ઓરડાના અવકાશને આનંદનો રંગ લાગી જાય ત્યારે DIvya Bhasker, 21-10-2013

 આપણે ત્યાં એક ભ્રમણા અતિ લોકપ્રિય છે. કોઇ ગરીબ માણસ આખો દિવસ મજૂરી કરે તેને વૈતરું કહેવાનો રિવાજ છે, પરંતુ કોઇ પૈસાદાર ચોવીસે કલાક અને સાતે દહાડા કેવળ પૈસા કમાવા માટે જ ફાંફાં મારે તો તેને ‘વૈતરું’ કહેવાનો રિવાજ નથી

 

 

 

સિતાર નિર્જી‍વ છે, પરંતુ જ્યારે પંડિત રવિશંકરની આંગળી અડે ત્યારે એ જીવતી થાય છે. તબલાંનું લાકડું અને ચામડું ન‌શ્ચિે‌તન છે, પરંતુ ઝાકિર હુસેનની હથેળીનો સ્પર્શ પામે ત્યાં તો તબલું બોલવા લાગે છે. ભગવાન બુદ્ધની કરુણા પામ્યા પછી પટાચારા જેવી ચીંથરેહાલ ભિખારણ પણ બૌદ્ધ ભિક્ષુણી બનીને પોતાનું જીવન સાર્થક કરે છે. મનુષ્યમાં પડેલી શક્યતા કોઇ કીમિયાગરની પ્રતીક્ષા કરતી રહે છે. પ્રત્યેક શબરીને રામની પ્રતીક્ષા હોય છે. સ્વાર્થ વિનાની પ્રતીક્ષા દિવ્ય છે કારણ કે ર્દીઘ પ્રતીક્ષાનો સંબંધ અશક્યતાના આગમન સાથે રહેલો છે. એ આગમનની ક્ષણ જીવનની ર્તીથક્ષણ ગણાય.

કેટલાક માણસો એન્જિનના પિસ્ટનની માફક સતત રોકાયેલા જ રહે છે. તેઓ જીવન સિવાયની બીજી બધી બાબતોને મહત્ત્વની ગણે છે. એમનું આખું જીવન દંડબેઠક કરવામાં જ પૂરું થાય છે. જીવનની છેલ્લી ક્ષણે કોઇ એમને પૂછી જુએ તો ખબર પડે. આખું જીવન તમે શું કર્યું? જવાબ મળશે: ‘દંડબેઠક.’ આપણે ત્યાં એક ભ્રમણા અતિ લોકપ્રિય છે. કોઇ ગરીબ માણસ આખો દિવસ મજૂરી કરે તેને વૈતરું કહેવાનો રિવાજ છે, પરંતુ કોઇ પૈસાદાર ચોવીસે કલાક અને સાતે દહાડા કેવળ પૈસા કમાવા માટે જ ફાંફાં મારે તો તેને ‘વૈતરું’ કહેવાનો રિવાજ નથી. મુકેશ અંબાણીને ‘વૈતરાબાજ’ કોણ કહેશે? કેટલાય સુખી ગણાતા લોકો ખાવા-પીવાની પરવા કર્યા વિના રાતદિવસ તાણનો અદૃશ્ય છતાંય વજનદાર ભારો માથે ઉપાડીને જીવનભર હીંડતા જ રહે છે.

તેઓ ભવ્ય મોટરગાડીમાં બેસીને રોજ ઓફિસે કાળીમજૂરી કરવા વટભેર જાય છે. શાંતિ અને સંતોષ સાથે છૂટાછેડા થઇ જાય તોય તેમના લોભને થોભ નથી. વાત વિચિત્ર લાગશે, પરંતુ હકીકત એ છે કે તેઓ પ્રભાવશાળી પોશાકમાં હરતાફરતા ‘ભદ્ર મજૂરો’ છે. હા, તેઓ તનના નહીં, પણ મનના મજૂર છે. એરકન્ડિશન્ડ ઠંડકમાં સૂવે તોય તેમને ઊંઘ નથી આવતી. તેમને કકડીને ભૂખ નથી લાગતી. તેમને પાણીની નહીં, વ્હિસ્કીની તરસ લાગે છે. એમના મોબાઇલ ફોનને શાંત રહેવાની છૂટ નથી હોતી. તેઓ એટલા busy  હોય છે, એટલા બધા ૃણ્જ્ન્ હોય છે કે કાળક્રમે તેઓ જીવવાની ખો ભૂલી જાય છે

