છગન મગનને પરણી ગયો!, સવિતાએ કવિતા સાથે ઘર માંડ્યું! Divya Bhasker

સેક્સ સજાતીય હોય કે વિજાતીય હોય, પરંતુ જો દિશા સેક્સ તરફથી પ્રેમ તરફની ન હોય, તો સમય જતાં પ્રશ્નો ઊભા થાય છે. એકવીસમી સદીમાં માણસે એક જ કામ કરવાનું છે. એણે ધર્મપ્રેમને પ્રેમધર્મમાં ફેરવી નાખવાનો છે. બધા ધર્મનો અને બધા અધ્યાત્મનો સાર પ્રેમ છે. આજની મનુષ્યતાને કેવળ પ્રેમ જ બચાવી શકે. સેક્સ વાસી થઇ શકે, પરંતુ પ્રેમ કદી વાસી થતો નથી.

૧૯૭૩ના વર્ષમાં મુંબઇની એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો ત્યારે પાટકર હોલને અડીને આવેલી બહુમાળી ઇમારતમાં પાંચમે માળે રહેવાનું બનેલું. ઘરના રસોડામાંથી અરબી સમુદ્રનો નાનો ટુકડો જોવા મળતો. એ જ વર્ષે પાટકર હોલમાં અદિ મર્ઝબાનનું અંગ્રેજી નાટક ‘આહ નોર્મન’ જોવાની તક મળી. એ નાટકમાં બે પુરુષો સંસાર માંડીને રહે તેવી કથા હતી. નાટક જોઇને ભારે ગ્લાનિ અનુભવેલી. એ દિવસોમાં યુનિવર્સિટીના કેમ્પસ પર સાવ નજીક રહેતી બે પ્રાધ્યાપિકાઓ લેસ્બિયન સંબંધ જાળવીને જીવતી હતી તે જાણવા મળેલું. બેમાંથી એક સ્ત્રી પતિ જેવી ભૂમિકા ભજવતી અને બીજી પત્ની જેવી ભૂમિકા ભજવતી. એ લેસ્બિયન યુગલે મને ‘આહ નોર્મન’ નાટક જોવાનો ખાસ આગ્રહ કરેલો.
મેં નાટક જોયું પછી એમણે મારી સાથે ચર્ચા પણ કરી હતી. તે દિવસોમાં મને ‘લેસ્બિયન’ શબ્દનો અર્થ પણ સમજાયો ન હતો. સજાતીય લગ્નની કલ્પના પણ થઇ ન શકે એવા એ દિવસો હતા. આજે પણ એ લેસ્બિયન ‘યુગલ’ મુંબઇમાં સાથે રહે છે અને વૃદ્ધાવસ્થાની મુશ્કેલી સાથે વેઠીને જીવે છે. આવા સંબંધની નિંદા ન હોય.

હવે ૧૯૭૩ની સાલ છોડીને આપણે ૨૦૦૩ની સાલમાં આવી જઇએ. તા. ૧૧-૮-૨૦૦૩માં ‘USA Today’ અખબારમાં પ્રગટ થયેલો હેવાલ વાંચો: ‘મિનેસોટાના હેમ્પશાયર ચર્ચના બિશપ તરીકે પસંદગી પામેલા રેવરન્ડ વી. જીન રોબિન્સન ખુલ્લંખુલ્લા સજાતીય સહજીવનના પુરસ્કર્તા છે. તેઓ બિશપ બન્યા ત્યાર બાદ એમનું જોરદાર સ્વાગત થયું! એપિસ્કોપલ ચર્ચના એ બિશપ ૫૬ વર્ષના છે અને આગલી પત્નીથી એમને બે સંતાનો પણ થયેલાં છે. છુટાછેડા લીધા પછી તેઓ છેલ્લાં ૧૩ વર્ષથી પોતાના પુરુષ પાર્ટનર સાથે ઘર માંડીને રહે છે.’ બોલો! ચર્ચમાં સેવા આપનાર બિશપની આ વાત જાણીને તમને ચક્કર આવી ગયાં! તો હવે ૨૦૧૩માં બનેલી સાવ તાજી ઘટના વિશે વાંચીને તમે જરૂર બેભાન થઇ જશો.

તા. ૧૨મી એપ્રિલ ૨૦૧૩ના દિવસે ફ્રાન્સની સેનેટમાં બહુમતીથી એક બિલ પસાર થયું. એ ઐતિહાસિક બિલ દ્વારા એવો કાયદો અમલમાં આવશે, જેમાં સજાતીય યુગલોને પરણવાની અને સંતાનોને દત્તક લેવાની છુટ મળશે. પરિણામે ફ્રાન્સનો કોઇ છગન હવે પછી કાયદાનુસાર મગનને પરણી શકશે અને ફ્રાન્સની કોઇ સવિતા પોતાની મનગમતી કવિતા સાથે ઘર માંડી શકશે. ચર્ચામાં ગરમી ઓછી ન હતી. આવાં લગ્નની છુટ આપનારા બિલની તરફેણમાં ૧૭૯ મત પડ્યા અને વિરોધમાં ૧૫૭ મત પડ્યા.

