એકવીસમી સદીમાં ઇકોલોજી પરમો ધર્મ:! September 22.

અત્યાર સુધી માણસને વાઘથી બચાવતા રહ્યા અને હવે માણસથી વાઘને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ભગવાન મહાવીરની અહિંસાનો આવો નવો ઉન્મેષ ‘બાયો-ડાઇવર્સિ‌ટી’ શબ્દ દ્વારા પ્રગટ થયો. બધા માનવેતર પશુપક્ષીઓને રંજાડવાનો અને એમની હત્યા કરવાનો અધિકાર ઇકોલોજી સાથે જોડાયેલું વિજ્ઞાન નથી આપતું.

 

 

 

લિયોનાર્દ દ વિન્સીએ વર્ષો પહેલાં એક એવું વિધાન કર્યું હતું, જે કોઇ જૈન સાધુના મુખમાં શોભી ઊઠે. વિધાન સાંભળો:

એક એવો સમય આવશે
જ્યારે મારા જેવા માણસો
પ્રાણીઓની કતલને
એવી દૃષ્ટિથી જોશે
જેવી દૃષ્ટિથી આજે તેઓ
માણસની કતલને જુએ છે!

વિચિત્ર લાગે એવી વાત કરું? મારી દૃષ્ટિએ લિયોનાર્દને ‘જૈન’ કહેવાનું સર્વથા યોગ્ય છે. આ જ તર્ક આગળ ચલાવીએ તો એક જોખમકારક વિધાન પણ કરી શકાય: જ્ઞાતિએ જૈન એવો કોઇ મનુષ્ય જો માંસાહાર કરતો હોય તો તેને ‘જૈન’ ગણવાનું ઉચિત નથી. ખરા અર્થમાં જૈન (જિનજન) હોવું એ જેવી તેવી વાત નથી. ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની આરાધના કરવી એ કોઇ જ્ઞાતિવિશેષનો જ અધિકાર નથી. ભગવાન મહાવીરની વિચારધારા કેવળ એક દેશ માટે કે એક માનવસમૂહ માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ઉપકારક હતી. એમને કોઇ જ્ઞાતિના જ આરાધ્ય તીથ્ર્‍ાંકર બનાવી દેવા એ તો સૂર્યનાં કિરણોને થેલીમાં ભરવાની મૂર્ખતા ગણાય. હું જ્ઞાતિએ જૈન નથી તોય મારો પ્રયત્ન કાયમ ‘જૈન’ બનવાનો હોય છે. શિકારખાનાં અને કતલખાનાં વિનાની દુનિયાનું સ્વપ્ન સેવનારો હું શિક્ષક છું અને શાકાહાર (અન્નાહાર)નો પ્રચારક છું. (સદ્ગત વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શાકાહારને બદલે ‘અન્નાહાર’ શબ્દ માટે આગ્રહ રાખતા).

આપણી આ ચણીબોર જેવડી પૃથ્વી પર જે પ્રાણીસૃષ્ટિ છે તેના વૈવિધ્યનો કોઇ પાર નથી. એ સૃષ્ટિમાં સિંહ, વાઘ, હાથી, શિયાળ અને મગર છે તે સાથે ચકલી, કાબર, કાગડો, સમડી, બતક અને ગરુડ પણ છે. એમાં નાગ છે, અજગર છે, દેડકો છે અને કાનખજૂરો પણ છે. ટૂંકમાં અમીબાથી આદમ સુધીનો આ વિસ્તાર (રેન્જ) રહસ્યમય છે અને પરસ્પર સંકળાયેલો છે. વિજ્ઞાનીઓ આવા રહસ્યને ‘બાયો-ડાઇવર્સિ‌ટી’ તરીકે ઓળખાવે છે. વિજ્ઞાનીઓ આપણને સમજાવે છે કે પૃથ્વી પર વ્યાપેલી આ જીવસૃષ્ટિમાં એક પણ અંકોડો ખોરવાય તો બાયો-ડાઇવર્સિ‌ટી ખોરવાય છે કે ખોટકાય છે. માનશો? થોડાક વખત પર સમાચાર વાંચ્યા કે વડોદરા જિલ્લાના ફલાણા ગામે ગીધ દેખાયું હતું. ગીધ પૃથ્વી પરથી અદૃશ્ય થાય તે ન પાલવે. અરે વાઘનો લોપ થાય તે ન પાલવે. અરે વાઘ વિના આપણું શું અટકે? કહે છે કે વાઘ નાશ પામે તો બાયોડાઇવર્સિ‌ટી ખોરવાય. આજે સુંદરવનમાં વાઘ માટે અભયારણ્ય સર્જા‍યું છે. અત્યાર સુધી માણસને વાઘથી બચાવતા રહ્યા અને હવે માણસથી વાઘને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ભગવાન મહાવીરની અહિંસાનો આવો નવો ઉન્મેષ ‘બાયો-ડાઇવર્સિ‌ટી’ શબ્દ દ્વારા પ્રગટ થયો.

