એક હતી પૃથ્વી, એક હતો માણસ અને એક હતો ગાંધી Divya Bhasker, 27-10-2013

આજે માનવજાત ઉત્ક્રાંતિના એક વિચિત્ર વળાંક પર આવીને ઊભી છે. હિંસામાંથી એની શ્રદ્ધા ઊઠી ગઇ છે, પરંતુ હજી અહિંસામાં શ્રદ્ધા બેઠી નથી. આવા વિચિત્ર ટર્નિંગ પોઇન્ટ પર ઊભેલા ગાંધીજી પોતાનું બોખું સ્મિત વેરી રહ્યા છે અને નાદાન માનવજાતને કહી રહ્યા છે: ‘શાંતિનો કોઇ માર્ગ નથી, શાંતિ એ જ માર્ગ છે.’

 

 

 

કોઇ ઊંચી ભેખડની ધાર પર ઊભેલા માણસને મોત માંડ દસ સેન્ટિમીટર છેટું છે એ વાતે ડર લાગે છે. એ જ માણસને દુનિયા સર્વનાશને ઓવારે પહોંચી ગઇ હોય તોય ઝાઝી અરેરાટી થતી નથી. કારણ શું? એ જ કે વિરાટ અવકાશમાં ક્યાંય કોઇ ભેખડ નથી અને કોઇ ઊંડી ખીણ નથી. સૌનું થશે તે મારું થશે, એવી નિરાંતને કારણે માણસને ચિકનગુનિયાનો ડર લાગે, પણ સર્વનાશનો નહીં લાગે કોસ્મોસની અનંત લીલાને નીરખનારા મહાન વિજ્ઞાની કાર્લ સેગને પુસ્તક લખ્યું: ‘ધ ડ્રેગન ઓફ ઇડન’. સેગને એમાં લખ્યું:

આપણી પૃથ્વી ઘણી વૃદ્ધ છે અને માનવજાત ઘણી યુવાન છે

આ પૃથ્વી પર હજી યુદ્ધ છે, કારણ કે માનવજાત હજી નાદાન છે. શાંતિના ઉપવનમાં માનવતાનો કલરવ સાંભળવા નથી મળતો. મહાત્મા ગાંધી આ પૃથ્વી પર પાંગરેલી નાદાન માનવજાતના ખોળામાં થોડાક વહેલા આવી પડયા સદીઓ વીતે તેમ તેમ મહાત્માની વાતો સમજાતી જશે. કદાચ પચ્ચીસમી સદીમાં એક ભવ્ય ફિલ્મનું નિર્માણ થશે, જેનું ર્શીષક હશે: ‘એક હતી પૃથ્વી, એક હતો માણસ અને એક હતો ગાંધી.’ અણુબોમ્બથી સજ્જ એવા ઉત્તર કોરિયાની કે પાકિસ્તાનની એક જ ગુસ્તાખી અને વિનાશ રોકડો

ગાંધીની વાત કરતી વખતે ગાંડિવધારી અર્જુનનું સ્મરણ કેમ થયું? યુદ્ધનાં અનિષ્ટોની વાત કરનાર માનવ-ઇતિહાસનો પ્રથમ વીર અર્જુન હતો. સમય જુદો હતો અને સંદર્ભ જુદો હતો, તોય એ યોદ્ધાની વાત સો ટચના સોના જેવી હતી. ગીતાના પ્રથમ અધ્યાયને ‘અર્જુનવિષાદયોગ’ર્શીષક પ્રાપ્ત થયું છે. વાસ્તવમાં એ અધ્યાય ‘અર્જુનવિચારયોગ’ ગણાય તેવો છે. અર્જુન કહે છે: ‘હે કૃષ્ણ સ્વજનોને મારીને અમે સુખી કેમ થઇશું? કુળનો નાશ થાય તેથી કુળધર્મો નાશ પામે છે અને અધર્મના દબાણથી કુળની સ્ત્રીઓ પ્રદૂષિત થાય છે. (પ્રદુષ્યન્તિ કુલિસ્ત્રય:) પરિણામે વર્ણસંકર પ્રજા પેદા થાય છે. ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ કારણ કે સ્વજનોને હણવા માટે તૈયાર થયા છીએ. એના કરતાં તો શસ્ત્રરહિ‌ત એવા અને સામનો નહીં કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમેદાનમાં મારી નાખે તો તે વધારે કલ્યાણકારી ગણાય.’ અર્જુનના આવા શબ્દો સાથે પાંચેક હજાર વર્ષ પછી ઉચ્ચારાયેલા મહાત્મા ગાંધીના શબ્દો સરખાવી જુઓ: ‘શ્રદ્ધાની તાકાત ત્યારે જ વધે, જ્યારે લોકો પોતાના જીવનની કુરબાની આપવા તૈયાર હોય.’

