નાદાન માનવજાત ઉંમરલાયક ક્યારે થશે? Divya Bhasker, 29-7-2013

મહાભારતના યુદ્ધમાં સૈનિકની છાતીમાં તીર પેસી જાય ત્યારે ચીસ નીકળી પડતી હતી. આજે તીરની જગ્યાએ બંદૂકની ગોળી છાતીમાં પેસી જાય ત્યારે પણ ચીસ નીકળી પડે છે. પાંચ હજાર વર્ષ પહેલાંની ચીસ અને આજની ચીસ વચ્ચે કોઇ તફાવત ખરો? આજે પણ એકવીસમી સદીમાં ટેક્નોલોજીના ઝળઝળાટ વચ્ચે આપણે ચીસમુક્ત માનવસમાજનું નિર્માણ કરી શક્યાં છીએ ખરાં?

 

 

વરસાદ વરસે ત્યારે એની સાથે વિચારો પણ વરસે છે. ક્યારેક ધોધમાર વરસાદ ધોધમાર વિચારો પણ લેતો આવે છે. આજે વરસાદ તરફથી મળેલા થોડાક ભીના વિચારો વહેંચવાનો ઉપક્રમ છે. પ્રત્યેક મનુષ્ય કોઇ ખાસ ખાનગી ગાંડપણનો માલિક હોય છે. એને એકાદ ધૂન વળગેલી હોય છે. એ ધૂન એની શોભા છે. જે મનુષ્ય સાવ જ ધૂનમુક્ત હોય તેનાથી દૂર રહેવું સારું. ૧૮૯૦માં સેમ્યુઅલ હોફેન્સ્ટીન નામના વિચારકે ગાંઠે બાંધવા જેવી વાત કહી હતી:

જે મનુષ્યો હૃદયશૂન્ય હોય એમને દાટવાના ન હોય

મનને ખલેલ પહોંચાડે એવો એક વિચાર આજે વરસાદ લેતો આવ્યો. હજારો વર્ષની ઉંમર થઇ તોય હજી આપણી આ માનવજાત પોતાની ભૂલોમાંથી કશુંય શીખવા તૈયાર નથી. આવી આ નાદાન માનવજાત ઉંમરલાયક ક્યારે થશે? સદીઓ વીતી અને કેટલાય યુગ પસાર થઇ ગયા, તોય હજી યુદ્ધ કાયમ છે. મહાભારતના યુદ્ધમાં વિજય પામેલા પાંડવોએ શું કર્યું? યુદ્ધમાં મળેલો વિજય પણ ખારો, ખાટો, કડવો અને તૂરો છે એવું સમજાયું ત્યારે દ્રૌપદીને સાથે લઇને એમણે હિ‌માળો ગાળવાનું (સ્વર્ગારોહણ) પસંદ કર્યું. જો માનવજાતમાં થોડુંક પણ શાણપણ હોત તો મહાભારતનું ભયાનક મહાયુદ્ધ પૃથ્વી પરનું છેલ્લું યુદ્ધ ગણાયું હોત અને એ ઇતિહાસનાં પાનાંમાં કાળક્રમે પોઢી ગયું હોત. એ મહાયુદ્ધ પછી થોડીક સદીઓ વીતી અને પૃથ્વી પર મહાવીર અને બુદ્ધ અહિંસા અને કરુણાનો સંદેશ લઇને વિહાર કરતા થયા.

આવા બે મહામાનવો વિદાય થયા પછી ઇસુ, મોહંમદ અને ગાંધી આવ્યા અને વિદાય થયા. જૂઠું બોલવાનું સરવાળે મોંઘું પડે છે એટલી વાત મહાત્માના ગયા પછી પણ આપણને ન સમજાણી હજી એકવીસમી સદીમાં પણ યુદ્ધ ચાલુ છે. ગઇ સદીમાં બે ભીષણ મહાયુદ્ધો થયાં. આજની તારીખે પણ સિરિયા સળગી રહ્યું છે અને ઇજિપ્તમાં ભારેલો અગ્નિ દઝાડી રહ્યો છે. મહાભારતના યુદ્ધમાં સૈનિકની છાતીમાં તીર પેસી જાય ત્યારે ચીસ નીકળી પડતી હતી. આજે તીરની જગ્યાએ બંદૂકની ગોળી છાતીમાં પેસી જાય ત્યારે પણ ચીસ નીકળી પડે છે. પાંચ હજાર વર્ષ પહેલાંની ચીસ અને આજની ચીસ વચ્ચે કોઇ તફાવત ખરો? આજે પણ એકવીસમી સદીમાં ટેક્નોલોજીના ઝળઝળાટ વચ્ચે આપણે ચીસમુક્ત માનવસમાજનું નિર્માણ કરી શક્યાં છીએ ખરાં?

