કૃષ્ણ અને ભીષ્મ પિતામહ વચ્ચે આત્મીય સેતુ Divya Bhasker, August

– કૃષ્ણ અને ભીષ્મ પિતામહ વચ્ચે જે આત્મીય સેતુ રચાયો તે લૌકિક કક્ષાનો ન હતો. કોઇ ભક્ત કૃષ્ણને ભગવદ્ભાવે નિહાળે તે રીતે ભીષ્મ કૃષ્ણને પરમેશ્વર તરીકે નિહાળતા રહ્યા. ભીષ્મ અજેય યૌદ્ધા હતા, બ્રહ્મચારી હતા અને મહાજ્ઞાની હતા, પરંતુ કૃષ્ણની વાત આવે ત્યાં તેઓ ભીના ભીના ભક્તિભાવથી છલકાઇ જતા

 

 

આ પૃથ્વી પર કૃષ્ણ કરતાં વધારે ‘વિચિત્ર’ અવતાર બીજો હોઇ શકે? જેનું ચિત્ર વિશષ્ટિ હોય તે ‘વિચિત્ર’ કહેવાય. આટલા બધા આંતરવિરોધો અન્ય કોઇ અવતારમાં જોવા નથી મળતા. જે હાથમાં કોસ્મિક સિમ્ફની વહેવડાવતી વાંસળી શોભે, તે જ હાથમાં સુદર્શનચક્ર જેવું સંહારક શસ્ત્ર હોઇ શકે જે કૃષ્ણ વ્રજભૂમિમાં ગોપીઓ સાથે રાસલીલા કરે તે જ કૃષ્ણ શિશુપાલની બધી ગાળ સાંભળી લીધા પછી સુદર્શનચક્ર વડે એનું મસ્તક જમીનભેગું કરી શકે અર્જુનને ગીતાનો ઉપદેશ આપનાર યોગેશ્વર મહાભારતના યુદ્ધમાં કપટયુક્ત રમત રમીને ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધનને દૂર કરીને પાંડવોને વિજય અપાવી શકે જરાસંધ જેવા મહાશત્રુ મથુરા પર ચડી આવે ત્યારે ભાઇ બલરામ સાથે પલાયન થઇ જનાર કૃષ્ણ (રણછોડ) મહાભારતના પ્રારંભે રણમેદાન છોડવાની ઇચ્છા પ્રગટ કરનાર અર્જુનને સ્વધર્મનો ઉપદેશ આપીને લડવા માટે તૈયાર કરી શકે જો પૂર્ણાવતાર કૃષ્ણને જીવનની પૂરી અખિલાઇ જાળવીને સમજવાનો પ્રયત્ન ન કરીએ, તો આપણને આખા ને આખા કૃષ્ણની ભાળ નહીં મળે. આખા ને આખા કૃષ્ણ એટલે રસેશ્વર, રાજેશ્વર અને યોગેશ્વર કૃષ્ણ. આખા ને આખા કૃષ્ણ એટલે ગીતાના શબ્દોમાં કહીએ, તો સર્વલોકમહેશ્વર એવા કૃષ્ણ. એક જ શ્લોકમાં પોતે સર્વલોકમહેશ્વર છે એવું સ્પષ્ટ કરીને તરત કૃષ્ણ ઉમેરે છે: ‘હું સર્વ જીવોનો સુહૃદ (મિત્ર) છું.’ (પ-૨૯). હા, કૃષ્ણ આપણા પરમ મિત્ર છે.

આ આખું ચોમાસું મેં ભીષ્મ પિતામહને ચરણે ધરી દીધું છે. કારણ શું? મહાભારત જેવા મહાકાવ્યમાં ભીષ્મ સૌથી વિશાળ કાલખંડ રોકનારા મહાસમર્થ ક્ષત્રિય છે. યાદ રહે કે મહાભારતના બ્રેઇનટ્રસ્ટ જેવી ભગવદ્ગીતા પણ ભીષ્મપર્વના જ એક અંશ તરીકે પ્રગટ થઇ છે. ભીષ્મપર્વ, શાંતિપર્વ અને અનુશાસન પર્વનો વિસ્તાર મહાકાવ્યના વિસ્તારનો લગભગ ત્રીજો ભાગ થવા જાય છે. ખાસ વાત તો એ છે કે સર્વલોકમહેશ્વર એવા કૃષ્ણના વિભૂતિમત્ત્વને પામી જવામાં ભીષ્મ સિનિયરમોસ્ટ છે. કૃષ્ણ અને ભીષ્મ પિતામહ વચ્ચે જે આત્મીય સેતુ રચાયો તે લૌકિક કક્ષાનો ન હતો. કોઇ ભક્ત કૃષ્ણને ભગવદ્ભાવે નિહાળે તે રીતે ભીષ્મ કૃષ્ણને પરમેશ્વર તરીકે નિહાળતા રહ્યા. ભીષ્મ અજેય યૌદ્ધા હતા, બ્રહ્મચારી હતા અને મહાજ્ઞાની હતા, પરંતુ કૃષ્ણની વાત આવે ત્યાં તેઓ ભીના ભીના ભક્તિભાવથી છલકાઇ જતા.

