ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ , Divya Bhasker 2-12-2012

ગણિકાવૃત્તિ કેવળ સ્ત્રીઓનો ઇજારો નથી. એ જ રીતે વણિકવૃત્તિ કેવળ પુરુષોનો ઇજારો નથી. આ બંને વૃત્તિઓથી પર હોય એવા થોડાક મનુષ્યો હજી જીવે છે, જેઓ નિ:સ્વાર્થ પ્રેમમાં ડૂબેલા હોય છે. તેઓ સ્વાર્થવિહીન સંબંધોનો વૈભવ માણે છે. એ વૈભવને, ‘ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ’ કહી શકાય

જૈન સાધુઓના પત્રો મળે ત્યારે પ્રારંભે એક મધુર શબ્દ અચૂક વાંચવા મળે છે: ‘ધર્મલાભ’. આપણો આખો દિવસ ઘટનાઓની વણઝાર જેવો હોય છે. એમાંની એક ઘટના તે ‘દુકાન-ઘટના’.

માનવ-ઇતિહાસમાં જ્યારે દુકાનની શરૂઆત થઇ ત્યારે અર્થશાસ્ત્રની શોધ થઇ. જ્યાં ગણતરી હોય કે વાણિજ્ય હોય ત્યાં લાભ હોય અને લાભ હોય ત્યાં નફો હોય. દુકાન-ઘટના સાથે સદીઓથી ‘દ્રવ્યલાભ’ જોડાયો છે. આજના માણસને સતત પજવતો પ્રશ્ન કયો? એ પ્રશ્નનો જવાબ મળી જાય તો તાણ ઘટે અને સુખ વધે. એ પ્રશ્ન છે: ‘શું ધર્મલાભ અને દ્રવ્યલાભ વચ્ચે દુશ્મનાવટ છે?’ જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો કોઇપણ દુકાનદાર ધાર્મિ‌ક ન હોઇ શકે. ખરી વાત એ છે કે પ્રામાણિક દુકાનદાર કોઇપણ સાધુ કરતાં ઓછો પવિત્ર નથી હોતો. એવા પવિત્ર દુકાનદારને આપણી પરંપરામાં ‘મહાજન’ કહ્યો છે. આપણા જમાનાની રોકડી સમસ્યા એ છે કે સમાજમાં દુકાનદારો ભારે બહુમતીમાં છે અને મહાજનોની લઘુમતી પાતળી છે. કોઇપણ યુગમાં વિચારવંત મનુષ્યોની લઘુમતી જ મૂલ્યવાન હોય છે. આજના જમાનાને અમથો વગોવવાની કુટેવ છોડવા જેવી છે.

ગણિકા આખરે કોણ છે? એ પોતાના રૂપનો સોદો કરે છે. સોદો ત્યારે જ થઇ શકે જ્યારે બંને પક્ષની સંમતિ હોય. ગણિકા સાથે સોદો કરનાર પુરુષને કોઇ ‘ગણિક’ નથી કહેતું. વેપાર કરનાર પુરુષને લોકો ‘વણિક’ કહે છે, પરંતુ વેપાર કરનારી સ્ત્રીને કોઇ ‘વણિકા’ નથી કહેતું ‘વ્યક્તિ’ શબ્દ જેન્ડર ફ્રી (જાતિમુક્ત) છે. પ્રત્યેક વ્યક્તિની ભીતર એક ગણિકા બેઠેલી હોય છે. ગણિકાવૃત્તિ કેવળ સ્ત્રીઓનો ઇજારો નથી. એ જ રીતે વણિકવૃત્તિ કેવળ પુરુષોનો ઇજારો નથી. આ બંને વૃત્તિઓથી પર હોય એવા થોડાક મનુષ્યો હજી જીવે છે, જેઓ નિ:સ્વાર્થ પ્રેમમાં ડૂબેલા હોય છે. તેઓ સ્વાર્થવિહીન સંબંધોનો વૈભવ માણે છે. એ વૈભવને, ‘ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ’ કહી શકાય. આવો વૈભવ કોઇપણ ઉદ્યોગપતિ પાસે નથી હોતો. લોકો ઘણુંખરું એવા જ માણસોની અદેખાઇ કરતા રહે છે, જેઓ અદેખાઇને પાત્ર હોતા નથી.

