મહાનગરની તાણ ડાકણ હોય તોય તે અત્યંત રૂપાળી ડાકણ Divya bhasker, 14-10-2012

મહાનગરની તાણ ડાકણ હોય તોય તે અત્યંત રૂપાળી ડાકણ છે. ઉપાય ખરો? જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે પ્રકૃતિને શરણે જવું. પ્રકૃતિનો ખોળો એટલે માતાનો ખોળો માનવ-ઇતિહાસમાં માતાના પ્રેમને કારણે ઘટેલા ટેન્શનનો જથ્થો કેટલો? બહુ મોટો. માતાનું વહાલ તાણયુક્ત મનને ટાઢક પહોંચાડે છે.

વિ શ્વ હૃદય દિન નિમિત્તે મળેલી આ સભામાં પ્રવચન કરવાની મારી પાત્રતા એ જ કે મને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. વાત એમ બની કે જીવનની ક્રિકેટમાં મેં છગ્ગો ફટકાર્યો, પરંતુ બાઉન્ડરી પર ઊભેલા ખેલાડીએ મને ઝીલી લીધો. અમ્પાયરે આંગળી ઊંચી કરી અને મેં પેવિલિયન ભણી ચાલવા માંડયું. એ જ ક્ષણે જગતના પરમ અમ્પાયરે (ઉપદ્રષ્ટાએ) યમરાજાને કહ્યું: ‘બેટ્સમેન નોટ આઉટ છે કારણ કે બોલરે નો બોલ નાખ્યો હતો.’ આમ હું બચી ગયો, બાકી કિસ્સો બચવાલાયક ન હતો. માણસ મૃત્યુની સાવ નજીક જઇને પાછો આવે પછી એક સુંદર ઘટના બને છે. જીવન ઊંચું આવે કે ન આવે, વિચારો ઊંચા આવવા લાગે છે. વારંવાર જાતને કહું છું: ‘આવ એમ સ્ટિલ અલાઇવ’ (હું હજી જીવતો છું).

રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું. રાવણના ઘણા રાક્ષસો મર્યા. રાવણનો પુત્ર ઇન્દ્રજિત લડવા આવ્યો ત્યારે લક્ષ્મણે એનો સામનો કર્યો. વાલ્મીકિ કહે છે કે ઇન્દ્રજિતનો રથ ઇન્દ્રના રથ જેવો દેખાતો હતો અને એ રથને શ્રેષ્ઠ ગર્દભો જોતરેલા (ખરશ્રેષ્ઠસમાધિયુક્તમ્) હતા. ઇન્દ્રજિતની બાણવર્ષાને કારણે લક્ષ્મણ મૂર્છિત થઇ ગયો. કારણ શું? માયાવી રાવણપુત્ર અદૃશ્ય (નષ્ટદેહો) રહીને લક્ષ્મણ પર આકરાં તીર છોડી રહ્યો હતો, પરંતુ લક્ષ્મણ એની સામે તીર કઇ દિશામાં છોડે? લગભગ રાવણપુત્ર ઇન્દ્રજિતની માફક ‘મિસ્ટર ટેન્શન’ આપણા પર તીર છોડે છે. આપણે મિસ્ટર ટેન્શનને સગી આંખે જોઇ શકતા નથી તેથી લાચાર છીએ. ટેન્શનનો સામનો કરવાનો કોઇ ઉપાય ખરો? ટેન્શન વિના જીવવાનું ખરું? માણસને તાણ રહે છે, પરંતુ બાખડી ભેંસને તાણ પજવે ખરી? ટેન્શનનું ઉપસ્થાન ક્યાં? અદૃશ્ય ઇન્દ્રજિતથી બચવું શી રીતે? આ પ્રશ્નો મહત્ત્વના છે.

હરીફાઇ ટેન્શન વધારે છે. સાહસ ટેન્શન વધારે છે. જોખમ ટેન્શન વધારે છે. રાતોરાત ગરીબ થઇ જવાનો કલ્પિત ડર ટેન્શન વધારે છે. બિનસલામતી ટેન્શન વધારે છે. કુસંપ ટેન્શન વધારે છે. અદેખાઇ કરનારનું અને અદેખાઇ પામનારનું ટેન્શન વધે છે. દ્વેષ અને ક્રોધ ટેન્શનના મળતિયા હોય છે. સફળ થવાની કે પ્રથમ ક્રમે આવવાની આકાંક્ષા માણસને ઠરવા નથી દેતી. રોગ સાથે જોડાયેલી મૃત્યુની સંભાવના ટેન્શન વધારે છે. ઇજ્જત જાળવવાની ઇચ્છા પણ તાણવર્ધક હોય છે. તકરાર ટેન્શન ન વધારે એવું બને ખરું? કોઇપણ પ્રકારની તાણ વિના કવિતા કે વાર્તા કે નિબંધનું સર્જન થઇ શકે ખરું? કલાકારને અને સાહિ‌ત્યકારને થોડીક વધારે તાણ રહેતી હોય છે. લોસ એન્જલસમાં મારા મિત્ર પોપટ સાવલાને ત્યાં વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર મહેમાન બનેલા. પોપટભાઇએ મને કહેલું કે સિતારવાદકનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાંના કલાકો દરમિયાન પંડિત રવિશંકરજીને ભારે ટેન્શન રહેતું. ઉત્તમ વક્તા પોતાના પ્રવચનની તૈયારી કરે ત્યારે ટેન્શનમુક્ત હોઇ શકે? શું ટેન્શન વિનાનું જીવન શક્ય છે? શક્ય હોય તો એ માટેનો માર્ગ કયો? ભગવાન બુદ્ધ કહે છે: ‘માર્ગ આકાશમાં નથી હોતો, માર્ગ હૃદયમાં હોય છે.’