ઇન્દ્રપ્રસ્થ નગરીમાં યુધિષ્ઠિ‌ર દ્વારા રાજસૂય યજ્ઞનું આયોજન થયું ત્યારે એક મહાપ્રશ્ન ઊભો થયો. ભીષ્મ પિતામહની સલાહ લેવા માટે યુધિષ્ઠિ‌રે પ્રશ્ન પૂછ્યો: ‘હે કરુનંદન પિતામહ આપશ્રી કયા એક શ્રેષ્ઠ પુરુષને પ્રથમ અધ્ર્ય પામવા માટે યોગ્ય ગણો છો?’ ભીષ્મ પિતામહનો જવાબ સાંભળો: એકત્ર થયેલા આ રાજાઓની વચ્ચે પોતાનાં તેજ, બળ અને પરાક્રમથી શ્રીકૃષ્ણ તારાઓની વચ્ચે પ્રકાશતા સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે. સૂર્યથી જેમ સૂર્યરહિ‌ત પ્રદેશ અને વાયુથી જેમ નિર્વાત પ્રદેશ આનંદ પામે છે, તેમ આપણું આ સભાગૃહ શ્રીકૃષ્ણથી પ્રકાશિત અને આનંદિત થઇ રહ્યું છે.  (સભાપર્વ, ૩૩, ૨૮-૨૯) (અનુવાદ: ડો. વસંત પરીખ)

સભામાં હાજર રહેલા શિશુપાલે વિનય છોડીને કૃષ્ણનિંદા શરૂ કરી ત્યારે ભીષ્મ પિતામહના શબ્દો હતા: ‘અચ્યુત માત્ર અમારે માટે જ પૂજ્યતમ નથી, પરંતુ આ જનાર્દન તો ત્રણેય લોક માટે પૂજનીય છે.’ ભીષ્મ અને કૃષ્ણ વચ્ચેનો આત્મીય સેતુ આવો દિવ્ય હતો. એ સેતુ સમજવા જેવો છે. બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ કૃષ્ણના સ્મરણમાં લીન હતા. એમના શરીરના રોમેરોમમાં તીવ્ર વેદના વ્યાપી વળી હતી. શરીરમાં પેસી ગયેલા તીરની શય્યા પર શાણપણનો પ્રશાંત મહાસાગર સૂતો હોય એવું દૃશ્ય દેવોને દુર્લભ હતું. ભીષ્મ કૃષ્ણમય હતા અને કૃષ્ણ ભીષ્મમય હતા.
ભીષ્મ કહે છે: ‘હે ગોવિંદ આપની કૃપાથી (મારા શરીરમાંથી) બળતરા, મોહ, થાક, ખિન્નતા અને દુ:ખ એકદમ દૂર થઇ ગયાં છે. હે અચ્યુત જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન છે, તે બધું હું હાથમાં રાખેલા ફળની માફક જોઇ શકું છું.’ જવાબમાં કૃષ્ણ કહે છે: ‘તમે વયમાં વૃદ્ધ છો તથા વૈદિક-લૌકિક આચારથી યુક્ત છો. તમે રાજધર્મના જ્ઞાતા છો. આજ સુધી તમારું એક પણ પાપકૃત્ય કોઇએ જોયું નથી. હે રાજન્ જેમ પિતા પોતાના પુત્રોને કહે તે પ્રમાણે તેમને નીતિનો ઉપદેશ કરો.’

માનશો? ‘લોકતંત્ર’ શબ્દ યુધિષ્ઠિ‌રને રાજધર્મ સમજાવતી વખતે સૌપ્રથમ ભીષ્મ પિતામહે પ્રયોજ્યો હતો. ભીષ્મ કહે છે: ‘હે યુધિષ્ઠિ‌ર જે આ લોકતંત્રનો વિનાશ કરવા તત્પર (લોકતંત્રવિઘાતકા:) હોય, તેમને બે હાથે સતત બાંધીને (કેદમાં) રાખવા.’ આજના લોકતંત્રમાં જે શાસકો હોય તેમણે બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહના શબ્દો અવશ્ય વાંચવા જોઇએ. થોડાક શબ્દો સાંભળો: ‘હે યુધિષ્ઠિ‌ર ઋષિઓનું પરમ ધન સત્ય જ છે. તે જ રીતે રાજાઓ માટે પણ કશુંક ખરેખરું વિશ્વાસપાત્ર હોય, તો સત્ય જ છે… જેમ વસંત ઋતુમાં સૂર્ય અત્યંત શીતલ પણ નથી હોતો કે પછી અત્યંત ઉષ્ણ (કઠોર) પણ નથી હોતો, તેમ રાજાએ પણ સદા કોમળ ન થવું અને સદા કઠોર ન થવું.’

ગીતામાં કૃષ્ણે ભક્તોને અભયવચન આપી રાખ્યું છે: ‘ન મે ભક્ત: પ્રણશ્યતિ.’ આવું અભય વચન કૃષ્ણે જ્ઞાનીઓને કે યોગીઓને નથી આપ્યું. શ્રાવણ એક એવો ભીનો મહિ‌નો છે, જેમાં જ્ઞાની અને યોગી પણ ભક્ત બની રહે છે. જ્ઞાન-કર્મ-ભક્તિનું ત્રિવેણીર્તીથ ગીતામાં પ્રગટ થયું છે. ગીતાનો ઉપદેશ કેવળ માનવો માટે થયો હતો, કોઇ કોમના માનવો માટે નહીં. શ્રાવણમાં એ વાંચવાથી જીવન ભીનું ભીનું’

– પાઘડીનો વળ છેડે

ધર્મનિષ્ઠ રાજાએ ગર્ભવતી સ્ત્રી જેવા થવાનું છે. જેમ ગર્ભવતી સ્ત્રી પોતાને જે ગમતું હોય તેને ત્યજીને પણ ગર્ભનું હિ‌ત કરે છે તે જ પ્રમાણે રાજાએ પણ નિ:સંદેહ કરવાનું છે. પોતાને પ્રિય હોય તે છોડીને, જેમાં પ્રજાનું હિ‌ત સમાયું હોય તે જ કરવાનું છે.
– ભીષ્મ પિતામહ
નોંધ: બાણશય્યા પરથી યુધિષ્ઠિ‌રને રાજધર્મ અંગે કહેલા શબ્દો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s