ગાંધીજી, સરદાર પટેલ અને પુસ્તકમેળો Divya Bhasker,

સરદાર પટેલ મહાત્મા ન હતા, પરંતુ તેઓ જે પણ બોલતા તેને ભીતરની સચ્ચાઇનો ટેકો હતો. તેઓ કડવી સચ્ચાઇના માસ્ટર હતા.

ગાંધીજી તમને આશીર્વાદ આપે છે, હું તમને ગાળો આપવા આવ્યો છું. તમે, ચંપારણવાસીઓનાં મોં પર નૂર કેમ નથી? રસકસથી ભરેલી, કાચું સોનું પાકે એવી ધરતી છતાં તમને પૂરું ખાવાનું કેમ નથી મળતું? મહેનતમજૂરી કરનારા તમે કેમ પશુ જેવા અપંગ થઇને બેઠા છો?…
– સરદાર વલ્લભભાઇ પટેલ<

અમદાવાદના પુસ્તકમેળામાં જઇ આવ્યો, પરંતુ હજી નશો ઊતર્યો નથી. ત્યાં નવજીવન પ્રકાશન મંદિરના સ્ટોલમાં પૂરો એક કલાક ગાળવો હતો, પરંતુ માંડ એક મિનિટ મળી! એ એક મિનિટમાં વિવેક દેસાઇએ પુસ્તક ભેટ આપ્યું: ‘સરદાર વલ્લભભાઇનાં ભાષણો.’ (સંપાદકો: નરહરિ દ્વારકાદાસ પરીખ અને ઉત્તમચંદ દીપચંદ શાહ) અહીં વડોદરા પાછો આવ્યો પછી સતત સરદાર પટેલનાં (૧૯૧૮ થી ૧૯૪૭ સુધીનાં) ભાષણો વાંચી રહ્યો છું એમ નહીં, પણ સગે કાને સાંભળી રહ્યો છું! ૧૯૫૪ના વર્ષમાં બારડોલી સ્વરાજ આશ્રમમાં આદરણીય નરહરિભાઇને સાંભળવાનો લહાવો પ્રાપ્ત થયેલો. ૧૯૫૭માં પ્રાત:સ્મરણીય રવિશંકર મહારાજ, પૂજય જુગતરામ દવે, હર્ષકાંત વોરા અને ઉત્તમચંદ શાહ સાથે બારડોલી તાલુકાનાં બધાં ગામોમાં ભૂદાન-પદયાત્રા કરવાનો અવસર પ્રાપ્ત થયેલો. આજે પણ નિરંજનાબહેન કલાર્થી પિતા ઉત્તમચંદભાઇનું જ કામ કરી રહ્યાં છે.

તમે ગુજરાતી છો? તમે ભણેલા છો? તમને આજે સાંજે શું ખાવું એની ચિંતા નથી ને? બસ એક કામ કરો. ગમે તેમ કરીને ઉપર જેનો ઉલ્લેખ કર્યો, તે પુસ્તક મેળવી લો. મારા પર વિશ્વાસ રાખો. મારા પર વિશ્વાસ ન હોય, તો સરદાર પટેલ પર વિશ્વાસ રાખો. ગુજરાતી ભાષાની તાકાતનો ખરો પરચો મળશે. સરદારની વાણીમાં આટલી તાકાત આવી ક્યાંથી? મારો જવાબ વિચિત્ર છે: સરદાર વ્યવસાયે (લંડનમાં ભણીને આવેલા) બેરિસ્ટર હતા, તોય દિલથી ભૂમિપુત્ર હતા. કિસાનનું લક્ષણ એક જ: ‘જે હૈયે તે હોઠે!’ સત્યથી કપાઇ ગયેલા આદમીની વાણીમાં તાકાત ક્યાંથી? સરદારનાં ભાષણોમાં શબ્દે શબ્દે સંભળાતો સત્યનો રણકો બુલંદ અને બળવાન જણાય. આવો રણકો જ મારા નશા માટે જવાબદાર છે. સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. કોર્પોરેશન તરફથી યોજાયેલો આ ભવ્ય પુસ્તકમેળો જોઇને તેઓ જ્યાં હશે ત્યાંથી જરૂર આશીર્વાદ પાઠવશે. કોર્પોરેશનને ધન્યવાદ.

