સરળતાથી જીવવાનો માર્ગ શોધવો એ આજની મોટી સમસ્યા Divya Bhasker, 7-10-2012

આખો ને આખો સમાજ ઘરડો છે. એમાં પાછલી ઉંમરે પાનખરને બદલે વસંતચર્ય માણવું એ મહા અપરાધ છે. બધા આશ્રમોમાં બસ મોક્ષની કે નિર્વાણની જ વાતો આ રુગ્ણ સમાજમાં વૃદ્ધાવસ્થાનો સંબંધ પાંજરાપોળ સાથે છે.

સમય અને અવકાશના કોઈ ગેબી વળાંક પર ઓચિંતાં મળી ગયેલાં ડોસોડોસી ઘર માંડીને રહેવાનું નક્કી કરે અને એમનાં સંતાનો બંનેના નિર્ણયને ઉમળકે વધાવે તો માનવું કે સમાજ સ્વસ્થ છે. ભગવાને પાછલી ઉંમરનું નિર્માણ સડવા માટે નથી કર્યું. ગંદા સમાજની સૌથી અશ્લીલ ઉક્તિ કઈ? ‘ઘરડી ઘોડી ને લાલ લગામ’ આપણે ક્યારે સુધરીશું?

તનમાં રોગ ન હોય તે માણસ ‘તન-દુરસ્ત’ કહેવાય. મનમાં રોગ ન હોય એ માણસ ‘મન-દુરસ્ત’ કહેવાય. તન અને મન રોગમુક્ત હોય એવો માણસ સ્વસ્થ કહેવાય. સ્વસ્થ સમાજ કોને કહેવો? જવાબ તોફાની છે. એંસી વર્ષની વૃદ્ધ પણ બ્યુટિપાર્લરમાં જતી વખતે સંકોચ ન અનુભવે તો માનવું કે સમાજ સ્વસ્થ છે. જાહેર બાગના બાંકડા પર કોઈ વિધવા સ્ત્રી એના પુરુષમિત્ર સાથે રોજ નિરાંતે બેસીને વાતો કરે ત્યારે એ બે જણાંને જોઈને અન્ય કોઈને ગંદું કુતૂહલ ન થાય તો માનવું કે સમાજ સ્વસ્થ છે. સમય અને અવકાશના કોઈ ગેબી વળાંક પર ઓચિંતાં મળી ગયેલાં ડોસોડોસી ઘર માંડીને રહેવાનું નક્કી કરે અને એમનાં સંતાનો બંનેના નિર્ણયને ઉમળકે વધાવે તો માનવું કે સમાજ સ્વસ્થ છે. ભગવાને પાછલી ઉંમરનું નિર્માણ સડવા માટે નથી કર્યું. ગંદા સમાજની સૌથી અશ્લીલ ઉક્તિ કઈ? ‘ઘરડી ઘોડી ને લાલ લગામ’ આપણે ક્યારે સુધરીશું?

આપણો સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ જેવો છે. એમાં ઠેર ઠેર પ્રેમવિરોધી, આનંદવિરોધી અને જીવનવિરોધી ઉકરડા જોવા મળે છે. આવા સમાજમાં ઘણાખરા રોગો માનસિક મૂળિયાં ધરાવનારા હોય છે. રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધના આ પતિત-પાવન દેશમાં પાવન થવાની પૂર્વશરત પતિત હોવું તે છે. રોગી મનુષ્યોના ઢગલે ઢગલા કોઈ ને કોઈ ઉદ્ધારક કે ઉપદેશકના ચરણસ્પર્શ માટે પડાપડી કરતા રહે છે. મૂર્ખ શ્રદ્ધાળુઓ સ્વામી ભ્રષ્ટાનંદજીના આશ્રમમાં જઈને ગુરુજીનાં ચરણોમાં માથું ટેકવીને જાણે કહે છે :

‘અમે લાકડું છીએ. આપ એમાંથી ફર્નિ‌ચર બનાવો.’ આખો ને આખો સમાજ ઘરડો છે. એમાં પાછલી ઉંમરે પાનખરને બદલે વસંતચર્ય માણવું એ મહા અપરાધ છે. બધા આશ્રમોમાં બસ મોક્ષની કે નિર્વાણની જ વાતો આ રુગ્ણ સમાજમાં વૃદ્ધાવસ્થાનો સંબંધ પાંજરાપોળ સાથે છે. પરિણામે મથુરા પાસે આવેલા વૃંદાવનમાં પણ વિધવાવન સર્જા‍યું છે. રળિયામણું ઘડપણ અશક્ય ખરું? દુ:ખી થવાની હઠ પકડવામાં કયો ધર્મ? જિમી કાર્ટર અમેરિકાનો ૩૯મો પ્રમુખ હતો. પોતાના જીવનની ઢળતી સંધ્યાએ કાર્ટર કઈ રીતે જીવે છે તેની રસપ્રદ વિગતો આપતું પુસ્તક વાંચવા મળ્યું. ભલભલા યુવાનને પણ વૃદ્ધ થવાની ઉતાવળ જાગે એવું જીવન કેવું હોય તે જાણવા માટે કાર્ટરદાદાનું અનોખું પુસ્તક છે.

