રાજકારણ અને ધર્મકારણ ખદબદે છે ભ્રષ્ટાચારથી july 2012

ભદ્ર નપુંસકતા કટોકટીના દિવસોમાં મોટા પાયે જોવા મળેલી. ઇન્દિરા ગાંધીએ દેશ પર ગુજારેલા દમન અંગે પણ એક શબ્દ બોલવાનો નહીં અને જયપ્રકાશના ટેકામાં પણ ખોંખારો ખાવાનો નહીં. બસ ખેલ જોયા કરવાનો.

યમુનાને કિનારે આવેલા ઇન્દ્રપ્રસ્થ નગરમાં વહેતા પવનનો મિજાજ પણ બદલાઈ ગયો છે. ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાનો છે અને તેમાં ભાગ લેવા માટે ધૃતરાષ્ટ્રના બધા પુત્રોનું આગમન થઈ ચૂક્યું છે. પાંડવોના મિત્ર અને માર્ગદર્શક કૃષ્ણ તો ઘણા વહેલા પધાર્યા હતા. નગરજનોના ઉત્સાહનો પાર નથી. રાજાઓ ઉપરાંત ભારતવર્ષના આદરણીય ઋષિઓ પણ યુધિષ્ઠિરનો સત્કાર પામ્યા પછી આશીર્વાદ આપી રહ્યા છે. એકત્ર થયેલા રાજાઓની સભામાં શ્રીકૃષ્ણ તારાઓની વચાળે પ્રકાશતા સૂર્યની માફક (જ્યોતિષામિવ ભાસ્કર:) પ્રકાશી રહ્યા છે.યજ્ઞના પ્રારંભે પ્રથમ અધ્ર્ય કોને આપવો ? યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મની સલાહ માગી : ‘હે પૂજ્ય પિતામહ ! આપ કોને પ્રથમ અધ્ર્ય પામવા માટે સૌથી યોગ્ય માનો છો ?’

ભીષ્મ પિતામહે જવાબમાં કહ્યું : ‘સૂર્યને કારણે જેમ પ્રકાશ વિનાનો પ્રદેશ આનંદ પામે છે, તેમ આપણું આ સભાગૃહ શ્રીકૃષ્ણને કારણે પ્રકાશિત અને આનંદિત (ભાસિતં હ્લાદિતં ચ) થઈ રહ્યું છે.’ ભીષ્મની આજ્ઞાનુસાર સહદેવે કૃષ્ણને ઉત્તમ અધ્ર્ય અર્પણ કર્યો. કૃષ્ણની પૂજા થઈ તે વાત ચેદિરાજ શિશુપાલ માટે અસહ્ય બની ગઈ. શિશુપાલે ઉગ્ર રોષ પ્રગટ કર્યો અને કૃષ્ણને ગાળો દેવાનું શરૂ કર્યું. ઘણી નિંદા ધીરજપૂર્વક સાંભળી લીધા પછી કૃષ્ણે સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનો વધ કર્યો. વ્યાસજી લખે છે: ‘કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો ત્યારે વાદળ વિના વર્ષા થવા લાગી, ઉલ્કાઓ ખરવા લાગી અને ધરતી ડોલવા લાગી.’ (મહાભારત, સભાપર્વ).

સભામાં જ્યારે પણ બે પક્ષો પડી જાય ત્યારે અર્દશ્ય એવો ત્રીજો પક્ષ પણ હોય છે. એ ત્રીજા પક્ષના લોકો તટસ્થ નથી હોતા. તેઓ નિષ્પક્ષ પણ નથી હોતા. તેઓની ભદ્ર નપુંસકતા નથી કૃષ્ણતરફી હોતી, નથી શિશુપાલતરફી હોતી. તેઓ પોતાની સ્વભાવગત નપુંસકતા જાળવી રાખીને કેવળ ખેલ જોતા રહે છે. સત્યનો પક્ષ ન લેવામાં રહેલી કાયરતા કંઈ આજની થોડી છે? પાંચ હજાર વર્ષો પછી પણ સમાજને નિવીર્ય બનાવી દેનારી આવી ભદ્ર નપુંસકતા ગઈ નથી. ઇન્દ્રપ્રસ્થની સભામાં પણ એમ જ બન્યું. મહાભારતના રચનારા વ્યાસ લખે છે : ‘સભામાં રોષે ભરાયેલા કેટલાક રાજાઓ હાથ પર હાથ ઘસવા લાગ્યા અને ક્રોધથી પાગલ બનેલા કેટલાક રાજાઓ દાંત વડે હોઠ પીસવા લાગ્યા. કેટલાક રાજાઓ ખાનગીમાં કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા, કેટલાક ખળભળી ઊઠ્યા, તો બીજા કેટલાક તટસ્થ બની રહ્યા (મધ્યાસ્થાસ્ત્વપરે અભવન્)’- (સભાપર્વ, અધ્યાય ૪૨, શ્લોક ૨૭-૨૮)