પુસ્તકમેળામાં મારા પ્રવચનનો વિષય હતો: ‘ગુજરાતી આપણી માતા, અંગ્રેજી આપણી માસી.’ પ્રવચનના સારરૂપ થોડાક તીખા પ્રશ્નો સાંભળો: (૧) આપણી પ્રજા પાળેલા કૂતરા સાથે અંગ્રેજીમાં વાત કરે તેનું કારણ શું? જો આપણા દેશ પર ફ્રેન્ચ લોકોએ રાજ્ય કર્યું હોત, તો આપણે પાળેલા કૂતરા સાથે ફ્રેન્ચ ભાષામાં વાત કરી હોત કે? (૨) સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, જુલિયસ સીઝર, સિકંદર, ક્લિયોપેટ્રા, પાયથાગોરસ, હિરેક્લિટસ કે ડાયોજેનીસ અંગ્રેજી જાણતા હતા ખરા? (૩) ઇસુ ખ્રિસ્ત અંગ્રેજી જાણતા હતા? (એમની ભાષા આર્મીક અને કોઇનો હતી) (૪) શું મૂળ બાઇબલ અંગ્રેજીમાં લખાયું-બોલાયું હતું? જૂના કરારની ભાષા હિબ્રૂ હતી એવું નહીં? નવા કરારની ભાષા ગ્રીક હતી એવું નહીં? (૫) થોડાક સમય પર નિવૃત્ત થયેલા નામદાર પોપ ધ બેનિડિકટની ભાષા જર્મન હતી કે અંગ્રેજી? (૬) હાલના નામદાર પોપ ધ ફ્રાન્સિસની માતૃભાષા અંગ્રેજી ખરી? (૭) આઇન્સ્ટાઇન અંગ્રેજી માધ્યમની નિશાળમાં ભણ્યો હતો ખરો? (૮) ગાંધી-વિનોબા-મહાદેવ દેસાઇ-રાજગોપાલાચારી, સરદાર પટેલ, રાધાકૃષ્ણન્, કૃપાલાનિ, જયપ્રકાશ, રામમનોહર લોહિયા, મોરારજી દેસાઇ, ઉમાશંકર જોશી, સુન્દરમ્, કલાપી, મેઘાણી, ધૂમકેતુ, સ્નેહરશ્મિ, નિરંજન ભગત, મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ, નારલિકર, દર્શક, બાબુભાઇ જશભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા ખરા?

પ્રવચનમાં ભરચક ભીડ હતી. છેવટે પ્રશ્નોત્તરી થઇ તેમાં પ્રથમ પ્રશ્ન મહુવાના ભાઇએ પૂછ્યો. તેમણે આદરણીય મોરારિબાપુને યાદ કર્યા. મારો જવાબ હતો: ‘બાપુએ અસંખ્ય પરિવારોમાં રામ અને રામાયણ પહોંચાડ્યાં એ તો સૌ કોઇ જાણે છે. બાપુએ દેશ-પરદેશનાં કેટલાં ઘરોમાં આપણી માતૃભાષા ગુજરાતી માટેનો પ્રેમ પહોંચાડ્યો તેની નોંધ ખાસ લેવા જેવી છે. બાપુ ક્યા માધ્યમમાં ભણ્યા હતા?’ પ્રવચનને અંતે જે વિધાનો રજૂ થયાં તે અંગ્રેજી સાહિત્યકારોનાં હતાં. એક રિચાર્ડ બેક અને બીજો વર્ડઝ્વર્થ. અંગ્રેજી માધ્યમનો વિરોધ એ અંગ્રેજીનો વિરોધ નથી, નથી અને નથી જ! અંગ્રેજી વિના ચાલે તેમ નથી.