આજે માનવજાત ઉત્ક્રાંતિના એક વિચિત્ર વળાંક પર આવીને ઊભી છે. હિંસામાંથી એની શ્રદ્ધા ઊઠી ગઇ છે, પરંતુ હજી અહિંસામાં શ્રદ્ધા બેઠી નથી. આવા વિચિત્ર ટિન્ર્‍ાંગ પોઇન્ટ પર ઊભેલા ગાંધીજી પોતાનું બોખું સ્મિત વેરી રહ્યા છે અને નાદાન માનવજાતને કહી રહ્યા છે: ‘શાંતિનો કોઇ માર્ગ નથી, શાંતિ એ જ માર્ગ છે.’ અમેરિકા સુપર પાવર હોવાની તુમાખીથી પીડાતું રાષ્ટ્ર છે. એ તુમાખી વિયેટનામમાં, ઇરાકમાં અને અફઘાનિસ્તાનમાં વેરાયેલા વિનાશ દ્વારા પ્રગટ થઇ. સિરિયામાં એ પ્રગટ થવાની તૈયારીમાં હતી, પરંતુ તે માંડમાંડ અટકી છે. અર્જુનની વાત છોડો. ગાંધીની વાત પણ છોડો. ૨૦૦૩ના વર્ષમાં અમેરિકન લશ્કરી ઓફિસરો તરફથી એક શાંતિ-સંદેશ પ્રગટ થયેલો. એની નકલ મને આદરણીય વિચારક વિમલાબહેન ઠકારે હાથોહાથ આપી હતી. એ શાંતિ-સંદેશ અર્જુનનો કે ગાંધીનો નથી, લશ્કરના અધિકારીઓનો છે. અમેરિકન લશ્કરના એ ઓફિસરોની વાત ટૂંકમાં સાંભળવી છે? સાંભળો:

‘અમે અમેરિકન લશ્કરના જાણીતા ઓફિસરો છીએ… અમે માનવજાતની બહુમતી સાથે ઊભા છીએ, જેમાં આપણા લાખો દેશવાસીઓ પણ આવી જાય. અમે ઘણી લડાઇઓ જોઇ છે… અમારામાંથી ઘણા (સૈનિકો) લશ્કરી સેવાને અમારી ફરજ સમજતા હતા. હવે અમે અમારી સક્રિય ફરજ સમજીએ છીએ કે તમે તમારા અંતરાત્માને અનુસરજો અને સાચો નિર્ણય લેજો. ગલ્ફ યુદ્ધ વખતે અમે ઇરાકનો ખાસો સર્વનાશ કરેલો અને હજારો માણસોને મારેલા. આવું જ અમે વિયેટનામ યુદ્ધ વખતે પણ કરેલું… જ્યારે સદ્દામ હુસેન ખરાબમાં ખરાબ ગુનાઓ કરતો હતો ત્યારે અમેરિકા એનું ટેકેદાર હતું… ખૂન કરવામાં કોઇ પ્રતિષ્ઠા નથી… પરંતુ આ યુદ્ધ તો એક પ્રકારનું ખૂન જ છે… તમારા સેનાપતિઓ ઇચ્છે છે કે તમે એમના હુકમનું પાલન કરો, પરંતુ અમે એવું સમજવા લાગ્યા છીએ કે તમારી ખરી ફરજ વિશ્વના લોકો પ્રત્યે અને આપણા સહિ‌યારા ભવિષ્ય પ્રત્યે છે.’

