વીર નર્મદથી વીર નરેન્દ્ર દાભોળકર Divya bhasker, 1-9-2013

મહર્ષિ‌ દયારામ, દુર્ગારામ મહેતાજી અને વીર નર્મદ ક્યારના હારી ચૂક્યા છે. અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયત્નને કારણે બલિદાન આપનારા વીર નરેન્દ્ર દાભોળકરની હત્યા એટલું સાબિત કરે છે કે અજ્ઞાનનું અંધારું ભારે હઠીલું છે. આજે પણ કાર્યના આરંભ માટે શુભ મુહૂર્ત જોવાય છે. આજે પણ મંત્રતંત્ર અને જાદુટોનામાં આંધળી શ્રદ્ધા રાખનારા ભણેલા છતાંય અશિક્ષિત લોકોની સંખ્યા ઓછી નથી. ઘણાખરા નેતાઓ, અભિનેતાઓ અને વિદ્વાનો અંધશ્રદ્ધાથી મુક્ત નથી.

 

 
સદ્ગત સાહિ‌ત્યકાર યશવંત શુકલ પાસેથી એક વાત સાંભળવા મળી હતી. વીર નર્મદના જમાનામાં શિક્ષકો વિદ્યાર્થીઓને એક વાત વારંવાર કહેતા કે: પૃથ્વી છે તો સપાટ, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ પૂછે તો ગોળ કહેવાનું. રાંદેરની જે નિશાળમાં નર્મદે શિક્ષક તરીકે નોકરી કરી હતી તે જ નિશાળમાં લગભગ સો વર્ષ પછી ભણવાનું મળ્યું તેનું ગૌરવ છે. તાપીને કિનારે આવેલા માંડવી ઓવારા પાસે આજે પણ એ પ્રાથમિક શાળા ઊભી છે. કહે છે કે સુરતથી હોડીમાં બેસીને સામે કાંઠે આવેલી એ નિશાળે આવતો અને તાપીમાં તરવાની મજા માણ્યા પછી આરામ કરતો. પૂરતો આરામ કર્યા પછી એ નિશાળે જતો. નોકરીથી કંટાળીને નર્મદે રાજીનામું આપ્યું તેનું કાવ્ય હજી સચવાયું છે.

થોડાક દિવસ પર ઘરના માળીએ હોંશે હોંશે મારા હાથમાં ચાર-પાંચ પરવળ મૂકી દીધાં. ઘરની સામે આવેલો અમારો પ્લોટ નાનકડું ખેતર બની ગયો છે. ઓર્ગેનિક ફાર્મિંગના પ્રસાદ રૂપે મળેલાં પરવળ હાથમાં લીધાં ત્યારે કવિ વડ્ઝર્‍વર્થના શબ્દો યાદ આવી ગયા: ‘અ લિટલ પાલ્ટ્રી સમ બટ સર માઇ ઓન.’ પરવળ ભલે થોડાં, પણ ઘરના ખેતરનાં પરવળપ્રાપ્તિનો નિર્મળ આનંદ બીજી મિનિટે ખતમ થઇ ગયો. માળી છત્રસિંહે કહ્યું: ‘સાહેબ હું બહેન પાસે અગરબત્તી અને કાળો દોરો માગવાનો છું. પરવળના છોડને નજર ન લાગવી જોઇએ.’ અમિતાભ બચ્ચન અને છત્રસિંહને જોડતા અદૃશ્ય સેતુનું નામ ‘અંધશ્રદ્ધા’ છે. મહર્ષિ‌ દયારામ, દુર્ગારામ મહેતાજી અને વીર નર્મદ ક્યારના હારી ચૂક્યા છે. અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયત્નને કારણે બલિદાન આપનારા વીર નરેન્દ્ર દાભોળકરની હત્યા એટલું સાબિત કરે છે કે અજ્ઞાનનું અંધારું ભારે હઠીલું છે.

નાના હતા ત્યારે અમારા ફળિયામાં સામે આવેલાં બધાં ઘર બ્રાહ્મણોનાં હતાં. એક પણ ઘર યુવાન વયે થયેલી વિધવા સ્ત્રીઓ વિનાનું ન હતું. આજે પણ ઘરની સામે રહેતી વિધવા ફોઇઓ અને માસીઓનાં નામ યાદ છે. સ્વરાજ મળ્યું તે સમયગાળાની આ વાત છે. આજે ૬૬ વર્ષ પછી વંચિત વૈધવ્ય સાથે જોડાયેલી ગંગાસ્વરૂપ પીડાઓ ઓછી થવાનું નામ નથી લેતી. દહેજપ્રથા આજે પણ કાયમ છે. શિક્ષિત અને અતિશિક્ષિત પરિવારો આજે પણ દહેજ આપીને કે લઇને વિવાહનો નિર્ણય કરે છે. આજે પણ કાર્યના આરંભ માટે શુભ મુહૂર્ત જોવાય છે. આજે પણ મંત્રતંત્ર અને જાદુટોનામાં આંધળી શ્રદ્ધા રાખનારા ભણેલા છતાંય અશિક્ષિત લોકોની સંખ્યા ઓછી નથી.

