પરિવારમાં હોય જો તોફાની બારકસ Divya Bhasker, 19-8-2017

તોફાની બાળક એટલે એવું બાળક જેની પ્રાણશક્તિ વધારે છે. પ્રહ્લાદ જો ડાહ્યોડમરો હોત તો જરૂર રાક્ષસપુત્ર તરીકે પિતાનો લાડકો પુત્ર હોત. તોફાની બાળક માતાપિતાની ધીરજની કસોટી કરે છે.

ડાહ્યાંડમરાં સંતાનો હોય એવા પરિવારની અદેખાઈ કરવામાં માલ નથી. માનવ-ઈતિહાસમાં ડાહ્યાંડમરાં સંતાનોએ ઝાઝી ધાડ મારી નથી. તોફાની બાળક એટલે એવું બાળક જેની પ્રાણશક્તિ વધારે છે. પ્રહ્લાદ જો ડાહ્યોડમરો હોત તો જરૂર રાક્ષસપુત્ર તરીકે પિતાનો લાડકો પુત્ર હોત. તોફાની બાળક માતાપિતાની ધીરજની કસોટી કરે છે. ડાહ્યાડમરા કનૈયાની કલ્પના કરી જુઓ. શ્રીમદ્ ભાગવતનો દસમો સ્કંધ ફિક્કો પડી જતો જણાશે. જ્યાં તોફાન નથી ત્યાં પ્રાણશક્તિ નથી અને જ્યાં પ્રાણશક્તિ નથી ત્યાં પરાક્રમ નથી.

આજે આપણો દેશ ઓછી પ્રાણશક્તિને આધારે જીવી ખાનારો દેશ બની ચૂકયો છે. માનશો? ભ્રષ્ટાચાર કરવા માટે પણ પ્રાણશક્તિ જોઈએ અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે પણ પ્રાણશક્તિ જોઈએ. એ. રાજાની બોડી લેંગ્વેજ ધારી ધારીને જોજો. એની પ્રાણશક્તિ વધારે છે. પ્રાણશક્તિમાંથી જ વિલ પાવર જન્મે છે. એ રાજાના ભ્રષ્ટાચાર સામે લડવા માટે પણ સવાઈ પ્રાણશક્તિની જરૂર છે. (અણ્ણા હજારેની પ્રાણશક્તિ ઓછી નથી, પરંતુ પ્રજા મંદપ્રાણ છે તેથી વાત જામતી નથી. પ્રજાની ગુસ્સે ભરાવાની તાકાત ઓછી પડે છે. ‘ભદ્ર નપુંસકતા’ પ્રજાને સલામતીની અનુભૂતિ કરાવે છે. પરિણામે ભ્રષ્ટ સરકારને નિરાંત છે).

વિષાયાંતર થયું પણ તે જાણીજોઈને કર્યું છે. સંતાનવિહોણાં માતાપિતા દુખી છે કારણ કે ઘરમાં તોફાન કરનાર ગેરહાજર છે. તોફાન કરનાર દીકરો કે દીકરીનાં માતાપિતા ઘરમાં તોફાન છે તેથી દુખી છે. શિવધનુષનો ઘોડો કરનારી સીતાના પિતા જનક ચિંતામાં પડી ગયા. મારી આ (અયોનિજા) દીકરીને લાયક એવો સમર્થ પતિ ક્યાંથી મળશે? દ્રૌપદી (યાજ્ઞસેની) પણ સીતાની માફક અયોનિજા હતી. એ તેજસ્વી હતી અને તેથી પિતા દ્રુપદને એની ચિંતા હતી. આજે પણ અતિ તેજસ્વી દીકરીનાં માતાપિતા ખાનગીમાં વધારે ચિંતા સેવતાં હોય છે. જ્યાં પરાક્રમ હોય ત્યાં ચિંતા હોવાની. પરાક્રમહીનતા હોય ત્યાં નિશ્વિંતિ હોય છે.

