સેક્યુલર ભ્રષ્ટાચાર દેશને ફરીથી ભાંગી શકે Divya Bhasker, 16-9-2012

સેક્યુલર ભ્રષ્ટાચારનો ખરો માર આજે આસામ વેઠી રહ્યું છે. છેલ્લાં ૨૦-૨પ વર્ષો દરમિયાન વોટબેંકની લાલચે બાંગ્લાદેશમાંથી ઘૂસી આવેલા લોકોને ઝટપટ રેશનકાર્ડ અને મતાધિકાર આપી દેવામાં આવ્યા. પરિણામે આસામનું લોકસંખ્યાત્મક (ડેમોગ્રાફિક) સંતુલન એવું તો ખોરવાયું કે આસામની સમસ્યા કોમી વૈમનસ્યની વિકરાળ સમસ્યા બની ગઇ.

ક્યુલર ભ્રષ્ટાચારની સરળ વ્યાખ્યા આ પ્રમાણે છે: સેક્યુલરિઝમ જેવી પવિત્ર બાબતને ભ્રષ્ટ કરે તેવો વિચાર અને આચાર એટલે સેક્યુલર ભ્રષ્ટાચાર. દેશમાં ‘ભ્રષ્ટાચાર’ શબ્દ સાથે પૈસાનાં કૌભાંડો એવાં તો સજ્જડપણે ચોંટી ગયાં છે કે આર્થિ‌ક ભ્રષ્ટાચાર કરતાંય વધારે ખતરનાક એવો ‘સેક્યુલર ભ્રષ્ટાચાર’ આપણને બહુ ખૂંચતો નથી. કાલે ઊઠીને આસામ દેશથી વિખૂટું પડે તો તેના મૂળમાં સેક્યુલર ભ્રષ્ટાચાર હશે. આ વાત ગળે ન ઊતરી હોય તો આગળ વાંચો.

જગ સુરૈયા મારા પ્રિય કટારલેખક છે. તેઓ વિશ્વપ્રવાસી છે અને વિશ્વનાગરિક જેવા છે. તેઓ મૂળે કચ્છ (માંડવી)ના છે એ જાણી રાખવા જેવું છે. સેક્યુલર ભ્રષ્ટાચારને સમજવામાં તેમના શબ્દો મદદરૂપ થાય તેવા છે. તેઓ લખે છે: ‘જેમ આતંકવાદ માટે કહેવાય છે તેમ ધર્માંધતા પણ કોઇ એક ધર્મનો ઇજારો નથી… પરંતુ મનમાં એક છાની શંકા રહે છે કે ભારતનો ઉદારમતવાદી અવાજ ધર્માંધતાની નિંદા કરવામાં બહુમતી કોમ અંગે જેટલો જોરદાર હોય છે, તેટલો જ જોરદાર લઘુમતીની ધર્માંધતા બાબતે હોય છે ખરો?

ખરેખરો સેક્યુલર અથવા ઉદારમતવાદી અભિગમ તો બધા જ પ્રકારની ધર્માંધતાનો વિરોધ સરખા જોરથી કરવામાં રહેલો ગણાય, પછી તે હિ‌ન્દુ, મુસ્લિમ કે ગમે તે પોશાક ધરાવનારો હોય. શું ભારતનો ઉદારમતવાદ આવી સમાન તકની કસોટીએ નપાસ થાય છે એવું ખરું? શું એ ઉદારમતવાદ મુસ્લિમ અન્ય જૂથો દ્વારા પ્રગટ થતી અસહિ‌ષ્ણુતાની નિંદા કરે તેના કરતાં હિ‌ન્દુ કટ્ટરતાની નિંદા કરવામાં વધારે તીવ્ર હોય છે એવું ખરું? જો આ પ્રશ્નનો જવાબ હા હોય-અને ઘણા લોકો માને છે કે જવાબ હા છે, તો પછી ઉદારમતવાદી પ્રતિભાવમાં આવું અસંતુલન શા માટે?’ (ટા.ઓ.ઇ., ૮-૨-૨૦૧૨).

ઉપરના પ્રાણવાન શબ્દો બે વાર ધ્યાનપૂર્વક વાંચી જનાર ભારતીય નાગરિકને ખ્યાલ આવી જશે કે સેક્યુલર ભ્રષ્ટાચારમાં રમમાણ રહેવાની ફેશનને કારણે મુસ્લિમો દેશના ‘ર્નોમલ નાગરિક’ બનવામાં અડચણ અનુભવી રહ્યા છે. મારી આ વાતના ટેકામાં હું અતિ સેક્યુલર એવાં કર્મશીલ તિસ્તા સેતલવાડના ધર્મપતિ શ્રી જાવેદ આનંદના યાદગાર શબ્દો રજૂ કરવા ઇચ્છું છું. સાંભળો:

‘જો ટ્યુનિસિયા, ટકીર્ અને લેબેનોન જેવા મુસ્લિમ દેશો પણ બહુપત્નીત્વ (પોલીગેમી) પર પ્રતિબંધ મૂકી શકે તો પછી સેક્યુલર ભારતમાં આપણે એવો પ્રતિબંધ શા માટે ન મૂકી શકીએ?’
(ટા.ઓ.ઇ. ૬-૨-૨૦૧૨).