શું માનવી પોતાની બુદ્ધિને કારણે સમગ્ર પ્રાણીસૃષ્ટિ સાથે દુવ્ર્યવહાર કરવાનો પરવાનો ધરાવે છે? ભગવાન મહાવીરે કહ્યું કે જેમ આપણને આપણો જીવ વહાલો છે તેમ કીડી-મંકોડાને પણ પોતાનો જીવ વહાલો છે. મહાવીરસ્વામીએ કહી તે વાત હું મારા શબ્દોમાં કહું? મનુષ્ય આ પૃથ્વી પરના એનિમલ કિંગ્ડમનો સર્વોચ્ચ સરમુખત્યાર નથી. મનુષ્ય તો પૃથ્વી પર વિસ્તરેલા એનિમલ રીપબ્લિકનો એક વિચારવંત નાગરિક છે. ઉત્ક્રાંતિના પરિણામે એ અન્ય પ્રાણીઓની સરખામણીમાં અધિક બુદ્ધિશાળી અને અધિક યુક્તિબાજ છે, પરંતુ તેથી એને અન્ય પ્રાણીઓને હેરાન-પરેશાન કરવાનો કે મારવાનો અધિકાર નથી મળતો. આ પૃથ્વી પર દોડતી ખિસકોલીને પણ જીવવાનો અધિકાર છે. જીવસૃષ્ટિમાં જે સિમ્બિઓસિસ (પરસ્પરાવલંબન) છે તે નષ્ટ થાય તો આપણે પણ મુશ્કેલીમાં પડી જઇએ. આમ વાઘની જાતિ નષ્ટ થાય તે આપણા હિ‌તમાં નથી. આવું વિચારવામાં આપણો પ્રબુદ્ધ સ્વાર્થ (એનલાઇટન્ડ સેલ્ફ-ઇન્ટરેસ્ટ) રહેલો છે. ગીધ લોપ ન પામે એ આપણા હિ‌તમાં છે.

પ‌શ્ચિ‌મ તરફથી એક શબ્દ મળ્યો: anthropocentric. એક એવી માન્યતા લોકપ્રિય થઇ કે આ સૃષ્ટિના કેન્દ્રમાં મનુષ્ય છે. એને જીવસૃષ્ટિનું ભેલાણ કરવાનો અબાધિત અધિકાર છે. આ માન્યતાની સામે એક બીજો શબ્દ પ્રચલિત થયો:anthropomorphic. એ શબ્દ એવી માન્યતાનો સૂચક છે કે બધા જીવોમાં ‘માણસ જેવી લાગણીઓ’ હોય છે. મહાવીરસ્વામીની અહિંસાનો આ પ‌શ્ચિ‌મી અંશ ગણાય. આવી જીવદયાનો વૈજ્ઞાનિક આધાર હવે આપણને એક નવા શબ્દમાં પ્રાપ્ત થયો. એ અગત્યનો અને યુગપ્રવર્તક શબ્દ છે: ‘ઇકોલોજી’. આ શબ્દ મૂળે ગ્રીક શબ્દ ‘ઓઇક્સ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે: ‘કુટુંબનો સંબંધ (relationship of the household) ‘વસુધૈવ કુટુમ્બકમ્’ જેવા સંસ્કૃત સૂત્રમાં ઇકોલોજીનો સાર આવી જાય છે. આજે મહાવીરસ્વામીનું સ્મરણ કરીને નવું સૂત્ર નવી પેઢી માટે પ્રચલિત કરવાનું છે: ઇકોલોજી પરમો ધર્મ’