@@@

રાંદેરના પારેખ ફળિયામાં અમારાથી ત્રીજે ઘરે ડી.પી. પટેલ નામના શિક્ષક રહેતા હતા. મેટ્રિક પાસ હતા તોય ગણિતમાં તેઓ કોઈને ન ગાંઠે. મારા ઓટલા પર બેસીને હું રેંટિયો કાંતું ત્યારે પાસે આવીને મશ્કરીના ભાવથી કહેતા : ‘ગુણવંત! રેંટિયો કાંતવાથી સ્વરાજ ન આવે.’ આ વાક્ય મેં અસંખ્ય વાર સાંભળી લીધેલું. ઉંમર નાની અને અક્કલ ઓછી તેથી જવાબ આપવાની ત્રેવડ જ ક્યાં હતી ! જો એમને ગાંધીજીના રેટિયામાં શ્રદ્ધા ન હતી, તો તેમાં એમનો વાંક ન કઢાય. શું એમને ભગતસિંહમાં શ્રદ્ધા હતી ? ના, તેઓની ‘ભદ્ર નપુંસકતા’ ગાંધીજી કે ભગતસિંહમાંથી કોઈનામાં શ્રદ્ધા ધરાવનારી ન હતી.

તેઓ અનિર્ણયના કેદી હતા અને ખરાબ અર્થમાં ‘તટસ્થ’ હતા. કોઈનો પક્ષ ન લઈને ખેલ જોતાં રહેવાની આવી ભદ્ર નપુંસકતા કટોકટીના દિવસોમાં મોટા પાયે જોવા મળેલી. ઇન્દિરા ગાંધીએ દેશ પર ગુજારેલા દમન અંગે પણ એક શબ્દ બોલવાનો નહીં અને જયપ્રકાશના ટેકામાં પણ ખોંખારો ખાવાનો નહીં. બસ ખેલ જોયા કરવાનો. સત્યસ્થતા વિનાની તટસ્થતા એ જ ભદ્ર નપુંસકતા. એની પ્રશંસા ન હોય. શિશુપાલની નિંદા સાંભળીને દ્વારિકાધીશ કૃષ્ણ શું કરે તે જોયા કરવાનું. શિશુપાલનો વધ થાય અને કૃષ્ણનો જયજયકાર થાય તોય ‘તટસ્થ’ બનીને ખેલ જોયા કરવાનો! આપણા દેશને આવી નિર્વીર્ય ભદ્રતા સદી ગઈ છે. પરિણામે ભ્રષ્ટાચાર પણ શિષ્ટાચાર બની ગયો છે.

અણ્ણા હજારેના અનશન શરૂ થયા અને દેશ જાગ્યો. એવો જાગ્યો, એવો જાગ્યો કે દિલ્હીના કુશાસનમાં ખળભળાટ મચી ગયો. અણ્ણા હજારે સ્વચ્છ ખરા અને નિર્ભય ખરા, પરંતુ આંદોલનની ગતિ જળવાઈ રહે તે માટેનું યોગ્ય ફ્લાયવ્હીલ ન મળ્યું. ગાંધીજીને સરદાર પટેલ મળ્યા તે સુયોગ હતો. એવો સુયોગ જયપ્રકાશજીને અને અણ્ણાજીને પ્રાપ્ત ન થયો. ટીમ અણ્ણાની કેટલીક મર્યાદાઓ પણ ખાસી નડી. આમ છતાં દેશની યુવાનીને પ્રથમ વાર ગાંધીની ઝલક પ્રાપ્ત થઈ. લોકપાલ બિલ પસાર ન થયું કારણ કે રાજકારણી વર્ગ પોતાના પગ પર કુહાડો મારવા તૈયાર ન થયો. સીધા-સાદા અને કપટરહિત એવા સાધુચરિત અણ્ણાજી કહેતા રહ્યા : ‘ઉનકી નિયત સાફ નહીં હૈ.’ આંદોલન ઢીલું પડ્યું, પરંતુ ભ્રષ્ટાચારની સમસ્યા રાજકારણના કેન્દ્રમાં આવી ગઈ. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એવું પર્યાવરણ તૈયાર થયું કે એ કલમાડી, રાજા અને વીરભદ્રસિંહને નડી પડ્યું.