ફ્રેન્ચ વિચારક જ્યાં પોલ સાત્રર્‍નું પુસ્તક Being and Nothingness જાણીતું છે. એ પુસ્તકમાં એક અત્યંત મૌલિક વાત થઇ છે. સાત્રર્‍ એક કાફેમાં જાય છે. સાત્રર્‍ ત્યાં પોતાના પ્રિય મિત્ર પીઅરેને મળવા માટે અત્યંત આતુર હોય છે. એ કાફેમાં ભીડ છે, પરંતુ પીઅરે નથી. સાત્રર્‍ની ચેતના શું કહે છે? સાત્રર્‍ કાફેને એવી જગ્યા તરીકે નથી જોતો, જ્યાં ઘણા લોકો કોફી પી રહ્યા છે. સાત્રર્‍ તો કાફેને એવી જગ્યા તરીકે જુએ છે, જ્યાં ‘પીઅરે નથી.’ બસ, પ્રિય મિત્રની ગેરહાજરી જ સાત્રર્‍ની ચેતના માટે મહત્ત્વની છે. ઉપનિષદ વાંચીએ તો ખબર પડે કે લગભગ આવી જ વાત પરિવ્રાજક યાજ્ઞવલ્કયની પત્ની મૈત્રેયીએ કહી હતી. યાજ્ઞવલ્કયને બે પત્નીઓ હતી.

મૈત્રેયી અને કાત્યાયની. મૈત્રેયીને બ્રહ્મજ્ઞાનમાં રસ હતો અને કાત્યાયનીને સંસાર ગમતો. યાજ્ઞવલ્ક્યે ગૃહસ્થાશ્રમ છોડીને વનમાં જવાનો વિચાર કર્યો ત્યારે પોતાની સંપત્તિ બે પત્નીઓ વચ્ચે વહેંચી દેવાનો વિચાર કર્યો. મૈત્રેયીને સંપત્તિમાં લગીરે રસ ન હતો. એણે પતિ યાજ્ઞવલ્ક્યને સોંસરો પ્રશ્ન પૂછ્યો: ‘ધનથી ભરેલી આ આખી પૃથ્વી મને મળી જાય તોય હું એના વડે અમર બનું ખરી? જેના વડે હું અમર ન થઇ શકું, તે લઇને હું શું કરું?’ આ પ્રશ્ન માનવ-ઇતિહાસનો અમર પ્રશ્ન બની ગયો કોફી હાઉસમાં બધું હતું પણ મિત્ર પીઅરે ન હતો. આપણી પાસે બધું હોય, પરંતુ શાંતિ ન હોય, તો આપણી ગરીબીનું કરવું શું? વૈદિક સાહિ‌ત્યમાં સૌથી વધારે વખત વાંચવા મળતો શબ્દ ‘શાંતિ’ છે. ઘણાંખરાં ઉપનિષદોનો પ્રારંભ શાંતિમંત્રથી થાય છે. વિચારવા જેવું છે:

જ્યાં શાંતિ નથી ત્યાં આનંદ નથી
જ્યાં આનંદ નથી ત્યાં અધ્યાત્મ નથી
જ્યાં વિચાર નથી ત્યાં જીવન નથી અને
જ્યાં જીવન નથી,
ત્યાં વળી જીવનધોરણ ક્યાંથી?

