શ્યામ રંગ સમીપે જાવું શ્રાવણમાં! August, 18-8-2013

શ્યામ રંગ સમીપે’ જાવાની ભીની ઋતુનું નામ શ્રાવણ છે. શ્રાવણ એટલે સ્મરણમધુરા રાધા અને વ્રજકિશોર મોહન વચ્ચેની આત્મીય એકતાનું આરાધન કરવાનો પવિત્ર મહિ‌નો. આવો ભીનો ભીનો મહિ‌નો વેડફી મારે તે અભક્ત જ હોવાનો હૃદયરોગનો હુમલો આવી પહોંચે તે પહેલાં આ વાત સમજાય એ શક્ય છે. અહંકારશૂન્યતાની આરાધના માટે શ્રાવણ જેવો અનુકૂળ મહિ‌નો બીજો ન હોઈ શકે.

 

 

ભક્તો ભગવાનને લાડ લડાવે ત્યારે ભક્તિ એની ચરમસીમા પર પહોંચતી દીસે છે. આવા લાડ પામવામાં કૃષ્ણને કોઈ ન પહોંચે. ડભોઈના ભક્તકવિ દયારામ કૃષ્ણને ‘વહાલમો’ કહે અને ‘વ્રજ લાડીલો’ પણ કહે જૂનાગઢનો નરસિંહ મહેતો કૃષ્ણને ‘શામળિયો’ કહે અને વળી ‘પાતળિયો’ પણ કહે પ્રેમદીવાની મીરાંના રોમાન્સનું કેન્દ્ર કૃષ્ણ છે. મીરાં ચિરવિરહિ‌ણી છે, ભગ્નહૃદયા છે અને દર્દદીવાની છે. કૃષ્ણપ્રેમમાં પાગલ બનેલી મીરાં જ ગાઈ શકે :

ઘાયલ કી ગત ઘાયલ જાણે
જો કોઈ ઘાયલ હોય,
સૂલી ઉપર સેજ હમારી
સોવણ કિસ બિધ હોય,
મીરાં કે પ્રભુ પીર મિટેગી
જબ બૈદ સાંવરિયા હોય.

આપણો થીજી ગયેલો અહંકાર આપણને ભક્તિનું અમૃત પામવા દેતો નથી. નારદે ભક્તિને ‘અમૃતસ્વરૂપા’ ગણાવી છે. આપણું દેહકેન્દ્રી અસ્તિત્વ અહંકારથી ઢંકાયેલું છે. એ અસ્તિત્વનો જે ભાગ ઢંકાયા વિનાનો હોય તેને જ્ઞાન કહેવામાં આવે છે. આપણા રોમાન્સની રંગભૂમિ વૃંદાવન કે ગોકુળ નથી, પણ મથુરા છે. ગોકુળની રાસલીલા મથુરાની ખટપટલીલા સામે હારી રહી છે. રોજ સૂરજ આથમે છે અને પૃથ્વી પર બચેલા ભોળપણનો જથ્થો ક્ષીણ થતો જાય છે. માણસ-માણસ વચ્ચેના રોજિંદા વ્યવહારમાં અસરળતા, કટુતા અને કપટનો કુલ જથ્થો વધતો જાય છે. અસરળ આદમી ‘સ્માર્ટ’ ગણાય ત્યાં સુધી વાત પહોંચી છે. શું અહંકાર ટળે તે માટે હૃદયરોગનો હુમલો જરૂરી છે?

હૃદયરોગનો હુમલો સાવ ઓચિંતો આવી પડે છે. એ હુમલો ચાલુ હોય ત્યારે એક અલૌકિક ઘટના બને છે. એ ટૂંકા સમયગાળામાં માણસનું બ્લડપ્રેશર એના કહ્યામાં નથી હોતું. એ વખતે માણસનું બ્લડ-સુગર-લેવલ એના તાબામાં નથી હોતું. એ અત્યંત વિચિત્ર સમયે માણસની નાડીના ધબકારા એના પ્રત્યે વિનય નથી જાળવતા. લગભગ નિ:સહાય બનીને માણસ ડોક્ટરનું શરણું સ્વીકારે છે. અહંકાર નામની ચીજનો તો ક્યાંય પત્તો નથી મળતો માણસ ડોક્ટરને શરણે અને ડોક્ટર ભગવાનને શરણે એવા વિચિત્ર સમયે માણસની પ્રિયતમા ખાટલા પાસે જ ઊભી હોય છે. એ પ્રિયતમાનું નામ મજબૂરી છે. મજબૂરી હોય ત્યાં ભક્તિ ન હોય. મસ્તી હોય ત્યાં જ ભક્તિ હોય. માધવને મોહબ્બત માન્ય છે, મજબૂરી નહીં. ભક્તિ ‘પરમપ્રેમરૂપા’ છે એવું નારદજી ભક્તિસૂત્રમાં કહી ગયા છે.