હજી કેટલાકને માથે તલવાર લટકી રહી છે. ઓગસ્ટમાં ફરી આંદોલન જોર પડકશે. જે થયું તેમાં જરૂર અણ્ણા હજારેના આંદોલનની અસર પડી છે. હજી વધારે લોકજાગૃતિ જોવા મળશે અને ચૂંટણીમાં ભ્રષ્ટ ઉમેદવારોની પસંદગી કરવા પર થોડીક બ્રેક અવશ્ય લાગશે. જો દિલ્હીનું રામલીલા મેદાન (ઇજિપ્તના કૈરોમાં આવેલો) તહરીર ચોક બની જાય તો અણ્ણાજીની કહેવાતી નિષ્ફળતા પણ સાર્થક થશે. એવું બને ત્યારે પણ ભદ્ર નપુંસકતા જુજવે રૂપે પ્રગટ થશે. આંદોલનની મર્યાદાઓ અંગે ઝીણું કાંતવાનું શરૂ થશે. જેઓ ખામી શોધવામાં સફળ થશે અને તટસ્થ હોવાનો ડોળ કરશે તેમને Intellectuals જ ગણવાની કુટેવ છોડવા જેવી છે. ગાંધીજીને પણ એ કુટેવ ઓછી નડી નહોતી.

અણ્ણાજી પાસે કિસાન જેવી સહજ સરળતા છે. એ જ એમનું ચારિત્રય છે. ક્યારેક કાચા કાનને કારણે તેમનાથી બફાટ પણ થઈ જાય છે. કોઈ પણ લોકલડત સંપૂર્ણપણે તર્કબદ્ધ હોતી નથી. બધી મર્યાદાઓ છતાં જો દેશ જાગી જાય તો કદાચ દિલ્હીના કુશાસનનો અંત આવશે. અરે! ભ્રષ્ટાચાર પર થોડીક બ્રેક લાગે તોય લાભ જ લાભ છે. ચૂંટણીમાં ગુનેગાર ઉમેદવારોની સંખ્યા ઘટે તોય દેશને લાભ છે. આજના ઇન્દ્રપ્રસ્થમાં આવો પ્રજાસૂય યજ્ઞ ભલે થતો! આપણા જેવા નાગરિકોએ શું કરવાનું ? અખબારો ઝીણવટથી વાંચવાનાં અને ટીવી પર થતી ચર્ચા ધ્યાનથી સાંભળવાની, પરંતુ પ્રચારથી કે પૂર્વગ્રહથી દોરવાઈ જવામાં શાણપણ નથી. લોકતંત્રમાં પૂર્વગ્રહ પણ ખરીદી શકાય છે.

તમારો અભિપ્રાય કેવળ તમારી વિવેકબુદ્ધિને આધારે બંધાય તે જરૂરી છે. યાદ રહે કે લોકતંત્ર આખરે તો અભિપ્રાયતંત્ર છે. લોકતંત્રનો પાયો લોકમત છે. તમને સાચું લાગે તે વિવેક જાળવીને સ્પષ્ટપણે પ્રગટ કરવું જોઈએ. ગોળ ગોળ અસત્ય ઉચ્ચારવામાં ભદ્ર નપુંસકતાનું જોખમ છે. સામે પક્ષે રહેલું ચપટીક સત્ય સ્વીકારવામાં નાનમ શેની ? જેની સાથે વિચારભેદ થાય તેને દુશ્મન ગણશો નહીં. સત્યનો સઘળો ઇજારો કેવળ તમારી પાસે નથી. વાદે વાદે જાય તે તત્વબોધ : ! લખી રાખજો કે ભ્રષ્ટાચારનો કોન્ટ્રાકટ કોઈ એક રાજકીય પક્ષ પાસે નથી હોતો. દલીલો ભલે થાય, પરંતુ તેમાં પૂર્વગ્રહની ઊલટી ન થવી જોઈએ.