પુપ્પુલ જયકરે નોંધ્યું છે કે પંડિત જવાહરલાલ નેહરુની આખરી માંદગી વખતે રેશનલિઝમમાં માનનારા એ દર્દી માટે અંધશ્રદ્ધાનો આશ્રય લેવામાં આવેલો. વારાણસીમાં કોંગ્રેસી નેતા કમલાપતિ ત્રિપાઠીએ ઇન્દિરા ગાંધીના કલ્યાણ માટે કેટલાક ખાસ યજ્ઞો કરાવ્યા હતા. હરિકોટા ખાતે ફજહ ઉપગ્રહ લઇને રોકેટ ઊપડે તેનું મુહૂર્ત જોવાય છે તેવું સાંભળ્યું છે. ઘણાખરા નેતાઓ, અભિનેતાઓ અને વિદ્વાનો અંધશ્રદ્ધાથી મુક્ત નથી. વિચારવું પડશે.
એકવીસમી સદીમાં જીવનારા મનુષ્ય પાસે એક મિજાજની અપેક્ષા રાખવામાં આવે છે: ‘મારી બુદ્ધિમાં ન ઊતરે એવી કોઇ બાબત હું નહીં સ્વીકારું. એ વાત બુદ્ધ, મહાવીર, ઇસુ, મહંમદ, કાર્લ માક્ર્સ કે ગાંધીએ કરી હોય તોય મારે ગળે ન ઊતરે ત્યાં સુધી એ નહીં સ્વીકારું.’ આવો સ્વતંત્ર મિજાજ શંકરાચાર્યના એક વિધાનમાં આબાદ પ્રગટ થયો:

અગ્નિનો સ્પર્શ શીતળ હોય છે
એવી વાત વેદમાં થઇ હોય
તોય સ્વીકારી ન શકાય.

આવા સ્વતંત્ર મિજાજમાં બુદ્ધિનો જયજયકાર થતો દીસે છે. અગ્નિની શોધથી માંડીને ચક્ર, હોડી, સ્ટીમ એન્જિન, મોટરગાડી, વિમાન, રોકેટ અને કોમ્પ્યુટર સુધીની બધી શોધમાં મનુષ્યને પ્રાપ્ત થયેલી બુદ્ધિનો ફાળો રહેલો છે. બુદ્ધિનો એક પ્રવાહ તર્ક તરફ વહે છે અને બીજો પ્રવાહ જીવનની સમસ્યાઓના ઉકેલ તરફ વહે છે. બુદ્ધિના ઉપકારો અનંત છે. બુદ્ધિના એવરેસ્ટ પર આઇન્સ્ટાઇન વિરાજમાન છે.

શું માનવીને શ્રદ્ધા વિના ચાલે ખરું? પ્રશાંત મહાસાગર પર કલાકો સુધી આઠ-નવ માઇલની ઊંચાઇએ એક જમ્બોજેટ લગભગ પ૦૦ માણસોને લઇને ઊડી રહ્યું છે. અંદર બેઠેલા પેસેન્જરો નિરાંતે ભોજન કર્યા પછી કઇ શ્રદ્ધાથી ઊંઘી ગયા છે? એમને વિમાન બનાવનારી બોઇંગ કંપની પર અને વિમાન ચલાવનારા અજાણ્યા પાઇલટ પર ઊંડી શ્રદ્ધા છે. આવી સ્વચ્છ શ્રદ્ધા વિના મનુષ્ય જીવી ન શકે. મનુષ્ય શ્રદ્ધા વિના તરી ન શકે અને અંધશ્રદ્ધા વિના ડૂબી ન શકે. અંધશ્રદ્ધાને કારણે એ બલાત્કારના કેસમાં સંડવાયેલા બાવાની પણ પૂજા કરે છે અસ્વચ્છ બાવાઓ સામેની ઝુંબેશ હવે સ્વચ્છ સાધુજનોએ જ ઉઠાવવી પડશે. પ્રત્યેક આશ્રમના આર્થિ‌ક વહીવટનું સામાજિક ઓડિટ કરાવવાની ઉતાવળ આશ્રમના સંચાલકોને જ હોવી જોઇએ.

ગમે તેવા વ્યભિચારી ગુંડાના નામ આગળ સંત અને પાછળ બાપુ શબ્દ વળગી શકે એ તો હિંદુ વિચારધારાની શરમ છે. શું કુંભકર્ણ હિંદુઓનો ઇષ્ટદેવતા છે? આપણે ત્યાં આસ્તિકતા સાથે અંધશ્રદ્ધા આપોઆપ જોડાઇ જાય તેવો માહોલ છે. દુનિયામાં આસ્તિકો ભારે બહુમતીમાં છે અને નાસ્તિકો લઘુમતીમાં છે. આસ્તિકતાના ચરમ સૌંદર્યને ભક્તિ કહે છે. ભક્તિ (ગીતાના શબ્દોમાં) અવ્યભિચારિણી હોય ત્યાં સુધી જ એ સ્વચ્છ રહી શકે. વેવલી ભક્તિ આસ્તિકતાને ગંદી બનાવી મૂકે છે. સંત તે છે, જે પોતાની આસ્તિકતાને સ્વચ્છ શ્રદ્ધા અને વિવેકયુક્ત બુદ્ધિ સાથે જોડે છે. નાસ્તિકતાની અપાર શોભા બુદ્ધ અને મહાવીર દ્વારા પ્રગટ થઇ. નાસ્તિકતાની શોભા નાબૂદ કરવાનું દુષ્કર્મ સ્તાલિન અને માઓ ઝેડોંગે કર્યું.

