સીધી લીટીના માણસની સંવેદનાનું શિવાલય Divya Bhasker, June, 9th, 2013

આપણા પર ભગવાન પ્રસન્ન થાય અને એક પ્રશ્ન પૂછે: ‘બોલો પૃથ્વી પર એક બુદ્ધ મોકલું?’ હું જો ભીડમાં હાજર હોઉં તો ભગવાનને કહું: ‘હવે અમારે એક બુદ્ધ કે એક ઇસુ કે એક ગાંધીની જરૂર નથી. હે પ્રભુ! તમે ત્રણ-ચાર અબજ સીધી લીટીના સામાન્ય માણસો મોકલો.’

મહંત અંધશ્રદ્ધાનો આહાર કરે છે. મુલ્લા ઝનૂનનો ઉત્સર્ગ કરે છે. પાદરી ધમાઁતરના ગળફા કાઢે છે. આ ત્રણે ખલનાયકોને બાજુ પર રાખ્યા વિના વિચારક્રાંતિ શક્ય નથી. આપણું કોણ સાંભળે? બાકી એક એવો કાયદો કે વટહુકમ પસાર થવો જોઇએ કે આવતાં પચાસ વર્ષ સુધી મંદિર, મિસ્જદ, દેવળ, દેરાસર કે ગુરુદ્વારાના બાંધકામ માટે એક પણ ગૂણ સિમેન્ટ વાપરવાની છુટ નહીં મળે. આવો વટહુકમ બહાર પડે પછીનાં પાંચ જ વર્ષમાં ઝૂંપડપટ્ટીની જગ્યાએ પાકાં મકાનો જોવા મળશે. શું આવું કડક પગલું ધર્મવિરોધી ગણાય ખરું? ના, કારણ કે પૃથ્વી પર પીડાનાં પોટલાં ટકી રહે તે માટે ગરીબી નામની ચુડેલ જવાબદાર છે. મહંત-મુલ્લા-પાદરીને ગરીબી સામે કોઇ જ વાંધો નથી હોતો. ગરીબી અને અંધશ્રદ્ધા સગી બહેનો છે.

તમે એ માણસને અનેક વાર મળી ચૂક્યા છો. એ એક એવો માણસ છે, જેને કોઇ માણસ પાસેથી ઉછીના લીધેલા પૈસા દૂધે ધોઇને પાછા આપ્યા વિના ચેન નથી પડતું. એ માણસની બીજી ખૂબી પણ તમારા ધ્યાનમાં આવી હશે. લાખ પ્રયત્ન કરે તોય છળકપટ કરવાનું એને માટે શક્ય નથી. ક્યારેક ન છુટકે એ જૂઠું બોલે તોય એનાથી બફાટ થઇ જાય છે અને એ કહી દે છે કે પોતે જૂઠું બોલી ગયો. પ્રામાણિક બનવા માટે એણે કોઇ જ પ્રયત્ન નથી કરવો પડતો. એ કોઇ અજાણ્યા માણસ માટે ઘસાઇ છુટવા તત્પર હોય છે અને એમ કરતી વખતે માણસ કઇ કોમનો છે તેની એને પરવા નથી હોતી. ભગવાનથી ડરીને ચાલનારા એ સામાન્ય માણસને ધર્મ શું એ તો સમજાય છે, પરંતુ ધર્મના નામે ચરી ખાનારા કોન્ટ્રકટરો, બિલ્ડરો અને દાણચોરોની ભાષા એને ઝટ નથી સમજાતી. લોકો વાતવાતમાં એને ‘સીધી લીટીનો માણસ’ કહે છે. આપણે દેશ આવા અસંખ્ય અને અજાણ્યા સજજનોની સહજ પ્રામાણિકતા પર ટકી રહ્યો છે. આવા લોકો હજી ભારે બહુમતીમાં છે. હજી સીધી લીટીના માણસની સંવેદનાનું અર્દશ્ય શિવાલય અડીખમ ઊભું છે. ચિંતાજનક બાબત એ છે કે આવા માણસની હવે મશ્કરી થવા માંડી છે. આવા માણસને કોઇ ‘સાધુ’ ન કહે તેથી શો ફેર પડે?

