માનવજાતની આજની બેચેનીનો ઇકો-કાર્ડિયોગ્રામ DIVYA BHASKER, 30-9-2013

પ્રદૂષિત ધર્મ લગભગ અધર્મ બનીને સમગ્ર માનવજાતને પજવતો અને પ્રજાળતો રહ્યો છે. ધર્મ-અધર્મની ભેળસેળની સદીઓ વીતી પછી માનવજાતને લોકતંત્ર અને માનવ-અધિકાર એ બે શબ્દોની ભેટ મળી

 

 

ર્ષો પહેલાંની વાત છે, સદ્ગત મોતીભાઇ ચૌધરી મહેસાણા ડેરીના પ્રાણસમા આગેવાન હતા અને સાથોસાથ નિષ્ઠાવંત લોકસેવક પણ હતા. ગાંધીજીની પુણ્યતિથિ ૩૦મી જાન્યુઆરી પછી બારમા-તેરમા દિવસે યોજાતા સર્વોદયમેળામાં મોતીભાઇએ આસારામને મહેમાન તરીકે બોલાવ્યા હતા. ભોળો લોકસેવક અને ભ્રષ્ટ કર્મશીલ, શોષણખોર શેઠ કરતાં થોડોક જ ઓછો ખતરનાક હોય છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું આસારામ પ્રત્યેનું વલણ છેક શરૂઆતથી અસ્વચ્છ અને અસ્પષ્ટ રહ્યું છે. થોડુંક જોખમ ખેડીને ઘણાં વર્ષોથી આસારામની કડક ટીકા કરવાનું સાહસ કર્યું છે. આ જ કટારમાં નામચીન ઠગનચંદ્રનું શહેરમાં આગમન થવાનું હોય ત્યારે થાંભલે થાંભલે જોવા મળતાં પોસ્ટરોને જોઇને લખ્યું હતું: ‘થાંભલે થાંભલે દાઢી અને દાઢીએ દાઢીએ થાંભલો’ જોખમ નજીક જણાયું ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીએ મારી જાણબહાર મારા નિવાસથી થોડેક દૂર ચોકીપહેરો ગોઠવાય તેવી યુક્તિ કરી હતી. એ યુક્તિનો સૂત્રધાર એક રેશનલિસ્ટ હતો. એનું નામ ખીમજી કચ્છી.

સ્વચ્છ હિ‌ન્દુત્વ જેવી સુંદર ચીજ બીજી કોઇ નથી અને અસ્વચ્છ હિ‌ન્દુત્વ જેવી અસુંદર ચીજ પણ બીજી કોઇ નથી. સ્વચ્છ ઇસ્લામ જેવો ઉમદા ધર્મ પણ અસ્વચ્છ બને ત્યારે તાલિબાનનો ઉદય થાય છે. ઇસુના ઉપદેશનું અથાણું થઇ જાય ત્યારે ખ્રિસ્તીધર્મી દેશો સામ્રાજ્યવાદી શોષણ સાથે જોડાયેલી વટાળ પ્રવૃત્તિને પનારે પડે છે. નેલ્સન મેન્ડેલાની આત્મકથામાં આ વાત વાંચવા જેવી છે. એનું મથાળું છે: Long Walk To Freedom વાત ઘણી લંબાવી શકાય તેમ છે. પ્રદૂષિત ધર્મ લગભગ અધર્મ બનીને સમગ્ર માનવજાતને પજવતો અને પ્રજાળતો રહ્યો છે. ધર્મ-અધર્મની ભેળસેળની સદીઓ વીતી પછી માનવજાતને બે શબ્દોની ભેટ મળી: (૧) લોકતંત્ર અને (૨) માનવ-અધિકાર. ગંદી ધાર્મિ‌કતાના ઉકરડાની ધાર પર ઊગેલાં આ બે પુષ્પોની સુગંધ એકવીસમી સદીમાં ફેલાશે ખરી? તેર વર્ષ તો વીતી ગયાં માનવજાતની આજની બેચેનીનો ઇકો-કાર્ડિયોગ્રામ શું કહે છે? સોચના પડેગા.