પ્રજાના પ્રતિનિધિઓ એફિડેવિટમાં જાહેર કરે કે : ‘મારું પરદેશની કોઈ બેંકમાં ખાતું નથી.’ કેટલાંક ખાસ નેતાઓ આવું કરે તો દાખલો બેસશે. એ નામો છે : સોનિયા ગાંધી, લાલકૃષ્ણ અડવાણી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, ચિદમ્બરમ્, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, નરેન્દ્ર મોદી, જયલલિથા, કરુણાનિધિ, લાલુપ્રસાદ યાદવ, મુલામયસિંહ યાદવ, માયાવતી, પ્રકાશસિંહ બાદલ, ઇત્યાદિ. રાજકારણ અને ધર્મકારણ ભ્રષ્ટાચારથી ખદબદે છે તેથી શિશુપાલોને નિરાંત છે.‘

પાઘડીનો વળ છેડે

અંગત રીતે હું
ત્રણે અવસ્થાઓ (પુરુષ-સ્ત્રી-નપુંસક)થી
પર છું.
શારીરિક દ્રષ્ટિએ હું પુરુષ છું,
પરંતુ શરીર-રચના અને માનસિક દ્રષ્ટિએ
મારા તંત્રમાં જનનિક પરિવર્તન (mutation) થયું છે.
સ્વામી નિત્યાનંદ
(‘આઉટલૂક’, ૨-૭-૨૦૧૨, પાન ૩૯)
નોંધ : આવા અસાધુને સહન કરનારી પ્રજા માટે શું કહેવું ?

Advertisements

3 thoughts on “રાજકારણ અને ધર્મકારણ ખદબદે છે ભ્રષ્ટાચારથી july 2012

 1. પ્રજાની એ ભદ્ર નપુંસકતા મુક્તી થાય તેવા પ્રયત્નો કોણ કરશે? રામ,ક્રીષ્ણ કે ગાધીજી તો અવતાર લેવાના નથી. બાબા રામદેવ અને અન્ના હજારે ઉપર પ્રજાને વિશ્વાસ હતો પણ તેમની પણ નબળી કડીઓ શોધી શોધીને પ્રજાથી વિમુખ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે તેનુ;શુ;???????????

 2. Gunvantbhai Shah, Namskar
  Sorry for Long letter I able to write after I read above your article.. Vinoo Sachania London

  ભ્રષ્ટાચારના રાક્ષસ કંસને મારવા શ્રીકૃષ્ણએ માતા દેવકીના ગર્ભમા પ્રવેશ કર્યો છે. તેનો અણસારો અન્ના હજારે, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને ટીમ અન્ના દ્રારા જે ભ્રષ્ટાચાર આંદોલન થઈ રહ્યુ છે તેને સાથ અને સહકાર આપનારના હલન ચલન થી થઈ રહયો છે પરન્તુ તેનો જન્મ ત્યારેજ શક્ય બનશે જયારે કોઈ યશોદા બાલ કૃષ્ણના પ્રવેશ માટે પોતાની વહાલી દિકરી નુ બલીદાન આપવા ત્યાર થશે, આ દિકરી, એટ્લે, ભારતના લોકોએ પોતાનો સમય, સંપતી, બેઇમાની, સ્વાર્થવૃતિ, ભગવાનને સોપી દેવા તૈયાર થશે.. અને આ શ્રીબાલ કૃષ્ણ માટે ભારતે નંદ ભયો મહોત્સવ ઉજવવાનુ શરૂ કરવુ પડશે… લોકોએ મંદિરો, મસ્જીદો, ગુરૂદ્વારા અને ચર્ચોને રસોડામા સ્થાન આપી રાજકીય પાર્ટીઓની મીટીંગોમા જવા તૈયાર થવુ પડશે અને એક જોગીદાસ ખુમાણ બની બહારવટીયે ચડવુ પડશે.. કોમવાદની વાતો કરનારાના ઝભ્ભા જાહેર મા ફાડવા પડશે… તક્ક સાધુઓને નાગા કરવા પડશે…કાળા નાણાને લુટીને “માં ભારતીના” ચરણમા મુકવુ પડશે આ કાર્ય માત્ર દરેક વ્યકિત સ્વયંમ કરશે તો… કદાચ ભ્રષ્ટાચારના રાક્ષસ કંસને મારવા શ્રીકૃષ્ણ જન્મ લેશે. જો તેને આવા ગોવાડીયાની દોસ્તી નહી મળે તો, માતા દેવકીના ગર્ભનુ મૃત્યુ થવાની શક્યતા અને શકયતાજ છે.. અને યાદ રહે… આ ગર્ભનુ મૃત્યુ એટલે તમે અને તમારા પરિવારનુ કમોતે હત્યાનુ આમંત્રણ જ.. આ જ સત્ય છે.. તે જલ્દી સમજી લેવાનુ જરૂર છે…

