પારિજાતના પુષ્પ જેવો માણસ સુરેશ દલાલ Divya Bhasker, August

કવિ સુરેશ દલાલનું અવસાન થયું ત્યારે લોકોને જે ખલેલ પહોંચી તેના પરથી ગુજરાતી પ્રજાના સંસ્કારનું ખરબચડું માપ મળી જાય. લોકો જેને ‘ફેન’ તરીખે ઓળખે છે, તે માણસ સાહિત્યકારનો ખરો સગો હોય છે. લોહીની સગાઇ તો સાહિત્યકારના ‘ખરા સગા’ પછીના ક્રમે આવે છે.

કોઇ પ્રજા કેટલી સંસ્કારી છે તે જાણવા માટે કરવું શું? પોતાની ભાષાના કવિનું અવસાન થાય ત્યારે સમાજના કેટલા ટકા લોકો ખલેલ પામ્યા તે જાણી લેવું. દુનિયાની વિવિધ પ્રજાઓનો સંસ્કાર અંક યાને કલ્ચરલ કવોશન્ટ (C.Q.) હોય છે. કવિ સુરેશ દલાલનું અવસાન થયું ત્યારે લોકોને જે ખલેલ પહોંચી તેના પરથી ગુજરાતી પ્રજાના સંસ્કારનું ખરબચડું માપ મળી જાય. વલસાડના વિદ્વાન આચાર્ય રમેશ દેસાઈએ ફોન પર એક વાત કરી.

વલસાડ પાસે પારડી હોસ્પિટલ ચલાવનારા સર્જન ડૉ. કુરેશી મળસકે ચાર વાગે ઊઠીને મુંબઇ પહોંચ્યા અને સુરેશભાઇની સ્મશાનયાત્રામાં જોડાયા. એમનાં પત્ની કુરેશાબહેન પણ ગાયનેક છે. બંને પુસ્તકપ્રેમી છે. આવા સુજ્ઞ વાચકને કારણે ગુજરાતી પ્રજાની સંસ્કારિતાની સરેરાશ ઊંચાઇમાં વધારો થયો. લોકો જેને ‘ફેન’ તરીખે ઓળખે છે, તે માણસ સાહિત્યકારનો ખરો સગો હોય છે. લોહીની સગાઇ તો સાહિત્યકારના ‘ખરા સગા’ પછીના ક્રમે આવે છે. જે આપણને સમજે, તે જ આપણું સ્વજન.

જે નગરમાં મેયરની સ્મશાનયાત્રા કરતાં સાહિત્યકારની સ્મશાનયાત્રા મોટી હોય તે ખરેખરી સંસ્કાર નગરી ગણાય. પેરિસમાં જ્યાં પોલ સાત્ર જેવા વિચારકની સ્મશાનયાત્રામાં જબરી ભીડ જામી હતી. એ જ રીતે કોલકાતામાં ગુરુદેવ ટાગોરની સ્મશાનયાત્રામાં લોકો ઊમટી પડ્યા હતા. ફ્રેન્ચ પ્રજા અને બંગાળી પ્રજા સાહિત્યપ્રેમને કારણે દુનિયામાં જુદી પડી આવે છે. આજે પણ બાંગ્લાદેશના ટીવી પર રવીન્દ્ર સંગીત રોજ સાંભળવા મળે છે. લોહીની સગાઇ કરતાંય શબ્દની સગાઇ મૂઠી ઊંચેરી ઘટના ગણાય. દેશ જુદો થયો, પરંતુ કવિ જુદા ન થયા.

રેલવે સ્ટેશને ગયેલા માણસને ખબર હોય છે કે પોતે સ્ટેશન પર શા માટે ગયો છે. બજારમાં પહોંચેલા માણસને પણ ખબર હોય છે કે પોતે ક્યા હેતુસર બજારમાં ગયો છે. પૃથ્વી પર આવી પડેલા મનુષ્યને ભાગ્યે જ ખબર હોય છે કે પોતે શા માટે પૃથ્વી પર આવ્યો છે. બહુ થોડા માણસોને પોતાના જીવનના ધ્યેય અંગે આછા અણસારા પ્રાપ્ત થાય છે. આવા થોડાક માણસો જુદા પડી આવે છે. આવા નોખા-અનોખા માણસોને સાધુ ગણવાનું ફરજિયાત નથી. સમાજ એવા માણસોને હેરાન ન કરે એટલું જ પૂરતું છે. સીધી લીટીના માણસને પજવવો એ કેટલાક દુર્જનોની હોબી હોય છે. આવી પજવણી થાય ત્યારે પણ એ માણસની જીવનસુગંધ પ્રસરતી રહે છે. મનુષ્યની જીવનસુગંધને બહુમતીના ટેકાની ગરજ નથી હોતી. કોઇ પણ બાગમાં પાંદડાં બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં હોય છે. ચર્ચા કાયમ પુષ્પોની જ થાય છે.

