ગોલી માર ભેજે મેં ભેજા શોર કરતા હૈ! Divya Bhasker, 26-9-2012

જે ગૃહિણી નવરાશના સમયમાં કોઇ સુંદર પુસ્તક કે સામયિક વાંચવાનું રાખે તેનાં સંતાનો નસીબદાર ગણાય. સંસારમાં આવી ગૃહિણી સાવ એકલી પડી જાય છે.

કેટલાય ડોક્ટરો એવા જોયા, જેમને પોતાની ધૂમ પ્રેક્ટિસ વચ્ચે પણ સુંદર પુસ્તકો વાંચવાનો સમય મળી રહે છે. કેટલાય પ્રાધ્યાપકો એવા જોયા, જેમને વાંચવા માટે પગાર મળે છે તોય વાંચવાનો સમય નથી મળતો. કેટલાક એવા રાજકારણી નેતાઓને મળવાનું બન્યું છે, જેઓ બધી દોડાદોડ વચ્ચે પણ ઉત્તમ પુસ્તકો ખરીદીને વાંચવાનું ચૂકતા નથી. વાંચવા પ્રત્યે નફરત હોય એવા કેટલાય ભણેલા માણસો ખૂબ લાંબું જીવે છે. જે ગૃહિણી નવરાશના સમયમાં કોઇ સુંદર પુસ્તક કે સામયિક વાંચવાનું રાખે તેનાં સંતાનો નસીબદાર ગણાય.

સંસારમાં આવી ગૃહિણી સાવ એકલી પડી જાય છે. એ ગૃહિણીની જેઠાણી જો ન વાંચતી હોય, તો ઘરમાં રાજ કરતી હોય છે. પ્રત્યેક ઓશિકા પાસે એક એવું પુસ્તક કાયમ હોવું જોઇએ, જે નિદ્રાને પ્રગાઢ બનાવે અને જાગૃતિને જીવવા લાયક બનાવે. એડમંડ હિલરી જ્યારે એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં સફળ થયા ત્યારે કોઇકે એમને પૂછ્યું: ‘તમે બે વાર નિષ્ફળ ગયા તોય ત્રીજી વાર એવરેસ્ટની ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરવાનું મન કેમ થયું?’ હિલરીએ જે જવાબ આપ્યો તે બે વાર વાંચવા જેવો છે.

તેમણે કહ્યું: ‘એવરેસ્ટ જ્યાં છે ત્યાં છે. એનો વિકાસ નથી થવાનો, પરંતુ હું તો માણસ છું. હું વિચારી શકું છું અને મારી ભૂલોમાંથી શીખી શકું છું.’ એમને કોઇકે પૂછ્યું: ‘એવરેસ્ટ સર કરવાની હોંશ થઇ તેનું કારણ શું?’ જવાબમાં સર હિલરીએ એટલું જ કહ્યું: ‘Because it is there’ વાત એમ છે કે જે મનુષ્ય વિચારહીન હોય તે બાખડી ભેંસ કરતાં થોડોક જ ચડિયાતો ગણાય. જો સુખી થવું હોય તો વિચારવાનું માંડી વાળો. માણસે શા માટે વિચારવું જોઇએ? ભેંસ, ગધેડું કે વાંદરાને વિચારવાની કુટેવ ન હોય, તો માણસ નામના પ્રાણીનું વિચાર્યા વિના શું અટકી પડવાનું હતું? સંયુક્ત કુટુંબમાં દેરાણી, જેઠાણી, નણંદ, ભાભી કે સાસુમાંથી જે પાત્રને વાંચવાની અને વિચારવાની કુટેવ હશે તે જ દુ:ખી હશે. વિચારહીન મનુષ્યને દુ:ખ સિવાય બીજું કશુંય ગુમાવવું પડતું નથી. વિચાર ટળે તો દુ:ખ ટળે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! રામ ગોપાલ વર્માની ‘સત્યા’ નામની ફિલ્મમાં કલ્લુમામાને મુખેથી ગવાયેલી બે પંક્તિઓ બડી તોફાની છે. સાંભળો:

ગોલી માર ભેજે મેં
ભેજા શોર કરતા હૈ!