– ‘The Vitues of Ageing’ થોડીક વાતો સાંભળો

સન ૧૮૮૯માં પ્રિન્સ બિસ્માર્ક દ્વારા જર્મનીમાં નિવૃત્તિની ઉંમર ૭૪ વર્ષની નક્કી કરવામાં આવી હતી. એમ બન્યું ત્યારે એ દેશમાં માણસનું સરેરાશ આયુષ્ય માત્ર ૪પ વર્ષનું હતું. આમ સરેરાશ આયુષ્ય અને નિવૃત્તિની વય વચ્ચેનો ગાળો ૨૯ વર્ષ જેટલો હતો. એક સર્વેક્ષણમાં અમેરિકનોને પૂછવામાં આવ્યું: ‘તમને નિવૃત્ત થવા માટે કઈ ઉંમર યોગ્ય લાગે છે?’ જે જવાબો મળ્યા તેમાં સરેરાશ વય પ૪ વર્ષની હતી. એ જ સર્વેક્ષણમાં બીજો પ્રશ્ન જરાક વધારે તોફાની હતો : ‘કોઈ વ્યક્તિને કેટલી ઉંમરે વૃદ્ધ કહી શકાય?’ જવાબો મળ્યા તેમાં પ્રાપ્ત થયેલી સરેરાશ ઉંમર ૭૩ વર્ષની હતી. જિમી કાર્ટર આ વાત આગળ ચલાવીને કહે છે કે આપણે વૃદ્ધ ત્યારે જ કહેવાઈએ, જ્યારે આપણે માનીએ કે આપણે ઘરડાં થયાં આ વાતને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. આપણે જ્યારે આડાં પડી રહેવાનું, બીજાઓ પર આધાર રાખવાનું, આપણી સહજ શારીરિક અને માનસિક ક્રિયાઓ પર બ્રેક મારવાનું અને લોકોને મળવાનું માંડવાળ કરીએ ત્યારે ઘરડાં ગણાઈએ. ટૂંકમાં માણસે પોતે પોતાના યૌવનને જાળવીને ઘડપણને પાછળ ઠેલવાનું છે.

કાર્ટરદાદા પત્ની રોઝલીન સાથે વિશાળ ખેતર પર રહે છે. બંને મોટી ઉંમરે સક્રિય છે. એમણે સ્થાપેલું કાર્ટર સેન્ટર દુનિયાભરમાં કેટલાક પ્રોજેક્ટ ચલાવે છે. બંને જણાં અનેકવાર હોસ્પિટલની સારવાર લઈ ચૂક્યાં છે. કાર્ટરદાદા એક જમાનામાં રોજ સાત માઇલ દોડતા. આજે ત્રણ માઇલ દોડે છે. ફાર્મ પાસેના ગામઠી રસ્તાઓ પર રોજ ૧૦-૧પ માઇલ સાઇકલ ચલાવે છે. ઘૂંટણ અને હાડકાં નબળાં પડયાં છે તેથી કાર્ટરદાદા હવે ઢોળાવો પરથી બરફમાં સરકવાની રમત રમવાનું ટાળે છે કારણ કે હાડકાં બરડ થયાં છે. કાર્ટરદાદા સેક્સ વિષે શું કહે છે? એમના જ શબ્દો કાન દઈએ સાંભળો :