સાચા સાધુને પારખવાનું અતિ મુશ્કેલ છે. સીધી લીટીના માણસ હોવું એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. મૂર્ખ પ્રજા વી.આઇ.પી. આગળ અમથી ઝૂકે છે. વળી એ કહેવાતો વી.આઇ.પી. કોઇ વી.વી.આઇ.પી. નામના પ્રાણી આગળ ઝૂકે છે. માણસનું મૂલ્યાંકન એ કોની સમક્ષ માથું નમાવે તેના પરથી થવું જોઇએ. સીધી લીટીનો માણસ મોટો નથી હોતો, મહાન હોય છે. મોટા હોવું એટલે પાંચમાં પુછાતા હોવું. મહાન હોવું એટલે અંદરથી સ્વચ્છ હોવું. વણલોભી અને કપટરહિત એવો વૈષ્ણવજન મહાન હોય છે, મોટો (વી.આઇ.પી.) નથી હોતો. પુષ્પ નાનું હોય તોય મહાન ગણાય. એનું હોવું એટલે જ સુગંધનું હોવું! સુંગધ એ જ પુષ્પનું ચારિત્રય. સુગંધીદાર મનુષ્ય એ જ સાધુ!

જેઓ સીધી લીટીના માણસ ન હોય, એમણે સાધુ બનવાનું ટાળવું જોઇએ. બનાવટી સાધુની બધી મર્યાદાઓ આશ્રમને અભડાવે છે. આશ્રમ માટે કોઇની જમીન પડાવી લેવાય ખરી? આશ્રમમાંથી ખાનગી ગોળીબાર થઇ શકે? આશ્રમના પૈસા વ્યાજે ફરે એ કેવું? સીધી લીટીનો માણસ આવા કોઇ આશ્રમમાં જાય અને અવળા ધંધા કરનાર કહેવાતા સાધુને નમે ત્યારે કલિયુગનું અટ્ટહાસ્ય કોણ સાંભળે? સમાજને આવી ભ્રષ્ટ સાધુખોરી ખૂબ જ મોંઘી પડતી હોય છે.

ઇશાવાસ્ય ઉપનિષદમાં બે શબ્દો પ્રયોજાયા છે: સુપથ અને જુહુરાણમ્. સુપથ એટલે સીધો માર્ગ, જેના પર સીધી લીટીનો સામાન્ય માણસ સહજપણે ચાલ્યો જાય છે. એ કોઇને ક્યારેય નડતો નથી. એ કોઇને ક્યારેય છેતરતો નથી. એને હરામની કમાણીમાં રસ નથી. બીજો શબ્દ છે: ‘જુહુરાણમ્’. જુહુરાણમ્ એટલે પાપકર્મ. કવિ ઉમાશંકર જોશીએ કહ્યું કે જુહુરાણમ્ એટલે ‘વાંકું જતું પાપ.’ સજજનનો માર્ગ સીધોસટ (લિનિયર) છે. પાપી માણસનો માર્ગ વાંકો છે. જે સીધાસટ માર્ગે ચાલે છે, તે ‘વૈષ્ણવજન’ છે. જે દુર્જન છે કે આતતાયી છે, તે વાંકો માર્ગ ગ્રહણ કરે છે. વાંકા માર્ગે ચાલનારો સૌને જ્યાં અને ત્યાં નડે છે. એ પૈસાના ગોટાળા કરે છે અને સ્ત્રીઓને ફસાવે છે. સમાજમાં વાંકું જતું પાપ (જુહુરાણમ્) છે, તો પોલીસ છે. પોલીસ છે કારણ કે કોઇક ગુનેગાર છે. ગુનેગાર છે તો કાયદાભંગ છે. કાયદાનો ભંગ છે તો જેલ છે. માનવ-ઈતિહાસ પાપકર્મોની કથાઓથી ભરેલો છે. સીધી લીટીના માણસનો વળી ઈતિહાસ કેવો? બલાત્કાર (વિનયભંગ)ના સમાચાર હોય, પરંતુ બલાત્કાર ન થાય તેના વળી સમાચાર કેવા? આજના સમાચાર એટલે વર્ષો પછીનો ઈતિહાસ!

બ્રિટિશ લેખક લોરેન્સ ડ્યુરેલની વાત વિચારવા જેવી છે. એ કહે છે કે ઈતિહાસ એટલે ખોટી જીવનપદ્ધતિનું અનંત પુનરાવર્તન! દુર્યોધનત્વ સતત પુનરાવર્તન પામતું જ રહે છે. સજજનતાનો ઈતિહાસ નથી હોતો. ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં યુરિપિડીસે એક મનનીય વિધાન કર્યું હતું. સાંભળો:

જ્યારે જ્યારે
કોઇ સજજન વ્યક્તિ ઘવાય ત્યારે,
જેઓ સારા ગણાય છે તેવા સૌને
એ વ્યક્તિને થાય
તેવી પીડા થવી જોઇએ.