જે મનુષ્ય વિચારવંત હોય તેને માટે દહેજ આપવાનું કે લેવાનું શક્ય ખરું? જે મનુષ્ય વિચારવંત હોય તેને માટે ગુટખાના ગુલામ બનવાનું શક્ય ખરંુ? ૧૯૯૭ના વર્ષમાં પોરબંદરથી સાબરમતી સુધીની પંચશીલ પદયાત્રામાં ગુટખા-વિરોધી શેરીનાટક કાયમ ભજવાતું. એ પદયાત્રા પણ આખરે તો વિચારયાત્રા હતી. વિચારવંત મનુષ્ય કોઇ પણ પ્રકારના કોમી હુલ્લડમાં ભાગ લઇ શકે ખરો? સમાજમાં વિચારવંત મનુષ્યો પાતળી લઘુમતીમાં હોય છે. સતી થવાનો રિવાજ સ્વીકાર્ય હતો ત્યારે પણ કેટલીય વિચારવંત સ્ત્રીઓને અને પુરુષોને એ જરૂર અસહ્ય જણાયો હશે. એવાં સ્ત્રી-પુરુષોનો શાણો અવાજ કોઇ વિધવા બનેલી સ્ત્રીને સ્મશાનમાં લઇ જતા સરઘસમાં વાગતાં ઢોલ-નગારાંના ઘોંઘાટમાં દબાઇ મર્યો હશે. તે સમયે રાજા રામમોહન રાયને ટેકો આપનારા કેટલા માણસો હિંમતભેર એમની તરફેણમાં બહાર આવ્યા હશે? વિચારવંત હોવું એટલે જ લગભગ એકલા હોવું.

વિચારવંત હોવું એટલે જ ટીકાપાત્ર હોવું. ઓસ્કાર વાઇલ્ડ સાચું કહે છે: સમાજ કાયમ ગુનેગારોને તો માફ કરે છે, પરંતુ એ જ સમાજ કદી પણ સ્વપ્નર્દષ્ટાઓને માફ કરતો નથી. આજે દુનિયામાં નોલેજ-સોસાયટીના નિર્માણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નોલેજ સોસાયટી જો વિસ્ડમ-સોસાયટીમાં પરિણમે તો પૃથ્વી પર શાણો સમાજ રચી શકાય. તુલસીદાસ સાચું કહે છે: જાને બિનુ ન હોઇ પરતીતિ બિનુ પરતીતિ હોઇ નહીં પ્રીતિ! કહે છે: જાણ્યા વિના પ્રતીતિ ન થાય અને પ્રતીતિ વિના પ્રીતિ ન થાય. વિચારની દીક્ષા ન પામ્યા હોય એવા કેટલાક લોકો સતત ટીવી નામની પુતનાને ધાવતા રહે છે, તેથી પ્રીતિ નામની યશોદાનું સ્તનપાન કરવાનું ચૂકી જાય છે. ટીવી કરોડો ઘરોમાં જે કંઇ ઠાલવતું રહે છે તેમાં શાણપણ ઓછું અને ગાંડપણ વધારે!

લોકો વિચારવાની ટેવ છોડીને ટીવી પર ઠલવાતા પ્રચારને શરણે જતા હોય છે. ટીવી પર અત્યંત આક્રમક રીતે રજૂ થતી અસંખ્ય જાહેરખબરો આપણું બ્રેઇન-વોશિંગ કરતી રહે છે. શું ખરીદવું તે આપણે નક્કી નથી કરતા. વારંવાર આપણા મન સાથે અથડાતી જાહેરખબરો આપણે કયો સાબુ વાપરવો તે નક્કી કરે છે. ધીરે ધીરે આપણને ખબર પણ ન પડે એ રીતે વિચારશૂન્ય સમાજ સર્જાતો જાય છે. સ્વતંત્ર વિચારશક્તિ? એ વળી કઇ બલાનું નામ છે? ચૂંટણીના દિવસોમાં સૌથી મોટો પ્રહાર માણસની વિચારશક્તિ પર થતો હોય છે. ચૂંટણી લડવાની નથી, રમવાની છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે અસત્યની ઓલિમ્પિક રમાતી હોય છે.