‘સાગર’ ફિલ્મની એક પંક્તિ યાદ છે? ‘પ્યાર મેં સૌદા નહીં.’ આવો પરમ આદરણીય છે: પ્યારવૈભવ. પ્રેમમાં દગાબાજી કરવી એ જ આજની સદીની બ્રહ્મહત્યા કવિ ન્હાનાલાલે સાચું કહ્યું: ‘પરમપ્રેમ પરબ્રહ્મ.’
‘ગણ’ શબ્દનો વંશવેલો ખાસો લાંબો છે. ગણ એટલે ગણવું કે ગણતરી કરવી કે કિંમત માંડવી. ગણ પરથી ‘ગણન’ થયું. જે માણસ ગણન કરે તે ‘ગણક’ કહેવાય. ગણક એટલે ગણિતશાસ્ત્રી કે જ્યોતિષી. વેલો હજી આગળ ચાલે છે. ગણન પરથી ગણના, ગણપતિ અને ગણાધિપતિ જેવા શબ્દો પ્રચલિત થયા. ગણતરી માટે ‘ગણિ’ શબ્દ છે. ગણિ પરથી બે શબ્દો ઊતરી આવ્યા તે: ગણિત અને ગણિકા. ગણ એટલે સમૂહ અને જેને સમૂહ મળી રહે તે ‘ગણિન્’ કહેવાય. ગણિન્ એટલે આચાર્ય. ‘ગણ’ના એટલે કે સમૂહના આરાધ્ય દેવ ‘ગણેશ’ કહેવાયા. જ્યાં ગણ હોય ત્યાં ગણતંત્ર પણ હોઇ શકે અને ટોળાતંત્ર પણ હોઇ શકે. માનવ-ઇતિહાસમાં ગણવાની શરૂઆત થઇ પછી સામાજિક વિકાસ ઝડપી બન્યો. ભારતમાં શૂન્ય (એબસોલ્યુટ ઝીરો)ની શોધ થઇ તેને છેડે માનવજાતને કોમ્પ્યુટર મળ્યું. ‘ગણ’ શબ્દના વંશવેલાના લેટેસ્ટ કુળદીપકનું નામ કોમ્પ્યુટર છે.

વિનોબાજીએ વર્ષો પહેલાં આપણી સ્વાર્થવૃત્તિને ખળભળાવી મૂકે એવો પ્રશ્ન પૂછેલો: ‘ફાયદે સે ક્યા ફાયદા?’ આપણી ભીતર બેઠેલી ગણિકા (દ્રવ્યવૃત્તિ)ને સખણી રાખવા માટેની મથામણ ખાનગી સાધના માગી લે છે. કેવળ દ્રવ્યલાભ પર આધારિત એવા સંબંધોને યહૂદી મહાત્મા ‘It’ પ્રકારના સંબંધો કહે છે. ‘ઇટ’ એટલે દ્રવ્યમય સ્વાર્થ સંબંધ. જે સંબંધમાં નિવ્ર્યાજ પ્રેમ રહેલો હોય તેને માર્ટિ‌ન બૂબર ‘Thou’ પ્રકારનો સંબંધ કહે છે. ‘ધાઉ’ એટલે નિ:સ્વાર્થ પ્રેમસંબંધ. આવો એક પણ સંબંધ ન પામ્યો હોય એવો મનુષ્ય કદી પણ સુખી ન હોઇ શકે. દ્રવ્ય (મેટર) અને બિનદ્રવ્ય (નોનમેટર) વચ્ચેની માણસના નસીબમાં ‘ધ જોય ઓફ બીઇંગ અનસેલ્ફિશ’ ક્યાંથી? હજી સુધી દુનિયામાં ફાયદાવાદી માણસને ખરું સુખ પ્રાપ્ત થયું જાણ્યું નથી. જે રૂપિયો સુખમાં રૂપાંતર ન પામે તે રૂપિયો ઠીકરા બરાબર છે. રૂપિયો કન્વર્ટિ‌બલ હોવો જોઇએ. કકડીને ભૂખ લાગે અને ઘસઘસાટ ઊંઘ આવે તે અવસ્થાને ‘સુખ’ કહેવાય એવું નહીં? સુખી સૌને થવું છે, પરંતુ સુખની વ્યાખ્યા ઝટ જડતી નથી. ફાયદો સૌને ગમે છે, પરંતુ ફાયદો કોને કહે તેની સમજણ ફાયદાવાદી માણસ પાસે પણ નથી.

ગણિકા કેવળ દેહનો (જિસ્મનો) સોદો કરે છે. સામેના માણસને અંધારામાં રાખીને લાભ લૂંટનારા ચાલાક લોકો મન (જમીર)નો સોદો કરે છે. ક્રિકેટ જગતમાં જેઓ મેચ-ફિક્સિંગ કરીને કરોડો રૂપિયા કમાય તેઓ ગણિકાવૃત્તિની કઇ કક્ષાએ વિરાજે છે? તેઓ પોતાના દેશની શાનનો સોદો કરીને અઢળક પૈસા બનાવે છે. જગતની કોઇપણ ગણિકા એ દેશદ્રોહીઓ કરતાં ઊંચી કક્ષાની ગણાય. આવી તો અસંખ્ય ‘ગણિકાઓ’ પુરુષદેહે રાજકારણના, શિક્ષણના, દાક્તરી વિદ્યાના, પત્રકારત્વના અને સમાજસેવાના ક્ષેત્રમાં ગંદી સોદાબાજી કરતી રહે છે.

