માણસના માથામાં સંતાયેલું ભવ્ય મંદિર Divya Bhasker, 18-2- 2013

કોઇ ધર્મપંથ સાથે જોડાયેલી આંધળી વિચારનિષ્ઠા મનુષ્યના ખુલ્લા મન પર ઠંડો પ્રહાર કરનારી છે.]

જીવનમાં ક્યારેય ન જોયેલી એટલી ટૂંકી ફિલ્મ માત્ર દસ મિનિટની હતી. એ ફિલ્મનું શીર્ષક વિચિત્ર હતું: ‘Is It Right to Be Right Always?’ કેનેડાના એડમંટન શહેરમાં મળેલી આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં એ ૧૯૮૩માં જોયેલી. એમાં એક એવા ગામની કલ્પના રજૂ થઇ છે કે જ્યાં કદી પણ કોઇ માણસ ખોટો નહીં હોય અને કાયમ ખરો જ હોય!

જ્યાં બધા જ માણસો કાયમ ખરા હોય એવું ગામ ટકી શકે ખરું? આવી પરિસ્થિતિમાં યુદ્ધની નોબત આવી પડે છે. લડવા તૈયાર થયેલા બંને પક્ષો વચ્ચે ભારે ઉશ્કેરાટ પેદા થાય છે. યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી, તે ક્ષણે વાતાવરણમાં સન્નાટો છવાઇ ગયો. ગમે તે ક્ષણે બંદૂકમાંથી ગોળી છુટે એટલી જ વાર! તાણથી ભરેલી એવી શાંતિમાં સૌને કાને એક વાક્ય પડ્યું: ‘હું ખોટો હોઇ શકું.’ સામે પક્ષે કોઇ સાવ ધીમે અવાજે બોલ્યું: ‘તમે સાચા હોઇ શકો.’ બસ, આ બે વાક્યો સંભળાયાં અને યુદ્ધ ટળી ગયું! દસ મિનિટની આ ફિલ્મ પૂરી થઇ ગઇ.

માણસના માથામાં એક ભવ્ય મંદિર સંતાયેલું હોય છે. યુદ્ધ એક ક્ષણ છેટું હતું ત્યારે જે મનુષ્યે, ‘હું ખોટો હોઇ શકું.’ એવું વાક્ય તાણભર્યા સન્નાટામાં વહેતું મૂકર્યું, તે વાક્ય મનમંદિરના ગભારામાંથી પ્રગટેલો મંગલ ધ્વનિ ગણાય તેવું હતું. સામે પક્ષે પણ એવું જ મંગલ વાક્ય સૌને કાને પડ્યું: ‘તમે સાચા હોઇ શકો.’ આવા અર્દશ્ય મંદિરનું કોઇ નામ ખરું? માણસનું ખુલ્લું મન એ જ મંદિર છે. ભારતની જૈન પરંપરાએ માનવજાતને એક પવિત્ર શબ્દની ભેટ ધરી છે. એ શબ્દ છે: ‘અનેકાંત.’ પ્રત્યેક બાબતને સમજવાની અનેક બાજુઓ હોય છે.

જે માણસ કેવળ એક જ દ્રષ્ટિબિંદુથી સત્યને નિહાળે છે, તે ઘણું બધું ચૂકી જાય છે. સંપૂર્ણપણે ખુલ્લું મન રાખીને સત્યની શોધ કરનારી ઉપાસના એટલે અનેકાંતની ઉપાસના. એમાં સિદ્ધાંતજડ (doctrinaire) બનીને આદર્શવાદી હઠ પકડવાની કુટેવને કોઇ સ્થાન નથી. કોઇ મહામાનવ કે કોઇ વિચારધારા કે કોઇ ધર્મપંથ સાથે જોડાયેલી આંધળી વિચારનિષ્ઠા મનુષ્યના ખુલ્લા મન પર ઠંડો પ્રહાર કરનારી છે. જ્યાં કંઠી કે માદિળયું બંધાય, ત્યાં વિચારશક્તિ કુંઠિત થાય જ છે. આવું બને ત્યારે સત્યની શોધ ક્ષીણ થાય છે.