‘હું જ્યારે ૨૨ વર્ષની ઉંમરે પરણ્યો અને ભરપૂર સેક્સ માણતો ત્યારે મેં એવું જ માની લીધેલું કે મારાં આધેડ વયનાં માતાપિતા ભાગ્યે જ સેક્સનો આનંદ માણતાં હશે કે કદાચ ન પણ માણતાં હોય. આજે હવે ૭૦ની ઉંમર વટાવ્યા બાદ મેં અને રોઝલીને એકબીજાંની ઝંખનાઓને જાળવી લેવાનું બરાબર શીખી લીધું છે. આટલી પૂર્ણ અને આનંદમય સહચર્યા પહેલાં કદી પણ ન હતી. અમે જે અનુભવ્યું છે તેનો તાળો ડયુક યુનિવર્સિ‌ટીમાં થયેલા સંશોધન સાથે મળતો આવે છે. ઘણાં સ્ત્રી-પુરુષો ૭૦-૮૦ વર્ષના વયગાળામાં પણ સેક્સમાં રસવૃત્તિ અને સક્રિયતા જાળવી રાખે છે. ૮૦ વર્ષની વયે પણ પુરુષો મૈથુનાવેશ (ઓર્ગેઝમ) અનુભવી શકે છે… હકીકતમાં તો કોઈ પણ તંદુરસ્ત પુરુષ જો આત્મવિશ્વાસ ધરાવતો હોય, તો સહકાર આપવા તૈયાર એવી સ્ત્રી સાથે સંતોષપ્રદ અને કલ્પનાપ્રચુર પ્રેમક્રીડા જીવનભર માણી શકે છે.’ (પાના નં.૭૯)

– કાર્ટરદાદા પુસ્તકમાં એક જગ્યાએ એવી વાત કહે છે જે આપણે હૈયે વસી જાય :

આપણે જીવતાં રહેવાની
વધારે પડતી ચિંતા કરીએ છીએ,
પરંતુ શા માટે જીવવું તેની
ચિંતા બહુ ઓછી કરીએ છીએ…
ચાલીસ વર્ષના વૃદ્ધ થવા કરતાં
સિત્તેર વર્ષના યુવાન થવું સારું
લોકો પોતાનું આયખું
ઘરડાં થતાં જવામાં વિતાવે છે,
પરંતુ પરિપક્વ થવામાં નથી વિતાવતાં.

યાદ છે? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એવા યુવાન જિમી કાર્ટરે ભારતના વડાપ્રધાન એવા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને તંદુરસ્ત મોરારજીભાઈને અમેરિકામાં ઉમળકાભેર આવકાર્યા હતા. ભારતીય સંસ્કૃતિ દુનિયાની સૌથી વયોવૃદ્ધ સંસ્કૃતિ છે. એના લાભ છે અને ગેરલાભ પણ છે. દેશની ઘરડી માનસિકતાનો સંબંધ આપણી ગરીબી સાથે રહેલો છે. આપણી ઓફિસોમાં, નિશાળોમાં અને સંસ્થાઓમાં ઘડપણનો ઓથાર વરતાય છે. દહેજ લઈને પરણનારને કોઈ વૃદ્ધ નથી ગણતું. ગુટખો ખાનાર યુવાનને કોઈ ડોસો નથી ગણતું. ભાગ્યે જ ક્યાંક ઉત્સાહ, પરાક્રમ, સાહસ, સંકલ્પશક્તિ અને કર્મનિષ્ઠાનાં દર્શન થાય છે. સડેલું યૌવન દેશને ગરીબ રાખે છે. ઉત્સાહથી છલકાતો યુવાન નોકરી નથી શોધતો, તક શોધે છે.

દેશનાં વૃદ્ધ સ્ત્રીપુરુષોએ મનોમન એક સંકલ્પ લેવાનો છે. વળગણ છોડીને વગડામાં ભટકવા માટે કોઈ ઉંમર મોટી નથી. પ્રેમપત્ર લખવા માટે કોઈ ઉંમર મોટી નથી. મૈત્રી બાંધવા માટે કોઈ ઉંમર મોટી નથી. રોમેન્ટિક હોવું એ જો ગુનો હોય તો વસંતઋતુ જેવી અશ્લીલ ઋતુ બીજી ન હોઈ શકે. જૂના પરંપરાગત ખ્યાલો ત્યજવામાં અને નવા ઉન્મેષો સેવવામાં મોટી ઉંમર વચ્ચે શા માટે આવે? ટેલિફોન પર વાત લંબાયે જાય એવી મનગમતી મૈત્રી પામનાર મનુષ્યનું આયુષ્ય પણ લંબાય એમ બને. ગર્વ સે કહો : મૈં યુવાન હૂં’

પાઘડીનો વળ છેડે

સરળ રીતે જીવવાનો માર્ગ શોધવો એ આજની સૌથી અસરળ સમસ્યા છે. તમે ત્યારે જ ઘરડા ગણાવ, જ્યારે સમણાંની જગ્યાએ ઉદાસી ગોઠવાઈ જાય.
– જિમી કાર્ટર

(The Vitues of Ageing પુસ્તકમાંથી)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s