ઉત્તરપ્રદેશમાં સિન્થેટિક સેક્યુલરિઝમનું અથાણું ગંધાઇ ઊઠયું છે. રાહુલ ગાંધી સોનિયાજી કરતાં અને અખિલેશ યાદવ મુલાયમસિંહ કરતાં નબળા સાબિત થયા છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશના કારભારમાં એક જ વર્ષમાં ૧૦૦ કરતાં વધારે હિ‌ન્દુ-મુસ્લિમ હુલ્લડો થયાં છે. ચૂંટણી નજીક આવે ત્યારે કોમી હુલ્લડો વોટબેંકની કેમિસ્ટ્રી બદલી નાખે છે. Outlook (૨૩-૯- ૨૦૧૩) સામયિકના કવરપેજ પર મોટે અક્ષરે લખાયેલા શબ્દોમાં વ્યક્ત થતો કટાક્ષ તો જુઓ Everybody loves a good riot યોગેન્દ્ર યાદવ આપણા ઠરેલ રાજકીય સમીક્ષક છે અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે. ટીવી પર એમણે કહેલા શબ્દો સાંભળો: ‘સેક્યુલરિઝમ પવિત્ર ભી હોતા હૈ ઔર ગંદા ભી હોતા હૈ. માઇનોરિટી કો બંધક બનાકે રખને મેં સેક્યુલરિઝમ નહીં હૈ.’ છેલ્લાં ૨પ વર્ષોથી બરાડો પાડીને જે વાત કરતો રહ્યો છું, તેનો સાર યોગેન્દ્ર યાદવનાં આ બે વાક્યોમાં આવી જાય છે. સમાજવાદી પાર્ટીએ મુસલમાનોને મૂર્ખ સમજીને એમના પર ભલાઇના પ્રહારો શરૂ કર્યા હતા. ૧૮ ટકા અનામતનું વચન ચૂંટણીમાં અપાયું હતું.

આતંકવાદી ગતિવિધિમાં જે મુસલમાનો જેલમાં ગયા તેમને છોડી દેવાનો પ્રસ્તાવ મુકાયો ત્યારે હાઇર્કોટે તે ફગાવી દીધો હતો. છેલ્લે છેલ્લે તો સરકાર જે કોન્ટ્રાક્ટ આપે તેમાં પણ મુસ્લિમોનો ખાસ ક્વોટા હોય તેવી હિ‌માયત પણ થઇ છે. વોટબેંકની થાળીમાં ગમે તેટલી વાનગીઓ પીરસો તોય આઝમ ખાન ધરાય તેમ નથી. સો ટચના સેક્યુલર એવા આરિફ મહંમદ ખાન હારી ચૂક્યા છે. મુસ્લિમો જાણે આ દેશના ર્નોમલ નાગરિકો હોઇ જ ન શકે એવાં બધાં કારસ્તાનો પછી આજે ઉત્તરપ્રદેશમાં કોમી હુલ્લડો કેમ વકરી બેઠાં? આટલા પ્રયત્નો પછી પણ આઝમ ખાન જેવો કટ્ટર મુસ્લિમ પાર્ટીથી નારાજ શા માટે?

છેલ્લાં દસ વર્ષોમાં મિડિયાએ કરવટ બદલી છે. જે મિડિયા સંપૂર્ણપણે સિન્થેટિક સેક્યુલરિઝમની કેદમાં હતું તે હવે કોંગ્રેસના પ્રવક્તાઓને ટીવીની ખુલ્લી ચર્ચામાં અળખામણા પ્રશ્નો પૂછતું થયું છે. ઓર્નબ (સાચો ઉચ્ચાર અર્ણવ. એનો અર્થ:સમુદ્ર) ગોસ્વામી, બરખા દત્ત, રાહુલ કંવલ અને રાજદીપ સરદેસાઇ હવે બનાવટી સેક્યુલરિઝમની આકરી નિંદા કરવામાં મોખરે છે. તેઓ ટીવી-ચર્ચામાં કમાલ ફારૂકી અને અસિસુદ્દીન ઓવૈસીને નિર્દયપણે ખખડાવી કાઢે છે અને એ જ રીતે પ્રવીણ તોગડિયાને કે અશોક સિંઘલને પણ છોલી નાખે છે. આવા તંદુરસ્ત વલણની નોંધ લેવી પડશે.

માનવ-અધિકારની બાબતે આ પત્રકારો કર્મશીલોને પણ છોડતા નથી. વર્ષોથી પોતાના જ દેશમાં નિરાશ્રિત બનીને જીવતા કાશ્મીરી પંડિતો માટે બુદ્ધિખોર માનવઅધિકારવાદીઓ મૌન જાળવે છે. આ બાબતે એક ઉમદા અપવાદ છે અને તે શબાના આઝમી. શબાનાજીએ તો કાશ્મીરી પંડિતો માટે એવી સક્રિય સહાનુભૂતિ બતાવી છે, જેવી વિશ્વહિ‌ન્દુ પરિષદે પણ બતાવી નથી.