આવો પ્રેમ જ ‘અમૃતસ્વરૂપ’ હોઈ શકે. જ્યાં અહંકાર હોય ત્યાં મથુરા હોય અને મથુરા હોય ત્યાં કંસ હોવાનો જ્યાં સો ટચની ઋજુતાનો વૈભવ હોય અને વળી ભોળપણ છલોછલ હોય ત્યાં ગોકુળ હોવાનું અને જ્યાં ગોકુળ હોય ત્યાં શ્યામસુંદર હોવાનો આવા ‘શ્યામ રંગ સમીપે’ જાવાની ભીની ઋતુનું નામ શ્રાવણ છે. શ્રાવણ એટલે સ્મરણમધુરા રાધા અને વ્રજકિશોર મોહન વચ્ચેની આત્મીય એકતાનું આરાધન કરવાનો પવિત્ર મહિ‌નો. આવો ભીનો ભીનો મહિ‌નો વેડફી મારે તે અભક્ત જ હોવાનો હૃદયરોગનો હુમલો આવી પહોંચે તે પહેલાં આ વાત સમજાય એ શક્ય છે. અહંકારશૂન્યતાની આરાધના માટે શ્રાવણ જેવો અનુકૂળ મહિ‌નો બીજો ન હોઈ શકે.

‘ધર્મની ગ્લાનિ’ એટલે શું? કૃષ્ણ તરફથી ભગવદ્ગીતામાં પ્રાપ્ત થયેલો આ મૌલિક શબ્દપ્રયોગ છે. એકવીસમી સદીમાં માનવજાતને સતત પજવતી ‘ધર્મની ગ્લાનિ’ સાવ નવા સૂચિતાર્થો ધારણ કરનારી છે. આજે એ ગ્લાનિનું સૌથી વિકરાળ સ્વરૂપ ગરીબી છે. ગરીબી વ્યાપક ભૂખમરાનું અને કુપોષણનું મૂળ છે. ગરીબી હોય ત્યાં ગંદકી, રોગ અને અપમૃત્યુ આપોઆપ ચાલી આવે છે. કંઈક આવી સમજણ સાથે મહાત્મા ગાંધીજીએ ગરીબીને ‘હિંસાના સૌથી ભૂંડા સ્વરૂપ’ તરીકે ઓળખાવી હતી. જે સમાજમાં ભયંકર ગરીબી હોય, તે સમાજમાં ધર્મની વિકૃતિ હોવાની જ. મહાભારતમાં ભૂખના દુ:ખથી પરેશાન થઈને ચાંડાળના ઘરમાં માંસની ચોરી કરવા દાખલ થયેલા ઋષિ વિશ્વામિત્રની વાત થઈ છે.

લોકમાન્ય ટિળકે પણ આ પ્રસંગ ‘ગીતારહસ્ય’માં નોંધ્યો છે. ગરીબી દારુણ બને ત્યારે કહેવાતા સંસ્કારી સમાજના બધા નોમ્ર્સ ભોંયભેગા થાય છે. ગરીબીનું બીજું નામ હિંસા છે. ધર્મની ગ્લાનિ આજે આતંકવાદનું ભીષણ સ્વરૂપ ધારણ કરીને દુનિયાના નિર્દોષ નાગરિકોને પજવી રહી છે. આતંકવાદી માટે કૃષ્ણે પ્રયોજેલો શબ્દ છે: ‘આતતાયિન:’ (અધ્યાય ૧, શ્લોક ૩૬). આતતાયીઓના છ પ્રકાર શાસ્ત્રકારોએ ગણાવ્યા છે : બાળનાર, ઝેર આપનાર, હત્યા કરનાર, સ્ત્રીનું હરણ કરનાર, ધનની ચોરી કરનાર અને જમીનનું ભેલાણ કરનાર. કૃષ્ણ કેવળ રાસલીલા કરનારા રસેશ્વર ન હતા. તેઓ સુવર્ણમયી દ્વારિકાના સમર્થ શાસક હતા અને રાજેશ્વર હતા. એમણે મામા કંસની હત્યા કરી તે આતંકવાદીની કે આતતાયીની હત્યા હતી. એ જ રીતે એમણે નરકાસુરની હત્યા કરી હતી. અધર્મના અભ્યુત્થાનને રોકવા માટે મથવું એ કૃષ્ણના યુગાવતારનો સ્પષ્ટ એજન્ડા હતો.