માણસને પોતાના જીવનનું મિશન જડી જાય ત્યારે જીવતરમાં સ્વાદ પ્રગટે છે. આલ્બર્ટ શ્વાઇટ્ઝરને પોતાના જીવનનું મિશન જડી ગયું ત્યારે એ કોગો (ઝેઇરે)ના જંગલમાં પહોંચી ગયો અને ડોક્ટર બનીને આફ્રિકન આદિવાસીઓની સેવામાં લાગી ગયો. એના જીવનમાં જે સ્વાદ પ્રગટ થયો તે એક વિધાનમાં પ્રગટ થયો: ‘જીવમાત્ર પ્રત્યે આદર’ (રેવરન્સ ફોર લાઇફ). ગોરજના મુનિ આશ્રમમાં સેવા કરનારાં અનુબહેન ઠક્કરને જીવનનું મિશન જડી ગયું હતું. પ્રત્યેક માણસ પારિજાતનું પુષ્પ હોય છે.

પુષ્પના મિશનને સુગંધ કહેવામાં આવે છે. બધા માણસોની ભીતર પડેલી સુગંધ બહાર આવવા નથી પામતી. પોતાની ભીતર પડેલી સુગંધની શોધ અન્ય કોઇ વ્યક્તિ ન કરી શકે. એ માટે આત્મનિરીક્ષણની જરૂર પડે છે. એકાંત અને મૌન એવી શોધમાં મદદરૂપ થાય છે. પોતાના જીવનને સાક્ષીભાવે નિહાળતી વખતે ક્યારેક સહજ રીતે માણસને ખબર પડે છે કે પોતાનો નિર્મળ આનંદ શેમાં છે. જાતને વારંવાર પૂછવા જેવો એક પ્રશ્ન છે: હું ક્યારે ક્યારે અધ્ધરતાનો અનુભવ કરું છું? જે ક્ષણે માણસ ગુરુત્વાકર્ષણથી મુકત થઇને કોઇ અનેરો નિજાનંદ પામ્યો તે ક્ષણે એ પોતાના જીવનનું મિશન પામ્યો ગણાય. માણસના માંહ્યલાને રાજી રાજી કરી મૂકે તે માણસનું મિશન!

શું મિશન જડે તે માટે સામાન્ય માણસે વિવેકાનંદ બનવું પડે કે? ના ભાઇ ના. સામાન્ય માણસને પણ મિશન જડી આવે છે. પૂણેમાં રહેતા કાંતિભાઇ પરીખને એક મિશન જડી ગયું હતું. તેઓ વયોવૃદ્ધ સ્વાતંત્રય સેનાની હતા. પોતાના (બકરી જેવા) સ્કૂટર પર પૂણેના ગુજરાતીઓને ઘરે ઘરે જઇને સારાં સારાં પુસ્તકો પહોંચાડવાં એ એમનું મનગમતું મિશન હતું. આવું જ મિશન વડોદરામાં નિવૃત્ત આચાર્ય વાડીભાઇ પટેલનું છે. ‘મિશન’ કોને કહે તે સમજવું હોય તો મહેન્દ્ર મેઘાણીના જીવનને નિહાળવું. કર્મ થાય, પરંતુ કર્મનો ભાર ન વરતાય ત્યારે જાણવું કે મિશન જડી ગયું!

મિશનનું કામ મનુષ્યના આનંદને ખતમ કરવાનું નથી. જેઓ આનંદપૂર્વક જીવે છે, તેઓ પારિજાતની માફક ખરી પડે છે. પૂજય રવિશંકર મહારાજ ૧૦૦ વર્ષની વય વટાવ્યા પછી પાકેલી ખારેક ખરી પડે તેમ ખરી પડેલા. મહારાજનો નિજાનંદ એ જ સેવાનંદ હતો. એમની જીવનસુગંધ આખા ગુજરાતમાં પ્રસરી હતી. હોઠ પીસીને સેવા કરવાની જરૂર નથી. હોઠ પીસીને સાધના કરવાની પણ જરૂર નથી. મિશનનો બોજ ન હોય. મિશનનું અભિમાન ન હોય. અધ્યાત્મ પણ હળવુંખમ હોવું જોઇએ. મનુષ્યના સહજ સ્મિતને છીનવી લેનારા અધ્યાત્મથી જોજનો દૂર રહેવું સારું. પુષ્પતા અને માનવતા માટે ખીલવું એ જ મોક્ષ!