ટેન્શન નાબૂદ નથી થતું, પરંતુ એ સખણું રહે તેના થોડાક ઉપાયો મને જડયા છે. એ ઉપાયો કરવામાં મને મળેલી નિષ્ફળતા પણ મને શાણો ન બનાવી શકી એ જુદી વાત છે. હું નિષ્ફળ ગયો પણ તમે સફળ થાવ એ શક્ય છે. વાત એમ છે કે કેટલાંક પરિબળો ટેન્શનને નાથવામાં ઉપકારક બને છે. અત્યંત સ્નેહાળ પરિવાર ટેન્શનને સખણું રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાર્ટનર (પતિ કે પત્ની કે પ્રિયતમા)નું હેત ટેન્શન-નાશક બનતું હોય છે. વિશ્વાસુ મિત્ર મળે તો પ્રભુનો આભાર માનજો. કેવળ એની હાજરી આપણને હળવાશ આપતી હોય છે. સત્સંગ ટેન્શન-હારક છે. સત્સંગ કેવળ સાધુ સાથે જ થાય એવું નથી. ક્યારેક વિચારવંત અને ચારિત્ર્યવંત સંસારી માણસ સાથે ગાળેલો એક કલાક પણ ટેન્શનમુક્તિ માટે જરૂરી છે. સારું પુસ્તક પણ એટલું જ મદદરૂપ થાય છે. એવી જ મદદ સેક્સ પણ પહોંચાડે છે. (ઘ્જ્ન્ેોગ્-જ્ર્ધ્ણ્ ૂ્ર જ્ૂઞ્ૌજ્ર઼્ૂેઞ્ૌગ્ખ્ ૌજ્ ર્ગ્ગ્ ૈ ર઼્ગ્ચ્ ોર્‍ૂ્રૌખ્ર્‍) ક્યારેક બ્રહ્મચર્યનું વ્રત પણ ટેન્શન વધારે છે. તંદુરસ્ત સંભોગ આરોગ્યવર્ધક ગણાય.

ટેન્શન ઘટાડવામાં ગાઢ નિદ્રાની તોલે બીજી કોઇ બાબત ન આવે. આપણાં મહાનગરોમાં ઘોંઘાટનું પ્રદૂષણ માણસને એની સંમતિપૂર્વક અધમૂઓ કરી મેલે છે. ધર્મ સાથે જોડાઇ ગયેલો અધાર્મિ‌ક ઘોંઘાટ જંગલી સમાજની નિશાની છે. આપણા બધા તહેવારો ઘોંઘાટવર્ધક બની રહ્યા છે. ભીડ અને ઘોંઘાટ મનુષ્યના મન પર પ્રહાર કરે છે. એવી પરિસ્થિતિમાં હઠપૂર્વક મેળવી લીધેલું એકાંત અને મૌન ઘાબાજરિયું બની શકે છે. આજના માણસે જૂની ટેવો છોડવાની છે અને નવી ટેવો પાડવાની છે. સિગારેટ પીવાથી તાણ ઘટે ખરી, પરંતુ ફેફસાં નબળાં પડે તેનું શું? શરાબ જરૂર ટેન્શન ઘટાડે છે, પરંતુ લિવર પર જે વીતે તેનું શું? મહાનગરની તાણ ડાકણ હોય તોય તે અત્યંત રૂપાળી ડાકણ છે. ઉપાય ખરો? જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે પ્રકૃતિને શરણે જવું. પ્રકૃતિનો ખોળો એટલે માતાનો ખોળો માનવ-ઇતિહાસમાં માતાના પ્રેમને કારણે ઘટેલા ટેન્શનનો જથ્થો કેટલો? બહુ મોટો. માતાનું વહાલ તાણયુક્ત મનને ટાઢક પહોંચાડે છે.