મહાત્મા ગાંધી મહામાનવ ખરા, પણ એમની કંઠી ન બંધાય. એમની પણ એવી લગીરે ઇચ્છા ન હતી. મહાત્મા ખુલ્લા મનના સત્યશોધક હતા. એમના માથામાં સંતાયેલું ભવ્ય ‘સત્યમંદિર’ વિશ્વભરમાં મંગલ ધ્વનિ પ્રસરાવતું રહ્યું. એ ધ્વનિ સાથે વહી આવતાં બે પવિત્ર વાક્યો હતાં: ‘હું ખોટો હોઇ શકું અને તમે સાચા હોઇ શકો.’ આ હતું મહાત્માનું અનેકાંત!

બંધિયાર મન એટલે ખાબોચિયું. ખાબોચિયું હોય ત્યાં પ્રવાહ ન હોય. પ્રવાહ ન હોય ત્યાં દિશા ન હોય. દિશા ન હોય ત્યાં મંજિલ (ગન્તવ્ય) ન હોય. ખાબોચિયું જીવનભર એક અધિકાર જાળવી રાખે છે. એ છે ગંધાઇ ઊઠવાનો અધિકાર. આવો દુર્ગંધસિદ્ધ અધિકાર ખાબોચિયાને મહાસાગરથી છેટે ને છેટે રાખે છે. તમે કદી કોઇ ખુલ્લા મનના માકર્સવાદીને મળ્યા છો? કેવળ એક જ અપવાદ જીવનમાં જડ્યો છે.

લોર્ડ ભીખુ પારેખે ખુલ્લા મને ગાંધીજી પર પુસ્તકો લખ્યાં છે. એમનું લોકપ્રિય પુસ્તક: ‘ગાંધીજી: સંક્ષપિ્ત પરિચય’ પ્રગટ થયું છે, જેનો ગુજરાતી અનુવાદ પ્રા. હસમુખ પંડ્યાએ કર્યો છે. (ગૂર્જર). વાંચવાનું ગમે તેવું સુંદર પુસ્તક છે. માકર્સવાદ સ્તાલિનને પનારે પડ્યો પછી એક કરોડ માણસોની કતલ થઇ હતી. રશિયન કવિ યેવતુશેન્કોએ લખ્યું:

લેનિનનો સામ્યવાદ માણસ માટે હતો.
સ્તાલિન માટે માણસ સામ્યવાદ માટે હતો.

આવું જ બીજું વિકરાળ ખાબોચિયું માઓ ઝેડોંગે ચીનમાં સજ્યું હતું. આજે પણ ભારતમાં માઓ અને સ્તાલિનની છબી રાખનારા સામ્યવાદીઓ જીવે છે. ઘણાખરા ગાંધીવાદીઓ કંઠીયુકત ખરા, પરંતુ છેક બંધિયાર મનના નથી હોતા.

માણસના માથાની ઉત્ક્રાંતિના ચાર ગીઅર છે: (૧) ન્યુરોલોજી (મજજાતંત્ર) (૨) સાયકોલોજી (મનસ્તંત્ર) (૩) થિયોલોજી (ધર્મતંત્ર) (૪) કોસ્મોલોજી (વિશ્વતંત્ર). સૂફી સંત હઝરત ઇનાયત ખાન મૂળે અમારા વડોદરાના હતા તેઓ કહેતા:

ભગવાન તમારું દિલ તોડે છે,
ફરી તોડે છે અને ફરી તોડે છે,
જ્યાં સુધી એ ખુલ્લું ન થાય!

આદરણીય મોરારિબાપુ ખુલ્લા મનના રામભક્ત અને ગાંધીભક્ત છે. એકતા અને સમન્વય એમને અંદરથી ગમે છે, કારણ કે એ રામને ગમે છે. સોક્રેટિસ કહેતો કે: ‘હું નથી જાણતો, એવું ભાન જાણવાની શરૂઆત છે.’ આવી સમજણ એ જ ખરું રેશનલિઝમ છે. આવી સમજણ ન હોય, તો રેશનલઝિમ પણ એક ખાબોચિયું! નવા વિચારની લહેરખી પણ પ્રવેશી ન શકે એવી બંધ બારીવાળા મનમાં નાની ફાટ પણ ન હોય તેવો બુદ્ધિખોર અને દલીલબાજ માણસ બીજું બધું હોઇ શકે, રેશનલિસ્ટ ન હોઇ શકે. કોઇ બગભગત જૂઠું બોલી શકે, પરંતુ રેશનલિસ્ટ કદી જૂઠું ન બોલી શકે. આ બાબતે એ પાકો ગાંધીભકત ગણાય.