નોબેલ પારિતોષિક વિજેતા પર્યાવરણશાસ્ત્રી રાજેન્દ્ર પચુરી કહે છે કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે શાકાહાર (અન્નાહાર) અપનાવીએ તો લાભ થાય તેમ છે. કોઇ યુવાન જ્યારે ભવ્ય રેસ્ટોરાંમાં જઇને ચિકનપુલાવ ખાય ત્યારે એને ખ્યાલ નથી આવતો કે થોડીક મિનિટો પહેલાં એક મરઘીની ચીસમાંથી બનેલી વાનગી એને પીરસવામાં આવી છે. એક અમેરિકન દીકરીએ પોતાના પિતાને ડાઇનિંગ ટેબલ પર ચિકનસૂપ પીરસાયું ત્યારે પૂછ્યું હતું: ‘ડેડ, મારા કટકા થાય તો તેનું સૂપ બને?’ ક્યારેક જૈન યુવાનોને પણ માંસાહાર કરતા જોઉં ત્યારે દુ:ખ થાય છે. થોડાંક વર્ષો પહેલાં બર્ડ ફ્લૂ જેવા રોગને કારણે લાખો મરઘીઓની ડોક મરડી નાખવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ‌ટીના બિઝનેસ મેનેજમેન્ટમાં એક પ્રાધ્યાપિકાએ વર્ગમાં આ અંગે સંવેદનશીલતા પ્રગટ કરવા માટે વિદ્યાર્થીઓના સહકારથી બે મિનિટનું મૌન પાળવાનું યોગ્ય માન્યું હતું. બધા માનવેતર પશુપક્ષીઓને રંજાડવાનો અને એમની હત્યા કરવાનો અધિકાર ઇકોલોજી સાથે જોડાયેલું વિજ્ઞાન નથી આપતું.

આપણો નગરમાનવ બહાવરો અને બેબાકળો કેમ છે? એ પૂરતું ખાય તોય એને ઓડકાર કેમ નથી આવતો? સુરતમાં મારા પ્રિય પાડોશી કવિ જયંત પાઠક ક્યારેક મિષ્ટાન્ન ભોજન કર્યા પરથી જે ઓડકાર ખાતા એ મને સંભળાતો. નગરમાનવ ક્યારેક કોઇના દુ:ખ વખતે સહાનુભૂતિના શબ્દો પ્રગટ કરે ત્યારે પણ એની વાણી સિન્થેટિક કેમ જણાય છે? એના શબ્દોમાં ભેજ કેમ ખૂટે છે? જ્યાં બધું જ કૃત્રિમ હોય ત્યાં માનવીનો શબ્દ અકૃત્રિમ ક્યાંથી હોય? એનાં આંસુ પણ હવે સહજ નથી રહ્યાં એના જીવનની ઇકોલોજી પણ ખોરવાય છે કારણ કે આસપાસ હવા, પાણી અને જમીન પ્રદૂષિત થતાં જ રહ્યાં છે. ઘોંઘાટ પણ ધાર્મિ‌ક? માનવ-સંબંધોમાં પણ પ્રદૂષણ પેઠું છે. આમ પર્યાવરણમાં અને મનમાં શાંતિ નષ્ટ થાય પછી જે બચે તે તાણના રોગો જન્માવે છે. એકવીસમી સદીમાં જે માનવધર્મ ઊગવાનો છે તેમાં ઇકોલોજિકલ અધ્યાત્મની બોલબાલા હશે. માનવીએ હવે સુધરવું જ પડશે.
(મુંબઇ જૈન યુવક સંઘ તરફથી આયોજિત પર્યુષણ વ્યાખ્યાન, તા. ૮ સપ્ટેમ્બર-૨૦૧૩).’

– પાઘડીનો વળ છેડે

જીવવા માટે
એક દાણાને વહી જવા મથનારી
નાનીશી કીડીબાઇને પજવશો નહીં,
કારણ કે એનામાં જીવ રહેલો છે
અને જીવન ખરેખર મીઠડું છે.
– જરથુષ્ટ્ર

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s