના પુત્ર નળરાજાનું દૃષ્ટાંત આપીને ગણાવ્યા હોત. હું તો શાલ્વરાજાના સૌભ નગરમાં એને હણવા માટે ગયો હતો. એ સમયે આનર્ત પ્રદેશમાં હું હાજર ન હતો.’

પછી કૃષ્ણ યુધિષ્ઠિ‌રને જુગારની રમત કેટલી ખરાબ છે તે સમજાવે છે. જન્માષ્ટમીના તહેવારને જુગાર-અષ્ટમીમાં ફેરવી નાખનારી પ્રજા કૃષ્ણનાં માત્ર ત્રણ વિધાનો સાંભળે ખરી?

-જુગારમાં એક જ દિવસમાં ધન ખતમ થાય છે અને એની લત પડી જાય છે.
-પૈસાનો ભોગવટો થાય તે પહેલાં જ પૈસા ગુમાવવા પડે છે.
-જુગારને તો જુગારના નિષ્ણાતો પણ નિંદાપાત્ર ગણે છે.

વાતવાતમાં કૃષ્ણ જુગારની સાથોસાથ શિકારની ટેવ અને મદિરાપાનની ટીકા પણ કરે છે અને કહે છે કે: ‘એ કુટેવોને કારણે રાજા રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે. (રાજન્ ભ્રશ્યતે શ્રિય:). યાદ રાખવા જેવું છે કે માનવ-ઇતિહાસમાં સૌપ્રથમ દારૂબંધી દ્વારકામાં અમલમાં આવી હતી. પ્રભાસપાટણમાં યાદવોનો સર્વનાશ થયો તેનો ખ્યાલ કૃષ્ણને આગળથી આવી ગયો હતો. વિચારવાની વાત છે. મહાભારતયુગનાં કયાં અનષ્ટિો આજના યુગમાં ગેરહાજર છે? ઉપકરણો બદલાયાં પણ માનવી નથી બદલાયો. દ્વેષ નથી ઘટયો. ઇષ્ર્યા નથી ઘટી. વેરભાવ કાયમ છે. શકુનિ મર્યો નથી. કાવાદાવા પણ હવે સભ્યતાયુક્ત (સોફિસ્ટિકેટેડ) બન્યા છે. ખલનાયક આકર્ષક બન્યો છે. ગબ્બરસિંગ નવી પેઢીને ગમી ગયો છે.’

જે હાથ વાંસળી ઝાલીને કોસ્મિક સિમ્ફની વહેતી મેલી શકે, તે હાથ શિશુપાલના વધ માટે સુદર્શનચક્ર પણ ઝાલી શકે. જગતમાં જાતજાતનાં સંહારક શસ્ત્રો પ્રયોજાયાં છે, પરંતુ કોઇ શસ્ત્ર સાથે ‘સુદર્શન’ જેવું સુંદર વિશેષણ નથી જોડાયું. કૃષ્ણ પાસે એક એજન્ડા હતો અને તે ધર્મની સંસ્થાપના કરવાનો. સુદર્શનચક્ર એવા વિરાટ એજન્ડાને ન્યાય આપવા માટે આવશ્યક હતું. જે પ્રજા દુર્જનો (આતંકવાદીઓ)ને પંપાળે છે, તેને અધર્મ વેઠવો જ પડે છે. દુર્યોધન પ્રત્યે કરુણા હોય એનો અર્થ જ એ કે દ્રૌપદી પ્રત્યે અકરુણા’

પાઘડીનો વળ છેડે
હે યુધિષ્ઠિ‌ર
ખરેખર એમ લાગે છે કે તમારામાં
ગુસ્સો (મન્યુ) છે જ નહીં.
લોકોમાં એમ કહેવાય છે કે
ક્ષત્રિય કદી ઉચિત ક્રોધ (મન્યુ) વિનાનો ન હોય.
આજે એનાથી વિપરીત તમારા જેવા
ક્ષત્રિયમાં જોઇ રહી છું.
સમય આવ્યે જે ક્ષત્રિય પોતાનું
તેજ બતાવતો નથી,
તેનું બધાં જ પ્રાણીઓ અપમાન કરે છે.
તો તમારે શત્રુ પ્રત્યે ક્યારે પણ
ક્ષમા ન બતાવવી જોઇએ.
– દ્રૌપદી (મહાભારત, આરણ્યક પર્વ, અધ્યાય-૨૮)

Advertisements

One thought on “મહાભારતના કૃષ્ણ છે લીલા-પુરુષોત્તમ , Divya Bhasker, Sunday

 1. Respected Morari-bapu and Shri Gunvanbhai

  I would like to join Shri Gunvantbhai Shah and your team when you decide to do KATHA at

  the Zen-Ashram in Kyoto Japan.

  Requesting you to add my name in your mailing list of attendees of this Katha.

  Let me know when the dates are confirmed and finalized.

  Jai-Shiya-Ram,

  Ashwin V. Parikh

  11-AUG-2012 SAT 7:45 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s