અહીં ધર્મની ગ્લાનિનો એક નવો અર્થ પણ સમજવા જેવો છે. આતંકવાદી પ્રત્યે કૂણો પક્ષપાત રાખીને એને હણનારા મનુષ્યની પાછળ પડી જવું, એ પણ ‘ધર્મની ગ્લાનિ’ જ ગણાય. માનવ-અધિકારવાદી બૌદ્ધિકો લશ્કરના જવાનને અને પોલીસને ‘માનવ’ ગણવા તૈયાર ખરા? આજકાલ માનવ-અધિકારને નામે ચાલી રહેલી આ ફેશન સર્વથા કૃષ્ણવિરોધી બાબત છે. બકાસુરની હત્યા કરનારા ભીમ પર મુકદ્દમો ચાલે એ પણ ‘ધર્મની ગ્લાનિ’ ગણાય કારણ કે એમાં એકચક્રા નગરીમાં વસનારા નિર્દોષ નાગરિકોની સુરક્ષા છીનવી લેવાની કુચેષ્ટા છે. કૃષ્ણ નિર્દોષ નાગરિકોની પરેશાની કદી પણ સહન ન કરે.

ધર્મની ગ્લાનિનું ત્રીજું સ્વરૂપ સ્ત્રીઓના શોષણ સાથે અને એમની અસુરક્ષા સાથે જોડાયેલું છે. જ્યાં રાસલીલા હોય ત્યાં ગોપીઓ કદી અસુરક્ષિત ન હોઈ શકે. બગદાદ, કૈરો અને કાબુલમાં જ્યારે નવરાત્રિ જેવા ઉત્સવમાં સ્ત્રી-પુરુષો નર્ભિયપણે ગરબા ગાતાં થશે ત્યારે સ્ત્રીઓ આપોઆપ મુક્ત થશે. ‘ધર્મની ગ્લાનિ’ એટલે બિનસલામત મહિ‌લાના ટાઢા નિસાસા ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં બલાત્કારની સંખ્યા વધી પડી એ ધર્મની ગ્લાનિનો કડવો સંકેત છે.

બાંગ્લાદેશમાં કવિ કાઝી નજરુલ ઇસ્લામના દીકરાનું નામ સવ્યસાચી હતું. અર્જુનનું હુલામણું નામ ‘સવ્યસાચી’ હતું. અર્જુનને સ્નેહપૂર્વક કૃષ્ણ ‘સવ્યસાચિન્’ કહીને સંબોધે છે (અધ્યાય ૧૧, શ્લોક-૩૩), કારણ કે અર્જુન ડાબે હાથે પણ તીર છોડી શકતો હતો. કવિ નજરુલ ઇસ્લામે કૃષ્ણ પર લખેલી યાદગાર પંક્તિઓ સાંભળો :

આજ બન ઉપબનમેં
ચંચલ મેરે મનમેં
મોહન મુરલીધારી.
કુંજ કુંજ ફિરે શ્યામ
બાજે મુરલી, બોલૈ રાધા નામ’
પાઘડીનો વળ છેડે
કાંટો ભલે સુંદર હોય,
એ ભલે ગોળમટોળ હોય,
એ ભલે સારા માર્ગ પર પડયો હોય,
એ ભલે સજ્જનને પગે વળગ્યો હોય,
પરંતુ તે પીડાજનક જ હોય છે.
– મહાભારત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s