ઘરના ઓરડામાં જે અવકાશ હોય છે તેને ફર્નિ‌ચરથી ભરી દેવાનો છીછરો અભરખો છોડવા જેવો છે. માનશો? એ અવકાશને ઘરમાં રહેનારનો રંગ લાગી જાય છે. આપણા ઓરડાના અવકાશ પર આપણી પર્સનાલિટીનો પ્રભાવ પડતો હોય છે. સોફાની પાસેની ટીપોય પર શરાબની બોટલ અને ગ્લાસ ઉપરાંત સોડા, આઇસક્યુબ્સ તથા સિગારેટની એસ્ટ્રે પડેલાં હોય ત્યારે ઓરડાના અવકાશનો રંગ એક હોય છે. એ જ ઓરડામાં બેઠેલી કોઇ સ્ત્રી બાળકોને વહાલ કરતી હોય ત્યારે ઓરડામાં રહેલા અવકાશનો રંગ સાવ જુદો હોય છે. એ જ ઓરડામાં બીજા કોઇ સમયે એક ગાયક મધુર કંઠે શાસ્ત્રીય રાગમાં ગીત વહેવડાવતો હોય ત્યારે અવકાશનો રંગ જુદો હોય છે. એ જ ઓરડામાં અન્ય કોઇ સમયે યજ્ઞવેદી સમક્ષ સમૂહમાં વેદમંત્રોનું ગાન થતું હોય ત્યારે અવકાશ સાવ જુદો રંગ ધારણ કરે છે.

જે દિવસે પતિ-પત્ની મૂડમાં હોય અને ઘરની બહાર વસંત ખીલી હોય ત્યારે ઓરડાના અવકાશને પણ ટહુકા ફૂટે છે. તે દિવસે સંતાનો પણ સમજી જાય છે કે પપ્પા-મમ્મી પાસે કશીક મોંઘી માગણી મૂકવાની સુંદર ક્ષણ આવી પહોંચી છે. જીવનધોરણનો સંબંધ ઘરના અવકાશમાં અટવાતા ઉમંગ સાથે રહેલો છે. લોકો વાતવાતમાં જેને જીવનધોરણ કહે છે, તેનો સંબંધ અનંત આકાશના જ એક અંશ જેવા ઘરગથ્થુ અવકાશમાં જળવાયેલા ‘સમયાવકાશ’ સાથે છે. સમય અને અવકાશના મિલનબિંદુ પર જીવનનું મંદિર રચાયું છે. જીવન પવિત્ર છે અને જે કશુંક પવિત્ર હોય તે માવજત માગે છે. જરા ધ્યાનથી નિરાંતે નીરખવાનું રાખશો. પતંગિયાનો રંગ આસપાસના અવકાશને રંગી નાખતો જણાશે. કવિ સ્નેહરશ્મિની પંક્તિઓ વેદમંત્ર જેવી છે:

પતંગિયું ત્યાં
થયું અલોપ,
ને શૂન્ય ગયું રંગાઇ

મલયેશિયામાં એક અનોખું ઉપવન છે, જે ખાસ પતંગિયાં માટે જળવાયું છે. એ ઉપવનને આપણે આનંદર્તીથ કહી શકીએ. એ ઉપવનમાં પ્રવેશવાની એક જ શરત હોવી જોઇએ. માણસે ત્યાં હળવાખમ થઇને જવું પડે. ઉપવનનાં બધાં પુષ્પો પતંગિયાંને પોતીકાં લાગે છે. એક પુષ્પ છોડીને બીજા પુષ્પ પર જનારા પતંગિયાને કોઇ ચારિત્ર્યહીન નથી કહેતું. ‘ચારિત્ર્ય’ શબ્દ અસહજ બનીને જીવતી થયેલી માનવજાતે પ્રયોજેલો છે. જ્યાં અને જ્યારે પતંગિયું નજરે પડે ત્યારે બધી ઝંઝટ છોડીને પતંગિયાને ધ્યાનસ્થ ચિત્તે નીરખવાનું રાખશો. પ્રાર્થના આપોઆપ થઇ જશે. સાચું કહું? પ્રાર્થના વિનાના શબ્દો કરતાં શબ્દો વિનાની પ્રાર્થના સારી ઓરડાના અવકાશમાં જ્યારે એક સળગતી ધૂપસળીનો પ્રવેશ થાય છે ત્યારે અવકાશ પણ સુગંધમય બની રહે છે. Try.

પાઘડીનો વળ છેડે

જ્યોર્જ ઓરવેલના
પાળેલા શ્વાનનું નામ
માક્ર્સ હતું.
શોપનહોઅરના
પાળેલા શ્વાનનું નામ
આત્મા હતું.
ક્યા બાત હૈ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s