સર્વભાષા સરસ્વતી! વર્ષો પહેલાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે ડૉ. યશપાલના અધ્યક્ષપદે એક કમિટીની નિમણુંક કરી હતી. કમિટીએ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF)ની વાત કર્યા પછી એક મહત્વની વાત ઉમેરી હતી: ‘પોપટપાઠ કરતાં સમજણનું મહત્વ ઘણું છે.’ પ્રવચન પછી યજ્ઞ પ્રકાશનના સ્ટોલ પર જવાનું બન્યું. ત્યાં બહેન પારુલ દાંડીકરે વિનોબાજીનું પુસ્તક ભેટ આપ્યું: ‘મહાગુહામાં પ્રવેશ.’ વિનોબાની પ્રાસાદિક શૈલીની ખૂબી એ કે ગહન અધ્યાત્મ પણ ખળખળ વહેતી સરિતા જેવું જણાય. ગધ્યલેખનમાં મેં જે થોડુંક સર્જન કર્યું તેમાં વિનોબાના બે નબિંધસંગ્રહોનો પ્રચ્છન્ન ફાળો રહેલો છે: (૧) મધુકર અને (૨) જીવનદ્રષ્ટિ. માનશો? યશપાલ કમિટીએ જે વાત કરી તેવી જ વાત વિનોબાએ ૧૯૪૯માં ‘જીવનદ્રષ્ટિ’ નિબંધસંગ્રહના પ્રારંભે મૂકેલા એક મનનીય વિધાનમાં કરી હતી:
જ્ઞાન કરતાં પણ દ્રષ્ટિ મહત્વની હોય છે.

શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોય તો અન્ડરસ્ટેન્ડિંગ (સમજણ)ની માત્રા અવશ્ય ઘટે છે. શિક્ષણનું કાળજું સમજણ છે, માહિતી નથી. સમજણ છે તો શાણપણ છે અને શાણપણ વિનાનું જ્ઞાન શા કામનું? લખાયેલું અંગ્રેજી કોનું સારું-ગાંધીજીનું કે આઇન્સ્ટાઇનનું? પ્રવચનમાં આ પ્રશ્ન ઉઠાવ્યો તો ખરો, પરંતુ સમયને અભાવે ન્યાય ન આપી શકાયો. ગાંધીજીનો અને આઇન્સ્ટાઇનનો પત્રવ્યવહાર વાંચીએ તો જરૂર સમજાય કે ગાંધીજીના અંગ્રેજી ગધ્યમાં જે સ્વચ્છતા, સઘનતા (સોલિડિટી) અને સચોટતા જોવા મળે છે તે આપણને આઇન્સ્ટાઇનના ગધ્યમાં જોવા મળતી નથી. સરખામણી અહીં જ પૂરી થાય છે.

કોચરબ આશ્રમ (સત્યાગ્રહ આશ્રમ)ની સ્થાપના આજથી ૯૯ વર્ષ પહેલાં તા. ૨૦મી મેને દિવસે યુવાન ગાંધીએ માથે ટોપી પહેરીને વિધિપૂર્વક કરી હતી. આવી ઐતિહાસિક ઘટનાની યાદમાં આપણા યુવા ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ આવતીકાલે સાંજે ૫-૩૦ કલાકે કોચરબ આશ્રમ (પાલડી)માં એક સુંદર સભાનું આયોજન કર્યું છે. મારા પ્રવચનનો વિષય છે: ‘ગાંધીજી: ધ એન્ગ્રી યંગ મેન.’ ગાંધીજી માત્ર ૨૫ વર્ષના હતા ત્યારે એમનું અંગ્રેજી ગધ્ય કેવું હતું? સભામાં હું એ ઉંમરે લખાયેલો એક rare પત્ર રજૂ કરવા ઇચ્છું છું. એ જ સભામાં રિઝવાનભાઇનાં બે પુસ્તકોનું લોકાર્પણ થશે: (૧) ગાંધી-ટિળક: નોખા-અનોખા અને (૨) ટિળકની ટેક, સરદારની ભેખ.