જીવનમાં મને વારાફરતી ચાર પેઢી જોવા મળી છે. પસાર થતી પ્રત્યેક પેઢી ચોક્કસપણે ઓછી દંભી અને ઓછી સંકુચિત બનતી જાય છે. લખી રાખો કે આવતાં પચીસ વર્ષ પછી લેઉવા પટેલોનું શ્રદ્ધાતીર્થ ખોડલધામ પણ ‘માનવધામ’ બની જવાનું છે. જ્ઞાતિવાદ અને કોમવાદનું કોઇ જ ભવિષ્ય નથી. તમારાં જ સંતાનો તમારું પ્રિય ખાબોચિયું સ્વીકારવાનાં નથી. મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને આઇપેડ દ્વારા નવી પેઢી વિશાળ જ્ઞાનસાગરના સીધા સંપર્કમાં આવી ચૂકી છે. હે વડીલો! તમે હાસ્યાસ્પદ બનો તે પહેલાં સુધરી જાઓ!

ત્રીસમી જાન્યુઆરીના દિવસે આદરણીય નારાયણ દેસાઇએ ૧૦૮મી છેલ્લી ગાંધીકથા પૂર્ણ કરી. એમણે ૧૦૮ યુનિવર્સિટી કરે તેવું મહાન કામ કર્યું છે. પ્રાધ્યાપક ડૉ. યોગેન્દ્ર પારેખે મુંબઇમાં બે ગાંધીકથા પૂરી કરી. યોગેન્દ્રભાઇ ગાંધીજન નથી, પરંતુ એમનો ‘ગાંધીમિજાજપ્ત ચોવીસ કેરેટનો છે. જ્યાં અલકનંદા અને મંદાકિની જેવી બે નદીઓ મળે ત્યાં દેવપ્રયાગ સર્જાય છે. બે નાની નદીઓનો સંગમ પણ પવિત્ર ગણાય છે. એ જ રીતે બે વિચારધારાઓ વચ્ચેનો સમન્વય પણ સંગમતીર્થ બની રહે છે. માનશો? માર્ક ટ્વેઇન ૧૮૯૫ની સાલમાં પ્રયાગના કુંભમેળામાં ગયો હતો. આપણી દુનિયા આખરે તો સાત અબજ મનુષ્યોનો એક વિરાટ મહાકુંભ જ છે ને!

કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ્’ જોવાનું બન્યું. પ્રત્યેક નાગરિકે તે અચૂક જોવી જોઇએ. ક્રૂરતા અને બર્બરતાનો નગ્ન નાચ અસહ્ય જણાય, પરંતુ વાસ્તવિકતા પણ એ જ છે. ‘વિશ્વરૂપમ્’ શબ્દ ગીતાનો મૌલિક શબ્દ છે. શરૂઆત જ કવિ જાવેદ અખ્તરના ગીત પર આધારિત સુંદર કૃષ્ણન્úત્યથી થાય છે. આખરે અલ કાયદા એટલે શું? બંધિયાર મનના ખાબોચિયાની લોહિયાળ દુર્ગંધ! કમલ હાસનના આવા મહાસર્જનને સલામ! ફિલ્મમાં એક વાક્ય સાંભળવા મળે છે: ‘જંગ મેં આંસૂ નહીં બહતે, ખૂન બહતા હૈ.’ વાત ખોટી છે. જંગમાં આંસુ વહે તે દેખાતાં નથી, લોહી દેખાય છે. ફિલ્મમાં બોંબધડાકો એ જ બરાડો, બંદૂકના ભડાકા એ જ બોલી અને કાપાકાપી એ જ કલ્ચર! પેલું ભવ્ય મંદિર મનુષ્યના માથામાં ક્યારે સર્જાશે?‘

પાઘડીનો વળ છેડે

આ વિશ્વમાં કેટલીક બાબતો
એવી છે, જે જાણીતી છે.
અને કેટલીક બાબતો એવી છે,
જે અજાણી છે.
અને એ બંનેની વચ્ચે હોય છે:
બારણાં જ બારણાં!- વિલિયમ બ્લેક

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s