પુષ્પ જીવે ત્યાં સુધી
પવનની લહેરખી સાથે
ન્úત્ય કરતું રહે છે.
સૂર્યનાં કિરણોને મોહબ્બત કરવાનું
પુષ્પને ખૂબ ગમે છે.
ખરી પડે ત્યાં સુધી
પુષ્પનું સંકીર્તન સતત ચાલતું રહે છે.
પ્રતિક્ષણ અસ્તિત્વનો ઉત્સવ માણવો
એ પ્રત્યેક પુષ્પનો
સુગંધસિદ્ધ અધિકાર છે.
આસપાસની હવામાં સુગંધ પ્રસરે
એ જ પુષ્પની સેવા છે.
આવી સહજ સેવા એ જ
નિજાનંદની આંગિળયાત ગણાય.

માતા-પિતાએ પોતાનું મિશન સંતાનો પર લાદવાનું ટાળવું જોઇએ. પતિનું મિશન પત્નીના મિશનથી જુદું હોઇ શકે છે. માણસે સાત્વિકતાના પ્રહારોથી પણ બચવાનું છે. ક્રિકેટમાં રસ ધરાવનાર દીકરાને કથામાં ધકેલવાની જરૂર નથી. મરજી વિરુદ્ધ થતી પ્રવૃત્તિ અને મરજી વિરુદ્ધ થતાં લગ્ન જીવનને તમોગુણની ખીણમાં ધકેલે છે. બધા માણસોએ સેવા કરવાનો અભરખો ન રાખવો જોઇએ. નિજાનંદની શોધમાં અન્ય કોઇને કન્સલ્ટ કરવાની જરૂર નથી. મિશન સાથે સેવા જોડાય એ જરૂર નથી. માણસનું મિશન સંગીત પણ હોઇ શકે અને પર્વતારોહણ પણ હોઇ શકે. આ બાબતે વડીલોની સલાહ નુકસાનકારક બને એવો પૂરો સંભવ છે. આપણા સમાજને વડીલોના પ્રહારોથી બચાવી લેવાનો છે. ભકત પ્રહ્લાદે જો પિતા હિરણ્યકશ્યપનું માન્યું હોત તો! ‘કાર્બન કોપી’ જેવો શબ્દપ્રયોગ પ્રકૃતિને માન્ય નથી. પ્રકૃતિમાં બિલકુલ સરખાં બે પાંદડાં એક જ છોડ પર પણ નથી હોતાં.

આજની સવારે વરસાદ અટકી ગયો પછી ઘણા દિવસે કુમળા ઘાસની પાંદડીઓનો સ્પર્શ પામવાની લાલચે કોકરવરણો તડકો બાગમાં ઊતરી પડ્યો છે. આવો અનાક્રમક તડકો વરસાદના કહ્યામાં રહીને બાગમાં પથરાયો છે. એને નીરખવા માટે વહેતો રહેવાની ટેવ છોડીને પવન પણ થંભી ગયો છે. પંખીઓનો કલરવ પણ આ ક્ષણે સંભળાતો નથી. મિત્ર સુરેશ દલાલ જો આ ક્ષણે મારા હીંચકા પર બેઠા હોત તો! તો જરૂર આપણને પારિજાત જેવી થોડીક એવી પંક્તિઓ મળી હોત, જેને કારણે આપણી ખલેલ મધુર મધુર બની ગઇ હોત!‘

પાઘડીનો વળ છેડે

પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસની
વચ્ચે સમયનો જ શ્વાસ હોય છે.
મરણ થશે તોય જગત તો હશે
અને આ જગતમાં ફરી પાછાં
પ્રવેશતાં આપણને રોકે પણ કોણ?
છેવટે તો મરણનો વિલય
અને જીવનનો જ જય!
– સુરેશ દલાલ
(કાવ્યસંગ્રહ: ‘મધરાતે સૂર્ય’માંથી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s