આજે તો જે માણસ સિરિયાનો રહેવાસી નથી તે ભારે નસીબદાર ગણાય. હાલ સેતાનનું હેડક્વાર્ટર પાટનગર દમાસ્કસમાં છે. ત્યાંનો સરમુખત્યાર બશર અલ અસાદ પોતાની સત્તા જળવાઇ રહે તે માટે સિરિયાનો સર્વનાશ થાય તોય નમતું જોખવા તૈયાર નથી. નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર ઓબામા લશ્કરી આક્રમણ દ્વારા સિરિયાને સીધું કરવા થનગની રહ્યા છે. અસાદના લશ્કરે છોડેલા કેમિકલ નર્વ ગેસને કારણે ઢળી પડેલી લાશોનો ફોટો જોવા મળ્યો. લાખો માણસો વગર કારણે મરી રહ્યા છે. એક પુસ્તક ખાસ વાંચવા જેવું છે: ‘ધ ક્રુસેડ થ્રૂ આરબ આઇઝ.’એના લેખક છે: અમીન માલઉફ. તેઓ બૈરૂતના સાપ્તાહિ‌ક ‘અન્ન-નહર’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના ડિરેક્ટર હતા. પુસ્તકનો એક અંશ સિરિયાને સમજવામાં ખપ લાગશે. સાંભળો:

ખ્રિસ્તી શ્રદ્ધાળુઓએ ઇ.સ. ૧૦૯૦ના અરસામાં જે ક્રુસેડ કરી તેમાં ક્રૂરતાની ચરમસીમાએ સિરિયાના મુસલમાનોને રાંધવાનાં વાસણોમાં જીવતા ઉકાળ્યા અને બાળકોને માંસ શેકવા માટેના સળિયા પર વીંધીને ભૂંજી નાખ્યાં હતાં. ક્રુસેડના કમાન્ડરોએ નામદાર પોપને લખેલા ઓફિસિયલ પત્રમાં લખ્યું હતું કે ‘એ પંથકમાં ભયાનક દુકાળને કારણે લશ્કરને માનવભક્ષણ કરવાની ફરજ પડી છે.’ ફિરંગીઓ ચડી આવ્યા ત્યારે મારા નામના નગરમાં અંજીરની લીલીછમ વાડીઓ હતી. એ વખતે ૧૦૯૮માં નગરના એક કવિએ લખ્યું:

મને ખબર નથી કે
મારી જન્મભૂમિ
જંગલી જાનવરોની
આહારભૂમિ બની જશે
કે પછી મારું ઘર…?

છેલ્લા સમાચાર પ્રમાણે રશિયા અને અમેરિકા વચ્ચે સમજૂતી થઇ તેથી મોતનાં વાવેતર માંડ અટકી ગયાં છે. માનવજાતની આજની બેચેનીનો ઇકો-કાર્ડિયોગ્રામ સૂચવે છે કે માનવજાતનું હૃદય સ્વસ્થ નથી. સર્વનાશ દમાસ્કસના પાદરે પહોંચી ગયો છે. અમેરિકાએ વિયેટનામમાં, ઇરાકમાં, અફઘાનિસ્તાનમાં અને લિબિયામાં બોંબવર્ષા કરી હતી. હવે સિરિયા પર કુદૃષ્ટિ કરી છે. બધું આંતરરાષ્ટ્રીય પ્રભાવ જાળવી રાખવાની વ્યૂહરચના માટે થઇ રહ્યું છે. બધા આરબો નિરપવાદપણે ઇસ્લામ ધર્મ પાળનારા છે, છતાંય અંદર અંદરની તકરાર કત્લેઆમમાં સર્વનાશ વેરનારી હોય છે.પયંગબરનો પૈગામ તો અમનનો અને ભાઇચારાનો હતો. સિરિયામાં માનવીનું લોહી ડ્રેઇનેજમાં વહેતું રહે છે. આમીન. (૧૬-૯-૨૦૧૩)’

– પાઘડીનો વળ છેડે

આ પૃથ્વી પર રહેનારાઓ
બે પ્રકારના હોય છે:
જેમની પાસે વિચારશક્તિ છે,
પરંતુ ધર્મ નથી અને
જેમની પાસે ધર્મ છે,
પરંતુ વિચારશક્તિ નથી.
– અબુ અલાલ મારી

નોંધ: સિરિયાના મારા નગરમાં રહેતો આ કવિ અંધ હતો અને પરંપરાવિરોધી મુક્ત વિચારક હતો. એનું અવસાન ઇ.સ. ૧૦પ૭માં થયું હતું. એ કવિનું દર્શન આજે પણ વાસી થયું છે ખરું? યુદ્ધવિહીન પૃથ્વી ક્યારે? વિચારોનું વૃંદાવન ખીલે ત્યારે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s