બીજા વિશ્વયુદ્ધમાં જપાનનો કારમો પરાજય થયો પછી વિજેતા જનરલ મેકાર્થર જપાનના રાજાને મળવા જાય ત્યારે કહે છે: ‘હું એક સૈનિક છું અને યુદ્ધ કેટલું નઠારું છે એની સૌથી સાચી ખબર સૈનિકને જ હોય છે.’ ફિલિપાઇન્સના મહાનગરમાં આવેલી ફાઇવ-સ્ટાર હોટેલ ‘રીજેન્ટ ઓફ મનિલા’માં એશિયન ડેવેલપમેન્ટ બેંક (અઇ)ના મહેમાન તરીકે ૧૯૮૪ના ડિસેમ્બરમાં પંદર દિવસ રહેવાનું બન્યું ત્યારે મને રિસેપ્શન પર ઊભેલી છોકરીએ ગૌરવભેર કહેલું: ‘સર અમારી આ હોટેલમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જનરલ મેકાર્થર રહ્યા હતા.’ યુદ્ધની ખરી કરુણતા (ટ્રેજડી) એ નથી કે એમાં માણસ મરે છે. યુદ્ધની ખરી કરુણતા એ છે કે એમાં માણસ મરે તેની અરેરાટી જ મરી પરવારે છે. માણસ બડો નાદાન છે. એ હુલ્લડથી ડરે છે, પરંતુ વિશ્વયુદ્ધથી નથી ડરતો નાદાનિયત સાર્વત્રિક બને ત્યારે નાદાનિયત નથી ગણાતી.

જરા કલ્પના કરી જુઓ દુનિયાની કોઇ ભયાનક ફેક્ટરીમાં (અછ-૪૭)નામની બંદૂક બની. ત્યાં લાખો બંદૂકો બને તેમ એ પણ બની એ એક જ બંદૂકમાંથી ધાણીની જેમ વછૂટેલી ગોળીઓ થકી અનેક સ્ત્રી-પુરુષો વીંધાઇ ગયાં એ બંદૂક કોઇ મૂર્ખ માણસે નથી બનાવી. જેઓ એ બંદૂકથી મર્યાં, તે સૌ પેલી બંદૂકના સર્જકનાં દૂરનાં શત્રુઓ પણ ન હતાં કોઇ પણ જાતના અંગત દ્વેષ કે વેર વિના સાવ અજાણ્યા માનવીની હત્યા કરવામાં કઇ જાતની તર્કબુદ્ધિ? ગાંધીજી આવી હરકતને ‘નાદાનિયત’ ન ગણે? મારનાર અને મરનાર વચ્ચે જરા જેટલી દુશ્મનાવટ ન હોય તોય બંદૂકમાંથી ગોળીઓ વછૂટતી જ રહે? વિનોબાજી ગુજરાતની ભૂદાન પદયાત્રાએ આવ્યા ત્યારે ‘બેબંદૂક સમાજ’ શબ્દપ્રયોગ કર્યો હતો એવું સ્મરણ છે. પૃથ્વી બંદૂક વિનાની ક્યારે બનશે? (ગાંધીજયંતી, ૨-૧૦-૨૦૧૩)’

– પાઘડીનો વળ છેડે

વીંધાય છે, પુષ્પ અનેક બાગનાં
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની
જીવો તણી કાય મૂગી કપાય છે
કલેવરો કાનનાં ઘવાય છે.
ને એ જશે શબ્દ અનંત વીંધી
જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા
‘યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્’
– ઉમાશંકર જોષી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s