આવી પીડા જટાયુને થઇ હતી. દેશનું ભવિષ્ય કોઇ વડાપ્રધાન કે કોઇ રાજકીય પક્ષ નક્કી નહીં કરે. દેશમાં ખૂણેખાંચરે પ્રસરી ગયેલો ભ્રષ્ટાચાર કોઇ એક જયપ્રકાશ દૂર નહીં કરી શકે. આવા વ્યાપક ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ફળિયે ફળિયે સુષુપ્ત પડેલી જટાયુતાને જગાડવી પડશે. આપણા પર ભગવાન પ્રસન્ન થાય અને એક પ્રશ્ન પૂછે: ‘બોલો પૃથ્વી પર એક બુદ્ધ મોકલું?’ હું જો ભીડમાં હાજર હોઉં તો ભગવાનને કહું: ‘હવે અમારે એક બુદ્ધ કે એક ઇસુ કે એક ગાંધીની જરૂર નથી. હે પ્રભુ! તમે ત્રણ-ચાર અબજ સીધી લીટીના સામાન્ય માણસો મોકલો.’

સીધી લીટીના માણસો બહુ મોટી સંખ્યામાં હોય ત્યારે જેલમાં ભીડ નહીં હોય. કોઇપણ સમાજની ગુણવત્તા નક્કી કરવાના બે સચોટ ઉપાય છે: (૧) પોલીસની કક્ષા જાણી લેવી અને (૨) જેલની ગુણવત્તા તપાસી લેવી. આજે ગુના વધી પડ્યા તેથી પોલીસ પર જબરો બોજ પડે છે. ગુનાનું પ્રમાણ ઘટી જાય તો એક રૂડી ઘટના બને. પોલીસની ક્રૂરતા ઘટે અને એ આપણો સેવક બને. ‘પોલીસ’ની વ્યાખ્યા જાણવી છે? જેની હાજરીમાં ગુનેગાર થથરે અને સજજન નિરાંત અનુભવે તેનું નામ ‘પોલીસ’. યુરોપ-અમેરિકામાં પોલીસ સાથે વાત કરવી એ એક સુખદ અનુભવ છે. એક વાર અમેરિકન પોલીસ સાથે હું વાત કરવા લાગ્યો ત્યારે એ મને વાઇસ-ચાન્સેલર જેવો જણાયેલો! ‘સુપથ’ પર ચાલનાર સીધી લીટીના માણસો પોલીસમિત્રો છે. જ્યાં ‘વાંકું જતું પાપ’ હોય ત્યાં પોલીસનો દંડો દયાહીન જણાય છે. આવી દયાહીનતા ન હોય તો સીધી લીટીના માણસોની સંવેદનાનું શિવાલય જમીનદોસ્ત થઇ જાય. ભ્રષ્ટાચારના ઝંઝાવાત સામે હજી પણ ટકી રહેલા સીધી લીટીના આમ આદમીનો જય હો!‘

પાઘડીનો વળ છેડે

જ્યારે પણ હું
કોઇ ફિલસૂફ સાથે વાત કરું ત્યારે
મને ચોક્કસ સમજાય છે કે
સુખ પામવાની કોઇ જ શક્યતા નથી.
એમ છતાં જ્યારે હું મારા માળી સાથે
વાત કરું ત્યારે મને
એનાથી વિપરીત પ્રતીતિ થાય છે!
– બટ્રાઁડ રસેલ

Advertisements

6 thoughts on “સીધી લીટીના માણસની સંવેદનાનું શિવાલય Divya Bhasker, June, 9th, 2013

 1. રવિવારના ભાશ્કરના પ્રથમ પાને સદભાવનાની સરવાણી ફુટી ! -દિનેશ પ્રજાપતિ,પાટડી.

 2. …Khub prayato karva chhataa D.Bhaskar ma Shah Sahebne vachavamaa vachi sakata nahota…..Thank you very much….aa rite e mail par article aavta hovathi… have vanchi sakay chhe…..Khub sunder article…vastvikata…..ange…….