સત્તાવાર રીતે ફ્રાન્સ એક સેક્યુલર દેશ છે, પરંતુ ત્યાં કેથલિક ખ્રિસ્તીઓનું વર્ચસ્વ ઓછું નથી. સજાતીય લગ્નના વિરોધમાં જાન્યુઆરી (૨૦૧૩)માં પેરિસના માર્ગો પર હજારો દેખાવકારો ઊતરી પડ્યા હતા. બિલની તરફેણ કરનારા રાજકારણીઓ પર ધમકીભર્યા ટેલિફોન પણ ગયા. ખરી વાત હવે આવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કોઇસ હોલન્ડે પોતે સજાતીય લગ્નના પુરસ્કર્તા છે. એમણે તો ચૂંટણીની ઝુંબેશ દરમિયાન પોતાનો આવો મત જાહેર કર્યો હતો.

રાષ્ટ્રપ્રમુખની ગર્લફ્રેન્ડનું નામ વાલેરી છે. રાષ્ટ્રપ્રમુખની એ પ્રિયતમાએ તો જાહેર કર્યું છે કે સજાતીય લગ્નની છુટ આપતું બિલ કાયદા તરીકે સ્વીકાર પામે પછી રાષ્ટ્રપ્રમુખ પોતે સજાતીય લગ્નના સમારંભોમાં હાજરી આપશે. કલ્પના તો કરી જુઓ! રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી, છગન અને મગન લગ્ન કરે તેના સમારંભમાં હાજરી આપવા માટે ખાસ પહોંચી જાય!

સજાતીય સંબંધનો ઈતિહાસ જાણવા જેવો છે. સન ૧૮૯૫માં ઓસ્કાર વાઇલ્ડ જેવા જાણીતા લેખક પર સ્વજાતીય સેક્સના આક્ષેપ હેઠળ કોર્ટમાં મુકદ્દમો ચાલ્યો હતો અને એમને જેલની સજા પણ થઇ હતી. માનશો? ઓસ્કાર વાઇલ્ડે જેલમાં એક કવિતા લખી હતી, જે જવાહરલાલ નેહરુએ પોતાની આત્મકથામાં ટાંકી છે. મહાદેવ દેસાઇએ એનો અનુવાદ કર્યો અને મથાળું આપ્યું: ‘રેડિઁગ જેલનો પવાડો’. (પવાડો એટલે વીરનું પ્રશિસ્ત કાવ્ય). ૧૯૨૪માં સ્વજાતીય સેક્સમાં માનનારાઓનું મંડળ શિકાગોમાં રચાયું હતું.
૧૯૯૩માં હજારો સ્ત્રી-પુરુષોએ વોશિંગ્ટનમાં સ્વજાતીય સેક્સના ‘માનવ-અધિકાર’ માટે એક વિશાળ રેલી કાઢી તેમાં મોખરે એક ભારતીય સ્ત્રી હતી. ધરમપુર તાલુકા કરતાંય નાનો દેશ એવા આઇસલેન્ડમાં વડાંપ્રધાન તરીકે જહોન્ના નામની મહિલા જાહેર કરે છે કે પોતે લેસ્બિયન છે. (એ દેશની વસ્તી ૩૨૦,૦૦૦ છે અને પાર્લામેન્ટમાં અડધોઅડધ સ્ત્રીઓ છે. દેશની ભાષા આઇસલેન્ડિક છે. ત્યાં
શિક્ષણનું માધ્યમ માતૃભાષા છે.)

પુરાણા ઇજપિ્તમાં ઇ.સ. પૂર્વે ૨૩૦૦ પહેલાં પણ સજાતીય સેક્સ પ્રચલિત હતી. સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને મેકેડોનિયન સમ્રાટ સકિંદર સુધ્ધાં હોમો (gay) હતા. યાદ રહે કે મહાન સિકંદર ગુરુ ઓરિસ્ટોટલનો શિષ્ય હતો. રોમન સમ્રાટ જુલિયસ સીઝર પણ હોમો હતો. સજાતીય સેક્સ અને સર્જકતા વચ્ચે કોઇ અનુબંધ ખરો? શોમ્બિટ સેનગુપ્તાએ પોતાના લેખ (‘ધ સનડે એક્સ્પ્રેસ,’ તા. ૩-૬-૨૦૧૨)માં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