આપણે થોડીક નિરાંત સાથે એવું માની લેવામાં રાહત અનુભવીએ છીએ કે ભારતનું વધુ વિભાજન હવે નહીં થાય. આવી નિરાંત ખતરનાક સાબિત થઇ શકે છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં કોઇને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે જર્મનીના (અને બર્લિ‌ન શહેરના) બે ભાગ પડી શકે. માર્શલ ટિટોના શાસનકાળમાં કોઇને કલ્પના પણ ન હતી કે યુગોસ્લાવિયાનું વિભાજન થઇ શકે.
બ્રેઝનેવના સામ્યવાદી શાસનકાળમાં યુ.એસ.એસ.આર. (સોવિયેટ યુનિયન)ના અનેક ભાગલા પડી શકે એવો ખ્યાલ સુદ્ધાં કદાચ કોઇને આવ્યો નહીં હોય. અરે પાકિસ્તાન સર્જા‍યું ત્યારે એના જનક ઝીણાસાહેબને ભાગ્યે જ એવો ખ્યાલ આવ્યો હશે કે ઇસ્ટ પાકિસ્તાન અલગ પડી જશે અને બાંગ્લાદેશ જેવા નવા દેશનો જન્મ થશે. શું આસામ ભારતથી વિખૂટું પડે એ અશક્ય છે? આપણું રાષ્ટ્રીય ભોળપણ એવી શક્યતા સ્વીકારવાની ના પાડે છે, પરંતુ વાસ્તવિકતા વિકરાળ છે. દેશ ભાંગી શકે તેમ છે.

મારા ઘરે ક્યારેક આર.એસ.એસ.ના મિત્રો વાતો કરવા માટે પ્રેમથી આવી ચડે છે. તેઓ કેટલીક એવી વાતો કરે છે, જેની સાથે સહમત થવાનું મારે માટે અશક્ય બની જાય છે. હું તર્કયુક્ત દલીલો કરીને મારી વાત સમજાવું ત્યારે મારી કોઇ પણ વાત તેમને ગળે ઊતરતી હોય એવું મને લાગતું નથી. હા, તેમની એક દલીલનો મારી પાસે કોઇ જવાબ નથી. તેઓ મને કહે છે કે ભારતના જે જે પ્રદેશોમાં બિનહિ‌ન્દુ પ્રજા બહુમતીમાં હોય, તે તે પ્રદેશોમાં ભારતથી અલગ થવાની માંગ થતી રહે છે. આ અંગે અનેક ઉદાહરણો રજૂ કરીને તેઓ એવું પ્રતિપાદન કરે છે કે દેશની એકતાની આધારશિલા હિ‌ન્દુ બહુમતી છે અને તેથી દેશની અખંડિતતાનો દારોમદાર હિ‌ન્દુત્વ છે. આ બાબત તલસ્પર્શી ચર્ચા માગે છે કારણ કે આવી દલીલ છેક દમ વિનાની નથી.

ગયા મહિ‌ને જ્યારે બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને અન્ય શહેરોમાંથી ઉત્તર-પૂર્વીય નાગરિકો ટ્રેનોમાં ચિક્કાર ભરાઇને આસામ જવા માટે ઉતાવળા બન્યા ત્યારે પુણેમાં એક એવી ઘટના બની, જેને કારણે દેશની એકતા માટે આશા પેદા થાય. પુણેમાં સાને ગુરુજી તરુણ મંડળ દ્વારા શહેર છોડીને જવા માટે તૈયાર થયેલાં ઉત્તર-પૂર્વીય ભાઇબહેનોને પ્રેમપૂર્વક સમજાવીને રોકાઇ જવાની વિનંતી કરવામાં આવી. માનશો? આવા સુંદર પ્રયત્નમાં પુણેના હિ‌ન્દુઓ અને મુસ્લિમો મોટી સંખ્યામાં જોડાયા અને સૌએ સાથે મળીને ઇદના તહેવારની ઉજવણી કરી. દિલીપ પાડગાંઉકરે પોતાના લેખમાં આવી અનોખી ઘટના નોંધી છે.

– આંખ ઠરે ને હૈયું ઠારે તેવો દાખલો બેઠો

સેક્યુલર ભ્રષ્ટાચારનો ખરો માર આજે આસામ વેઠી રહ્યું છે. છેલ્લાં ૨૦-૨પ વર્ષો દરમિયાન વોટબેંકની લાલચે બાંગ્લાદેશમાંથી ઘૂસી આવેલા લોકોને ઝટપટ રેશનકાર્ડ અને મતાધિકાર આપી દેવામાં આવ્યા. પરિણામે આસામનું લોકસંખ્યાત્મક (ડેમોગ્રાફિક) સંતુલન એવું તો ખોરવાયું કે આસામની સમસ્યા કોમી વૈમનસ્યની વિકરાળ સમસ્યા બની ગઇ. ૧૧મી ઓગસ્ટે મુંબઇના આઝાદ મેદાનમાં મુસ્લિમ ગુંડાઓએ આતંક મચાવ્યો તેમાં પોલીસ સ્ત્રીઓની છેડતી થઇ, પોલીસો ઘાયલ થયા અને ‘અમર જવાન’ સ્મારક પર ગુંડાઓએ દંડા માર્યા અને લાત પણ મારી. પોલીસ અધિકારી અરૂપ પટનાયકે તે વેળાએ સંયમ પાળ્યો કે ઢીલ બતાવી?