બંને સેતાનોએ લાખો મનુષ્યોની કતલ ક્રાંતિને નામે કરાવી હતી. નાસ્તિકતાની શોભા સ્વચ્છ રેશનલિઝમ દ્વારા પ્રગટ થતી દીસે છે. નાસ્તિક માણસને ‘અશ્રદ્ધાળુ’ કહેવાની ભૂલ કરશો નહીં. ભગવાન નથી એ બાબતમાં એની શ્રદ્ધા ઊંડી હોય છે. કોઇ રેશનલિસ્ટ પ્રિયજનને ‘આઇ લવ યૂ’ કહી શકે? લવ જેવો બિન-રેશનલ શબ્દ બીજો નથી. રેશનલિસ્ટ તે છે, જેની બુદ્ધિ સત્યની શોધને માર્ગે વળી ગઇ છે. જૂઠાબોલો રેશનલિસ્ટ પોતાની નાસ્તિકતાને બદનામ કરતો રહે છે. દંભ જેમ ભક્તને ન શોભે, તેમ રેશનલિસ્ટને પણ ન શોભે. કાર્લ માક્ર્સ પ્રત્યે અંધશ્રદ્ધા રાખનાર રેશનલિસ્ટ વેવલા ભક્ત કરતાં ચડિયાતો નથી. પ‌શ્ચિ‌મ બંગાળના નાસ્તિક સામ્યવાદીઓ આજે પણ પોતાના ઓરડામાં સ્તાલિનની છબી રાખે છે. આવા લોકોને ‘રેશનલિસ્ટ’ કહેવાનું યોગ્ય નથી. રેશનલ હોવાનું રસ્તામાં રેઢું નથી પડયું.

આદરણીય મોરારિબાપુની રામકથાનું શ્રવણ કરનારા ભક્તની મશ્કરી કરશો નહીં. નમાજ પઢવા જનારા કે બેથલહામ જનારા કોઇ ભક્તની નિંદા કરશો નહીં. વીર નરેન્દ્ર દાભોળકર જેવા સુધારકની શહાદતને વંદન કરવા માટે સ્વચ્છ ભક્તોએ અને સાધુજનોએ જ પહેલ કરવી પડશે. જગતના બધા ધર્મોમાં કાળક્રમે પેઠેલી ગંદકી દૂર કરવા માટેનાં પરિબળો જે તે ધર્મના વિચારપુરુષોએ જ મજબૂત કરવાં પડશે. પ્રત્યેક ધર્મમાં બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, દલાલો અને માફિયાતત્ત્વો હોય છે. સાવધાન (વીર નર્મદજયંતી તા. ૨૪ ઓગસ્ટ-૨૦૧૩ને દિવસે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિ‌ત્ય અકાદમી તરફથી મુંબઇમાં વીર નર્મદ પારિતોષિક સ્વીકારતી વખતે કરેલા પ્રવચનમાં બોલાયેલા અને ન બોલાયેલા શબ્દોનું સંકલન).’

પાઘડીનો વળ છેડે

વિજ્ઞાન અને બૌદ્ધ ધર્મ વચ્ચે
ઘણું સામ્ય છે, કારણ કે બંને
વાસ્તવિકતાની શોધ ચલાવી રહ્યાં છે.
બંનેનું ધ્યેય માનવજાતની પીડા
ઓછી કરવાનું છે.
– દલાઇ લામા
નોંધ: અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ટેક્નોલોજી (MIT) દ્વારા યોજાયેલા સેમિનારમાં (સપ્ટેમ્બર, ૨૦૦૩) બોલાયેલા શબ્દો.

Advertisements

4 thoughts on “વીર નર્મદથી વીર નરેન્દ્ર દાભોળકર Divya bhasker, 1-9-2013

  1. ઓહો !!! વીર નર્મદના જમાનામાં શીક્ષકો વીદ્યાર્થીઓને એક વાત વારંવાર કહેતા કે: પૃથ્વી છે તો સપાટ, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ પૂછે તો ગોળ કહેવાનું.

  2. વિદ્વત્તવર્ય, આ વિચારોના વૃંદાવનમાં મહર્ષિ દયારામ લખ્યું છે તે કોણ છે? મહર્ષિ દયાનંદ, કવિ દયારામ જેવાં નામો તો જાણીતાં છે પરંતુ આ મહાપુરુષ વિશે કશી ખબર નથી. જરા વિગતે પરિચય આપીને અમારું અજ્ઞાન દૂર કરવા વિનંતી.

    લિ. વજેસિંહ પારગી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s