  ભારતનુ માખણ રાક્ષસ કંસ સ્વીઝરલેન્ડની બેંકમા લઈ જાય તે નહી ચાલે… ૬૫ વરસથી આ પાપ થઈ રહ્યુ છે. સ્ત્રીને અબળા કેવી તે લાંછન છે તેને રણચંડી થવુ જ પડે.. અને શિવાજીઓને જન્મ આપવા જ પડે.. પોતાના પતિઓને કંકુ તિલક કરી મર્દાગીની તલવાર આપી, આ લડાઈમા મોકલવાજ પડે… જો તેમ નહી થાય તો યાદ રાખજો જેના ભાઈ શ્રીકૃષ્ણ હતા તે દ્રોપદીના પણ પાંચ પાંચ દિકરાઓ એક દિવસમા કપાઈ ગયા હતા, તમારી કાયરતા ના કારણે તે દિવસો તમને પણ જોવા પડે.. ભ્રષ્ટાચારની લડાઈ મા અનેક “પંકજ ત્રિવેદી”ની હત્યા ભ્રષ્ટ સ્વાધ્યાયીઓ દ્વારા થઈ રહી છે અને આવી હત્યા વધી રહી છે.. સ્વરૂપવાન સ્ત્રી “જેસીકાલાલ” ની હત્યા થઈ રહી છે…આ અત્યાચાર સામેની લડાઈ ને સાથ આપનાર અને ભ્રષ્ટાચારને દફન કરવા જે વધારે આતુર તે સ્વયંમ વધારે કૃષ્ણ જ છે… પછી તે ગામડાનો ખેડુત હોય.. રામદેવ બાબા હોય, અન્ના હજારે કે એની ટીમ હોય..નરેન્દ્ર મોદી હોય, ગુણવત શાહ લેખક હોય, આમીરખાન હોય કે અનુપમ ખેર હોય તે જ સ્વયંમ કૃષ્ણ જ છે. કૃષ્ણને પ્રેમ કરનારાઓ એ આવા લોકોમય થવા જોઈએ… તોજ ભ્રષ્ટાચારના રાક્ષસ કંસને મારવા શ્રીકૃષ્ણને માતા દેવકીના ગર્ભમા તેનુ વિસ્વરૂપ ધારણ કરવા વાતાવરણ મળશે..

  આ વાતાવરણ ન મળે તેમાટે ભારત વિરોધીઓ, અને ભ્રષ્ટાચારના રાક્ષસ કંસના સગાવહાલાઓ કાંગાડોળ કરશે.. સત્યવાત પ્રગટ થતા ચોર, લુટારાઓ, દંભી અને ખોટાબોલનાઑનો વલોપાત એટલો ભયકંર હોય છે કે તે સગી જનેતાને, બહેનને, બનેવીને, શિષ્યને, ભાઈને, મિત્રને ક્રુરતાથી મારવા અચકાતા નથી પણ આનંદ મેળવે છે.. હજારો હત્યાઓ થઈ રહી છે ત્યારે.. જો તમારો માયલો ન હલે તો જાણજો તમે માત્ર હરતી ફરતી લાશ છો, દેશ દ્રોહી છો, બેઇમાન છો. “ઘરનુ કર ગામનુ પછી કરજે” તે કહેવત હલ્કટ બિભત્સ છે તે બદલવી પડશે “દેશનુ કર પછી ગામનુ કરજે અને ગામ નુ કર પછી ઘરનુ કરજે” આ કહેવત પવિત્ર અને શુરવીર છે.. સમજી જાવ દેશ સલામત તો ગામ સલામત અને ગામ સલામત તો જ ઘર સલામત..ગુજરાતની સરહદ પાકિસ્તાનની છે તે ભુલતા નહી, રાજકારણ ને નફરત ન કરો… ભારતના લોકો મુર્ખતામાથી બહાર આવે તમે જ ભ્રષ્ટ લોકોને ચુટો છો અને પછી બુમરાડ કરો છો શેના?