ડાહ્યીડમરી દીકરી માતાપિતા સૂચવે તે છોકરા માટે હા પાડે છે. માતાપિતાને ડાહ્યોડમરો લલ્લુ ઝટ પસંદ પડે છે. ધન્ય છે એવાં માતાપિતાને જેમણે પોતાનાં સંતાનોને જીવનસાથીની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી. ક્યારેક ભૂલ થવાની. ક્યારેક પસ્તાવું પડવાનું. અરે! બધી ચકાસણી પછી ગોઠવાયેલાં લગ્નો થાય પછી પસ્તાવાનો વારો નથી આવતો? યુવક-યુવતી વચ્ચે જે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થાય છે તેમાં કોસ્મિક છંદોલય હોય છે. આવા‘ કોસ્મિક છંદોલય ’ માટે અંગ્રેજીમાં નજીક પહોંચે એવા શબ્દ ‘resonance’ છે. રેઝોનન્સ એટલે સીમ્પથેટિક‘વાઈબ્રેશનન્સ’. મહાકવિ શેક્સ્પિયર પ્રથમ નજરે થતા પ્રેમનો મહિમા કરે છે. ‘As You Like It’ નાટકમાં એક પાત્ર ઉદ્ગારે છે. પ્રથમ નજરે ન સંભવે તે વળી પ્રેમ શાનો ?

પિતા-પુત્ર માટે લખાયેલી એક જુની અંગ્રેજી કવિતા મને યાદ આવે છે. કવિતાનું મથાળું છે. ‘રોe રગ્ન્જપ્ત કવિ ઓગણીસમી સદીમાં થઈ ગયા હતા. કોવેન્ટ્રી પેટમોર (૧૮૨૩-૧૮૯૬). કવિતાનો ભાવાનુવાદ વાંચીને જો આંખ ભીની ન થાય તો જરૂર તમે લાગણીશૂન્ય હોવાના. સાંભળો:

મારો દીકરો તોફાની બારકસ.
મારો દીકરો તોફાની બારકસ.
એની આંખો વિચારવંતી, એની વાણી ગુણવંતી
મારી આજ્ઞા એણે સાત સાત વાર ઉથાપી
તેથી મેં એને બરાબર મેથીપાક ચખાડ્યો!
મેં એને કઠોર શબ્દો કહ્યા તેથી
એ બીજા ઓરડામાં ચાલી ગયો.
એની મા ખાટલે પડી પછી
કાયમને માટે ઉપર ચાલી ગઈ છે.
હું એના ખાટલા પાસે ગયો ત્યારે
એ ઘસઘસાટ ઊંઘતો હતો !
ડૂસકાં ખૂટી પડ્યાં, પરંતુ
એની આંખનાં પોપચાં ભીનાં ભીનાં.
નિ:શ્વાસ નાખીને મેં એના ગાલ પર
બાઝેલાં આંસુને ચુંબન કર્યું ત્યારે ત્યાં
મારાં આંસુ પણ ટપકી પડ્યાં !
પાસેના ટેબલ પર થોડાક ફ્રેન્ચ સિક્કા,
કાચના કૂકા અને દરિયાકાંઠેથી મળેલાં
છીપ-છીપલાંની સાથે થોડાક
સુંવાળા પથરા પડેલા હતા.
એ રાતે જ્યારે મેં પ્રાર્થના કરી ત્યારે
હું રડતો રહ્યો, રડતો રહ્યો!
હે પ્રભુ !
તેં અમને માટીમાંથી સજયાઁ, પરંતુ
અમે અમારાં રમકડાં સાથે રમતા રહ્યાં.
અમે તારી આજ્ઞા ક્યારે માની?
મારા શ્વાસ ખૂડી પડે અને
હું આખરી નીંદરમાં પોઢી જાઉં ત્યારે
તું પણ તારો ક્રોધ બાજુ પર રાખીને
અમને માફ કરી દે જે !