આપણી એકની એક એવી લાડકી પૃથ્વી પર સદીઓથી શાણપણ હારતું આવ્યું છે અને ગાંડપણ જીતતું આવ્યું છે. કેવળ પૃથ્વીય કે રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં, ગામ કે ફળિયાની કક્ષાએ પણ શાણપણ હારતું રહ્યું છે. ખરી વાત એ છે કે ઉન્માદની કક્ષાએ પહોંચેલા ગાંડપણમાં નાચનારી ધાર્મિ‌ક કટ્ટરતાએ શાણા મનુષ્યોને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા છે. માનવીની તરસનો ધર્મ કયો? માનવીની તરસ પવિત્ર છે, માટે ગંગા પવિત્ર છે. માનવીની ભૂખ (વૈશ્વાનર) પવિત્ર છે, માટે અન્નને બ્રહ્મનો દરજ્જો મળ્યો છે. માનવીની સેક્સ પવિત્ર છે માટે લગ્ન અગ્નિ‌ની સાક્ષીએ થતાં રહ્યાં છે. સેક્સ પવિત્ર છે તેથી એના પરિણામસ્વરૂપે પ્રાપ્ત થતું માતૃત્વ પવિત્ર છે. તરસ, ભૂખ અને સેક્સ જેવી ત્રણ ત્રણ સાર્વત્રિક ઘટનાઓ માનવજાતને પ્રાપ્ત થઇ હોવા છતાંય ધર્મના નામે થતી હત્યાઓ ચાલુ છે એનું રહસ્ય શું?

આજે પણ લગ્નપ્રથા કાયમ સ્મિતવાહિ‌ની બનવાને બદલે ક્યારેક પીડાદાયિની બને છે. પેલી તીરમૂલક કે બંદૂકમૂલક ચીસને બદલે પ્રેમમૂલક સ્મિતથી છલકાતો માનવસમાજ હજી સમણાંની જ અવસ્થામાં કેમ છે? હજી ધર્મને નામે આતંકવાદ ચાલતો રહે એવી પરિસ્થિતિ કેમ છે? સ્મિત અને ચીસની કશમકશ વચ્ચે ચીસ જીતી જાય એવું કેમ બને છે? કન્યારત્ન મલાલાની સામે તાલિબાની હરકતો હજી કેમ અટકતી નથી? નાદાન માનવજાત ઉંમરલાયક ક્યારે થશે? પુરુષોને સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ તેની સમજણ ક્યારે પડશે? એકવીસમી સદીમાં પણ બલાત્કાર (વિનયભંગ) થઇ શકે, એ બાબત એટલું જ સિદ્ધ કરે છે કે માનવજાતની નાદાનિયત કાયમ છે અને એની માસૂમિયત મરી પરવારી છે. જ્યાં માસૂમિયત ન હોય ત્યાં સ્મિત ક્યાંથી?

૧૯૯૭ના વર્ષમાં વલસાડથી એસ.ટી. બસમાં બેસીને ધરમપુર થઇને પિંડવળ જવાનું બનેલું. આદિવાસી વિસ્તાર વટાવીને ધરમપુરના જંગલમાં દૂર આવેલા પિંડવળ તરફ જતી બસ ચોખ્ખીચણક હતી તે જોઇને આનંદાશ્ચર્ય થયું. માસ્તરની ટેવ મુજબ કંડક્ટરને પૂછ્યું: ‘આ બસ આટલી સ્વચ્છ કેમ જણાય છે?’ કંડક્ટરે મને જે જવાબ આપ્યો તે સાંભળો: ‘સાહેબ અઠવાડિયાના છ દિવસ આ જ બસમાં મારી ડયૂટી હોય છે. હું આ બસ રોજ મારે ખર્ચે ધોવડાવું છું.’ કંડક્ટરનો આવો જવાબ આપણી નિરાશાને ખંખેરી મૂકે તેવો છે. એ જવાબ સાંભળીને આર્નોલ્ડ ટોયાન્બી જેવા વિખ્યાત ઇતિહાસવિદના શબ્દો યાદ આવી ગયા:

જ્યારે જ્યારે હું ઇતિહાસનો
વિચાર કરું ત્યારે નિરાશ થઇ જાઉં છું,
પરંતુ જ્યારે જ્યારે
હું ઉત્ક્રાંતિનો વિચાર કરું ત્યારે
આશાવાદી બની જાઉં છું

વરસાદ હજી ચાલુ છે. સામે ઊભેલાં વૃક્ષો સદ્યસ્નાતા સ્ત્રી જેવાં સ્ફૂર્તિ‌મંત દીસે છે. વિચારો અટકવાનું નામ નથી લેતા. સામેના પુષ્પ પર પતંગિયું બેઠું છે. એ છોડને દીવાલની ઓથ છે. એ દીવાલની ફાટમાં પીપળો ઊગ્યો છે. લાગે છે કે પરિસ્થિતિ છેક નિરાશાજનક નથી. રસ્તે ચાલતી વખતે ક્યાંક કોઇ અજાણ્યું સ્મિત જોવા મળે, તો અટકી જઇને જાતને કહેવું કે ચાર ધામની યાત્રા થઇ ગઇ’

– પાઘડીનો વળ છેડે

જ્યારે નિરાશામાં ડૂબી જાઓ
ત્યારે યાદ રાખજો કે:
સમગ્ર ઇતિહાસમાં સદાય
સત્ય અને પ્રેમનો જ
વિજય થયો છે.
જુલમ કરનારાઓ અને હત્યા કરાવનારાઓ
થોડાક સમય માટે અપરાજેય જણાયા ખરા,
પરંતુ છેવટે તો
તેઓ હંમેશાં પડ્યા જ છે.
આ વાત પર કાયમ વિચારતાં રહેવું.
– ગાંધીજી

નોંધ: ઉપવાસ પર ઊતરેલા મહાત્માએ અત્યંત નબળા પડી ગયેલા અવાજમાં આ શબ્દો ‘ગાંધી’ ફિલ્મમાં મીરાંબહેનને કહ્યા હતા. ખુશવંત સિંહના પુસ્તક ‘The Khushwant Sing Treasury’માં પણ ગાંધીજીના આ શબ્દો વાંચવા મળે છે. આપણે મહાત્માને હરાવી દીધા છે, એમાં કોઇ શંકા ખરી?

Advertisements

5 thoughts on “નાદાન માનવજાત ઉંમરલાયક ક્યારે થશે? Divya Bhasker, 29-7-2013

 1. સમગ્ર ઇતિહાસમાં સદાય
  સત્ય અને પ્રેમનો જ
  વિજય થયો છે.
  પણ જીવીત રહ્યો નથી. તમે જ કહ્યું – માનવી સુધરતો નથી.
  મને લાગે છે કે માનવી સુધરી જાય, બધે સુખ સુખ પ્રસરી જાય તો જીવન રહે નહીં કારણ કે સુખ તો દુઃખનું સાપેક્ષ છે.

 2. …Ghana Vakhat pachhi e j divashe shah sahebno lekh vanchava malyo..aabhar…temani kalam mari priya kalam pakini ek chhe..

 3. Koi shanka nathi sir….
  We have to change our self first to see the change in others but we always try to find others mistake never change our point of view and we face more than 90 % problems due to our point of only. Isn’t it?

 4. Aajna manasna namalapanae mahatmane haravi deedha chhe. Aa manaso ne temna haqnu aapva koi aagal aave to pan te levani tenama himmat nathi. Aa janiye tyaare vagar banduk ni goliye chhati maa thi chees nikli jay chhe.

 5. આજના માણસના નમાલાપણાં એ મહાત્માને હરાવી દીધા છે .આજના માણસને તેના હકનું
  અપાવવા કોઈ આગળ આવે તો તે પણ લેવાની તેમનામાં હિંમત નથી .આવો અનુભવ થાય ત્યારે
  વગર બંદુક ની ગોળીએ છાતીમાંથી ચીસ નીકળી જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s