  અન્નાજી, રામદેવજી, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, નરેન્દ્ર મોદી, ગુણવત શાહ લેખક,જેવા અનેક વીર મહાનુભાવો જે વાત કરે છે.. તે સત્ય છે.. તમારી સામે તે જીવતા છે.. તેમને ફુલ સાથે સહકાર આપવો હોય તો અત્યારે આપો અને ન આપવો હોય તો તેના મૃત્યુ બાદ ફુલ ચડાવા જતા નહી તે તમારાથી અભડાઈ જશે અને તેનો આત્મા દુખી થશે..
  સત્ય તે છે કે ભ્રષ્ટાચાર રાક્ષસ કંસને મારવા જે ગર્ભ રહ્યો છે.. તે આયોજક અને ભારતની પ્રજાથી થયો છે.. ગર્ભની આ માતા તંદુરસ્ત બાળકનો જન્મ ત્યારેજ આપી શકવા શકિતમાન બનશે જો તેની કાળજી માત્ર પિતા કે માતા નહી પણ માતાપિતાના પરિવાર ભારતની જનતાએ રાખવો પડશે જો ગર્ભની કસુવાવડ થઈ તો તેની જવાબદારી ભ્રષ્ટાચારના રાક્ષસ કંસ નહી પણ ભારતની જનતા ૧૦૦% રહેશે… આ ઉમદા તક્ક છે.. તે ભારતની જનતા ને વેડફવી હવે પરવડે તેમ નથી.

  ” રાવણને સીતા હરાયીથી, લંકા હમે જલાયીથી, અબ લાખો સીતા હરને લગી ક્યુ લંકા જલાના ભુલ ગયે?
  ગીતા કા જ્ઞાન સુનાયા થા, અર્જુન કો વીર બનાયા થા, અબ રાસ રચાના યાદ રહા ક્યુ ચક્ર ચલાના ભુલ ગયે? ”

  ભારતની સત્તાની જે લોકશાહી સિસ્ટ્મ છે તેમા જે ભ્રષ્ટાચારના રાક્ષસ કંસ નો જન્મ ભારતની પ્રજા ની રાજકારણ સમજવાની ઉણપ, સુગ, સમજયા વિના માથુ કુટવાની કે તાડી પાડવાની ટેવ, કોમવાદ અને સ્વાર્થીવાદ ના કારણેજ થયો છે. આજે તમારા માતાપિતા, દિકરા કે દિકરી અને તમે ખુદ શિકાર થયા છો કારણ કે તમે ખુદ દેશભકત નથી, દેશભક્તની કુરબાનીની તમે જ કદર કરી નથી.. ગુટકા પૈદા કરનારને સાથ આપનારાઓ તમો એ જ તમારા દેશની તબીયત બગાડી છે… “ઉલાલા-ઉલાલા” ને પદ્મશ્રી એર્વોડ આપનારાને તમોએ સંસદમાં મોકલ્યા છે કે જેને તમારા માતાપિતા અને બાળકોને હોસ્પીટલમા સારી સગવડતાતો ઠીક સારૂ પીવા પાણી પણ પુરુ પાડયુ નથી, સંડાસ સુધા આપ્યુ નથી તેવા લોકોને સંસદમા મોકલાનારા તમેજ છો.. તમારે તમારી ભુલો, વૃતિઓ બાબતે ચિંતા કરવી પડશે… નથી આવડતુ તમને મતદાન કરતા, નથી તમને સમજણ કે આજ ના ભ્રષ્ટાચારના રાક્ષસ કંસના પિતા પણ તમે જ છો..