લોકોને ચાલાકીપૂર્વક છેતરવાની લલિતકળામાં પાવરધા માણસને સ્માર્ટ કહેવામાં આવે છે. ધર્મના ક્ષેત્રમાં પણ સ્માર્ટ મનુષ્યોની ખોટ નથી. અન્યને ન છેતરનાર વ્યક્તિને સાધુ કહેવાની ફેશન શરૂ કરવા જેવી છે. ક્યારેક એવા સાધુચરિત પિતાને એનાં સંતાનો ‘મૂર્ખ’ ગણે છે. એવા કોઇ પિતાને મૂર્ખ ન ગણનારી વહાલી વ્યક્તિને લોકો દીકરી તરીકે ઓળખે છે. દીકરી એટલે શું તે સમજવામાં માતા કરતાં પણ પિતા ચાર ડગલાં આગળ હોય છે.

ગણતરી હોય ત્યાં લેવડદેવડ (ગિવ એન્ડ ટેક) હોય છે. લેવડદેવડ હોય ત્યાં અચૂક વેપાર-વણજ હોય છે. ‘વણજ’ શબ્દનો પિતા સંસ્કૃતમાં ‘વણિજ્’ છે. વણિજ્ એટલે વેપારી. વેપાર માટે સંસ્કૃતમાં વણિગ્વૃત્તિ શબ્દ છે. વણિગ્વૃત્તિ હોય ત્યાં વાણિજ્ય હોવાનું. એ વૃત્તિમાંથી દુકાનનો જન્મ થયો. દુકાન હોય ત્યાં લેવડદેવડ હોય. દુકાન હોય ત્યાં દુકાનદાર હોય. દુકાનદાર હોય ત્યાં ઇનામ પણ હોય અને બેઇમાની પણ હોય. એ દુકાન આજે મોલ બની ગઇ દુકાનની ઉત્ક્રાંતિ થઇ તેના આખરી (લેટેસ્ટ) ફરજંદને લોકો ઇ-કોમર્સ અને સાયબર-કોમર્સ કહે છે. કહે છે કે સંત તુકારામે ‘વિઠ્ઠલ નામનો વેપાર’ કરેલો. તુકારામ ખેડૂત હતા અને જ્ઞાતિએ કણબી હતા. એમનો દ્રવ્યલાભ ખરી પડયો અને ધર્મલાભ વધી પડયો ત્યારે ખેતર પર ગયેલા તુકારામે પક્ષીઓને નિરાંતે દાણા ચણવાની છૂટ આપી હતી. આજે પણ દેહુ ગામમાં સંત તુકારામનું ઘર સચવાયું છે. હું એ ઘરે જઇ આવ્યો છું. તુકારામના વંશજને પણ મળ્યો હતો.

ગણતરીને ગાળ ભાંડવાની જરૂર નથી. સહજ સ્વાર્થને હડે હડે કરવાની જરૂર નથી. જ્યાં સુધી લાભ પણ શુભ-લાભ હોય ત્યાં સુધી એ નિંદનીય નથી. આઇન રેન્ડ જેવી રેશનલિસ્ટ વિદુષીએ પુસ્તક લખ્યું જેનું મથાળું છે: ‘The Virtue of Selfishness.’ આપણા લાભને પવિત્ર રાખવાની કળાને સમજવામાં જ આયખું પૂરું થઇ જાય છે. ધર્મલાભ અને દ્રવ્યલાભ વચ્ચે બાપેમાર્યાં વેર નથી. લેવડદેવડ વિના જીવવાનું શક્ય ખરું? લેવડદેવડને ચોખ્ખીચણક રાખવાની કળાને ગાંધીજીએ ‘સાધનશુદ્ધિ’ તરીકે પ્રસ્થાપી છે. રાણા પ્રતાપને ભામાશા જેવા મહાજન મળ્યા, એ જ રીતે મહાત્મા ગાંધીને રામકૃષ્ણ બજાજ જેવા મહાજન મળ્યા. રામકૃષ્ણ બજાજને ગાંધીજીએ ‘પાંચમા દીકરા’ ગણાવ્યા હતા.’

પાઘડીનો વળ છેડે

ભારતના લોકોના આપણે સૌ
ખૂબ જ આભારી છીએ,
જેમણે આપણને
કેમ ગણવું તે શીખવ્યું.
એ જાણ્યા વિના કોઇ પણ
અગત્યનું વૈજ્ઞાનિક સંશોધન
શક્ય બન્યું જ ન હોત
– આલ્બર્ટ આઇન્સ્ટાઇન

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s