 3. શ્રી ગુણવંતભાઈ,
  આપશ્રીએ આવતાં પચાસ વર્ષ સુધી મંદિર, મસ્જિદ, દેવળ, દેરાસર કે ગુરુદ્વારાના બાંધકામ માટે એક પણ ગૂણ સિમેન્ટ વાપરવાની છુટ ન મળે એવો વટહુકમ બહાર બહાર પાડવાની વાત લખી છે. પરંતુ તેના મૂળ કારણ પર પ્રહાર કરવાની આવશ્યકતા છે. આ માટે મહર્ષિ દયાનન્દની માફક મૂર્તિપૂજા સામે આંદોલન કરવું પડે અને એ સમજાવવું કે પ્રતિપાદિત કરવું પડે કે ઈશ્વર (ગોડ અથવા ખુદા) નિરાકાર સત્તા છે, તેની મૂર્તિ ના હોઈ શકે. આ સૈદ્ધાંતિક વાત લોકો સુધી લઈ જવાની જરૂર છે.
  આપ લખો છો કે – “ગરીબી અને અંધશ્રદ્ધા સગી બહેનો છે.” પરંતુ શું ધનવાનો કંઈ કમ અંધશ્રદ્ધાળુ હોય છે ? તથાકથિત “ધર્મસ્થાનો” તથા “તીર્થો”માં તથા અયોગ્ય સાધુ-બાવાઓના આશ્રમોમાં શું ગરીબો જ જોવા મળે છે ? ભણેલા પણ ભારે અવિવેકી – અંધશ્રદ્ધાળુ હોય છે.

  • ભાવેશ ભાઈ,

   તમારી વ્યથા યોગ્ય જ છે.નિરાકાર તત્વ ને એક મૂર્તિ માત્ર માં બાંધવું કદાચ યોગ્ય હશે કે કેમ તે નાદ માં ન પડતા તેને સ્વીકારવું જ રહ્યું.
   જે પ્રમાણે આજની પ્રચલિત મૂર્તિપૂજા ચાલે છે તેનો વિરોધ કરવામાં મને વાંધો નથી. પણ સંપૂર્ણ મૂર્તિપૂજા ને ફટકો મારવો તે નરી મૂર્ખાઈ જ છે.
   મૂર્તિપૂજા વૈદીકો થી વૈદિક કાળ થી ચાલતી આવેલી છે, તેમાં થોડો ફેરફાર જ કરવાની જરૂર છે. સ્વામીશ્રી દયાનંદ સરસ્વતીજીએ જે મૂર્તિપૂજા નો વિરોધ કર્યો હતો, તે કદાચ આજના જેવી જ મૂર્તિપૂજા હોઈ શકે. ( યાદ રહે કે તેમણે વેદો ઉપર ભાષ્ય લખ્યું છે, અને વેદો ના રુદ્રસૂક્ત માં ઉલ્લેખ છે કે ‘યા તે રુદ્ર શિવા તનું અઘોરા પાપકાશિની’ = કોઈ પણ તત્વ, આખરે તો આકાર લે જ છે..સત્ય અને અહિંસા શબ્દ સાથે જેમ બુદ્ધ,મહાવીર અને ગાંધીજી યાદ આવે છે, તેવી જ રીતે )
   માનવીય મન ના વિકાસ માટે , ભગવાન ના તનું પૂજન થી ગુણ પૂજન અને ગુણ પૂજન થી તત્વ પૂજન તરફ જવા નો રસ્તો પણ ભગવાને બતાવેલો છે. ( શ્રીમદ ભગવદગીતા : અધ્યાય ૧૨, શ્લોક : ૨ અને ૮ )

   નિરાકાર તત્વ, સત્તા ને માનનાર અને સગુણ ઉપાસના કરનાર ઉપર ભગવાન નો સરખો જ પ્રેમ છે, પણ જે રસ્તો નિરાકાર નો છે તે કઠણ છે તેથી..
   માં સાથે જન્મ થી જોડાણ છે તેથી કદાચ અમેરિકા માં હોઈશું તો પણ માં નું ચિત્ર મનમા ઉભું કરી શકીશું, માં માટે પ્રેમ ઉભરાશે છલકાશે, પણ જો માં સાથે જોડાણ નહિ હોય તો શું પ્રેમ નું છલકાવું, પ્રેમ નું ઉભરવું શક્ય છે કે..? બસ વિચારીએ..

 4. વિદ્વાન ગુણવંતભાઈ:
  સીધી લીટી કે વાંકી લીટી કોણ નક્કી કરે ? અવિનય થયો હોય તો માફ કરશો.
  કેશવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s