૧૪૪મી કલમની ધરાર અવગણના કરીને રાજ ઠાકરેએ ૨૧મી ઓગસ્ટે વિરાટ રેલી યોજી. એમણે આઝાદ મેદાનની સભામાં મોટી મેદનીને સંબોધન કર્યું તેમાં ઉત્તર ભારતથી મુંબઇ આવીને વસેલા લોકો વિરુદ્ધ ઝેર ફેલાવ્યું. આવો ભયંકર ગુનો કરનારા રાજ ઠાકરેની ધરપકડ ન થઇ. મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારે મુસ્લિમ ગુંડાઓ પ્રત્યે જે ઢીલ બતાવી તેવી જ ઢીલ હિ‌ન્દુ ગુંડાઓ પ્રત્યે પણ બતાવી. શું એ ‘સેક્યુલર ઢીલ’ કહેવાય?

આસામમાં બદરુદ્દિન અજમલ અને મુંબઇમાં રાજ ઠાકરે અજમલની પાર્ટી પાસે ૧૮ વિધાનસભ્યો છે. આસામના દેશી-પરદેશી મુસ્લિમો કોમી તનાવને કારણે જે બિનસલામતી અનુભવશે તેને કારણે કટ્ટરપંથી અજમલની તાકાત વધશે. આસામમાં મુસ્લિમોની સંખ્યા ઝડપભેર વધે છે અને તેથી લોકસંખ્યાત્મક સંતુલન ખોરવાય છે. આવું જ કંઇક અંશે કાશ્મીરના ખીણ વિસ્તારમાં બન્યું છે. ત્યાંથી લાખો કાશ્મીરી (હિ‌ન્દુ) પંડિતોને ખદેડી મૂકવામાં આવ્યા અને આજે પણ તેઓ પોતાના જ દેશમાં નિરાશ્રિત છે.

કાશ્મીરનો ખીણ વિસ્તાર ‘હિ‌ન્દુ વિહોણો’ બની ગયો તોય તેમના માનવ-અધિકાર અંગે સેક્યુલર ભ્રષ્ટાચારમાં રાચનારા કર્મશીલો મૌન છે. સેક્યુલર ભ્રષ્ટાચાર ગોધરાની ક્રૂરતા અંગે ઠંડું વલણ રાખનારો છે અને નરોડા પાટિયા આગળ થયેલી ક્રૂરતા અંગે ગરમ વલણ રાખનારો છે. બંને દુર્ઘટના દરમિયાન આચરવામાં આવેલી ક્રૂરતાને સરખી નિંદનીય ગણે તેવું સ્વચ્છ સેક્યુલરિઝમ ક્યાંય નજરે પડે છે?’ (લખ્યા તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૧૨)

– પાઘડીનો વળ છેડે

‘મેં જોયું છે કે ભારતના ઉદારમતવાદી અને બૌદ્ધિક લોકો ઘણુંખરું એક જ રાજકીય પક્ષનું તાણતા હોય છે. જેઓ પોતાને સેક્યુલર કહેવડાવે છે, એવા ઘણા લોકો હિ‌ન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓ અંગે સમાનભાવે અવાજ ઉઠાવતા નથી. જો તમે હિ‌ન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી-એમ બધા જ વર્ગોના કટ્ટરપંથી લોકોની સમાનભાવે નિંદા કરવાના ન હો, તો તમે સેક્યુલર પણ નથી અને ઉદારમતવાદી (લિબરલ) પણ નથી.’
– તસ્લિમા નાસરિન

નોંધ: રાખી ચક્રવર્તીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉચ્ચારાયેલા આવા સાચકલા શબ્દો આપણા દેશના સેક્યુલર કર્મશીલોને અર્પણ. (ટા.ઓ.ઇ. ૧૨-૨-૨૦૧૨).

Advertisements

One thought on “સેક્યુલર ભ્રષ્ટાચાર દેશને ફરીથી ભાંગી શકે Divya Bhasker, 16-9-2012

  1. Hello Sriman
    Pls Hindi sms language reding my comment
    ”sriman aap ka sunday ka jo lekh divya bhaskar me aaya he usme aap ne likha he ki umar faruk ko pygambar ka katal karne ke liya jana bataya he wo bilkul galat he umar faruk islam me dakhil hone se pahle jis par hamla karne ke liye gaye the wo unke bahan aur bahnoi the jo islam me dakhil ho chuke the.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s