કોચરબ આશ્રમની સ્થાપના સ્વરાજના ઈતિહાસનો એક ટર્નિંગ પોઇન્ટ (ગેમ ચેન્જર) ગણાય. એ એક એવું ગાંધીતીર્થ છે, જ્યાં અસત્ય બોલવાનું અશક્ય બની જાય. ગાંધીજી જ્યાં જાય તે સ્થાન તીર્થસ્થાન બની જતું એવું પંડિત નેહરુએ કહ્યું હતું. સરદાર પટેલ મહાત્મા ન હતા, પરંતુ તેઓ જે પણ બોલતા તેને ભીતરની સચ્ચાઇનો ટેકો હતો. તેઓ કડવી સચ્ચાઇના માસ્ટર હતા.‘

પાઘડીનો વળ છેડે

‘ગાંધીજી તમને આશીર્વાદ આપે છે, હું તમને ગાળો આપવા આવ્યો છું. તમે, ચંપારણવાસીઓનાં મોં પર નૂર કેમ નથી? રસકસથી ભરેલી, કાચું સોનું પાકે એવી ધરતી છતાં તમને પૂરું ખાવાનું કેમ નથી મળતું? મહેનતમજૂરી કરનારા તમે કેમ પશુ જેવા અપંગ થઇને બેઠા છો?… તમારી મા, બહેન, પત્ની-એમને પડદામાં રાખીને તમે માનો છો કે તમે એના શિયળની રક્ષા કરી શકશો? એમનો એવડો અવિશ્વાસ શો? કે તમારી ગુલામી એઓ બહાર આવીને જુએ એથી તમે ભડકો છો? તમે એમને ગુલામ પશુડી જેવી રાખી છે. એટલે એમની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવા રહ્યા છો… મારું જો ચાલતું હોય તો બધી બહેનોને કહું કે આવા બીકણ અને બાયલાઓની સ્ત્રીઓ બનવા કરતાં એમને છેડા ફાડી આપોની.’

– સરદાર વલ્લભભાઇ પટેલ

નોંધ: ૧૯૨૯માં ડિસેમ્બર મહિનામાં બિહારના પ્રવાસ દરમિયાન ચંપારણના ખેડૂતોને ઉદ્દેશીને કહેલા આવા ધગધગતા શબ્દો આજે કયો નેતા ઉચ્ચારી શકે? મડદાંને બેઠાં કરવાની આવી તાકાત ભીતરની સચ્ચાઇ વિના મળે ખરી? સરદારના શબ્દોમાં નારીમુક્તિનો ધ્વનિ સંભળાય છે. (પાન-૧૬૧)

Advertisements

One thought on “ગાંધીજી, સરદાર પટેલ અને પુસ્તકમેળો Divya Bhasker,

 1. પ્રિય ગુણવંતભાઈ,

  ફરી એક વાર સરદાર પટેલને આપણી વચ્ચે આબાદ રીતે રજુ કરવા માટે હાર્દિક અભિનન્દન.
  આધુનિકતાની પાન્ડિત્ય પ્રચુર વાત કરનારા તમામને માટે એક કસોટી છે.
  પ્રામાણિકતા. જીવનમાં જે ડગલે ને પગલે સ્વહિતમાં ખોટું બોલતા સહેજે અચકાય નહી
  તેવા આજે આપણને બોધ આપે છે.
  લાગેછે કે સાચી શરૂઆત તો આપણે દરેકે પોતાનાથી કરવી રહી. પછી બીજા જુએ અને સમજણ
  પૂર્વક સ્વેચ્છાએ કરે તો કાયમી ફેર પડે.
  ફેર ટ્રેડ પ્રેક્ટીસના સિદ્ધાંતનું પાલન કરવાની જેમ સત્ય અને પ્રામાંણીક્તાનું
  કોઈ પણ ભોગે પાલન કરવાના સોગંદ ખાઈએ તો ફેર પડે ખરો?

  શરદ કાપડિયા
  સૂરત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s