મૃત્યુની શક્યતા લઈને આવેલી ગંભીર માંદગી વખતે ખાટલાની ફરતે ઊભેલાં પ્રેમાળ સંતાનોની સંનિષ્ઠ સેવા વૃદ્ધ મનુષ્યને જીવતા રહેવાની ઈચ્છા પૂરી પાડે છે. સંતાનો નાનાં હોય ત્યારે એમને સારા સંસ્કારો આપવા એ તો (શેરબજારમાં) બ્લુ ચીપ ગણાતી કંપનીઓમાં રોકાણ કરવા બરાબર છે. જૂઠું બોલવાના સંસ્કાર માતાપિતા વાતે વાતે જુઠું બોલીને પાડે છે. મોટાં થઈને સંતાનો માતાપિતાને જૂઠું બોલીને દુખી કરે છે.

પિતાનો માર ખાઈને મોટા થયેલા રાજકીય નેતા કોણ? ફારૂખ અબ્દુલ્લાને એમના પિતા શેખ અબ્દુલ્લા ખૂબ ઝપેટતા. બાળ-ઉછેરનાં પ્રથમ દસ વર્ષ બાળક માતાપિતાના કહ્યામાં હોય છે. પછીનાં વર્ષોમાં તેઓ સામે દલીલો કરે ત્યારે એમની દલીલને વિચારોની આપ-લેમાં ફેરવી નાખવી એ જ ઉત્તમ માર્ગ છે. બાળકોને પોતાની કાર્બન કોપી બનાવવાની ઇચ્છા હિરણ્યકશ્યપની ઇચ્છાનું જ પુનરાવર્તન ગણાય. તમારો બાળક તમારા જેવો જ થાય એવી ઈચ્છા પ્રકૃતિને નથી.

નવી પેઢી જુની પેઢી કરતાં અધિક નિખાલસ અને અધિક બુદ્ધિશાળી છે. એની ધીરજ ઓછી છે અને દંભ સહન કરવાની એની શક્તિ તો ખૂબ જ મર્યાદિત છે. એ પેઢી ત્યાગ કરવામાં માનતી નથી. એને કરકસર પ્રત્યે ઝાઝો પ્રેમ નથી. પૈસાનો, વીજળીનો કે અન્ય બગાડ એને ઝટ ખૂંચતો નથી. મોટેરાએ આચાર દ્વારા સેવેલા સત્યનો એ આદર કરે છે. જે વાત એને ગળે ન ઊતરે તેનો સ્વીકાર એ કદી નહીં કરે. પરિવારમાં પ્રગટ થયેલો આવો દિવ્ય નમૂનો આદરણીય છે. ઉંમરલાયક વડીલને આ વાત ક્યારે સમજાશે !

(લખ્યા તા. ૩૦-૭-૨૦૧૨)

પાઘડીનો વળ છેડે

ઉંમરલાયક મનુષ્ય એટલે શું ?
એ તો એવો બાળક છે,
જે ઉંમર વધી પછી
ધડાકાભેર હવામાં ઓગળી ગયો!
સાઈમો દ બુવેર

Advertisements

2 thoughts on “પરિવારમાં હોય જો તોફાની બારકસ Divya Bhasker, 19-8-2017

  1. (અણ્ણા હજારેની પ્રાણશક્તિ ઓછી નથી, પરંતુ પ્રજા મંદપ્રાણ છે તેથી વાત જામતી નથી. પ્રજાની ગુસ્સે ભરાવાની તાકાત ઓછી પડે છે.)આઝાદી મળ્યા પછી પ્રતીસ્પર્ધી પેદા ન થાય તે માટે પ્રજાને નપુશક બનાવવા સિવાયનું કોઈ કામ કર્યુંજ નથી તો પ્રજામાં ખૂમારી આવે ક્યાં થી?

  2. Really a wonderfull narration..actually I hv not read much of yr books or articles but I have read 2 or 3 aricles in divya bhaskar( supplementry pages) .I must say..you are having wider and clear vision of tomorrow. you respect today’s generation ,understands their thoughts and also willing to put them in to action…
    really I am very much inspired by your thoughts.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s