મનની ટાઢક મૂલ્યવાન છે. મહાસગારની વિશાળતામાં, પર્વતનાં શિખરો પર પ્રાપ્ત થતી ઊંચાઇમાં, વરસાદની ભીનાશમાં, કુમળા તડકામાં, પવનમાં ડોલતાં પુષ્પોમાં, કાચા રસ્તાને બદલે વાંકીચૂંકી કેડીઓ પર ચાલવામાં અને લીલીછમ વનરાજીમાં ભમવામાં માણસની તાણની માત્રા ઘટે છે. કોઇ કહેશે: આવો વૈભવ તો પૈસાદારોને પોસાય, પણ ગરીબો ક્યાં જાય? તમારા ઘરથી એક-બે કિલોમીટર છેટે આવેલા જાહેર બાગમાં જતાં તમને કોણ રોકે છે? એ બાગમાં એક વૃક્ષ એવું છે,જે તમારી જ પ્રતીક્ષામાં વર્ષોથી ઊભું છે. એવું ખાસ વૃક્ષ જરૂર તમારું પરમ મિત્ર બની શકે. કોઇ મનુષ્યમિત્ર તમને દગો દઇ શકે, પરંતુ વૃક્ષમિત્ર કદી દગો નહીં દે. ગુજરાતમાં પૂરાં દસ વર્ષ સુધી (૧૯૮૭થી ૧૯૯૭) પંચશીલ આંદોલન ચાલ્યું ત્યારે પદયાત્રાઓ કરીને ગામડામાં એક મંત્ર પહોંચાડયો હતો:

વૃક્ષં શરણં ગચ્છામિ
સૂર્ય શરણં ગચ્છામિ
સત્યં શરણં ગચ્છામિ

એક વિચિત્ર વાત કરું? થોડીક અભાનતા કેળવીએ તો જે મિનિટો દરમિયાન આપણે જબરા ટેન્શનમાં હોઇએ છીએ તે વખતે જાગ્રત થઇને સાક્ષીભાવે આપણને પજવતા મિસ્ટર ટેન્શનને જોઇ શકીએ છીએ. એ મિનિટો દરમિયાન કરવું શું? પ્રાર્થનામય ચિત્તે Ÿનો ઉચ્ચાર કરી શકાય. એ વખતે જાતને કહેવું જોઇએ: ‘તારા વિના આ દુનિયાનું કશું અટકે તેમ નથી.’ જો હૃદય દુ:ખથી છલોછલ હોય તો મોકળે મને એકાંતમાં રડી લેવું સારું. જે માણસ કદી પણ ન રડે એ કમનસીબ ગણાય. રુદન તો મનુષ્યજાતિને મળેલો દિવ્ય વિશેષાધિકાર છે. રુદન કરનારનું હૃદય હળવું બને છે. હળવું હૃદય હૃદયરોગના હુમલાને વિલંબમાં નાખી શકે.

ઉપનિષદ કહે છે: ‘હૃદયેન હિ‌ સત્યં જાનાતિ.’ મનુષ્યની બુદ્ધિ આદરણીય છે, પરંતુ બુદ્ધિ ક્યારેક અવળે માર્ગે જઇ શકે છે. હૃદયની ખૂબી એ છે કે એ કદી પણ અવળે માર્ગે જઇ ન શકે. આદરણીય મોરારિબાપુની રામકથા હૃદય (ઇમોશનલ બ્રેઇન)ની માવજત માટેનો ઉત્તમ ઉપાય છે. કથા તાણ ઘટાડે છે કારણ કે એ સત્સંગની અનુભૂતિ કરાવે છે. હૃદયને પોતાનાં કારણો હોય છે, જે બુદ્ધિની પહોંચમાં નથી હોતાં. કેટલાક ચાલાક માણસો અને ખાસ કરીને વેપારીઓ બુદ્ધિપૂર્વક પોતાનું ટેન્શન વધારતા હોય છે. ખેડૂત એવું નથી કરતો. ખેડૂત હૃદયથી દોરવાય છે. એને પણ દુકાળ પડે ત્યારે ટેન્શન રહે છે. ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં અને પર્લ બકની નવલકથા ‘ધ ગૂડ અર્થ’માં ભારતના અને ચીનના ભૂમિપુત્રનું હૃદયવલોણું આબાદ પ્રગટ થયું છે. એવું કહેવાયું છે કે મનુષ્યનું હૃદય (છાતીની) ડાબી બાજુએ ર્જર઼્ઞ્માં આવેલું છે, પરંતુ એ કાયમ દૌર્‍ોઞ્ (ખરું) જ હોય છે. હૃદય આપણું ગુરુ થઇ શકે તેમ છે.

હાર્ટ એટેક આવ્યો અને ગયો. જે વર્ષો બાકી રહ્યાં તેમાં જીવી જવાની કળાનું રહસ્ય શું? એ જ કે અન્ય માટે ઘસાઇ છૂટવું એ પણ ટેન્શનથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. હેન્ડ્ઝ અપ મિસ્ટર ટેન્શન (અમદાવાદના હેપી હાર્ટ સપોર્ટ ગ્રૂપ તરફથી વિશ્વ-હૃદય-દિન નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠમાં તા. ૩૦મી સપ્ટેમ્બરે યોજાયેલા પ્રવચન માટે કરેલું હોમવર્ક)’

પાઘડીનો વળ છેડે
આવો,
મારા હૃદયમાં નિવાસ કરો
અને તે પણ
ભાડું ચૂકવ્યા વિના
– સેમ્યુઅલ લવર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s