મીડિયા ક્યારેક અસત્યને ચાર ચાંદ લગાવી દેવાનું કામ કરે છે. મીડિયા આગળથી ન્યાય ચૂકવે છે. નળમાં આવતું પાણી ચોખ્ખું જ ગણાતું રહે છે. યુદ્ધના મેદાન પરની બહાદુરી કરતાંય જીવનના મેદાન પરની બહાદુરી વધારે દુર્લભ હોય છે. કવિ નર્મદ વીર નર્મદ કહેવાયો તેનું રહસ્ય બીજા પ્રકારની બહાદુરીમાં રહેલું છે. વિચારવા માંડે તે માણસ ભરચક ભીડમાં પણ સાવ એકલો પડી જાય છે. જે બહુ વિચારે તે બહુ એકલો પડી જાય છે. વીર હોવાની પૂર્વશરત છે, એકલો પડી જવાની તૈયારી. અંધજનોના ગામમાં કાણો માણસ એકલો પડી જાય છે અને ગામના બધા જ માણસો જો કાણા હોય, તો જે માણસોની બંને આંખો બરાબર હોય એવા એકલદોકલ માણસોનું આવી જ બન્યું! મૌલિક વિચારક જુદું વિચારે તેને કારણે દુ:ખી થાય છે. એને કોઇ શહીદ નથી કહેતું!

જેઓ વિચારવાની જીદ પકડી બેઠા છે તેમના માટે માર્ક ટ્વેઇનનું એક વિધાન આશ્વાસન આપનારું છે: ‘જેઓ વાંચતા નથી, તેઓ એવા લોકોથી જરાય ચડિયાતા નથી, જેઓ વાંચી શકતા નથી.’ ગુજરાતની બધી લાઇબ્રેરીઓમાં આ વિધાન ભીંત પર મોટા અક્ષરે મઢાવીને મૂકવું જોઇએ. પ્રત્યેક લાઇબ્રેરીને ગંદી રહીને ઉજજડ બની જવાની કુટેવ હોય છે. અપૂજ શિવાલયનો જીર્ણોદ્ધાર થાય છે. તમે ક્યારેય ઉજજડ લાઇબ્રેરીનો જીણોgદ્ધાર થતો જોયો છે? કોઇ પણ ગામે તમે વાચકો વિનાની, સાફસફાઇ વિનાની અને ગ્રંથપાલ વિનાની સૂનીસૂની ઉપેક્ષિત લાઇબ્રેરી જુઓ તો માનજો કે એ ગામનો સરપંચ નિરક્ષર ન હોય તોય અજ્ઞાની છે.

ગુજરાતમાં ઠેર ઠેર વિચારની પરબો શરૂ થવી જોઇએ. ‘ચેપ’ શબ્દ કાને પડે કે તરત આપણને ‘રોગ’ શબ્દ યાદ આવે છે. શું કોઇ સુંદર વિચાર પણ ચેપી ન હોઇ શકે? શું ‘સત્યાગ્રહ’ જેવો વિચાર ચેપી ન હતો? પ્રત્યેક મ્યુનિસિપાલિટીમાં સ્ટેન્ડિંગ કમિટી હોય, તેમ થિંકિંગ કમિટી પણ હોવી જોઇએ. રસ્તા વિશાળ બને તે સાથે વિચારો પણ વિશાળ બનવા જોઇએ. સમગ્ર ગુજરાત વિચારોનું વૃંદાવન બનવું જોઇએ. નગરમાં રહેતો કવિ કે સાહિત્યકાર ત્યાં વસનારા ઉદ્યોગપતિ કરતાં વધારે આદરણીય ગણાવો જોઇએ. પોતાને મળતા આદરનો ગેરલાભ ન લેવો એ સાહિત્યકારની ખાનગી તપશ્વર્યા છે. નગરમાં જેટલા મેડિકલ સ્ટોર્સ હોય તેટલાં વાચનાલયો હોવાં જોઇએ. ‘ગંગાસ્વરૂપ’ લાઇબ્રેરી તો કોઇ મેયરસાહેબના સ્વચ્છ વસ્ત્ર પર લાગેલો ડાઘ છે. પુસ્તકોની દુકાનોની સંખ્યા પરથી જે તે નગરના સંસ્કારનું માપ પ્રગટ થાય છે. એ દુકાન નહીં, વિચારમંદિર છે.

પાઘડીનો વળ છેડે

મેં જ્યારે વિજ્ઞાની તરીકે
મારી કરિયર શરૂ કરી ત્યારે
હું એવું માનતો હતો કે
વિશ્વ વસ્તુઓનું બનેલું છે,
પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી ગઇ
તેમ તેમ મને વધારે ને વધારે
એવું લાગવા માંડ્યું કે
વિશ્વ વસ્તુઓનું નહીં,
પણ વિચારોનું બનેલું છે.
– એર્ડિંગ્ટન (વિશ્વવિખ્યાત વિજ્ઞાની)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s