લેખમાં સજાતીય સેક્સમાં રાચનારાં જાણીતાં સર્જકોની યાદી આપી તે આ રહી: ઓસ્કાર વાઇલ્ડ, ક્રિસ્ટોફર માર્લો, રાલ્ફ વાલ્ડો ઇમર્સન, ટેનેસી વિલિયમ્સ, ટ´મેન કેપોટે, વોલ્ટ વ્હીટમન, ડબલ્યુ.એચ.ઓડેન, ગેરટ´ડ સ્ટીન, આન્દ્રે ગાઇડ, આર્થર રિમ્બોર્ડ, ઇ.એમ. ફોસ્ર્ટર, હેન્સ ક્રિશ્વિયન એન્ડર્સન અને વર્જિનિયા વુલ્ફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાણીતા નાટ્યકારો જયોર્જ માઇકલ, ઇલ્ટોન જહોન, લેડી ગાગા અને રુડોલ્ફ નુરયેઝ વધારાનાં! અહીં ગુજરાતના એક અત્યંત લોકપ્રિય નેતાનું નામ મારે શી રીતે આપવું? વળી સજાતીય સેક્સ માટે વગોવાયેલા એક ધર્મપંથનું નામ આપું તો મારું શું થાય?

હરિ:ઓમ આશ્રમના પ્રણેતા પૂજય મોટાએ જાણીતા હિન્દુ નેતાના નામનો એવોર્ડ આપવા માટે નિર્ણય કર્યો. એ જ અરસામાં ખુશવંત સિંઘે ‘ધ ઇલ્યુસ્ટેટેડ વીકલી’માં એ નેતાની સજાતીય સેક્સની વાત કહી દીધી. પૂજય મોટાએ એવોર્ડની વાત સંકેલી લીધી હતી. સંસ્કૃતમાં બેશરમ મનુષ્ય માટે શબ્દ છે: ‘મુકતલજજ.’શું સજાતીય સેક્સ-સંબંધ ધરાવનાર વ્યક્તિ માટે આ શબ્દ પ્રયોજવો યોગ્ય ગણાય ખરો? જવાબ છે: ના, ના, ના! આ વાતે ઉદાર બનવામાં મને વીસ વર્ષ લાગ્યાં છે.

આવા વિવાદાસ્પદ મુદ્દા અંગે મારા વિચારો જણાવું? પૂરા ચાર દાયકા સુધી સેક્સ અંગે ઘણું વિચાર્યા પછી, લખ્યા પછી અને બોલ્યા પછી મને ખરો જવાબ ‘નારદભક્તિસૂત્ર’માંથી પ્રાપ્ત થયો છે. સેક્સની નિંદા ન હોય, પરંતુ કેવળ સેક્સમાંથી પ્રાપ્ત થતો આનંદ અર્થશાસ્ત્રમાં પ્રચલિત ‘ઘટતા જતા લાભનો નિયમ’ (Law of diminishing return)ને અનુસરનારો છે. એની ઉપેક્ષા કર્યા વિના જ્યારે શારીરિક કક્ષાએ મળતો યૌન-આનંદ (મૈથુનાનંદ) પ્રેમની દિશા પકડે ત્યારે શું બને છે? નારદ કહે છે: ‘પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાનમ્’ છે.

નારદ ‘ભક્તિ’ની વ્યાખ્યા કરીને કહે છે: ‘ભક્તિ પરમ પ્રેમરૂપા, અમૃતસ્વરૂપા ચ.’ ટૂંકમાં સેક્સ સજાતીય હોય કે વિજાતીય હોય, પરંતુ જો દિશા સેક્સ તરફથી પ્રેમ તરફની ન હોય, તો સમય જતાં પ્રશ્નો ઊભા થાય છે. એકવીસમી સદીમાં માણસે એક જ કામ કરવાનું છે. એણે ધર્મપ્રેમને પ્રેમધર્મમાં ફેરવી નાખવાનો છે. બધા ધર્મનો અને બધા અધ્યાત્મનો સાર પ્રેમ છે. આજની મનુષ્યતાને કેવળ પ્રેમ જ બચાવી શકે. સેક્સ વાસી થઇ શકે, પરંતુ પ્રેમ કદી વાસી થતો નથી.‘

પાઘડીનો વળ છેડે

સજાતીય સેક્સમાં
માનનારાઓને પણ
પ્રાઇવસીનો અધિકાર છે.
– જસ્ટિસ એન્થની કેનેડી

નોંધ: વર્ષ ૨૦૦૩ના ઓક્ટોબરમાં અમેરિકાની સર્વોચ્ચ કોર્ટમાં જેવો આ મહત્વનો ચુકાદો જાહેર થયો કે ત્યાં હાજર એવા હજારો કર્મશીલોએ કિકિયારી પાડીને પોતાનો હરખ પ્રગટ કર્યો હતો. કેટલાંક કર્મશીલ સ્ત્રી-પુરુષો તો હરખનાં આંસુ સાથે રડવા લાગ્યાં. આવો ઐતિહાસિક ચુકાદો અમેરિકાના સમાજ-જીવનમાં ક્રાંતિ આણશે એવું પણ કહેવાયું. સજાતીય ‘યુગલો’ વચ્ચે છુટાછેડા થાય તેના કાયદાઓની ચર્ચા પણ શરૂ થઇ ગઇ. બધાં જ સામિયકોનાં કવરપેજ પર એ જ મુદ્દો છવાઇ ગયો!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s