  તમે એક એવી નાવમાં બેઠા છો તેમા તરતા આવડતુ હોયને તોપણ બચવાના નથી કારણ કે નાવ તુટશે તો, કિનારો ખુબ દુર છે, દરીયાનુ પાણી ઠંડુ છે તમે થીજી જશો, ભુખી શાર્ક માછલીઓ ફરતે તમને જમવા તૈયાર છે.. નાવ બચશે તો જ તમે બચશો.. નાવ બચાવવામા તમારી નિષ્ફળતા તમારૂ ખુદનુ મોત અને મોત જ.. ખેડુત, મજુર, ડોકટર, વકિલ, શિક્ષક, વેપારી, પત્રકાર, વિધાર્થી, કર્મચારી આ વાત સમજવામા જલ્દી સમાનતા મા રહે તે આવશ્યક છે.. ખોટી સમજણના ફર્નિચરથી તમારા મગજના રૂમ ભરાઈ ગયા છે.. તેમા સત્યનુ ટીપુ પણ રહી શકે તેમ નથી માટે આ અણ સમજણના ફર્નિચરનો મગજના રૂમ માથી નાસ કરવો જરૂરી છે… રૂમ ખાલી થયા બાદ જેમ એક વ્યક્તિએ પ્રથમ વખત જમીનની અંદર ટ્રેઈન ચલાવવા વિચાર કર્યો તે પ્રથમ વિચાર “સર્જન” કરવા માટે નો હતો તેમ તમારે કાંઈક સર્જન કરવુ પડશે. હવે જમીનની અંદર ટ્રેઈન ચલાવવા વિચાર કરવો તે સર્જન નથી તે થઈ ચુકયુ છે અને થશે અને થાય છે તો કાર્બન કોપી માત્ર છે..

  ભારતની આઝાદીની લડાઈનુ આંદોલન અનેક હત્યાઓ, કુરબાની, અપમાન અને અત્યાચારોના મહાસંગ્રામ માથી થયો ૨૦૦ વરસ લાગ્યા.. સત્યાગ્રહ નો પ્રથમ પ્રયોગ તે પુજય બાપુ માટે “સર્જન” હતુ હવે નહી… જય પ્રકાશ નારાયણ આદોલન તેની કાર્બન કોપી હતી..ત્યારે જનમેદની થતી કારણકે .. ટ્રાફીક , ટીવી માધ્યમો અને પ્રજાની સ્વાર્થ વૃતીની પરાકાષ્ટા હતી નહી.. લોકો હસ્તા, હસ્તા જેલમા જતા હતા.. આજે “ગાંધી” જન્મ લે તો અને સત્યાગ્રહ આંદોલન કરે તો તેને મરવુ જ પડે. કારણ કે આજના ટીવી માધ્યમો, પત્રકારો ના સમાચાર ભારતની પ્રજાને સત્ય જ ન સમજવા દે… અને ભારતની ભણેલી પ્રજા જેટલી અભણ પ્રજા માટે નોબલ એવોર્ડ ભારતના વર્તમાન વડા પ્રધાન મનમોહન સિંઘ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભણેલાઓના પ્રતિનીધી તરીકે આપવો જોઈએ..

  ભ્રષ્ટાચારના રાક્ષસ કંસને મારવા માટે કોઈ નવાજ આદોલનનુ સર્જન કરવુ પડશે. જે શકય દેખાય છે જો અન્નાજી, અરવિંદ કેજીરીવાલ, કિરણ બેદી, શ્રી રામદેવ બાબા અને તેના સમર્થકના માધ્યમમાં ભારતની પ્રજા “એક નંદ ઘરે આનંદ ભેયો” જેવા ઉત્સ્વજેમ જોશ અને હોસથી જોડાઈ જાય.

  ઉઠ ધનુર્ધર ઉઠ… શાતિથી સુવા માટે જાગી જા….

 3. વાહ,વિનુભાઈ વાહ! અચાનક જ મારી કોમેન્ટ ઉપર ક્લીક કરતાં આપની કોમેંટ વાંચવા મળી ગઈ.તદ્દન સાચી વાત કરી છે આપે.આપની વાતો નિયમીત વાંચવા મળે તો મઝા આવે.મારું ઇમેલ એડ્રેસ:dthakore35@yahoo.com છે તો જણાવી આભારી કરશો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s